રશિયાથી અનાજની નિકાસ વધવાની સંભાવનાએ ભાવ તૂટ્યા : મકાઈની સાથે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો
વૈશ્વિક મકાઈમાં મંદીઃ ભાવ છ સપ્તાહના તળિયે
વૈશ્વિક બજારમાં મકાઈના ભાવમાં ઝડપી ઘટાડો આવ્યો હતો અને ભાવ છ સપ્તાહનાં તળિયે પહોંચી ગયા હતા. મકાઈને પગલે ઘઉં સહિતનાં બીજાં અનાજના ભાવ પણ તૂટ્યા હતા. ખાસ કરીને કાળા સમુદ્રના દેશોમાંથી અનાજની નિકાસને હવે વેગ મળે એવી સંભાવના અને અમેરિકામાં મકાઈના ઉત્પાદનમાં વધારો થવાની ધારણાએ ભાવ ઘટ્યા હતા.
ઍનલિસ્ટો કહે છે કે અમેરિકામાં ચાલુ વર્ષે મકાઈના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવનાઓ અને વ્યાપક આર્થિક ચિંતાઓ સાથે ટેક્નિકલ સેલિંગ પ્રેશર આવતાં એની અસર પણ જોવા મળી હતી.
ADVERTISEMENT
મુખ્ય અનાજ ઉત્પાદક યુક્રેન પર રશિયાના આક્રમણની પ્રથમ વર્ષગાંઠ પર, વેપારીઓ મોટા ભાગે કાળા સમુદ્રના અનાજના સોદાના વિસ્તરણની અપેક્ષા રાખે છે જેણે વિશ્વના ખરીદદારોને યુક્રેનિયન પાકનો પ્રવાહ સરળ બનાવ્યો છે. ગયા વર્ષે થયેલા કરારથી ઘઉં અને મકાઈના સપ્લાયરો માટે સ્પર્ધા વધી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ટર્કીના વડા સાથે ડીલ વિશે વાત કરી હતી.
ઍનલિસ્ટો કહે છે કે આ સ્થિતિમાં કાળા સમુદ્રના દેશોમાંથી ઘઉંનો પ્રવાહ વધશે જે મકાઈને વધુ નીચે લઈ જઈ શકે છે.
શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં-વાયદો ૧૦ સેન્ટ ઘટીને ૬.૪૯ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર બંધ રહ્યો હતો જે ૧૦મી જાન્યુઆરી બાદના સૌથી નીચા ભાવ હતા. ઘઉં પણ ઘટીને ૭.૨૧ ડૉલરની સપાટી પર પહોંચ્યા હતા જે ૨૩મી જાન્યુઆરી બાદના સૌથી નીચા ભાવ હતા. ગયા વર્ષે રશિયાના આક્રમણના આગલા દિવસની સરખામણીમાં ઘઉંના વાયદા ૧૮ ટકા અને મકાઈના વાયદા પાંચ ટકા નીચે છે.
આમ વૈશ્વિક બજારમાં મકાઈ અને ઘઉંના ભાવ નીચા આવવા લાગ્યા છે જેની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી શકે છે.
ભારતમાંથી ઘઉંની નિકાસ ઉપર તો પ્રતિબંધ છે અને ભાવ પહેલાંથી નીચા છે, જ્યારે મકાઈના નિકાસ વેપારો સારા થાય છે ત્યારે એની નિકાસ ઓછી થાય તો લોકલ ભાવમાં ઘટાડાની ધારણા છે.