Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > કોવિડની ગતિવિધિ વધતાં શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, તમામ સેક્ટોરલ ડાઉન

કોવિડની ગતિવિધિ વધતાં શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, તમામ સેક્ટોરલ ડાઉન

Published : 23 December, 2022 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિસિઝન વાયર્સ તથા ઝીમ લૅબ એક્સ-બોનસ થતાં મજબૂત, ક્વિન્ટ ડિજિટલ એક્સ-રાઇટ થતાં ગગડ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


માર્કેડ બ્રેડ્થ વધુ બગડી, બીએસઈમાં એક શૅર વધ્યો, તો સામે ચાર જાતો નરમ : સુલા વિન્યાર્ડના ઇશ્યુનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં ગયું, લૅન્ડમાર્ક કાર્સ અને દ્રોણાચાર્યનાં લિસ્ટિંગ આજે : કોરોનાની ફિકર લિન્ડે ઇન્ડિયાને ફળી, શૅર ૧૫૨ રૂપિયા ઊંચકાયો : નાયકા રોજ નવાં નીચાં તળિયાં બનાવવાના રવાડે, એલઆઇસીમાં ઘટાડો, જનરલ ઇન્શ્યૉરન્સ જોરમાં : પ્રિસિઝન વાયર્સ તથા ઝીમ લૅબ એક્સ-બોનસ થતાં મજબૂત, ક્વિન્ટ ડિજિટલ એક્સ-રાઇટ થતાં ગગડ્યો


કોવિડનો કકળાટ શરૂ થઈ ગયો છે. અવનવા બિહામણા વરતારા આવવા માંડ્યા છે. કહે છે કે ચાઇનામાં ત્રણેક મહિનામાં રોજના ૧૦ લાખ નવા કેસ આવશે, ૫૦૦૦નાં મોત થશે. આ વાત અહીં નથી અટકવાની. ચાઇનામાં કોવિડની સુનામીમાંથી એક નવો ડેન્જરસ વેરિઅન્ટ કે વાઇરસ પેદા થશે જે વત્તે-ઓછે અંશે આખી દુનિયાને ભરડામાં લેશે. મતલબ કે આપણા બધા માટે ૨૦૨૩ તવા પર જવાનું છે. સતત ડરી-ડરીને જીવવાનું છે અને ડરના માર્યા મરી જવાનું છે. છોડો યાર, મરવાનું તો સૌને છે, બસ આપણે ડરી-ડરીને કે રડી-રડીને મરવું નથી એટલું ગાંઠે બાંધી લઈએ, પ્લીઝ. અમેરિકન શૅરબજાર બીજા દિવસની આગેકૂચમાં દોઢ ટકો વધીને બંધ રહેતાં ગુરુવારે એશિયન બજારોય મૂડમાં હતાં. ચાઇનીઝ માર્કેટ પાંચમા દિવસની નરમાઈ સાથે અડધો ટકો ઘટ્યું હતું. અન્યથા સર્વત્ર સુધારો હતો. હૉન્ગકૉન્ગ ૨.૭ ટકા, તાઇવાન દોઢ ટકો અને સાઉથ કોરિયન માર્કેટ સવા ટકો અપ હતાં. યુરોપ રનિંગમાં સામાન્યથી લઈને અડધા ટકા સુધી પ્લસ હતું. 



