Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર ૭૨૧ પૉઇન્ટ બાઉન્સબૅક, ફાર્મા-હેલ્થકૅર સિવાય તમામ સેક્ટોરલ નોંધપાત્ર સુધર્યા

બજાર ૭૨૧ પૉઇન્ટ બાઉન્સબૅક, ફાર્મા-હેલ્થકૅર સિવાય તમામ સેક્ટોરલ નોંધપાત્ર સુધર્યા

Published : 27 December, 2022 02:37 PM | Modified : 27 December, 2022 03:33 PM | IST | Mumbai
Anil Patel

સેન્ચુરી ટેક્સટાઇલ્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, બીએસઈ, આલોક ઇન્ડ. જેવી જાતો નવા ઐતિહાસિક તળિયે જઈને બાઉન્સબૅક થઈ : માર્કેટ કૅપ ૫.૭૪ લાખ કરોડ વધ્યું 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


માર્કેટ બ્રેડ્થ ટનાટન બની, એનએસઈ ખાતે એક શૅર ઘટ્યો સામે છ જાતો વધીને બંધ : અદાણીના દસેદસ શૅર જોરમાં, રિલાયન્સ માર્કેટ અન્ડર પર્ફોર્મર રહ્યો : સરકારી બૅન્કો બમણા જોરથી વધી, પીએસયુ બૅન્ક નિફ્ટીમાં સવાસાત ટકાનો જમ્પ : આઇટીમાં ફ્રન્ટલાઇનની સુસ્તી વચ્ચે સાઇડ કાઉન્ટર્સ ખાસ્સાં મજબૂત, તાતા ઍલેક્સી ૪૧૯ રૂપિયા ઊંચકાયો : સેન્ચુરી ટેક્સટાઇલ્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, બીએસઈ, આલોક ઇન્ડ. જેવી જાતો નવા ઐતિહાસિક તળિયે જઈને બાઉન્સબૅક થઈ : માર્કેટ કૅપ ૫.૭૪ લાખ કરોડ વધ્યું 


ચાર દિવસ મંદીવાળાની ચાકરી કર્યા પછી શૅરબજાર સોમવારે ૭૨૧ પૉઇન્ટ વધી ૬૦,૫૬૬ તથા નિફ્ટી ૨૦૮ પૉઇન્ટના પ્રત્યાઘાતી સુધારામાં ૧૮,૦૧૪ ઉપર બંધ આવ્યા છે. બજારે મામૂલી માઇનસમાં ખૂલ્યા પછી તરત જ પૉઝિટિવ ઝોન પકડી લીધો હતો અને આખો દિવસ ક્રમશ: મજબૂત રહ્યું હતું. શૅર આંક ખૂલતાની સાથે ૫૯,૭૫૪ના તળિયે ગયો હતો, ત્યાંથી ઉપરમાં ૬૦,૮૧૪ નજીકની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી હતી. એશિયા ખાતે સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ રજામાં હતા. જપાન, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, ચાઇના અડધા ટકાની આસપાસ પ્લસ હતા. અન્યત્ર સુધારો ઘણો નાનો હતો. યુરોપ નાતાલની રજામાં ગયું છે. ગઈ કાલે ઘરઆંગણે રોકડું અને બ્રૉડર માર્કેટ ખાસ્સું સ્ટ્રોન્ગ થયું છે. બીએસઈનો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ કે ૮૫૪ પૉઇન્ટ ઊંચકાયો છે. અત્રે ૯૫૩માંથી ૮૭૦ શૅર વધ્યા હતા. બ્રૉડર માર્કેટનો બેન્ચમાર્ક ૫૦૧માંથી ૪૩૮ જાતોના સથવારે ૧.૭ ટકા વધ્યો છે. રોકડાની હૂંફને લઈ માર્કેટ બ્રેડ્થમાં જબરી પૉઝિટિવિટી દેખાઈ છે.



એનએસઈમાં ઘટેલા ૨૯૫ શૅરની સામે ૧૭૭૧ જાતો વધીને બંધ આવી છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૧ ટકાના સુધારાની સામે નિફ્ટી ફાર્મા પોણો ટકો અને બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન હતા. અન્ય તમામ ઇન્ડાઇસિસ પ્લસમાં ગયા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સવાસાત ટકા ઊછળ્યો છે. પાવર, યુટિલિટીઝ, રિયલ્ટી, મેટલ, નિફ્ટી મીડિયા, બૅન્ક નિફ્ટી, ટેલિકૉમ, ફાઇનૅન્સ જેવા બેન્ચમાર્ક બે ટકાથી માંડીને સાડાત્રણ ટકાની નજીક વધીને બંધ થયા છે. પીએસયુ ઇન્ડેક્સ સવાત્રણ ટકા મજબૂત હતો. અત્રે ભારત પેટ્રોલિયમની નજીવી નરમાઈને બાદ કરતાં બાકીના ૫૪ શૅર પ્લસ હતા. ગઈ કાલે ભાવની રીતે બીએસઈ ખાતે ૫૫ શૅર નવા ઐતિહાસિક લેવલે ગયા હતા, સામે ૨૧૨ જાતોમાં નવાં નીચાં તળિયાં બન્યાં છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૫.૭૪ લાખ કરોડ જેવું વધીને ૨૭૭.૮૭ લાખ કરોડ થયું છે.


સ્ટેટ બૅન્ક તથા ઇન્ડ્સઇન્ડ બૅન્ક ચાર ટકા વધીને ટૉપ ગેઇનર રહ્યા

સેન્સેક્સના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૪૦ શૅર સુધર્યા છે. સ્ટેટ બૅન્ક ચાર ટકા પ્લસની તેજીમાં ૫૯૭ના બંધમાં નિફ્ટી ખાતે તો ઇન્ડ્સઇન્ડ બૅન્ક ચાર ટકાના જમ્પમાં ૧૧૯૩ બંધ આપી સેન્સેક્સ ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યા છે. અન્યમાં હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, તાતા સ્ટીલ, ઍક્સિસ બૅન્ક, આઇટીસી, અલ્ટ્રાટેક, હીરો મોટોકૉર્પ, એચડીએફસી બૅન્ક બે ટકાથી માંડીને ત્રણ ટકા મજબૂત હતા. સામે પક્ષે સિપ્લા ૧.૯ ટકા, દીવીસ લૅબ ૧.૮ ટકા અને ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા બગડી નિફ્ટીમાં ઘટેલા શૅરોમાં મોખરે જોવાયા છે. નેસ્લે સવા ટકાની નરમાઈમાં ૧૯,૮૯૬નો બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. કોટક મહિન્દ્રા બૅન્ક અડધો ટકો કટ થઈ છે. 


રિલાયન્સ ૨૩ રૂપિયા કે એક ટકાની નજીકના સુધારામાં ૨૫૨૪ હતો. અદાણી એન્ટર બે ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી પાવર પાંચ ટકાની તેજીની સર્કિટમાં, અદાણી ટ્રાન્સમિશન સાડાઆઠ ટકા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી ટોટલ અઢી ટકા નજીક, અદાણી વિલ્મર પાંચ ટકાની તેજીની સર્કિટમાં, એસીસી અઢી ટકા તથા અંબુજા સિમેન્ટ્સ પોણાપાંચ ટકા ઊંચકાયા છે. રૉય દંપતીએ તેમનો મોટા ભાગનો હિસ્સો અદાણીને વેચવાનું નક્કી કરી લેતાં એનડીટીવી ઉપરમાં ૩૫૭ વટાવ્યા બાદ પોણો ટકો વધીને ૩૪૩ બંધ થયો છે. રિલાયન્સ ગ્રુપ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઠ ગણા વૉલ્યુમમાં પોણાઆઠેક ટકા ઊછળી ૮૭૧ થઈ છે. નેટવર્ક૧૮ તથા ટીવી૧૮ પાંચ-પાંચ ટકા જેવા મજબૂત હતા. ડેન નેટવર્ક ૫.૪ ટકા, હેથવે કૅબલ ૪.૭ ટકા અને સ્ટર્લિંગ-વિલ્સન ૨.૬ ટકા વધ્યા છે. મુકેશ મિત્ર આનંદ જૈનની જય કૉર્પ દોઢા કામકાજે ૭.૧ ટકાના જમ્પમાં ૧૩૯ થઈ છે. 

બૅન્ક નિફ્ટી ૯૬૨ પૉઇન્ટ જોરમાં, બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૩૫ શૅર વધીને બંધ 

ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરના સથવારે સવાબે ટકા કે ૯૬૨ પૉઇન્ટના ઉછાળે ૪૨,૬૩૦ વટાવી ગયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપીને ૭.૩ ટકા ઊછળ્યો છે. જેકે બૅન્ક અને આઇઓબી ૧૯.૮ ટકાની તેજી સાથે જબરા જોરમાં હતા. કોટક બૅન્ક અડધો ટકો તથા તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્ક સામાન્ય નરમાઈમાં બંધ હતા. બાકીના ૩૫ બૅન્ક શૅર વધ્યા છે. કર્ણાટકા બૅન્ક, યસ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૦થી ૧૪ ટકાના જમ્પમાં જોવાયા છે. યુનિયન બૅન્ક ૧૮.૯ ટકાની તેજીમાં ૮૦ ઉપર ગઈ હતી. ઇન્ડિયન બૅન્ક, પીએનબી, યુકો બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, આરબીએલ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, આઇડીબીઆઇ, ફેડરલ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક સાડાપાંચથી પોણાનવા ટકા મજબૂત હતી. એચડીએફસી બૅન્ક ૧.૯ ટકા વધી ૧૬૨૮ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૧૧૮ પૉઇન્ટ ફળી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકા વધી ૮૯૨ તથા સ્ટેટ બૅન્ક ચારેક ટકા ઊછળી ૫૯૭ બંધ થતાં એમાં બીજા અનુક્રમે ૮૧ અને ૭૫ પૉઇન્ટ ઉમેરાયા હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૧૩૪ શૅરની હૂંફમાં ૨.૨ ટકા વધ્યો છે. પૂનાવાલા ફિનકૉર્પ ૧૪ ટકા, નાહર કૅપિટલ ૧૦.૫ ટકા, મોનાર્ક ૯.૯ ટકા, ઇન્ફિબીમ સવાનવ ટકા, આઇઆરએફસી પોણાનવ ટકા, રેલટેલ સવાપાંચ ટકા, હૂડકો ૮.૭ ટકા, જીઆઇસી હાઉસિંગ આઠ ટકા, આઇઆઇએફએલ પોણાઆઠ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૭.૪ ટકા પ્લસ હતા. એલઆઇસી ૪.૪ ટકા ઊંચકાઈ ૬૮૮, પૉલિસી બાઝાર ૩.૫ ટકા વધી ૪૫૪, પેટીએમ પોણાછ ટકાની મજબૂતીમાં ૫૦૪, નાયકા ચાર ટકા વધીને ૧૫૦ ઉપર બંધ થયા છે. ઝોમૅટો સાડાઆઠ ટકાની તેજીમાં ૫૮ વટાવી ગયો છે. 

આઇટીમાં ફ્રન્ટલાઇનના ધીમા સુધારા વચ્ચે સાઇડ કાઉન્ટર્સમાં મજબૂતી

આઇટી બેન્ચમાર્ક એક ટકો વધ્યો છે, પરંતુ એના ૬૦માંથી ૫૮ શૅર પ્લસ હતા તથા દોઢ ડઝન જાતો તો ૬થી પોણાતેર ટકા ઊંચકાઈ હતી. ફ્રન્ટલાઇન ધીમા સુધારામાં હતું. ટીસીએસ અને વિપ્રો પોણો ટકો, ઇન્ફી સાધારણ, ટેક મહિન્દ્ર અડધો ટકો વધ્યા હતા. એચસીએલ ટેક્નો ફલૅટ હતો. લાટીમ બે ટકા વધીને ૪૩૫૦ થઈ છે. પર્સિસ્ટન્ટ અડધો ટકો અને માસ્ટેક સામાન્ય નરમ હતા. તાતા ઍલેક્સી સવાસાત ટકા કે ૪૧૮ રૂપિયાની તેજીમાં ૬૨૫૬ વટાવી ગઈ છે. નેલ્કો આઠ ટકા, ઓરિઅન-પ્રો નવ ટકા, ઑનવર્ડ ટેક્નો ૮.૩ ટકા, બ્રાઇટકોમ સાડાસાત ટકા, ડીલિન્ક ઇન્ડિયા ૫.૮ ટકા, લેટેન્ટ વ્યૂ સાડાપાંચ ટકા, બિરલા સૉફ્ટ સાડાચાર ટકા વધ્યા છે. ઑટો બેન્ચમાર્ક સવા ટકો વધ્યો છે. મારુતિ, આઇશર, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ, અશોક લેલૅન્ડ સવાથી અઢી ટકા અપ હતા. મેટલ ઇન્ડેક્સ દસેદસ શૅરના સુધારામાં સવાબે ટકા વધ્યો છે. વેદાન્ત પોણાચાર ટકા, નાલ્કો ત્રણેક ટકા, હિન્દાલ્કો ૨.૯ ટકા, તાતા સ્ટીલ પોણાત્રણ ટકા, સેઇલ ૨.૬ ટકા મજબૂત હતા. યુટિલિટી અને પાવર ઇન્ડેક્સ અનુક્રમે ૩.૪ ટકા અને ૩.૨ ટકા વધ્યા છે. અત્રે એક માત્ર ગુજ. ઇન્ડ. પાવર અઢી ટકા કટ થયો હતો. બાકીની તમામ જાતો પ્લસ થઈ છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા કે ૬૦૧ પૉઇન્ટ વધ્યો છે. અહીં ૨૪માંથી કેવળ બે શૅર ઘટ્યા છે. લાર્સન સવા ટકો, ભેલ ૩.૯ ટકા, બેલ ત્રણ ટકા, ભારતી ફોર્જ ચાર ટકા, સિમેન્સ ૧.૭ ટકા વધ્યા છે. 

બીએસઈ તથા આઇઈએક્સ વર્ષના તળિયે જઈ સુધારામાં બંધ થયા

સિક્યૉર ક્રેડેન્શિયલ એક શૅરદીઠ ત્રણ બોનસમાં સોમવારે એક્સ બોનસ થતાં અઢી ટકા વધી ૧૦૯ બંધ આવી છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. કંપનીએ આ અગાઉ એપ્રિલ ૨૦૨૨માં ૧૦૦ શૅરદીઠ ૧૧૦ના પ્રમાણમાં બોનસ આપ્યું હતું. અમદાવાદી અદ્વૈત ઇન્ફ્રાટેક શૅરદીઠ એક બોનસમાં બુધવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ૩.૭ ટકા વધી ૬૦૯ બંધ થયો છે. વર્ષ પૂર્વે ૭૫ના તળિયે રહેલો આ શૅર ૧૫ નવેમ્બરે ૭૨૦ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ફિલા ટૅક્સ ઇન્ડિયા બેના શૅરના એકમાં વિભાજનમાં ૨૭મીએ એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ૪.૮ ટકા વધી ૮૯ બંધ થયો છે. રાજપલાયસ મિલ્સ તરફથી ૧૪ શૅરદીઠ એકના ધોરણે શૅરદીઠ ૫૬૯ના ભાવે રાઇટ જાહેર થયેલો છે. કંપની ૩૦ ડિસેમ્બરે એક્સ રાઇટ થવાની છે. શૅર સોમવારે ચાર ટકા વધી ૭૩૪ બંધ હતો. 

રિલાયન્સ જેમાં સહપ્રમોટર્સ છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝ સવાચૌદનું ઐતિહાસિક બૉટમ બનાવીને પાંચ ટકાની ઉપલી સર્કિટે સાડાપંદર થયો છે. સેન્ચુરી ટેક્સટાઇલ્સ ૬૬૧ નીચે વર્ષની નીચી સપાટી દેખાડી ૪.૪ ટકાના બાઉન્સબૅકમાં ૭૦૪ બંધ હતો. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૧૨૯ના વર્સ્ટ બૉટમ બાદ પાંચેક ટકાના ઉછાળે ૧૩૬ દેખાયો છે. એમસીએક્સ દોઢ ટકાના સુધારે ૧૫૬૭ રહી છે. બીએસઈ લિમિટેડ ૫૨૧ની વર્ષની નીચી સપાટીએ જઈ દોઢ ટકાના સુધારામાં ૫૩૪ થઈ છે. ક્વિન્ટ ડિજિટલ એક્સ રાઇટ થયા પછી નીચી સપાટીએ જઈ અડધો ટકો ઘટી ૧૪૮ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 03:33 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK