વર્તમાન સમયમાં લોકો જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી અથવા તો તેમને એ ભેદ દેખાય નહીં એટલી હદે જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે.
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાણાકીય સાક્ષરતા અને એસઆઇપીના સંબંધ વિશે આપણે ગયા વખતે પ્રારંભિક વાત કરી હતી. આપણે જોયું કે ભારતમાં એસઆઇપીનું પ્રમાણ ઘણું વધી ગયું હોવાની સારી અસર થઈ છે. આજે એ વાતનો વિસ્તાર કરીએ.
વર્તમાન સમયમાં લોકો જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી અથવા તો તેમને એ ભેદ દેખાય નહીં એટલી હદે જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે. ઘણી વાર બિનજરૂરી માહિતી દ્વારા લોકોને ભોળવવામાં આવે છે.
ADVERTISEMENT
આવા સમયે તમને તમારા લક્ષ્ય તરફ દોરી જવામાં મદદ કરવાનું કામ નાણાકીય સલાહકાર કરી શકે છે. તેઓ તમારું ધ્યાન વિચલિત કરનારી વસ્તુઓથી બચાવીને તમારા નાણાકીય સ્વાતંત્ર્ય તરફ દોરી જાય છે.
અહીં ખાસ કહેવું રહ્યું કે મોંઘી વસ્તુઓ ખરીદવામાં કંઈ ખોટું નથી, પરંતુ એને લીધે તમે તમારાં નાણાકીય લક્ષ્યોથી દૂર ચાલ્યા જાઓ એવું થવું જોઈએ નહીં. તમારાં લક્ષ્યોને પ્રાથમિકતા આપો અને સિદ્ધ કરવા તરફ એક-એક ડગલું ભરીને આગળ વધો.
ચારે બાજુથી બધે ઝાકઝમાળ દેખાતી હોય અને વિવિધ પ્રકારની પ્રોડક્ટના માર્કેટિંગ દ્વારા તમે અંજાઈ જતા હો તથા પોતે શું કરવું જોઈએ એની સમજ પડતી ન હોય એવા સમયે તમારી નાણાકીય સ્થિતિ જોખમમાં મુકાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ મર્સિડીઝ બેન્ઝ કે બેન્ટ્લી કાર ખરીદી શકે છે; એમાં કંઈ ખોટું નથી, પરંતુ પોતાની જરૂરિયાતોને અવગણીને ઇચ્છાઓ પાછળ ખર્ચો કરવો એ બરોબર નથી.
આપણને આપણાં નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવામાં મદદરૂપ થનારું અદ્ભુત સાધન એટલે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન). એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ તમારી આર્થિક સ્થિતિને ઘણી સજ્જડ-સધ્ધર બનાવી શકે એમ છે.
તમે દર મહિનાની ૫૦,૦૦૦ રૂપિયાની એસઆઇપી સાત વર્ષ સુધી રહેવા દો અને એમાં તમને સરેરાશ ૧૨ ટકાના દરે વળતર મળશે એવી ધારણા રાખીએ તો સાત વર્ષના અંતે તમને ૬૫ લાખ રૂપિયા જેવડી મોટી રકમ મળી શકે છે. એ રકમમાંથી તમે ચોક્કસપણે મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી શકો છો, પણ ધારો કે તમે સાત વર્ષ પછી કાર ખરીદવાને બદલે ૫૦,૦૦૦ રૂપિયાની એસઆઇપી ચાલુ રહેવા દો તો પછીનાં સાત વર્ષે તમને ૨.૨૦ કરોડ રૂપિયા, પછીનાં ૧૫ વર્ષે ૬.૫ કરોડ રૂપિયા અને પછીનાં ૨૦ વર્ષે ૧૨.૨૦ કરોડ રૂપિયા મળી શકે છે.
ઉક્ત ગણતરીમાં આપણે ફુગાવાને ધ્યાનમાં લીધો નથી. શક્ય છે કે તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હશે તો એના અંતે તમે રોલ્સ-રૉયસ પણ ખરીદી લેવાની ક્ષમતા હાંસલ કરી લેશો અને એ ઉપરાંત પણ તમારી પાસે થોડા પૈસા બચશે.
આથી કહેવાનું કે દરેક વ્યક્તિએ તત્કાળ સુખ પામવાની ઇચ્છા રાખવાને બદલે તાત્પૂરતો થોડો ભોગ આપીને ભવિષ્ય માટે બચત અને રોકાણ કરવાં જોઈએ, મોંઘીદાટ વસ્તુઓ ખરીદવા માટે રોકાણો તોડવાં ન જોઈએ, પૂરતું ઇમર્જન્સી ભંડોળ રાખવું જોઈએ, જરૂર હોય એટલા પ્રમાણમાં આરોગ્ય વીમો અને જીવન વીમો હોવો જોઈએ, ટૂંકા અને લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો સ્પષ્ટ હોવાં જોઈએ, નિવૃત્તિકાળ માટે પૂરતું ભંડોળ હોવું જોઈએ અને ઈએમઆઇની રકમ આવકના અમુક વાજબી ટકા કરતાં વધારે ન હોવી જોઈએ. ત્યાર પછી જો પૈસા બચતા હોય તો એ પૈસાથી મન ફાવે એ કરવાની કોણ ના પાડે છે.
તમે જ્યારે મર્સિડીઝ કાર ખરીદવાની ઇચ્છા રાખો ત્યારે એટલી જરૂર ખબર હોવી જોઈએ કે ઇમર્જન્સીના સમયે મર્સિડીઝ કાર વેચીને ધારણા જેટલા પૈસા નહીં મળે. વળી તમે એમાં વસવાટ કરી નહીં શકો અને એનું મૂલ્ય દર વર્ષે ડેપ્રીસિએટ થતું રહેશે. આમ નાણાકીય દૃષ્ટિએ તમે જે નિર્ણયો લેશો એની અસર તમારા સંપત્તિસર્જન પર થશે. આથી સમજી-વિચારીને નિર્ણયો લેજો.