Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગ અને ફાઇનૅન્સના સથવારે બજાર સતત નવમા દિવસે પૉઝિટિવ ઝોનમાં, આઇટી બગડ્યું

બૅન્કિંગ અને ફાઇનૅન્સના સથવારે બજાર સતત નવમા દિવસે પૉઝિટિવ ઝોનમાં, આઇટી બગડ્યું

Published : 14 April, 2023 02:38 PM | IST | Mumbai
Anil Patel

મૉર્ગનના બુલિશ વ્યુ પાછળ એયુ બૅન્કને બૂસ્ટર ડોઝ મળી ગયો : બજાજ ઑટોમાં નવું બેસ્ટ લેવલ, અતુલ ઑટો સાત ટકા બાઉન્સબૅક થયો : માર્કેટ બ્રેડ્થમાં એકંદર રસાકસી 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


એક્સ-રાઇટ થતાં રશીલ ડેકોર નિફ્ટી ખાતે ૧૨ ટકા તૂટ્યો, પણ બીએસઈમાં સાધારણ ઘટાડો : સોટેક ફાર્માનું સાધારણ લિસ્ટિંગ, પોણાનવ ટકાનો લિસ્ટિંગ ગેઇન: પરિણામ પૂર્વે ઇન્ફી પોણાત્રણ ટકા ખરડાઈ ટૉપ લૂઝર બન્યો : પીએનબી હાઉસિંગના રાઇટ એન્ટાઇટલમેન્ટનો ભાવ પોણાચૌદ ટકા તૂટ્યો : મૉર્ગનના બુલિશ વ્યુ પાછળ એયુ બૅન્કને બૂસ્ટર ડોઝ મળી ગયો : બજાજ ઑટોમાં નવું બેસ્ટ લેવલ, અતુલ ઑટો સાત ટકા બાઉન્સબૅક થયો : માર્કેટ બ્રેડ્થમાં એકંદર રસાકસી 


અમેરિકા ખાતે ગ્રાહક ભાવાંકની રીતે માર્ચ મહિનામાં ફુગાવો પાંચ ટકા નોંધાયો છે, જે મે ૨૦૨૧ પછીની બૉટમ ગણાવાય છે. ફુગાવો ઘટવાના પગલે ફેડ રેટમાં વધારાનું ચક્ર હવે ટૂંકમાં અટકશે એવી ધારણા છે. ફુગાવો ઘટીને આવતાં ડૉલર ઇન્ડેક્સ પણ ઘટીને લગભગ બે માસની નીચી સપાટીએ ૧૦૧ થઈ ગયો છે. ગુરુવારે બહુમતી એશિયન બજારો સુધર્યાં છે. જોકે સુધારો ઘણો નાનો હતો. તાઇવાન પોણો ટકો નરમ હતું. ચાઇના-ઇન્ડોનેશિયા મામૂલી ઘટ્યાં છે. થાઇલૅન્ડ રજામાં હતું. જપાન, સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને સાઉથ કોરિયા નહીંવતથી અડધા ટકાની નજીક પ્લસ થયાં છે. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ દેખાયું છે.  ઘરઆંગણે પણ માર્ચ મહિનામાં ફુગાવો ઘટીને ૫.૭ ટકાની અંદર, ૧૫ માસના તળિયે ગયો છે. શૅરબજાર સળંગ આઠ દિવસના સુધારા બાદ ગુરુવારે નેગેટિવ બાયસમાં ફ્લૅટ ઓપનિંગ બાદ છેવટે ૩૮ પૉઇન્ટ વધી ૬૦,૪૩૧ બંધ થયું છે. નિફ્ટી ૧૫ પૉઇન્ટ વધીને ૧૭,૮૨૮ થયો છે. બજારમાં દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ ૪૦૦ પૉઇન્ટ જેવી હતી. શૅરઆંક નીચામાં ૬૦,૦૮૧ થઈ ઉપરમાં ૬૦,૪૮૭ થયો હતો. બન્ને બજારોનાં મોટા ભાગનાં ઇન્ડાઇસિસ રાબેતા મુજબ વધીને બંધ આવ્યાં છે. ટીસીએસના સાધારણ અને એકંદર નબળા પરિણામથી આઇટીમાં માનસ બગડ્યું છે. આંક બે ટકા કે ૫૯૨ પૉઇન્ટ કરાયો છે. નિફ્ટી મીડિયા પોણો ટકો, નિફ્ટી ફાર્મા પોણો ટકો, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૧.૯ ટકા નરમ હતા. સામે બૅન્ક નિફ્ટી ૧.૪ ટકો, રિયલ્ટી સવા ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકો પ્લસ હતો. માર્કેટ બ્રેડ્થ રસાકસી સાથે થોડીક પૉઝિટિવ રહી છે. એનએસસીમાં વધેલા ૧૦૭૮ શૅરની સામે ૯૫૪ જાતો ઘટી છે. 



મ્યુફીન ગ્રીન ફાઇનૅન્સ ૧૦ના શેરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકાની તેજીની સર્કિટે ૧૨૯ બંધ થયો છે. સોમ ડિસ્ટિલિયરીઝ ૨૧૧ શૅરદીઠ ૧૦ના ધોરણે રાઇટમાં એક્સ રાઇટ થતાં ત્રણ ટકા ઘટીને ૧૫૧ તો રશીલ ડેકોર ત્રણ શૅરદીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થતાં એનએસઈમાં ૧૨ ટકા તૂટીને ૨૫૮ બંધ આવ્યો છે. અમદાવાદના સાણંદ ખાતેની સોટેક ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૧ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૯ રૂપિયા જેવા પ્રીમિયમ સામે ગુરુવારે ૧૧૫ ખૂલી ૧૨૧ નજીકની ટૉપ બનાવી છેલ્લે ત્યાં જ, ૧૨૦.૭૫ બંધ થતાં અહીં ૮.૮ ટકા કે પોણાદસ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એક્ઝિકોન ઇવેન્ટ્સ તથા ઇન્ફીનિયમ ફાર્મા કેમના એસએમઈ ઇશ્યુ સોમવારે લિસ્ટેડ થવાના છે. 


ઇન્ડસાઇડ બૅન્ક ટૉપ ગેઇનર, અદાણીના ૧૦માંથી ૬ શૅર ડાઉન 

સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર વધ્યા છે. તાતા સ્ટીલ નિફ્ટી ખાતે ૧૦૭ના લેવલે જૈસે-થે હતો. ઇન્ડસાઇડ બૅન્ક ૩.૨ ટકાની મજબૂતીમાં ૧૧૦૯નો બંધ આપીને બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બની છે. અન્યમાં પાવર ગ્રીડ પોણાબે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા, બજાજ ફીનસર્વ દોઢ ટકો, કોટક બૅન્ક ૧.૪ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો પ્લસ હતો. નિફ્ટી ખાતે એચડીએફસી લાઇફ ૨.૯ ટકા, આઇશર મોટર્સ ૨.૭ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૮ ટકા, હિન્દાલ્કો એક ટકો અપ હતા. રિલાયન્સ બેબી સ્ટેપમાં સાધારણ સુધરીને ૨૩૫૫ વટાવી ગયો છે.  ઇન્ફોસિસ પરિણામ પૂર્વે ૨.૮ ટકા ગગડી ૧૩૮૮ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર રહ્યો છે. ટેક મહિન્દ્ર તથા એચસીએલ ટેક્નૉ બે ટકાથી વધુ બગડી ઘટેલા શૅરોમાં મોખરે હતા. એનટીપીસી તથા ટીસીએસ ૧.૬ ટકા, લાર્સન ૧.૩ ટકા, સનફાર્મા સવા ટકો, વિપ્રો એક ટકો ડૂલ થયો છે. અદાણીના ૧૦માંથી ૪ શૅર સુધર્યા છે. અદાણી એન્ટર સવા ટકો, અદાણી પોર્ટ્સ ૦.૬ ટકા, એસીસી અડધો ટકો તથા એનડીટીવી અઢી ટકા પ્લસ હતા. સામે અંબુજા સિમેન્ટ્સ એકાદ ટકો, અદાણી વિલ્મર અડધો ટકો, અદાણી ટોટલ અઢી ટકા, અદાણી ટ્રાન્સમિશન એક ટકો, અદાણી પાવર દોઢ ટકાથી વધુ તો અદાણી ગ્રીન નહીંવત નરમ હતા. ક્વિન્ટ ડિજિટલ નરમાઈની ચાલ આગળ વધારતાં ૬.૪ ટકા તૂટીને ૧૦૮ થયો છે. 


રોકડામાં મંગલમ ઑર્ગેનિક્સ અને હાર્ડવિન ઇન્ડિયા ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ હતા. એયુ બૅન્ક ૫૮ ગણા જંગી વૉલ્યુમે ૧૭ ટકાના જમ્પમાં ૬૮૦ નજીક બંધ રહી ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ પર્ફોર્મર બની છે. ડીબી રિયલ્ટી ૧૩ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૯.૭ ટકા, જયકૉર્પ ૮.૪ ટકા ઊછળ્યા હતા. આદિત્ય વિઝન નીચામાં ૧૩૫૦ થઈ સવાતેર ટકા તૂટી ૨૧૮ની ખુવારીમાં ૧૪૨૫ હતો. લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ઉપરમાં ૬૯૦૦ થઈ હેવી વૉલ્યુમ સાથે ગગડી ૫૭૪૫ બતાવી ૮.૭ ટકા કે ૫૫૬ રૂપિયા ધોવાઈને ૫૮૨૭ બંધ આવ્યો છે. 

આ પણ વાંચો :શૅરબજારને ટકાવવામાં મ્યુચ્યુઅલ ફન્ડનો મોટો હાથ

પરિણામ પૂર્વે ઇન્ફોસિસ બન્ને બજારમાં ટૉપ લૂઝર 

ટીસીએસના ઢીલા દેખાવ પછી ઇન્ફી પણ આજ માર્ગે જવાની દહેશત વ્યાપક બનતાં ગુરુવાર આઇટી માટે ભારે નીવડ્યો છે. આંક ૫૯માંથી ૨૨ શૅરના સુધારા વચ્ચે ૨.૧ ટકા કે ૫૯૨ પૉઇન્ટ બગડ્યો છે. ઇન્ફોસિસ રિઝલ્ટ પૂર્વે ૨.૮ ટકા ગગડી ૧૩૮૯ની અંદર તો ટીસીએસ ૧.૬ ટકા ખરડાઈ ૩૧૯૦ નીચે બંધ થતાં બજારને અનુક્રમે ૧૨૬ અને ૪૭ પૉઇન્ટનો માર પડ્યો હતો. અન્ય ચલણી જાતોમાં લાટિમ ૩.૮ ટકા કે ૧૮૪ રૂપિયા, ટેક મહિન્દ્ર ૨.૧ ટકા, વિપ્રો એક ટકો, એચસીએલ ટેક્નૉ ૨.૧ ટકા, તાતા ઍલેક્સી દોઢ ટકો, પર્સિસ્ટન્ટ ૩.૪ ટકા, એમ્ફાસિસ અઢી ટકા કટ થયા છે. બ્લૅક બૉક્સ ૮.૮ ટકા ઊંચકાઈ ૧૨૩ વટાવી ગયો છે. એસએસએમ ટેક્નૉ સાત ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ૪.૨ ટકા અને રેટગેઇન ૨.૯ ટકા અપ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૯ શૅરના સુધારા વચ્ચે સામાન્ય ઘટ્યો છે. અત્રે તેજસ નેટ પોણાત્રણ ટકા અને વિંદ્ય ટેલી બે ટકા વધ્યા હતા. ભારતી અડધો ટકો, વોડાફોન દોઢ ટકો અને ઇન્ડ્સ ટાવર ૧.૬ ટકા ઘટ્યા છે. આઇટીના ભારમાં ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ બે ટકા નજીક માઇનસ થયો છે. 

ઑટો બેન્ચમાર્ક ૧૦૨ પૉઇન્ટ કે ૦.૪ ટકા સુધર્યો છે. બજાજ ઑટો ૪૩૦૫ની નવી ટૉપ બતાવી સામાન્ય સુધારામાં ૪૨૯૯ રહ્યો છે. આઇશર ૨.૬ ટકા, ટીવીએસ મોટર્સ ૨.૨ ટકા, તાતા મોટર્સ એકાદ ટકો અને મારુતિ અડધો ટકો પ્લસ હતા. હીરો મોટોકૉર્પ સવા ટકો ઘટી ૨૪૪૭ હતો. અતુલ ઑટો સાત ટકાના જમ્પમાં ૪૧૬ વટાવી ગયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૪ શૅરના ઘટાડે ૦.૬ ટકા કે ૨૦૪ પૉઇન્ટ નરમ હતો. લાર્સન સવા ટકો ઘટી ૨૨૫૮ બંધ થતાં આ આંકને ૨૨૫ પૉઇન્ટનો માર પડ્યો છે. 

મૉર્ગનના બુલિશ વ્યુમાં એયુ બૅન્ક જંગી વૉલ્યુમ સાથે તગડા ઉછાળામાં 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સહારે ૫૭૫ પૉઇન્ટ કે ૧.૪ ટકા ઊંચકાઈ ૪૨,૧૩૨ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરના સુધારામાં દોઢ ટકા નજીક વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી માત્ર છ શૅર ઘટ્યા છે, જેમાંથી ઇક્વિટાસ બૅન્ક અઢી ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક પોણાબે ટકા અને બંધન બૅન્ક બે ટકા ડાઉન હતી. સીએસબી, યસ બૅન્ક તથા ડીસીબી બૅન્ક નજીવા નરમ હતા. એયુ બૅન્કનાં પરિણામ ૨૫મીએ. મૉર્ગન સ્ટેનલી તરફથી સ્ટ્રૉન્ગ ગ્રોથના વરતારા સાથે બુલિશ વ્યુ જારી થતાં શૅર જંગી વૉલ્યુમે ઉપરમાં ૬૮૪ નજીક બંધ આવ્યો છે. આ સિવાય આઇડીબીઆઇ બૅન્ક ૯.૭ ટકા, પંજાબ સિંધ બૅન્ક અને ધનલક્ષ્મી બૅન્ક સાડાચાર ટકા, યુકો બૅન્ક ચાર ટકા મજબૂત હતા. એચડીએફસી બૅન્કના રિઝલ્ટ ૧૫મીએ છે. શૅર અડધા ટકાની આગેકૂચમાં ૧૬૯૩ થયો છે. ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો, કોટક બૅન્ક ૧.૪ ટકા, સ્ટેટ બૅન્ક એક ટકો નજીક પ્લસ હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૯૦ શૅરના સથવારે એકાદ ટકો વધ્યો છે. બૅન્કિંગની અહીં સારી હૂંફ મળી ગઈ હતી. આ ઉપરાંત મેક્સ વેન્ચર્સ પોણાદસ ટકા, ચોલામંડલમ ફાઇ. સાડાચાર ટકા, જેએમ ફાઇ. ૩.૮ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ સાડાત્રણ ટકા, અરમાન ફાઇ. ૩.૪ ટકા પ્લસ હતા. પીએનબી હાઉસિંગ સવાચાર ટકા ગગડી ૪૨૦ થઈ છે, જ્યારે એના રાઇટ એન્ટાઇટલમેન્ટ (આરઈ)નો ભાવ પોણાચૌદ ટકાના ધબડકામાં ૧૪૧ દેખાયો છે. એલઆઇસી સુસ્ત ચાલમાં ૫૫૦-૫૫૧ની આસપાસ અથડાઈ રહ્યો છે. પૉલિસી બાઝાર દોઢ ટકો, નાયકા પોણો ટકો, આદિત્ય બિરલા સનલાઇફ પોણાત્રણ ટકા ડાઉન હતા. 

ખાતર શૅરોમાં એકંદર મજબૂત વલણ, હેલ્થકૅરમાં પીછેહઠ

હેલ્થકૅર અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આગલા દિવસના સવાબે ટકાના ઉછાળા બાદ અડધા ટકા જેવી પીછેહઠમાં જોવાયા છે. બુધવારનો હીરો ડિવીઝ લૅબ એક ટકો ઘટી ૩૧૮૩ થયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ અડધો ટકો, સનફાર્મા સવા ટકો, મેક્સ હેલ્થકૅર પોણાબે ટકા, લુપિન સવા ટકો નરમ હતા. સાઇડ કાઉન્ટર્સમાં માર્કસન્સ સાડાછ ટકા, હેસ્ટર બાયો સાડાચાર ટકા, બજાજ હેલ્થકૅર ૪.૫ ટકા, રેઇનબો ચિલ્ડ્રન કૅર સવાચાર ટકા, આઇઓએલ કેમિ. સવાચાર ટકા મજબૂત હતા. 

એફએમસીજી સ્પેસમાં આઇટીસી અડધો ટકો અને હિન્દુ યુનિલીવર નહીંવત સુધર્યા છે. ગુજરાત અંબુજા એક્સ. સાડાસાત ટકાની તેજીમાં ૨૬૬ થયો છે. સુલા વાઇન યાર્ડ્સ પોણો ટકો પ્લસ તો જીએમ બ્રુઅરીઝ સાધારણ નરમ હતો. શુગર ઉદ્યોગના ૧૧ શૅર પ્લસ સામે ૨૭ શૅર માઇનસ હતા. સરશાદીલાલ પોણા આઠ ટકાની તેજીમાં ૧૬૧ થયો છે. 

ખાતર શૅરોમાં એકંદર મજબૂત વલણ જળવાઈ રહ્યું છે. ઉદ્યોગના ૨૩માંથી ૭ શૅર નરમ હતા. ફેક્ટ લિ. ઉપરમાં ૩૩૮ બતાવી સાડાબાર ટકાના જમ્પમાં ૩૨૧ રહ્યો છે. નાગાર્જુના ફર્ટિ પાંચ ટકા, શીવા ઍગ્રો ૪.૬ ટકા, ફોસ્ફેટ કંપની ચાર ટકા પ્લસ હતા. મદ્રાસ ફર્ટિ આગલા દિવસની ૨૦ ટકાની તેજી બાદ ઉપરમાં ૭૯ થઈ અડધા ટકાની આગેકૂચમાં ૭૨ હતો. નૅશનલ ફર્ટિ પોણો ટકો નરમ તો આરસીએફ ૧૦૭ના લેવલે ફ્લૅટ હતો. ચંબલ ફર્ટિલાઇઝર્સ દોઢ ટકો વધીને ૨૮૯ વટાવી ગયો છે. 
૦૦૦૦૦

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2023 02:38 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK