Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોની નબળાઈ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં નવાં શિખર, માર્કેટ કૅપ પ્રથમ વાર ૩૦૧ લાખ કરોડને પાર

વિશ્વબજારોની નબળાઈ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં નવાં શિખર, માર્કેટ કૅપ પ્રથમ વાર ૩૦૧ લાખ કરોડને પાર

Published : 07 July, 2023 02:13 PM | IST | Mumbai
Anil Patel

રાઇટ તથા પ્લેસમેન્ટ મારફત ભંડોળ ઊભું કરવાની યોજનામાં ભારત પેટ્રો, ઇન્ડિયન ઑઇલ તથા હિન્દુ. પેટ્રોમાં નવા ઊંચા ભાવ : આઇડિયા ફોર્જ અને સીએન્ટ ડીએલએમનું લિસ્ટિંગ આજે થવાની ધારણા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


એસએમઈમાં ત્રણ નવા ઇશ્યુ લિસ્ટેડ, મેગસન રીટેલમાં ૪૭ ટકાનો અણધાર્યો દમદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો : બીએસઈમાં ૮૧૬ના ભાવે ૩૭૫ કરોડનું બાયબૅક નક્કી થયું, શૅર પોણાચાર ટકા વધીને ૭૦૫ ઉપર બંધ : આઇશરમાં નરમાઈની હૅટ-ટ્રિક, બજાજ ઑટો તથા હીરો મોટોકૉર્પ બૅક-ટુ-બૅક નવી ટોચે : રાઇટ તથા પ્લેસમેન્ટ મારફત ભંડોળ ઊભું કરવાની યોજનામાં ભારત પેટ્રો, ઇન્ડિયન ઑઇલ તથા હિન્દુ. પેટ્રોમાં નવા ઊંચા ભાવ : આઇડિયા ફોર્જ અને સીએન્ટ ડીએલએમનું લિસ્ટિંગ આજે થવાની ધારણા


વિશ્વબજારોમાં નરમાઈની આગેકૂચ વચ્ચે ઘરઆંગણે ગુરુવારે નવાં બેસ્ટ લેવલ બન્યાં છે. સેન્સેક્સ નજીવો નરમ, ૬૫,૩૯૨ ખૂલી નીચામાં ૬૫,૩૨૮ તથા ઉપરમાં ૬૫,૮૩૩ થઈ ૩૪૦ પૉઇન્ટ જેવો વધી ૬૫,૭૮૬ નજીક બંધ રહ્યો છે. સળંગ ૭ દિવસના સુધારા બાદ નિફ્ટી ઉપરમાં ૧૯,૫૧૨ બતાવી ૯૯ પૉઇન્ટની આગેકૂચમાં ૧૯,૪૯૭ બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડે તેમ જ ક્લોઝિંગની રીતે બન્ને મેઇન બેન્ચમાર્કની વિક્રમી સપાટીની સાથે-સાથે બજારનું માર્કેટ કૅપ પણ પ્રથમ વાર ૩૦૦ની પાર, ૩૦૧.૫૪ લાખ કરોડની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. માર્કેટ કૅપની દૃષ્ટિએ ભારત હવે અમેરિકા, ચીન, જપાન અને હૉન્ગકૉન્ગ પછી વિશ્વનું પાંચમા નંબરનું લાર્જેસ્ટ માર્કેટ બની ગયું છે. સેન્સેક્સ-નિફ્ટીની સાથે-સાથે સ્મોલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, એફએમસીજી, ઑટો, કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા જેવા ઇન્ડાઇસિસ નવા બેસ્ટ લેવલે ગયા છે. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૧૨૫૨ શૅરની સામે ૭૯૨ જાતો ઘટી છે. બન્ને બજારના મોટા ભાગના બેન્ચમાર્ક વધ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૨ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બે ટકા, એનર્જી ઇન્ડેક્સ ૧.૮ ટકા, હેલ્થકૅર એક ટકા, ઑટો ઇન્ડેક્સ સવા ટકો, પાવર ઇન્ડેક્સ બે ટકા, યુટિલિટી ઇન્ડેક્સ ૨.૪ ટકા, નિફ્ટી મીડિયા ૧.૭ ટકા, નિફ્ટી ફાર્મા પોણો ટકો પ્લસ હતા. એફએમસીજી, આઇટી, ટેક્નૉલૉજી નામપૂરતા નરમ હતા. કૉમેન્ટરી જોતાં ફેડ વ્યાજદરના મામલે ધારણા કરતાં વધુ આકરા પાણીએ જણાય છે. ચાઇનીઝ ઇકૉનૉમીને લઈ ચિંતા વધુ ઘેરી બની રહી છે. એશિયા ખાતે ગઈ કાલે હૉન્ગકૉન્ગ ૧૮,૪૮૩ની વર્ષની બૉટમ બતાવી ૩.૧ ટકા ગગડી ૧૮,૫૩૩ બંધ થયું છે. જૅપનીઝ નિક્કી તથા તાઇવાનીઝ ટ્વેસી પોણાબે ટકા, થાઇલૅન્ડ સવા ટકો, સિંગાપોર ૧.૧ ટકા, સાઉથ કોરિયા ૦.૯ ટકા અને ચાઇના અડધો ટકો ખરડાયાં છે. ઇન્ડોનેશિયન બજાર અડધા ટકાના સુધારામાં સતત બીજા દિવસે અપવાદ હતું. યુરોપ નબળાઈ જારી રાખતાં રનિંગમાં એકાદ ટકાથી લઈ દોઢ ટકા કરતાંય વધુ માઇનસ થયું છે. 
મેઇન બોર્ડમાં સેન્કો ગોલ્ડનો ૧૦ના શૅરદીઠ ૩૧૭ના ભાવનો ૪૦૫ કરોડનો ઇશ્યુ કુલ ૭૭.૨ ગણો છલકાઈને પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૭૦ જેવું ચાલે છે. નવી મુંબઈની આઇડિયા ફોર્જ તેમ જ સીએન્ટ ડીએલએમના લિસ્ટિંગ આજે, શુક્રવારે સંભળાય છે. આઇડિયા ફોર્જમાં ગ્રે માર્કેટ ખાતે ૫૨૦ જેવું તથા સીએન્ટ ડીએલએમમાં ૧૧૬ રૂપિયા આસપાસનું પ્રીમિયમ ક્વોટ થાય છે. 



નફો ઘટવાના વરતારા વચ્ચે રિલાયન્સ વૉલ્યુમ સાથે વધ્યો 


સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર વધ્યા છે. મહિન્દ્ર બાર ગણા કામકાજે ૧૫૫૨ની વિક્રમી સપાટી બનાવી પાંચ ટકાની તેજીમાં ૧૫૪૯ થયો છે. પાવર ગ્રિડ ૩.૮ ટકા, તાતા મોટર્સ ૨.૧ ટકા, એનટીપીસી ૧.૬ ટકા, નેસ્લે એકાદ ટકો, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો પ્લસ હતા. વિશેષમાં નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ ચાર ટકા કે ૨૦૫ રૂપિયા, બ્રિટાનિયા દોઢ ટકા, ભારત પેટ્રો ૧.૮ ટકા, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, ઓએનજીસી ૧.૬ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો વધ્યા છે. રિલાયન્સમાં બોફા સિક્યૉરિટીઝે જૂન ક્વૉર્ટરનો નફો ઘટવાની ધારણા આપી છે, પણ શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૬૪૪ થઈ ૨.૧ ટકા વધીને ૨૬૩૮ના બંધમાં બજારને સર્વાધિક ૧૬૨ પૉઇન્ટ ફળ્યો છે. 
સેન્સેક્સ-નિફ્ટી ખાતે ગઈ કાલે અપોલો હૉસ્પિટલ્સ, બજાજ ઑટો, ભારત પેટ્રો, બ્રિટાનિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ, એચડીએફસી લાઇફ, હીરો મોટોકૉર્પ, લાર્સન, મહિન્દ્ર, નેસ્લે, એનટીપીસી, પાવર ગ્રિડ, તાતા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલીવર જેવાં કાઉન્ટરમાં નવાં ઊંચા શિખર બન્યાં છે. એચસીએલ ટેક્નૉ સવા ટકો, મારુતિ સુઝુકી ૧.૪ ટકા, બજાજ ફાઇ. એક ટકા, આઇશર ૨.૭ ટકા, એચડીએફસી લાઇફ ૧.૯ ટકા, ઇન્ડ્સ ઇન્ડ પોણો ટકો નરમ હતા. સેન્સેક્સ ખાતે એચડીએફસીની જગાએ જેએસડબ્લ્યુ સ્ટીલનો સમાવેશ થવાની વાત છે. શૅર ત્રણ ગણા કામકાજે સાધારણ વધી ૭૯૫ ઉપર બંધ થયો છે. લાર્સન ૨૫૦૦ નજીક નવી ટૉપ દેખાડી અડધો ટકો વધી ૨૪૮૩ બંધ થતાં એનું માર્કેટ કૅપ સાડાત્રણ લાખ કરોડ રૂપિયા નજીક ગયું છે. તાતા મોટર્સનો ડીવીઆર એક ટકાના સુધારામાં ૩૧૪ હતો. 