ઘરઆંગણે સેન્સેક્સ મામૂલી પ્લસમાં ખૂલી તરત જ ૬૧૪૬૪ વટાવી ગયો હતો. આગલા બંધથી ૩૯૭ પૉઇન્ટનો આ સુધારો ક્ષણિક આવેશ પુરવાર થયો અને બજાર ઘટાડાની ચાલમાં નીચામાં ૬૦૬૩૭ દેખાયું હતું. શૅર આંક છેલ્લે ૨૪૧ પૉઇન્ટ ઘટીને ૬૦૮૨૬ તથા નિફ્ટી ૭૨ પૉઇન્ટ ઘટીને ૧૮૧૨૭ બંધ આવ્યો છે. નરમાઈની હૅટટ્રિકમાં સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જકૅપ અડધા ટકા આસપાસ માઇનસ થયા છે, પરંતુ આંતરપ્રવાહ વધુ ખરડાયો હતો. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૯૫૨માંથી ૮૧૭ શૅરના ઘટાડે ૧.૮ ટકા, બ્રૉડર માર્કેટ ૫૦૧માંથી ૪૦૮ શૅરની કમજોરીમાં ૦.૬ ટકા, તો મિડકૅપ બેન્ચમાર્ક ૧૨૨માંથી ૩૦ શૅર પ્લસમાં આપી પોણો ટકો બગડ્યો છે. માર્કેટ બ્રેડ્થ વધુ મરવા પડી છે. એનએસઈ ખાતે વધેલા ૩૨૧ શૅર સામે ૧૭૧૨ જાતો ઘટીને બંધ રહી છે. બન્ને બજારનાં બધાં જ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. રિયલ્ટી, પાવર-યુટિલિટીઝ, મેટલ, કૅપિટલ ગુડ્સ, પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી મીડિયા, ઑટો, ઑઇલ-ગૅસ, એનર્જી જેવા ઇન્ડેક્સ પોણાથી ૧.૬ ટકા સાફ થયા છે. આગલા દિવસે સામા પ્રવાહે રહી નોંધપાત્ર વધેલો હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૨૮ શૅરના સુધારા વચ્ચે સામાન્ય નરમ હતો. નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૧ શૅરના ઘટાડે નજીવો ઘટ્યો છે. 


જેબીએમ ઑટોમાં સતત આગેકૂચ, થાયરોકૅર ૧૧ ટકા તૂટી ટૉપ લૂઝર 

સેન્સેક્સના ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર ઘટ્યા છે. અલ્ટ્રાટેક, ઇન્ફી અને એશિયન પેઇન્ટ્સ પોણો ટકા નજીકના સુધારામાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. નિફ્ટી ખાતે સનફાર્મા એક ટકા નજીક તથા એસબીઆઇ લાઇફ પોણા ટકાથી વધુ પ્લસ હતા. યુપીએલ સાડાત્રણ ટકા, મહિન્દ્ર અઢી ટકા, બજાજ ફિનસર્વ અને આઇશર સવાબે ટકા નજીક, ઇન્ડસઇન્ડ બૅન્ક તથા ભારત પેટ્રો બે ટકા જેવા બગડ્યા છે. રિલાયન્સ સાડાછ રૂપિયા જેવા મામૂલી ઘટાડામાં ૨૫૭૮ હતો. અદાણી ગ્રીન પોણો ટકો વધ્યો છે. અદાણી ટોટલ યથાત્ હતો. ગ્રુપના બાકીના ૮ શૅર માઇનસ થયા છે. અદાણી વિલ્મર છ ટકા, અદાણી પાવર પાંચ ટકા, અદાણી ટ્રાન્સ ૩.૭ ટકા, એનડીટીવી અઢી ટકા ખરડાયો છે. એસીસી દોઢ ટકો અને અંબુજા સિમેન્ટ એક ટકો ઢીલા હતા. 
જેબીએમ ઑટો સુધારાની ચાલ જાળવી રાખતાં સવાઅગિયાર ટકાની તેજીમાં ૪૯૩ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતો. કોરોનાની ચિંતા લિન્ડે ઇન્ડિયાને ૪.૫ ટકા કે ૧૫૨ રૂપિયા ફળી છે. શૅર વધીને ૩૪૯૮ થયો છે. થાયરોકૅર ૧૦.૯ ટકા ગગડી ૬૨૪ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતો કોચીન શિપયાર્ડ, નૅશનલ ફર્ટિ, ગાર્ડન રિચશિપ બિલ્ડિંગ, બીએલએસ ઇન્ટર, ઇંગરસોલ રેન્ડ, આરસીએફ, ઉજ્જીવન ફાઇ, ત્રિવેણી ટર્બાઇન, કર્ણાટકા બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સાતથી સવાનવ ટકા લથડ્યા હતા. 


બૅન્કિંગ, ફાઇનૅન્સ તથા રેલવેના ઇન્ફ્રાસ્ટ્રકચર શૅરો મોટા ઘટાડામાં 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈ સાથે ૨૦૯ પૉઇન્ટ ઘટી ૪૨૪૦૯ હતો, તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડામાં સવા ટકો વધુ માઇનસ થયો છે. બૅન્કિંગની ૩૭માંથી ૩૧ જાતો ડૂલ થઈ છે. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૭ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૬.૭ ટકા, કર્ણાટક બૅન્ક ૭.૧ ટકા, બંધન બૅન્ક ૪.૭ ટકા, યસ બૅન્ક ૪.૮ ટકા, યુનિયન બૅન્ક સવાછ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ચાર ટકા, જેકે બૅન્ક ચાર ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક બે ટકા ધોવાયા હતા. તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્ક ૦.૬ ટકા વધી ૪૯૬ હતી. યુકો બૅન્ક અઢી ટકા, તો પીએનબી અને સૂર્યોદય બૅન્ક એક-એક ટકો અપ હતા. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો ઘટ્યો છે, પણ એના ૧૩૭માંથી કેવળ ૨૧ શૅર પ્લસ હતા. જીઆઇસી હાઉસિંગ પાંચ ટકા, ઉજ્જીવન ફાઇ. ૭.૪ ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સાડાત્રણ ટકા, રેપ્કો હોમ છ ટકા, હુડકો ૩.૬ ટકા, શૅર ઇન્ડિયા ૩.૭ ટકા, બજાજ ફિનસર્વ અઢી ટકા ડાઉન હતા. કૅમ્સ ઉપરમાં ૨૨૮૩ થઈ ૨.૪ ટકા વધી ૨૨૫૫ હતો. આરઈસી બે ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૪.૫ ટકા અને પીએાનબી હાઉસિંગ ૪.૩ ટકા સુધર્યા છે. એલઆઇસી વધુ ૨.૯ ટકાના ઘટાડે ૬૮૨ હતો. પૉલિસી બાઝાર પોણાબે ટકા અને પેટીએમ બે ટકા નરમ થયા છે. નાયકા રોજ નવા તળિયાનો શિરસ્તો આગળ ધપાવતાં નીચામાં ૧૪૭ થઈ પોણો ટકો બગડી ૧૫૧ હતો. ઝોમૅટો ચારેક ટકાની નબળાઈમાં ૫૯ રહ્યો છે. આઇઆરએફસી ૩.૪ ટકા, રેલ વિકાસ નિગમ પાંચ ટકા, રેલટેલ ચાર ટકા, આઇઆરસીટીસી બે ટકા ઘટીને બંધ આવ્યા છે. 

ઇન્ફીનાં પરિણામ ૧૨ જાન્યુઆરીએ આવશે, પાવર-યુટિલિટી શૅરોમાં ખરાબી જારી 

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૮ શૅર ઘટવા છતાં ગઈ કાલે માત્ર ૩૧ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો છે. ઇન્પીના ડિસેમ્બર ક્વૉર્ટરના રિઝલ્ટ ૧૨ જાન્યુઆરીએ નક્કી થયાં છે. શૅર દોઢા કામકાજે પોણો ટકો વધી ૧૫૨૧ બંધ હતો. ટેક મહિન્દ્ર એક ટકા ઘટ્યો છે. વિપ્રો, ટીસીએસ અને એચસીએલ ટેક્નૉ સાધારણ ઘટીને બંધ હતા. તાતા ઍલેક્સી અઢી ટકા અને લાટિમ એક ટકો માઇનસ થઈ છે. ડીલિન્ક ઇન્ડિયા ૬.૭ ટકા, બ્લૅક બૉક્સ ૬.૬ ટકા અને એક્સેલ્યા ૫.૬ ટકા બગડ્યા હતા. ટેલિકૉમ ખાતે તાતા ટેલિ, તેજસ નેટ, રાઉટ મોબાઇલ અને તાન્લા ત્રણથી પાંચ ટકા ઘટ્યા છે. ભારતી સાધારણ સુધારામાં હતો. 

પાવર યુટિલિટી ઇન્ડેક્સ દોઢ ટકો કટ થયા છે. અહીં કેપીઆઇ ગ્રીન, રિલાયન્સ ઇન્ફ્રા, અદાણી પાવર રિલાયન્સ પાવર, સતલજ જલ વિદ્યુત, અદાણી ટ્રાન્સ ત્રણથી ૫.૫ ટકા ડૂલ થયા છે. જીએસપીએલ, હિન્દુ. ઑઇલ, ગુજરાત ગૅસ, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, સવિતા ઑઇલ, ચેન્નઈ પેટ્રો, જિન્દલ ડ્રિલિંગ, પનામા પેટ્રો ઇત્યાદિની ત્રણથી ૪.૭ ટકાની ખરાબીમાં એનર્જી બેન્ચમાર્ક પોણો ટકો ઘટ્યો છે. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૨૨ શૅરની નરમાઈમાં ૫૩૬ પૉઇન્ટ કે ૧.૬ ટકા ડાઉન હતો. લાર્સન ૧.૭ ટકા ઘટી ૨૧૦૯ થયો છે. લક્ષ્મી મશીન સાડાત્રણ ટકા, એલજી ઇક્વિપમેન્ટ ૪.૭ ટકા, પ્રાજ ઇન્ડ. ૩.૫ ટકા, ભેલ ૨.૮ ટકા માઇનસ હતા. હેલ્થકૅરમાં થાયરોકૅર ૧૦.૯ ટકા, નેક્ટરલાઇફ ૮.૧ ટકા, ન્યુરેકા સવાછ ટકા ઊંચકાયા છે.

સુલા વિનયાર્ડ સવાસાત ટકાનો લિસ્ટિંગ લૉસ, ત્રિવેણી ટ‍્વિન્સ તૂટ્યા 

ત્રિવેણી ટર્બાઇન તથા ત્રિવેણી એન્જિનિયરિંગમાં શૅરદીઠ ૩૫૦ રૂપિયા સુધીના ભાવથી બાયબૅક જાહેર થઈ છે, જેની રેકૉર્ડ ડેટ ૨૩ ડિસેમ્બર હોવાથી ભાવ ગઈ કાલે એક્સ-બાયબૅક થયો છે. ત્રિવેણી એન્જી. ૫.૭ ટકા ગગડી ૨૭૭, તો ત્રિવેણી ટર્બાઇન ૭.૨ ટકા તૂટી ૨૬૬ બંધ થયો છે. ઝીમ લૅબ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકા વધી ૧૧૬ થયો છે, જ્યારે પ્રિસિઝન વાયર્સ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ૬ ટકા ઊંચકાઈ ૭૪ રહ્યો છે. નૂપુર રીસાઇક્લિંગ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ૬.૪ ટકા ઘટી ૨૭૯ હતો. કક્વિન્ટ ડિજિટલ ૩૭ શૅરદીઠ ૪૨ના પ્રમાણમાં શૅરદીઠ ૫૦ના ભાવે રાઇટમાં ગુરુવારે એક્સ-રાઇટ થતાં ૧૦.૨ ટકા ગગડી ૧૬૦ રહ્યો છે. 

મુંબઈની સુલા વિન્યાર્ડ બેના શૅરદીઠ ૩૫૭ના ભાવથી ૯૬૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ લાવી હતી. ગઈ કાલે લિસ્ટિંગમાં ભાવ ૩૫૮ ખૂલી ઉપરમાં ૩૬૩ તથા નીચામાં ૩૨૮ થઈ અંતે ૩૩૧ બંધ થયો છે. મતલબ કે ૭.૨ ટકાની લિસ્ટિંગ લૉસ થઈ. લૅન્ડમાર્ક કાર્સ, અબાન હોલ્ડિંગ્સ અને દ્રોણાચાર્ય એરિબલનાં લિસ્ટિંગ શુક્રવારે છે. હાલ લૅન્ડમાર્કમાં ગ્રે માર્કેટ ખાતે ૧૫ રૂપિયાનાં ડિસ્કાઉન્ટ બોલાય છે, જ્યારે દ્રોણાચાર્યમાં ૫૦નાં પ્રીમિયમ છે. અબાન ત્રણ રૂપિયાના પ્રીમિયમે ક્વોટ થઈ રહ્યો છે. અરિહંત ઍકૅડેમીના પ્રીમિયમ ઉપરમાં ૫૪ હતા એ ઘટીને ૪૦ થઈ ગયા છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK