આયર્નઓર પેલેટ્સની નિકાસ ડ્યુટી ઝીરો ટકાથી વધારી ૪૫ ટકા કરી : કોલસાની આયાત ડ્યુટી ઝીરો કરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર દેશમાં મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે એક પછી એક પગલાં લઈ રહ્યું છે. અગાઉ ઈંધણની ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકારે સ્ટીલમાં કાચા માલ તરીકે ઉપયોગી આયર્નઓરની નિકાસ ડ્યુટી ઝીરો ટકાથી વધારીને સીધી ૪૫ ટકા કરી દીધી છે, જ્યારે કોલસાની આયાત ડ્યુટી ઘટાડીને ઝીરો ટકા કરી નાખી છે, જે ૨.૫થી પાંચ ટકા હતી. સરકારનાં પગલાંને લીધે સ્ટીલના ભાવમાં મોટો ઘટાડો થાય એવી સંભાવના છે. જૂન મહિનાથી સ્ટીલના ભાવમાં ટને ૨૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો થાય એવી પણ સંભાવના છે. જોકે સેકન્ડરી માર્કેટમાં સ્ટીલના ભાવ સોમવારે આટલા ઘટી ગયા હતા. કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડીને નવા આયર્નઓર અને કૉન્સન્ટ્રેટ્સ પર નિકાસ ટૅરિફ ૩૦ ટકાથી વધારીને ૫૦ ટકા કરી છે, જ્યારે પેલેટ્સ પરની ડ્યુટી શૂન્યથી વધારીને ૪૫ ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે કોકિંગ કોલ અને કોક માટે આયાત ટૅરિફ નાબૂદ કરી છે, જેને પગલે હવે કાચા માલના ભાવ ઘટી જશે. એની અસરે સ્ટીલના ભાવમાં પણ ઘટાડો થાય એવી પૂરી સંભાવના છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન મિનરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી જનરલ આર.કે. શર્માએ જણાવ્યું હતું કે આ આત્મ પરાજય છે. આ પગલાથી સ્થાનિક બજારમાં મોટો માલભરાવો થશે, જેની વિપરીત અસર પણ ઉદ્યોગો પર પડી શકે છે. વૈશ્વિક બજારમાં અત્યારે આયર્નઓરની બજાર પુરવઠાની તંગીનો સામનો કરી રહી છે ત્યારે આ પગલાની મોટી અસર થશે.
ઑસ્ટ્રેલિયામાં બીએચપી, રિયો ટિન્ટો અને ફોર્ટેસ્ક્યુ મેટલ્સ ગ્રુપ સહિત વૈશ્વિક ખાણિયાઓ દ્વારા ઉત્પાદન, સપ્લાય-ચેઇન અને રોગચાળા-પ્રેરિત મજૂરની અછતને કારણે અસર થઈ છે, જ્યારે બ્રાઝિલના વેલેને પણ હવામાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ અત્યારે જથ્થાબંધ ફુગાવો કે જે તાજેતરમાં ૧૭ વર્ષનો સૌથી વધુ વધીને ઑલટાઇમ હાઈ પહોંચ્યો હતો, જેમાં ઔદ્યોગિક કૉમોડિટીનો મોટો હિસ્સો હોય છે, જેને નિયંત્રણમાં રાખવા માટે સ્ટીલમાં ઉપયોગી કાચા માલના ભાવ ઘટાડવા જરૂરી હતી. આ પગલાથી સ્ટીલની બજારમાં મોટી મંદી આવે એવી પણ સંભાવના છે.