બૅન્કોએ પબ્લિક બ્લૉકચેઇનનો ઉપયોગ કરવો જોઈએ અને ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (FDIC)એ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આવા ઇનોવેશનને ટેકો આપવો જોઈએ
ક્રિપ્ટોકરન્સી
સોલાના ફાઉન્ડેશનના સંસ્થાકીય વિકાસ વિભાગના વડા નિક ડ્યુકૉફે કહ્યું છે કે બૅન્કોએ પબ્લિક બ્લૉકચેઇનનો ઉપયોગ કરવો જોઈએ અને ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (FDIC)એ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આવા ઇનોવેશનને ટેકો આપવો જોઈએ. ડ્યુકૉફે સોશ્યલ મીડિયા પરના સંદેશમાં એમ પણ કહ્યું છે કે બૅન્કો જો ગ્રાહકોના લાભ માટે ઇનોવેશનનો ઉપયોગ નહીં કરે તો તેઓ ઇન્ટરનેટ નાણાકીય ક્રાંતિમાં પાછળ રહી જશે. હાલ FDICએ લાદેલાં નિયંત્રણોને લીધે બૅન્કોમાં ઇનોવેશન થતું અટકી જશે અને બૅન્કોનું આધુનિકીકરણ નહીં થઈ શકે.
નોંધનીય છે કે સોલાના ફાઉન્ડેશન નાણાકીય સંસ્થાઓમાં પબ્લિક બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાને ઉત્તેજન આપે છે અને એમાં અનેક પ્રોજેક્ટ્સ પણ ધરાવે છે.
ADVERTISEMENT
ડ્યુકૉફના મતે પબ્લિક બ્લૉકચેઇનની મદદથી બૅન્કો સર્વિસિસનો વિસ્તાર કરીને નવા ગ્રાહકો સુધી પહોંચી શકે છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ થયું હોવાનું દેખાઈ રહ્યું છે. માર્કેટનું કુલ કૅપિટલાઇઝેશન ૨૪ કલાકના ગાળામાં ૨.૫૪ ટકા ઘટીને ૩.૩૯ ટ્રિલ્યન ડૉલર થયું છે. બિટકૉઇન ૨.૮૫ ટકા ઘટીને ૯૮,૪૯૫ ડૉલર થયો છે, જ્યારે ઇથેરિયમમાં ૪.૨૯ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૫૩૫ ડૉલર થયો છે. ઘટેલા અન્ય કૉઇનમાં એક્સઆરપી (૪.૭૬ ટકા), સોલાના (૫.૯૨ ટકા), ડોઝકૉઇન (૫.૯૮ ટકા), કાર્ડાનો (૨.૦૨ ટકા) અને અવાલાંશ (૮ ટકા)નો સમાવેશ થાય છે.