સીએટ ૪૦૬ની તેજી સાથે નવી ટોચે, બૉમ્બે ડાઇંગ નવી ટૉપ બાદ ડાઉન 


બજારની રેકૉર્ડબ્રેક રૅલીમાં અદાણીના શૅર નેગેટિવ બાયસ સાથે સાવ સાઇડલાઇન છે. ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૬ શૅર માઇનસ હતા. વધ-ઘટનું પ્રમાણ બહુધા મામૂલી હતું. એનડીટીવી અડધો ટકો, અદાણી પોર્ટ્સ સાધારણ, અદાણી ટોટલ, એસીસી, અંબુજા સિમેન્ટ તથા અદાણી ટ્રાન્સ નહીંવત નરમ હતા. અદાણી ગ્રીન ૧.૪ ટકા તો અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી એન્ટર નજીવા વધ્યા છે. બગલબચ્ચું મોનાર્ક નેટવર્થ મજબૂત વલણ જાળવી રાખતાં ૨.૪ ટકા વધી ૨૮૪ નજીક પહોંચ્યો છે. 
રોકડામાં ગઈ કાલે રીટેક ઇન્ટર, બ્લૅક બૉક્સ, એવરેસ્ટ ઑર્ગે, યુનિક ઑર્ગે, માર્બલ સિટી ૨૦ ટકાની તેજીમાં ગયા છે. સીએટ ૧૪ ગણા કામકાજે ૨૫૧૧ની ટોચે જઈ ૧૯.૪ ટકા કે ૪૦૬ની તેજીમાં ૨૪૯૮ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. જેબીએમ ઑટો તાજેતરના બુલરન પછી હેવી પ્રૉફિટ બુકિંગમાં ૧૩ ટકા તૂટી ૧૩૦૦ નીચે બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. 
બૉમ્બે ડાઇંગ વરલી ખાતેનું લૅન્ડ પાર્સલ આશરે ૫૦૦૦ કરોડમાં વેચવાની વેતરણમાં હોવાના અહેવાલમાં શૅર બમણા કામકાજે ૧૨૮ નજીક નવું શિખર બતાવી ૨.૭ ટકા ઘટી ૧૨૦ની અંદર ગયો છે. ગઈ કાલે ૩ એસએમઈ આઇપીઓનું લિસ્યિંગ હતું. રાજુ ગ્રુપની એસ્સેન સ્પે. ફિલ્મ્સ ૧૦૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૫૫ના ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સામે ૧૪૦ ખૂલી ઉપલી સર્કિટે ૧૪૭ બંધ થતાં ૩૭.૪  ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગ્રીનશેપ એપ્લા. ૮૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૯ બંધ થતાં ૨૫.૫ ટકાનું રીટર્ન મળ્યું છે, પણ મેગસન રીટેલ ૬૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૯૬ નજીક બંધ થતાં ૪૭.૩ ટકાનો અણધાર્યો દમદાર લિસ્ટિંગ ગેઇન અહીં મળ્યો છે. 

