Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર મક્કમ વલણ સાથે ૩૭૮ પૉઇન્ટ આગળ વધ્યું : આઇટી, મેટલ તથા હેલ્થકૅરમાં ઝમક

બજાર મક્કમ વલણ સાથે ૩૭૮ પૉઇન્ટ આગળ વધ્યું : આઇટી, મેટલ તથા હેલ્થકૅરમાં ઝમક

Published : 09 February, 2023 02:02 PM | IST | Mumbai
Anil Patel

રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં નવો વધારો આવ્યો, પણ રેટ સેન્સિટિવ સેક્ટર લગભગ બે-અસર રહ્યા : માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અદાણી ગ્રુપના ૧૦માંથી ૩ શૅર નરમ, ગ્રુપના માર્કેટ કૅપમાં ૪૬,૬૩૬ કરોડનો વધારો : અદાણી એન્ટર ત્રણ જ દિવસમાં બૉટમથી ૧૧૨ ટકા વધી ૨૧૫૯ બંધ : ઝોમૅટોમાં પરિણામની પૂર્વસંધ્યાએ તેજીની ડિલિવરી, પેટીએમની ૧૫ ટકાની છલાંગ:  ફ્રન્ટ લાઇન બૅન્ક શૅરો સાંકડી વધ-ઘટે મિશ્ર વલણમાં, પૅટડિયમ જ્વેલરી વધુ ૧૮ ટકા ખુવાર થયો : રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં નવો વધારો આવ્યો, પણ રેટ સેન્સિટિવ સેક્ટર લગભગ બે-અસર રહ્યા : માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી


અમેરિકન ડાઉ પોણો ટકો અને નાસ્ડેક બે ટકા નજીક વધીને બંધ આવ્યા પછી બુધવારે એશિયન બજારો સાંકડી રેન્જમાં વધ-ઘટે અથડાયેલાં હતાં. એકમાત્ર સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ સવા ટકો મજબૂત થયો છે. યુરોપ સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ રનિંગમાં પોણાથી એક ટકો અપ હતું. ઘરઆંગણે રિઝર્વ બૅન્કે રેપો રેટમાં નવો ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે, જેની ધારણા લગભગ પાકી હતી. આના કારણે બજારમાં હાલ કોઈ પ્રતિકૂળ અસર દેખાઈ નથી, આગળ જોવું રહ્યું. બજાર ગઈ કાલે આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં રહીને ૩૭૮ પૉઇન્ટની આગેકૂચમાં ૬૦,૬૬૪ નજીક તો નિફ્ટી ૧૫૦ પૉઇન્ટ ઊંચકાઈ ૧૭,૮૭૨ બંધ થયો છે. સેન્સેક્સના ૦.૬ ટકાના મુકાબલે નિફ્ટી ૦.૯ ટકા નજીક વધ્યો છે. બન્ને બજારોના મોટા ભાગના બેન્ચમાર્ક પ્લસમાં રહ્યા છે. બીએસઈ ખાતે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સાધારણ તો પાવર યુટિલિટી નામપૂરતા નરમ હતા. એનએસઈ ખાતે રિયલ્ટી, એફએમસીજી અને કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ નહીંવત્ નરમ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકો વધ્યો છે, પરંતુ નિફ્ટી મેટલમાં અદાણી એન્ટરની તેજીથી પોણાત્રણ ટકાનો જમ્પ આવ્યો છે. નિફ્ટી આઇટી પોણાબે ટકાથી વધુ તો બીએસઈનો આઇટી ઇન્ડેક્સ દોઢ ટકો અપ હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ સવા ટકો જેવો સુધર્યો છે. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૨૩૭ શૅર પ્લસ તો ૭૮૦ જાતો નરમ હતી. અર્થ સ્ટાહલ એલોય્ઝ ૧૦ના શૅરદીઠ ૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે બુધવારે લિસ્ટિંગમાં ૫૫ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮ નજીક બંધ થતાં ૪૪.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. 



રિલાયન્સ બે ટકા વધી બજારને સર્વાધિક લાભદાયી નીવડ્યો 


સેન્સેક્સના ૩૦માંથી ૨૫ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર વધ્યા છે. અદાણી એન્ટર ૨૦ ટકા કે ૩૬૧ની તેજીમાં ૨૧૬૪ તથા અદાણી પોર્ટ્સ ૮.૩ ટકા ઊંચકાઈ ૫૯૯ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ પર્ફોર્મર બન્યા છે. એચડીએફસી લાઇફ સવાપાંચ ટકા અને એસબીઆઇ લાઇફ પોણાત્રણ ટકાથી વધુ મજબૂત હતા. સેન્સેક્સમાં બજાજ ફાઇનૅન્સ ત્રણ ટકા વધી ૬૩૫૪ તથા અલ્ટ્રાટેક અઢી ટકા વધી ૭૨૪૭ના બંધમાં ટૉપ ગેઇનર હતા. રિલાયન્સ સરેરાશ કરતાં ૭૦ ટકાના કામકાજે બે ટકા ઊછળી ૨૩૫૨નો બંધ આપી બજારને સૌથી વધુ ૧૩૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ સવાબે ટકા, દીવીસ લૅબ બે ટકા નજીક, ઇન્ફી પોણાબે ટકા પ્લસ હતા. વિપ્રો, સનફાર્મા, યુપીએલ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નૉ, હિન્દાલ્કો, ટીસીએસ, ગ્રાસીમ, તાતા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ જેવી જાતો એકાદ ટકાથી માંડીને પોણાબે ટકા નજીક વધી હતી. 

લાર્સન દોઢ ટકો બગડી ૨૧૩૧ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતો. સારાં પરિણામ છતાં ભારતી ઍરટેલ સવા ટકાથી વધુની નરમાઈમાં ૭૭૫ થયો છે. આઇશર મોટર્સ ૧.૪ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૩ ટકા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો ડાઉન હતા. પર્લ ગ્લોબલ ઇન્ડ., કૃતિ ઇન્ડસ્ટ્રીઝ, ક્વૉલિટી આરઓ ઇન્ડ, કૅપ્ટન ટેક્નૉકાસ્ટ, ડીબી ઇન્ટરનૅશનલ સ્ટૉક બ્રોકિંગ વીસેક ટકાની ઉપલી સર્કિટમાં ગયા હતા. અદાણી એન્ટર ૧૯.૮ ટકા કે ૩૫૬ના ઉછાળે ૨૧૫૯ નજીકના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતો. પૅટડિયમ જ્વેલરી ખરાબી આગળ વધારતાં ૧૮ ટકા તૂટી ૨૧૧ નીચે ગયો છે. 


અદાણીના ૧૦માંથી ૬ શૅર પ્લસ, મૉનાર્ક સવાનવ ટકા ઊછળ્યો 

આઠ દિવસમાં ૯.૪૦ લાખ કરોડના ધોવાણ બાદ મંગળવારે પ્રથમ વાર અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૧૧,૪૯૬ કરોડનો સુધારો નોંધાયો હતો. બુધવારે એમાં ૪૮,૬૩૬ કરોડ રૂપિયાનો નવો ઉમેરો થયો છે. ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૬ શૅર વધ્યા છે. અંબુજા સિમેન્ટ લગભગ જૈસે-થે રહ્યો છે અને ત્રણ શૅર ઘટ્યા છે, જેમાંથી બે મંદીની સર્કિટ સાથે નવાં તળિયે ગયાં છે. અદાણી એન્ટર.ની ૧૯.૮ ટકાની તેજી સાથે આ શૅર ૨૧૫૯ બંધ થતાં શુક્રવારની ૧૦૧૭ની ઇન્ટ્રા-ડે બૉટમના મુકાબલે ભાવ ત્રણેક દિવસમાં જ ૧૧૨ ટકા ઊંચકાઈ ગયો છે. અદાણી પોર્ટ્સ ૮.૩ ટકાની મજબૂતી સાથે તેજીની હૅટ-ટ્રિકમાં ૫૯૯ થયો છે. અદાણી પાવરમાં ૯ દિવસની મંદીની સર્કિટ અટકી છે. ભાવ પાંચ ટકા વધી ઉપલી સર્કિટે ૧૮૨ થયો છે. અદાણી ટ્રાન્સ. પણ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૧૪ હતો. અદાણી વિલ્મર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૧૯ બંધ થયો છે. એનડીટીવી પાંચ ટકાની તેજીની સર્કિટે ૨૨૮ હતો સામે પાંચ-પાંચ ટકાની સર્કિટમાં અદાણી ગ્રીન ૮૦૧ તથા અદાણી ટોટલ ૧૩૯૪ના નવા તળિયે ગયા છે. એસીસી એક ટકો ઘટીને ૧૯૭૩ તો અંબુજા સિમેન્ટ ૩૮૪ના આગલા લેવલે યથાવત્ જેવો બંધ આવ્યો છે. અદાણી સાથે ઘરોબો ધરાવતી મોનાર્ક નેટવર્થ ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારીને સવાનવ ટકાના ઉછાળે ૨૫૧ નજીક પહોંચી છે. ક્વિન્ટ ડિજિટલ ૧૦૦ના આગલા લેવલે જૈસે-થે હતી. 

આ પણ વાંચો :  મેટલ અને એફએમસીજીના ભારમાં સેન્સેક્સ ૨૨૧ પૉઇન્ટ ડાઉન, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

૬૩ મૂન્સ વૉલ્યુમ સાથે દસેક ટકા ઊછળ્યો, આઇટી ફ્રન્ટ લાઇન જોરમાં 

નાસ્ડેક બે ટકા વધીને આવવાની સાથે અહીં આઇટી ટેક્નૉલૉજી શૅર ઝમકમાં જોવાયા છે. આંક ૪૫૪ પૉઇન્ટ કે દોઢ ટકા અપ હતો. ૬૦માંથી ૪૪ શૅર વધ્યા છે. ૬૩ મૂન્સ સરેરાશ કરતાં સવાછ ગણા કામકાજે ઉપરમાં ૨૦૭ વટાવી દસેક ટકાના જમ્પમાં ૧૯૫ થયો છે. ડીજીસ્પેસ ૧૧ ટકા, ડીલિન્ક ઇન્ડિયા નવેક ટકા, એલાઇડ ડિજિટલ સાડાછ ટકા, સોનાટા સૉફ્ટવેર ૫.૪ ટકા ઊંચકાયા હતા. ફ્રન્ટ લાઇનમાં ઇન્ફોસિસ પોણાબે ટકાના જમ્પમાં ૧૫૯૦ તથા ટીસીએસ ૧.૪ ટકા વધીને ૩૫૧૯ બંધ આવ્યા છે. ટેક મહિન્દ્ર એક ટકાની નજીક, વિપ્રો તેમ જ એચસીએલ ટેક્નૉ દોઢ ટકો અને લાટિમ ૧૨૧ રૂપિયા કે અઢી ટકા પ્લસ હતા. રેટગેઇન સવાત્રણ ટકા માઇનસ હતો. ભારતી ઍરટેલના ૧.૩ ટકાના ઘટાડા સાથે તેજસનેટ બે ટકા, ઑન મોબાઇલ સાડાત્રણ ટકા, તાતા ટેલી સાડાચાર ટકા કટ થયા છે, પણ રેલટેલ સાડાપાંચ ટકા અને એમટીએનએલ પોણાબે ટકા પ્લસ હતા. 

આગલા દિવસની ખરાબીને ભૂંસી નાખતાં મેટલ બેન્ચમાર્ક એક ટકો વધ્યો છે. જિંદલ સ્ટીલ ૪ ટકા વધી ૫૯૩ વટાવી ગયો છે. હિન્દાલ્કો, વેદાન્ત, નાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, સેઇલ દોઢથી અઢી ટકા મજબૂત હતા. તાતા સ્ટીલ નામજોગ સુધારામાં ૧૧૧ ઉપર બંધ હતો. હિન્દુસ્તાન ઝિન્ક પોણો ટકો નરમ તો હિન્દુસ્તાન કોપર સવાબે ટકા ઊંચકાઈ ૧૦૮ બંધ હતા. ઑટો સેગમેન્ટમાં તાતા મોટર્સ એક ટકો, મારુતિ પોણો ટકો અને મહિન્દ્ર અડધો ટકો સુધર્યા છે. હીરો મોટોકૉર્પ તથા આઇશર દોઢ ટકો રિવર્સમાં ગયા છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૫૮ શૅરના સથવારે ૨૬૭ પૉઇન્ટ કે સવા ટકો વધ્યો છે. સુપ્રિયા લાઇફ, ઓરોબિંદો ફાર્મા, યુનિકેમ લૅબ, ગુજરાત થેમિસ, શેલ્બી, અલ્કેમ, લિંકન ફાર્મા, જીએસકે ફાર્મા, લુપિન, એસ્ટ્રાઝેનેકા જેવાં કાઉન્ટર ત્રણથી સવાસાત ટકા તંદુરસ્ત બન્યાં છે. 

બૅન્કિંગમાં સાઇડ કાઉન્ટર્સ ડિમાન્ડમાં, પેટીએમમાં ૧૫ ટકાનો જમ્પ આવ્યો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅર પ્લસમાં આપીને ૪૭ પૉઇન્ટ જેવો નહીંવત્ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારામાં ૦.૪ ટકા જેવો સાધારણ વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૧ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. યુકો બૅન્ક સવાચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ત્રણ ટકા, આઇઓબી ૨.૯ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૨.૭ ટકા, આરબીએલ બૅન્ક બે ટકા, ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક ત્રણ ટકાથી વધુની તેજીમાં રહ્યા છે. ઉજ્જીવન બૅન્ક પોણાપાંચ ટકા તૂટ્યો હતો. સ્ટેટ બૅન્ક અડધો ટકો અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો વધ્યા છે. કોટક બૅન્ક ૦.૬ ટકા માઇનસ હતી. એચડીએફસી બૅન્ક ૧૬૫૩ના લેવલે ફ્લેટ હતો. ઍક્સિસ બૅન્ક પોણો ટકો કટ થઈ છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૮૯ શૅરના સથવારે અડધા ટકાથી વધુ પ્લસ હતો. પેટીએમ ૧૫ ટકાના ઉછાળે ૬૭૭ વટાવી ગયો છે. પૈસાલો ડિજિટલ પોણાઆઠ ટકા, પૉલિસી બાઝાર પોણાસાત ટકા, ક્રેડિટ એક્સેસ છ ટકા, મેક્સ ફાઇ. સર્વિસિસ પોણાછ ટકા, એચડીએફસી લાઇફ સવાપાંચ ટકા, રેપ્કો હોમ પોણાપાંચ ટકા, બીએનબી હાઉસિંગ અને બીએફ ઇન્વેસ્ટમેન્ટ સાડાચાર ટકાની તેજીમાં બંધ હતા. લાર્સન ફાઇ. ૪ ટકા ઊંચકાઈ ૯૩ થયો છે. એલઆઇસી એક ટકાના સુધારામાં ૬૧૦ હતો. નાયકા સવાપાંચ ટકા ઊછળી ૧૪૬ થયો છે. ઝોમૅટોનાં પરિણામ ૯મીએ છે. શૅર ૪ ગણા વૉલ્યુમે સાડાનવ ટકાના જમ્પમાં ૫૪ વટાવી ગયો છે.  

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 02:02 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK