એમઆરએફ, અપોલો ટાયર્સ, જેકે ટાયર્સમાં તગડો જમ્પ : રિલાયન્સના ટેકા વગર ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા ઊંચકાયોઃ ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ નવું શિખર બનાવીને નવ ટકા મજબૂત, શૅર વિભાજનના નિર્ણયમાં આઇઆરબી ઇન્ફ્રા પોણાચાર ટકા ડાઉન
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નિફ્ટીના ૦.૨ ટકાની સામે સેન્સેક્સમાં અડધા ટકાની નબળાઈ, શૅરઆંક ઘટવા છતાં માર્કેટ કૅપમાં વધારો થયો : બૅન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટીના ચલણી શૅરોની નબળાઈ સમગ્ર બજારને ભારે પડી : ડીલિસ્ટિંગ નામંજૂર થતાં બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં, બજાજ ટ્વિન્સ લથડતાં સેન્સેક્સને ૧૫૩ પૉઇન્ટની હાનિ : એમઆરએફ, અપોલો ટાયર્સ, જેકે ટાયર્સમાં તગડો જમ્પ : રિલાયન્સના ટેકા વગર ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા ઊંચકાયોઃ ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ નવું શિખર બનાવીને નવ ટકા મજબૂત, શૅર વિભાજનના નિર્ણયમાં આઇઆરબી ઇન્ફ્રા પોણાચાર ટકા ડાઉન
ભારતીય શૅરબજારે વિશ્વ બજારોથી વિપરીત મૂડમાં ગુરુવારે પણ નરમાઈ આગળ ધપાવી છે. સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ અને નિફ્ટી ૫૧ પૉઇન્ટ માઇનસ થયા છે. ટકાવારી રીતે નિફ્ટીના મુકાબલે સેન્સેક્સ બમણો ઘટ્યો છે. બીજું, માર્કેટ બ્રેડ્થ બીએસઈ ખાતે રસાકસીમાં તો એનએસઈ ખાતે કમજોર દેખાઈ છે. બજારોના બહુમતી બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં હતા, પરંતુ બૅન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટી જેવા વેઇટેજવાળા સેક્ટોરલની નરમાઈ સમગ્ર બજાર ઉપર હાવી રહી છે. ત્રીજી વાત સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ ઘટવા છતાં માર્કેટ કેપ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા વધ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે એશિયા ખાતે હૉન્ગકૉન્ગ, ચાઇના તથા સિંગાપોર એકથી દોઢ ટકો અને તાઇવાન પોણો ટકો પ્લસ હતા. સાઉથ કોરિયા તેમ જ જપાન પણ સાધારણ સુધારે બંધ હતા. સામે ઇન્ડોનેશિયા સવાબે ટકાથી વધુ તથા થાઇલૅન્ડ અડધો ટકો માઇનસ હતા. યુરોપ ખાતે લંડનબજાર રનિંગમાં સામાન્ય સુધારે હૅટ-ટ્રિકના મૂડમાં જણાતું હતું, જ્યારે અન્ય બજારો ત્રણ દિવસની આગેકૂચ બાદ નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતાં. બ્રેન્ટક્રૂડ ૭૮ ડૉલરના વર્ષના તળિયે ગયા પછી સવાબે ટકાના પ્રત્યાઘાતી સુધારામાં ૭૯.૫૦ ડૉલર ઉપર ચાલતું દેખાયું છે.
સેન્સેક્સ ૧૯૦ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલ્યા પછી તરત કુલ ૨૨૦ પૉઇન્ટ વધી ૬૦,૮૭૭ થયો ત્યારે ગુરુવારે પૉઝિટિવ વલણ સાથે વિદાય લેવાની આશા પ્રબળ જણાતી હતી. જોકે અતિ પ્રારંભિક આ સુધારો અલ્પજીવી હતો. બજાર ઘસાતું રહી નીચામાં ૬૦,૦૫૦ અંદર આવી ગયું હતું. આ વેળાનાં કંપની પરિણામ સારાં રહેવાનાં વરતારા છે. રિઝલ્ટની મોસમ શરૂ થવાની તૈયારી છે છતાં બજારમાં જે મક્કમતા દેખાવી જોઈએ એ દેખાતી નથી. વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ પણ આવી રહ્યું છે. બજાર ટૂંકમાં વધઘટે એકતરફી ચાલ પકડશે એમ લાગે છે.