ડીસીબી બૅન્કમાં તાતાને હિસ્સો વધારવા મંજૂરી મળતાં શૅરમાં છ ટકાનો ઉછાળો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૧૮૮ પૉઇન્ટ વધી ૪૫,૩૪૦ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સતત મજબૂત વલણમાં ૧૨માંથી ૧૧ શૅરના સથવારે પોણો ટકો વધ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર પ્લસ હતા. ડીસીબી બૅન્કમાં તાતા ઍસેટ મૅનેજમેન્ટ કંપનીને ૫ ટકાનો હિસ્સો વધારી સાડાસાત ટકા કરવાની રિઝર્વ બૅન્કે મંજૂરી આપતાં શૅર પાંચ ગણા કામકાજે છ ટકાના ઉછાળે ૧૨૯ નજીક બંધ થયો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪.૫ ટકા, યુનિયન બૅન્ક ૨.૭ ટકા, એયુ બૅન્ક ૨.૮ ટકા, યસ બૅન્ક ૩.૬ ટકા, બંધન બૅન્ક અઢી ટકા, ઇક્વિટાસ બૅન્ક બે ટકા મજબૂત હતા. જેકે બૅન્ક, કરૂર વૈશ્ય, કર્ણાટકા બૅન્ક, સૂર્યોદય બૅન્ક, આરબીએલ બૅન્ક એકથી બે ટકા નરમ હતી. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૪ શૅરના સુધારામાં સામાન્ય વધ્યો છે. સુમીત સિક્યૉ. ૮૮૦ની ટોચે જઈ ૧૭.૧ ટકાના ઉછાળે ૮૬૦ થઈ છે. એમસીએક્સ સાત ટકાનો જમ્પ મારીને ૧૬૨૮ નજીક પહોંચી છે. પીએનબી ગિલ્ટ ૬.૬ ટકા વધી ૬૬ વટાવી ગઈ છે. પૉલિસી બાઝાર અઢી ટકા અને પેટીએમ બે ટકા અપ હતા. 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૯ શૅર પ્લસમાં આપીને ફ્લૅટ હતો. બ્લૅક બૉક્સ ૨૪ ગણા કામકાજે ૨૦ ટકાના જમ્પમાં ૧૭૮ના શિખરે બંધ રહી છે. મોસ્ચીપ ૯ ટકા, ઓરિઅનપ્રો ૫ ટકા અને સિગ્નિટી ૪.૫ ટકા મજબૂત હતા. એચસીએલ ટેક્નૉ સવા ટકો નરમ હતો. વિપ્રો અડધો ટકો તો ટેક મહિન્દ્ર સાધારણ વધ્યો છે. ઇન્ફી નજીવો નરમ તો ટીસીએસ ફ્લૅટ હતો. ટેલિકૉમમાં વિન્દય ટેલિ તથા ઇન્ડ્સ ટાવર ૧.૯ ટકા પ્લસ હતા. સનટીવી સાડાચાર ટકા, ઝી એન્ટર ત્રણ ટકા, ટીવી-૧૮ બે ટકા, ઝી મીડિયા ૧૪ ટકા વધ્યા છે. નેટવર્ક-૧૮ તથા જસ્ટ ડાયલ પોણાબે ટકા પ્લસ હતા. 

લોઢાની મેક્રોટેક નવા બેસ્ટ લેવલે, ટૉરન્ટ પાવરમાં પાંચ ટકાનો જમ્પ 

અદાણીના શૅરો હાસિયામાં રહેવા છતાં પાવર યુટિલિટી, એનર્જી તથા ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણાબેથી અઢી ટકા જેવા વધ્યા છે. આઇઓબી તથા ભારત પેટ્રો તરફથી રાઇટ ઇશ્યુ દ્વારા અને હિન્દુ. પેટ્રો તરફથી સરકારને પ્લેસમેન્ટ કરીને ભંડોળ ઊભું કરવાની યોજના છે, જેમાં આ ત્રણેય શૅર ગઈ કાલે નવી ટોચે પહોંચ્યા છે. આ ઉપરાંત સવિતા ઑઇલ ૬.૪ ટકા, ગેઇલ સવાત્રણ ટકા, ચેન્નઈ પેટ્રો ૩.૨ ટકા, મહાનગર ગૅસ સવાબે ટકા, ઓએનજીસી તથા એમઆરપીએલ ૧.૭ ટકા, સતલજ જલ વિદ્યુત ૭.૮ ટકા, ગુજ. ઇન્ડ. ૭.૫ ટકા, રિલા. પાવર ૬.૫ ટકા, ટૉરન્ટ પાવર પાંચ ટકા, આઇનોક્સ ગ્રીન ૪.૭ ટકા, તાતા પાવર ૩.૬ ટકા, પાવર ગ્રિડ ૩.૮ ટકા ઊંચકાયા છે. ઑટો ઇન્ડેક્સ ૪૨૦ પૉઇન્ટ કે ૧.૨ ટકા વધી નવી ટોચે ગયો છે. એમાં મહિન્દ્રનું પ્રદાન ૩૩૩ પૉઇન્ટ હતું. તાતા મોટર્સ ૬૦૫ની નવી મલ્ટિયર ટૉપ બતાવી બે ટકા વધી ૬૦૧ નજીક બંધ રહેતાં એનું માર્કેટ કૅપ બે લાખ કરોડની સાવ નજીક પહોંચી ગયું છે. બજાજ ઑટો અને હીરો મોટોકૉર્પ નવી ટોચે જઈ અડધા ટકાની આસપાસ પ્લસ હતા. એમઆરએફ અડધો ટકો વધી ૬૩૯ની તેજીમાં ૧,૦૦,૮૩૬ના શિખરે બંધ થયો છે. રિયલ્ટીમાં લોઢાની મેક્રોટેક ડેવલપર્સ ૭૪૦ના બેસ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૭૨૭ હતી. ગોદરેજ પ્રૉપર્ટીઝ અઢી ટકા, ડીએલએફ ૨.૮ ટકા તથા ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી પોણાચાર ટકા ઊંચકાયા છે. શોભા સવા ટકો વધી ૫૫૫ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2023 02:13 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK