રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધુ ૦.૩૫ ટકાનો વધારો કરતાં લોન મોંઘી થઈ
મોંઘવારીની સાઇડ ઇફેક્ટ : સાત મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ સવાબે ટકા વધી ગયા
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ફુગાવાને કાબૂમાં લેવા માટે બુધવારે બેન્ચમાર્ક ધિરાણદરમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને ૬.૨૫ ટકા કર્યો છે, ફુગાવો છેલ્લા ૧૧ મહિનાથી એના સહનશીલતા સ્તર-લક્ષ્યાંકથી ઉપર હોવાથી મધ્યસ્થ બૅન્કે વ્યાજદર વધારવા પડ્યા છે.
તાજેતરના વધારા સાથે રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણદર કે જેના પર બૅન્કો મધ્યસ્થ બૅન્ક પાસેથી ઉધાર લે છે એ હવે છ ટકાને વટાવી ગયો છે.
ADVERTISEMENT
મે મહિનામાં ૪૦ બેસિસ પૉઇન્ટ્સ અને જૂન, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટના વધારા પછી આ સતત પાંચમો દર-વધારો છે. આ વર્ષે મે મહિનાથી આરબીઆઇએ બેન્ચમાર્ક રેટમાં ૨.૨૫ ટકાનો વધારો કર્યો છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યની મૉનિટરી પૉલિસી કમિટીએ દર-વધારાની તરફેણમાં બહુમતીથી નિર્ણય લીધો હતો.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જે રિઝર્વ બૅન્ક એના બેન્ચમાર્ક દરને ફિક્સ કરતી વખતે પરિબળ ધરાવે છે એ ઑક્ટોબરમાં ૬.૭ ટકા હતો.