બજાજ ટ્વિન્સ બજારને ૧૫૩ પૉઇન્ટ નડ્યા, ટીવીએસ ઇલે.ની આગેકૂચ જારી
સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ ગુરુવારે ઘટ્યા છે. બજાજ ફાઇ. સવાસાત ટકા અને બજાજ ફિનસર્વ પાંચ ટકાથી વધુના ધોવાણમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૫૩ પૉઇન્ટ નડ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાબે ટકા બગડતાં બજારને સર્વાધિક ૧૨૨ પૉઇન્ટનો માર પડ્યો હતો. અન્યમાં ઇન્ફી, પાવર ગ્રીડ, ટાઇટન, એક્સિસ બૅન્ક એકથી સવા ટકો માઇનસ હતા. સિપ્લા સવાબે ટકાના જમ્પમાં ૧૦૯૦ તથા બજાજ ઑટો ૨.૧ ટકા ઊંચકાઈ ૩૬૨૮ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતા. આઇટીસી બે ટકા નજીકની મજબૂતીમાં ૩૩૩ બંધ રહી સેન્સેક્સ ખાતે મોખરે જોવાયો છે. એનટીપીસી, હિન્દુ. યુનિલીવર, મહિન્દ્રા, નેસ્લે, જેએસડબ્લ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, હીરો મોટોકૉર્પ, ભારત પેટ્રો, એચડીએફસી લાઇફ, આઇશર, મહિન્દ્રા સવાથી પોણાબે ટકાની આસપાસ વધ્યા છે. રિલાયન્સ સાડાચાર રૂપિયાના પરચૂરણ ઘટાડામાં ૨૫૧૩ રહ્યો છે. અદાણી ગ્રુપ ખાતે અદાણી ટોટલ ૧૫૪ રૂપિયા કે સાડાચાર ટકા, અદાણી ટ્રાન્સ સવાબે ટકા, એસીસી સવા ટકો, અંબુજા સિમેન્ટ એક ટકો અપ હતા. એનડીટીવી ત્રણ ટકા અને અદાણી વિલ્મર પોણાબે ટકા કટ થયા હતા. આગલા દિવસે ૨૦ ટકાનો ઉછાળો બનાવનારી ટીવીએસ ઇલેક્ટ્રૉ ૪૧૯ની નવી ટોચે જઈ નવ ટકા વધી ૩૮૩ વટાવી ગઈ છે. સ્નેઇડર ઇલે. સાડાઆઠ ટકા, એન્જિનિયર્સ ઇન્ડિયા સાડાસાત ટકા અને જેકે ટાયર્સ પોણાસાત ટકાના ઉછાળે એ-ગ્રુપ ખાતે ઝળક્યા હતા. આઇઆરબી ઇન્ફ્રામાં ૧૦ના શૅરનું એકમાં વિભાજન નક્કી થયું છે. શૅર પોણાચાર ટકાની ખરાબીમાં ૩૦૮ની અંદર બંધ આવ્યો છે.
વાડીલાલ ઇન્ડ. ઉપલી સર્કિટે નવી ટોચે, એમઆરએફમાં ૩૨૮૪ રૂપિયાની તેજી
ગુરુવારે નિફ્ટી એમએફસીજી ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો છે. નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર તથા ઑટો બેન્ચમાર્ક એક ટકો અપ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૨ ટકા સુધર્યો છે. બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક પોણો ટકો પ્લસ હતો. અહીં ૯૬ માંથી ૪૩ શૅર સુધર્યા હતા. સિપ્લા, વિન્ડલાસ બાયો, એફડીસી, ઝાયડસ લાઇફ, કીમ્સ, જગસનપાલ બેથી પોણાત્રણ ટકા વધ્યા છે. સનફાર્મા, લુપિન, ગ્લેન માર્ક, ડૉ. રેડ્ડીઝ લૅબ, ફોર્ટિસ હેલ્થકૅર, લૌરસ લૅબ, એચસીજી જેવાં કાઉન્ટર એકથી દોઢેક ટકો અપ હતાં. થેમિસ મેડી ૫.૫ ટકા ગગડી ૧૨૯૦ હતો, એફએમસીજી સ્પેસમાં વાડીલાલ ઇન્ડ. ૯.૪ ટકા કે ૨૫૪ રૂપિયાની તેજીમાં ૨૯૭૨ની નવી ટોચે બંધ આવ્યો છે. આઇટીસી, હિન્દુ યુનિલીવર, બ્રિટાનિયા, નેસ્લે, ડાબર, મારિકો, કૉલગેટ જેવા ચલણી શૅર બે ટકા સુધી વધીને બંધ થયા છે.
ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅર પ્લસમાં આપી ૧.૧ ટકા વધ્યો છે. એમઆરએફ ૯૧,૮૮૮ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ૩.૭ ટકા કે ૩૨૮૪ રૂપિયાના જમ્પમાં ૯૧,૨૧૬ થયો છે. અપોલો ટાયર્સ ૫.૫ ટકા, સિએટ ૩.૩ ટકા અને બાલક્રિશ્ના ઇન્ડ. ૨.૬ ટકા પ્લસ હતા. હીરો મોટોકૉર્પ બે ટકા, બજાજ ઑટો ૨.૧ ટકા, અશોક લેલૅન્ડ ૧.૭ ટકા, મહિન્દ્રા સવા ટકો, આઇશર ૧.૨ ટકા મજબૂત હતા. તાતા મોટર્સ સાધારણ તથા મારુતિ અડધો ટકો સુધર્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સને અદાણી ટોટલની ૪.૪ ટકાની તેજી વિશેષ ફળી હતી. ગુજરાત ગૅસ ગેઇલ, હિન્દુ. પેટ્રો, પેટ્રોનેટ એલએનજી, ભારત પેટ્રો, આઇઓસી સવાથી અઢી ટકા મજબૂત હતા.
બજાજ ફાઇ. સવાસાત ટકા અને બજાજ ફિનસર્વ પાંચ ટકાથી વધુ બગડ્યા
બજાજ ફાઇનૅન્સની એયુએમ (ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ) ડિસે. ક્વૉર્ટરમાં ૨૭ ટકા વધીને ૨.૩૦ લાખ કરોડને વટાવી ગઈ હોવા છતાં આ વધારો અપૂરતો લાગતાં બજાર દુભાયું છે. શૅર ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમ સાથે નીચામાં ૬૦૩૨ બતાવી ૭.૨ ટકા કે ૪૭૪ રૂપિયા લથડી ૬૧૦૦ બંધ થયો છે. એની સાથે-સાથે બજાજ ફિનસર્વ પણ બમણા કામકાજે નીચામાં ૧૪૫૫ થઈ પાંચ ટકા તૂટી ૧૪૬૮ રહ્યો છે. વધુમાં સ્વૈચ્છિક ડીલિસ્ટિંગની યોજના બોર્ડ મીટિંગમાં નામંજૂર થતાં બીએફ ઇન્વેસ્ટમેન્ટ ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૧૪ નીચે જઈ ત્યાં જ બંધ થયો છે. ઉજજીવન ફાઇનૅન્સ ૨.૪ ટકા ગગડ્યો છે. આ બધા પાછળ માનસ ખરડાતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ગઈ કાલે એક ટકા કટ થયો હતો. એના ૧૩૭માંથી ૭૫ શૅર ડાઉન હતા. ઇન્ડો સ્ટાર ૩.૬ ટકા વધી ૧૬૮ હતો. મહિન્દ્રા ફાઇનૅન્સને થર્ડપાર્ટી આઉટસોર્સિંગ દ્વારા લોન રિકવરી કરવાની રિઝર્વ બૅન્કે ફરી મંજૂરી આપતાં શૅર બમણા વૉલ્યુમે ૨૪૧ થઈ અડધા ટકાના સુધારે ૨૩૬ હતા. આ કંપની અગાઉ ભાડૂતી ગુંડા રોકી રિકવરી કરવાના વિવાદમાં ફસાઈ જતાં રિઝર્વ બૅન્કે લોન રિકવરીમાં આઉટ સોર્સિંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પૉલિસીબાઝાર વૉલ્યુમે ૨.૭ ટકા વધી ૪૬૫, પેટીએમ સહેજ સુધારામાં ૫૪૧ તથા એલઆઇસી ૦.૪ ટકા ઘટીને ૭૨૮ બંધ હતી, જ્યારે ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ બે ટકા તો જનરલ ઇન્શ્યૉરન્સ ત્રણ ટકા ઘટ્યા છે. એચડીએફસી લાઇફ પોણાબે ટકા વધી ૬૦૯, એસબીઆઇ લાઇફ પોણો ટકો વધીને ૧૨૬૮ તો આઇસીઆઇસીઆઇ પ્રુ લાઇફ ૦.૭ ટકાના સુધારામાં ૪૭૨ હતા. મેક્સ ફાઇ. સર્વિસિસ બમણા કામકાજે ત્રણ ટકા ઊંચકાઈ ૭૩૫ બંધ થયો છે.
ખાનગી બૅન્કો પાછળ બૅન્કિંગ નરમ, ઇન્ફોસિસની નરમાઈ આગળ વધી
બૅન્કિંગમાં નરમાઈ આગળ વધી છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના ઘટાડે ૩૫૦ પૉઇન્ટ કે ૦.૮ ટકા તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરની નબળાઈમાં સહેજ વધ્યો છે. બૅન્કિંગ-ઉદ્યોગના ૩૭માંથી ૧૯ શૅર નરમ હતા. ફિનો પેમેન્ટ બૅન્ક સવાત્રણ ટકા, આરબીએલ બૅન્ક ૩.૫ ટકા, ડીસીબી બૅન્ક અઢી ટકા પ્લસ હતા. સામે સૂર્યોદય બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક એકથી બે ટકા કટ થયા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૨ ટકા બગડી ૮૭૯ હતી. એક્સિસ બૅન્ક એક ટકા, ઇન્ડ્સ બૅન્ક અડધો ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૭ ટકા માઇનસ થયા છે. સ્ટેટ બૅન્ક ૬૦૫ ઉપર ફ્લૅટ હતી. કોટક બૅન્ક નજીવી વધી છે.
ઍમેઝૉન દ્વારા ૧૮૦૦૦ લોકોની છટણીના નવા અહેવાલથી આઇટી ટેક્નૉલૉજી શૅરોમાં નેગેટિવ અસર જોવા મળી છે. નિફ્ટી આઇટી આંક ૧૦માંથી ૭ શૅરના ઘટાડે અડધો ટકો તો બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૭ શૅરની નરમાઈમાં ૧૭૫ પૉઇન્ટ ઢીલો થયો છે. જેના પરિણામ ૧૨મીએ છે એ ઇન્ફી આગલા દિવસની પોણાબે ટકાની ખરાબી બાદ ગઈ કાલે સવા ટકો ખરડાઈ ૧૪૭૫ હતો. ટીસીએસ નહીંવત્ ઘટાડામાં ૩૩૧૦ થયો છે. એનાં રિઝલ્ટ ૯મીએ છે. ટેક મહિન્દ્રા એક ટકા, વિપ્રો પોણો ટકા, લાટિમ અડધો ટકો, તાતા એલેક્સી ૧.૧ ટકા, લાર્સન ટૅક્નો ૨.૨ ટકા માઇનસ હતા. એચસીએલ ટૅક્નો પોણો ટકો પ્લસ રહ્યો છે. ઓરિઅન પ્રો ૩.૭ ટકા મજબૂત હતો. સુબેક્સ સવાચાર ટકા ઊંચકાઈ બેસ્ટ ગેઇનર બન્યો છે. બાય ધ વે, ગઈ કાલે બૅન્કિંગમાં તામિલનાડુ મર્કેન્ટાઇલ, સીએસબી બૅન્ક, બૅન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બૅન્ક લગભગ યથાવત્ બંધ રહ્યા છે.