Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આંતરપ્રવાહમાં બગાડ સાથે બજાર ૨૫૧ પૉઇન્ટ ડાઉન, આઇટીમાં બે ટકાનો આંચકો

આંતરપ્રવાહમાં બગાડ સાથે બજાર ૨૫૧ પૉઇન્ટ ડાઉન, આઇટીમાં બે ટકાનો આંચકો

Published : 14 February, 2023 04:11 PM | IST | Mumbai
Anil Patel

અદાણી એન્ટર પરિણામની પૂર્વસંધ્યાએ ૭ ટકા લથડ્યો, જનરલ ઇન્શ્યૉરન્સમાં સવાછ ટકાનું ગાબડું : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી નબળાઈ જોવાઈ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


અદાણીના દસેદસ શૅર ડૂલ, ૧૩ દિવસમાં ગ્રુપને કુલ મળીને સવાદસ લાખ કરોડનો ફટકો : કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સામા પ્રવાહે, બાકીનાં ઇન્ડાઇસિસ માઇનસમાં : બારેબાર સરકારી બૅન્કો રેડ ઝોનમાં, સ્ટેટ બૅન્ક સેન્સેક્સમાં ટૉપ લૂઝર: બાલક્રિશ્ના ઇન્ડ. અને લુપિન પરિણામ પાછળ ધોવાયા, ચમનલાલ સેટિયા નવી ટોચે : અદાણી એન્ટર પરિણામની પૂર્વસંધ્યાએ ૭ ટકા લથડ્યો, જનરલ ઇન્શ્યૉરન્સમાં સવાછ ટકાનું ગાબડું : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી નબળાઈ જોવાઈ


સોમવારે બહુમતી એશિયન બજારો કમજોર હતાં. જપાન પોણો ટકો અને સિંગાપોર એક ટકાના ઘટાડે અગ્રક્રમે હતા. ચાઇના પોણા ટકા જેવું સુધર્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા કરતાં વધુ પ્લસ દેખાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ ત્રીસેક પૉઇન્ટ નરમ ખૂલી તરત ઉપરમાં ૬૦,૭૪૧ થયો અને સીધો રેડ ઝોનમાં પટકાયો, ત્યાર પછી આખો દિવસ ત્યાં જ ગયો હતો. બજાર નીચામાં ૬૦,૨૪૨ થઈ અંતે ૨૫૧ પૉઇન્ટ ઘટી ૬૦,૪૩૨ બંધ થયું છે. નિફ્ટી ૮૬ પૉઇન્ટની નરમાઈમાં ૧૭,૭૭૧ હતો. સેન્સેક્સ, નિફ્ટીના અડધા ટકા આસપાસની કમજોરી સામે રોકડું સવા ટકાથી વધુ તો બ્રૉડર માર્કેટ પોણો ટકો માઇનસ થતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. એનએસઈમાં ૫૫૭ શૅર વધ્યા તો સામે ૧૪૯૮ જાતો ઘટીને બંધ થઈ છે. બન્ને બજારોનાં લગભગ બધાં જ ઇન્ડાઇસિસ ડાઉન હતાં. લાર્સનના જોરમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો છે. એફએમસીજી તથા કન્ઝ્યુમર ડ્યુરે. આંક ફ્લૅટ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા, નિફ્ટી મીડિયા ૨.૪ ટકા, રિયલ્ટી ઇડેક્સ પોણાબે ટકા, આઇટી બેન્ચમાર્ક ૧.૯ ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૭ ટકા ખરડાયા હતા. 



ગઈ કાલે અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન, આદિત્ય બિરલા, સન લાઇફ, અવધ શુગર, બાર્બિક નેશન, ભારત રસાયણ, દૌલત અલ્ગો, ઈકેઆઇ એનર્જી, એન્ટર. નેટવર્ક, એક્સેલ ઇન્ડ, ગ્રેફાઇટ ઇન્ડિયા, હૅથવે ભવાની, ઇન્ડિગો પેઇન્ટ્સ, કેએસઈ લિમિટેડ, મહિન્દ્ર લૉજિસ્ટિક્સ, મનાલી પેટ્રો, મેટ્ટી મોની ડોટકૉમ, નાહર ઇન્ડ, ઑન મોબાઇલ, પૈસાલો ડિજિટલ, રૂપા ઍન્ડ કંપની, શેલ્બી, સતલજ ટેક્સટાઇલ્સ, ટીસીએનએસ ક્લોધિંગ્સ, વેરોક એન્જી., વિસાકા ઇન્ડ, વોઆર્ટ ફાર્મા ઇત્યાદિ જેવા ૧૫૧ શૅરોમાં ભાવની રીતે નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. સામે એપીએલ અપોલો, બેક્ટર ફૂડ્સ, બ્લુસ્ટાર, કાર્બોરેન્ડમ, સેરા સૅનિટરી, સીજી પાવર, દાલમિયા ભારત, એચજી ઇન્ફ્રા, દાઇશી કરકરિયા, જિંદલ સો, કેપીઆઇટી ટેક્નૉ, લૅન્ડમાર્ક કાર્સ, મોલ્ડ ટેક ટેક્નૉ, પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ, પોલિકેમ, રાણે હોલ્ડિંગ્સ, રત્નમણિ મેટલ્સ, સફારી ઇન્ડ, સર ઑટો પ્રોડક્ટ્સ, સિમેન્સ, સોનાટા સૉફ્ટવેર, સુંદરમ્ ફાસ્ટનર્સ, ડબ્લ્યુપીઆઇએલ, વારી રિન્યુએબલ જેવાં ૧૩૦ કાઉન્ટર ભાવની રીતે ઇન્ટ્રા-ડેમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ટોચે ગયાં હતાં. 


સ્પાર્ક અને દિશમાનમાં પરિણામની તેજી, ઈકેઆઇ એનર્જી ૨૦ ટકા તૂટ્યો 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૧ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર સુધર્યા છે. ટાઇટન બે ટકા ઊંચકાઈ ૨૫૧૯ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર હતો. લાર્સન ૧.૯ ટકાની મજબૂતીમાં ૨૨૦૪, એનટીપીસી પોણાબે ટકા વધી ૧૬૮, બજાજ ઑટો સવા ટકો વધી ૩૧૮૧ બંધ હતા. આઇશર એક ટકો વધ્યો છે. સ્ટેટ બૅન્ક ૨.૮ ટકા બગડી ૫૩૭ અને ઇન્ફી અઢી ટકા ખરડાઈ ૧૫૬૭ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૭ ટકા કે ૧૨૯ના કડાકામાં ૧૭૧૮ તથા અદાણી પોર્ટ્સ સવાપાંચેક ટકા તૂટી ૫૫૪ના ક્લોઝિંગમાં વર્સ્ટ પર્ફોર્મર રહ્યા છે. રિલાયન્સ અડધો ટકો ઘટીને ૨૩૨૩ નજીક હતો. સન ફાર્માની સ્પાર્ક સારાં રિઝલ્ટમાં ૧૮૮ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૨૪ વટાવી ૧૭.૨ ટકાની તેજીમાં ૨૨૧ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ પર્ફોર્મર બન્યો છે. દિશમાન કાર્બોજેન પણ આ જ કારણસર ૯૮ થયો છે. ઑઇલ ઇન્ડિયા પરિણામની તાકાતમાં ૭.૭ ટકા ઊછળી ૨૪૧ હતો. ઈકેઆઇ એનર્જી ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૨૧૯ તૂટી ૮૭૮ના વર્ષના તળિયે બંધ થયો છે. બાલક્રિશ્ના ઇન્ડ. પરિણામની નબળાઈમાં ૨૫૩ રૂપિયા કે ૧૧ ટકા ગગડીને ૨૦૫૩ હતો. લુપિન પણ પરિણામ પાછળ સાડાઆઠ ટકા પટકાઈને ૬૭૫ દેખાયો છે. બીએસઈ ૨.૪ ટકાની ખરાબીમાં ૫૦૦ની અંદર ૪૮૯ બંધ આવ્યો છે. ચમનલાલ સેટિયા એક્સપોર્ટ્સ સારાં પરિણામ પછી તેજી આગળ ધપાવતાં ૧૬૬ની નવી ટોચે જઈ સાડાનવ ટકા ઊછળીને ૧૬૨ વટાવી ગયો છે. 


અદાણીના દસેદસ શૅર ડાઉન, માર્કેટ કૅપમાં ૫૧,૯૮૪ કરોડ ડૂલ

હિંડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી ગ્રુપમાં શરૂ થયેલી ખરાબી હવે ખુવારીનું રૂપ લઈ ચૂકી છે. અદાણી ગ્રુપને હવે રેવન્યુ ટાર્ગેટ ઘટાડવાની અને મૂડીરોકાણમાં કાપ મૂકવાની ફરજ પડી છે. આની અસરમાં ગ્રુપ કંપનીઓનું ડીરેટિંગ અવશ્ય થવાનું છે, જેની શરૂઆત મૂડીઝથી થઈ છે. સમગ્ર ગ્રુપ એક ભયાનક વિષચક્રમાં ફસાયું છે. ક્યારે અને કેવી રીતે બહાર આવશે એ એક મોટો પ્રશ્ન છે. ગઈ કાલે પણ અદાણી ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર ઘટ્યા છે, જેમાંથી ૬ શૅર મંદીની સર્કિટમાં હતા. ત્રણ નવાં નીચાં તળિયે ગયાં છે. અદાણી એન્ટર. પરિણામની પૂર્વસંધ્યાએ નીચામાં ૧૬૬૩ થઈ ૭ ટકા તૂટીને ૧૭૧૭ બંધ આવ્યો છે. અદાણી પોર્ટ્સ ૫.૩ ટકા તૂટીને ૫૫૩ હતો. એસીસી ત્રણ ટકા તો અંબુજા સિમેન્ટ ૫.૨ ટકા ડાઉન થયા છે, જ્યારે અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ, અદાણી ટોટલ, અદાણી વિલ્મર તથા એનડીટીવી પાંચ-પાંચ ટકાની નીચલી સર્કિટે ગયા છે. સરવાળે સોમવારે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં વધુ ૫૧,૯૮૪ કરોડનું બાષ્પિભવન થયું છે. આ સાથે ૨૫ જાન્યુઆરીથી લઈ ૧૩ ફેબ્રુઆરી સુધી કામકાજના માત્ર ૧૩ દિવસમાં અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ કુલ મળીને ૧૦,૨૪,૧૩૪ કરોડ રૂપિયા સાફ થઈ ગયું છે. મોનાર્ક નેટવર્થ ૨.૯ ટકા ઘટી ૨૩૫ બંધ હતો. ક્વિન્ટ ડિજિટલ સાધારણ નબળાઈમાં ૯૯ રહ્યો છે. બાય ધ વે, ૨૪ જાન્યુઆરીએ જેનો ભાવ ૧૨૦૬ હતો એ પતંજલિ ફૂડ્સ પણ ઘટાડાની ચાલમાં ગઈ કાલે સવા ટકો ઘટીને ૯૪૦ બંધ થયો છે. ૩ ફેબ્રુઆરીએ એ ૯૦૭ અંદર હતો. 

આ પણ વાંચો: આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહીને સાંકડી વધ-ઘટે બજાર ધીમા ઘટાડાની રાહે

બૅન્કિંગમાં બગાડ, એલઆઇસી સવાબે ટકા, સ્ટેટ બૅન્ક પોણાત્રણ ટકા ડાઉન

અદાણીની સાથે-સાથે બૅન્કિંગ, ખાસ કરીને સરકારી બૅન્કોમાંય માનસ બગડેલું છે. બૅન્ક નિફ્ટી ૧૧ શૅરના ઘટાડામાં ૨૭૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા નરમ હતો, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બૂરાઈમાં અઢી ટકા લથડ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૩૪ શૅર માઇનસ હતા. સિટી યુનિયન બૅન્ક ૨૧ ટકાના ઘટાડે ૨૧૮ કરોડના ચોખ્ખા નફા સાથે સર્વાંગી નબળો દેખાવ જાહેર થતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૧૫.૮ ટકા તૂટીને ૧૩૫ બંધ આવ્યો છે. કર્ણાટક બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સીએસબી બૅન્ક, જેકે બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, પંજાબ સિંધ બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બંધન બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, સૂર્યોદય બૅન્ક અઢીથી પોણાચાર ટકા ડાઉન હતા. ડીસીબી બૅન્ક ૩.૭ ટકા ખરડાયો હતો. સ્ટેટ બૅન્ક ૨.૮ ટકા તૂટી ૫૩૭ હતી. ઍક્સિસ બૅન્ક એક ટકો ઘટી છે. કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક સામાન્ય વધ-ઘટે બંધ હતા. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા નરમ હતો, પણ એના ૧૩૬માંથી કેવળ ૧૮ શૅર જ પ્લસ હતા. પ્રુડન્ટ કૉર્પોરેટ ત્રણ ટકા વધી ૯૪૦ હતો. પેટીએમ આગલા દિવસના ધોવાણ બાદ અડધો ટકો સુધર્યો છે. બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૫.૬ ટકા, પૈસાલો ડિજિટલ છ ટકા, દૌલત અલ્ગો ૫.૩ ટકા, ધાની સર્વિસિસ ૬.૧ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ સવાછ ટકા, ઉજ્જીવન ફાઇ. સાડાત્રણ ટકા, ધુનસેરી વેન્ચર્સ પાંચ ટકા, ક્રેડિટ એક્સેસ ૨.૭ ટકા માઇનસ હતા. એલઆઇસી ૨.૨ ટકાની નબળાઈમાં ૬૦૭ હતો. નાયકા ૩.૩ ટકા નરમ તો પૉલિસી બાઝાર સાધારણ પ્લસ હતા. ઝોમૅટો ૨.૮ ટકો ગગડી બાવન નીચે રહ્યો છે. 

કોફોર્જ તથા ઇન્ફો એજમાં ૩૦૦ રૂપિયાથી વધુનાં ગાબડાં પડ્યાં 

આઇટી સોમવારે ખરડાયું છે. આંક ૬૦માંથી ૪૮ શૅરના ઘટાડે ૫૭૯ પૉઇન્ટ કે ૧.૯ ટકા બગડ્યો છે. કોફોર્જમાં બારિંગ્સ તરફથી એના ૪૦ ટકા હોલ્ડિંગનો આંશિક હિસ્સો બ્લૉક ડીલ મારફત વેચીને ૨૬૦૦ કરોડની રોકડી થતાં નીચામાં ૪૦૦૦ થઈ ૭.૨ ટકા કે ૩૧૧ રૂપિયા લથડી ૪૦૧૯ બંધ હતો. નોકરી ડોટકૉમ ફેમ ઇન્ફો એજ તરફથી ફોર-બી નેટવર્ક નામના સ્ટાર્ટ-અપમાં કરેલું ૨૭૬ કરોડનું રોકાણ રાઇટ ઑફ કરવાની અસરમાં કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૧૬ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. ભાવ ૩૩૫૧ થયા બાદ નવ ટકા કે ૩૪૭ રૂપિયા ખરડાઈને ૩૪૬૪ બંધ થયો છે. ઝેનસાર ટેક્નૉ ૪.૨ ટકા અને કેપીઆઇટી ટેક્નૉ ચાર ટકા બગડ્યા હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ અઢી ટકા ગગડી ૧૫૬૭, ટીસીએસ દોઢ ટકા ઘટી ૩૪૮૩, ટેક મહિન્દ્ર દોઢ ટકા ઘટી ૧૦૦૩, વિપ્રો સવા ટકો ઘટી ૪૦૧, લાટિમ દોઢ ટકાના ઘટાડે ૪૫૨૦ બંધ હતા. સિગ્નિટી વધુ ૩.૭ ટકાની મજબૂતીમાં ૬૯૭ હતો. ૬૩ મૂન્સ ૪.૭ ટકા ઊંચકાયો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ખાતે ૧૭માંથી ૧૫ શૅરની નરામાઈમાં અડધા ટકાની કમજોરી હતી. તાતા ટેલિ પાંચ ટકા ઊંચકાયો છે. વિન્દય ટેલિ, ઑન મોબાઇલ, ઇન્ડ્સ ટાવર, રેલટેલ, એમટીએનએલ સવાથી સવાત્રણ ટકા કટ થયા હતા. ભારતી સામાન્ય નરમ હતો. આઇટીના પ્રેશરમાં ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક ૧.૭ ટકા ડાઉન હતો. 

અત્રે ૨૭માંથી માત્ર બે શૅર વધ્યા છે. ઝી એન્ટર. ૩.૫ ટકા, સનટીવી ૨.૮ ટકા, સારેગામા ૨.૯ ટકા, ટીવી૧૮ સવાબે ટકા, એચએફસીએલ ૧.૯ ટકા, નેટવર્ક ૧૮ ટકા ડાઉન હતા.  

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 04:11 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK