મુંબઈમાં સોનાના ભાવમાં ચાર દિવસમાં ૨૨૮૪ રૂપિયા અને ચાંદીના ભાવમાં ૭૪૫૪ રૂપિયાનો ઉછાળો: મિડલ ઈસ્ટ યુદ્ધ અને અમેરિકાના ઇલેક્શનની અનિશ્ચિતતાથી સોનામાં નવી ટોચની હારમાળા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ-ઈરાન યુદ્ધ, અમેરિકન પ્રેસિડન્ટ ઇલેક્શન અને અમેરિકા સહિત અનેક દેશોના રેટ-કટની અનિશ્ચિતતાને પગલે સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ત્રીજે દિવસે ૨૭૩૮.૩૦ ડૉલરની નવી ટોચે પહોંચ્યું હતું, જ્યારે સોનાની તેજીને પગલે ચાંદી પણ વધીને ૩૪.૧૯ ડૉલરની બાર વર્ષની ઊંચાઈએ પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૦૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૯૭૧ રૂપિયા ઊછળીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ એક લાખ રૂપિયા નજીક પહોંચ્યો હતો. મુંબઈમાં સોનું-ચાંદી સતત ચોથે દિવસે વધ્યાં હતાં. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ ૨૨૮૪ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૪૫૪ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૦૩ ટકા ઘટીને ૧૦૩.૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. જૅપનીઝ યેન પોણાત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં જૅપનીઝ ગવર્નમેન્ટ દ્વારા ફરી ઇન્ટરવેશન કરવાની શક્યતા વધતાં યેન વધ્યો હતો. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ડૉલર પણ સુધરતાં ડૉલરની નબળાઈ વધી હતી. અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં તેમ જ ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાના ચાન્સ વધતાં ડૉલર ઇન્ડેક્સ છેલ્લાં ત્રણ સપ્તાહથી એકધારો વધી રહ્યો હોવાથી સોમવારે પ્રૉફિટ-બુકિંગની અસરે પણ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન ગવર્નમેન્ટની બજેટ સરપ્લસ સપ્ટેમ્બરના અંતે વધીને ૬૪ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૭૦ અબજ ડૉલરની ડેફિસિટ હતી. માર્કેટની ધારણા ૬૧ અબજ ડૉલર સરપ્લસ રહેવાની હતી એના કરતાં સરપ્લસ વધુ રહી હતી. ૨૦૨૪માં અત્યાર સુધીમાં અમેરિકન ગવર્નમેન્ટની બજેટ-ડેફિસિટ ૧.૮૩૩ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે છેલ્લાં પાંચ વર્ષની સૌથી વધુ હતી. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ સપ્ટેમ્બરમાં ૨.૯ ટકા ઘટીને ૧૪.૨૮ લાખે પહોંચી હતી જે માર્કેટની ૧૪.૬૦ લાખની ધારણા કરતાં પણ નીચી રહી હતી.
ચીનની સેન્ટ્રલ બૅન્કે ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા લૅન્ડિંગ રેટમાં વધુ ઘટાડો કર્યો હતો. બૅન્કે વન યર પ્રાઇમ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ૩.૧ ટકા કર્યો હતો અને પાંચ વર્ષના લૅન્ડિંગ રેટને પણ ઘટાડીને ૩.૬ ટકા કર્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ અગાઉ જુલાઈમાં લૅન્ડિંગ રેટ ઘટાડ્યા હતા.
ચાલુ સપ્તાહે અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર, પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા તેમ જ નવા તથા એક્ઝિસ્ટિંગ હોમસેલ્સના ડેટા જાહેર થશે. અમેરિકા ઉપરાંત ચાલુ સપ્તાહે બ્રિટન, યુરો એરિયા, જપાન, ભારત અને ઑસ્ટ્રેલિયાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનનાં બે સપ્તાહ અગાઉ અનેક સર્વેમાં ટ્રમ્પનું પલડું ભારે થતું જોવા મળ્યું છે, જ્યારે કેટલાક સર્વેમાં ટ્રમ્પ અને હૅરિસ નેક-ટુ-નેક આગળ વધી રહ્યા છે. સપ્ટેમ્બરના એન્ડ સુધી ૯૦ ટકા કરતાં વધુ સર્વેમાં હૅરિસનું પલડું ભારે હતું, પણ ઑક્ટોબરના આરંભથી નાટ્યાત્મક રીતે ટ્રમ્પનું પલડું અનેક સર્વેમાં બે ટકાથી પાંચ ટકા સુધી ભારે બન્યું છે. હાલ ઍનલિસ્ટોના મતે ટ્રમ્પ જીતશે તો સોનું અને ડૉલર બન્નેમાં ફાયદો થશે. ટ્રમ્પની ઇકૉનૉમિક પૉલિસીથી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બનશે અને હાલના યુદ્ધ અને ટૅરિફ-વૉરના સમયગાળામાં ટ્રમ્પની કૉન્ટ્રોવર્શિયલ પૉલિસીથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે. આથી ટ્રમ્પના જીતવાથી સોનાની તેજીને પણ સપોર્ટ મળશે એવું મોટા ભાગના ઍનલિસ્ટો માની રહ્યા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૨૧૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૦૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૨૫૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)