એલઆઇસી, પેટીએમ, નાયકા, ઝાેમૅટો, સ્ટાર હેલ્થ રેડ ઝોનમાં, સિટી યુનિયન બૅન્ક ખરાબી પછી સુધર્યો : રિલાયન્સે બજારને ૧૬૬ પૉઇન્ટ આપ્યા : ઈકેઆઇ એનર્જી વધુ ૨૦ ટકા તૂટ્યો
માર્કેટ મૂડ
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
અમેરિકન ડાઉ એક ટકો અને નૅસ્ડેક દોઢ ટકો વધીને બંધ આવ્યા પછી મંગળવારે એશિયન બજારો સાધારણ વધઘટે મિશ્ર વલણમાં રહ્યાં છે. જૅપનીઝ નિક્કેઇ, તાઇવાનીઝ ટ્વેસી, સાઉથ કોરિયન કોસ્પી તથા ઇન્ડોનેશિયન માર્કેટ અડધો-પોણો ટકાની વચ્ચે પ્લસ હતા. થાઇલૅન્ડ પોણો ટકો ઘટ્યું છે. હૉન્ગકૉન્ગ સામાન્ય નરમ તો ચાઇના સાધારણ પ્લસ હતું. યુરોપ પણ રનિંગમાં સાધારણથી માંડીને અડધા ટકા સુધી ઉપર દેખાયું છે. આ બધાની સામે ઘરઆંગણે કંઈક જુદો જ રંગ હતો. બજાર સાધારણ પ્લસમાં ખૂલી આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં ક્રમશઃ વધતું રહી ૬૦૦ પૉઇન્ટના જોશમાં ૬૧,૦૩૨ બંધ આવ્યું છે. સેન્સેક્સ ઉપરમાં ૬૧,૧૦૩ નજીક ગયો હતો. નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ ઊંચકાઈને ૧૭,૯૩૦ થયો છે. સેન્સેક્સ એક ટકો તો નિફ્ટી ૦.૯ ટકા તથા લાર્જ કૅપ બેન્ચમાર્ક પોણો ટકો વધ્યા છે. વૅલેન્ટાઇન-ડેના આ જોશ પાછળની ટ્વિસ્ટ હવે આવે છે. સ્મૉલ કૅપ તથા મિડ કૅપ બેન્ચમાર્ક અડધા ટકા જેવા ઘટ્યાં છે. બ્રોડર માર્કેટનો આંક અન્ડર પર્ફોર્મ રહ્યો છે. સ્મૉલ કૅપના ૯૫૧માંથી કેવળ ૨૬૮ શૅર સુધર્યા છે. બ્રોડર માર્કેટમાં ૫૦૧માંથી ૩૨૫ જાતો ઘટીને બંધ રહી છે. સરવાળે માર્કેટ બ્રેડ્થ ઘણી કમજોર હતી. એનએસઈમાં ૬૫૩ શૅર વધ્યા, બહુમતી ઇન્ડાઇસિસ સુધર્યા છે. પીએસયુ બૅન્ક, નિફ્ટી, એફએમસીજી, આઇટી ટેક્નૉલૉજિસ ઇન્ડેક્સ એક ટકો પ્લસ હતા. સામે રિયલ્ટી, પાવર, યુટિલિટી, ઇન્ડેક્સ ૧.૪થી ૧.૮ ટકા કટ થયા હતા. રિલાયન્સની નોંધપાત્ર તેજી છતાં ઑઇલ ગૅસ ઇન્ડેક્સ સહેજ ઘટ્યો છે. લાસ્ટ બટ નૉટ લીસ્ટ : બજારનું માર્કેટ કૅપ ૨૩,૦૦૦ કરોડ રૂપિયા વધી ૨૬૬ લાખ કરોડ રૂપિયાને વટાવીગયું છે. સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટ વધવા છતાં માર્કેટ કૅપ માત્ર ૨૩,૦૦૦ કરોડ રૂપિયા વધે એ કેવું? આ બધું શું બતાવેછે? ઇન્ડેક્સ મૅનેજમેન્ટ પ્યારે, ઇન્ડેક્સ મૅનેજમેન્ટ. બજારનો ગઈ કાલનો ૬૦૦ પૉઇન્ટનો ઉછાળો એક પ્રકારના ખેલ કે ઊભરાથી વધુ કંઈ નથી. આ ઉછાળાને અનુસરી રોકાણ કરનારા કાલે કહેવાના છે કે તૂને મેરે મનસે ખેલા, તૂને મેરે ધનસે ખેલા, વેલ પ્લેઇડ યારા, વેલ પ્લેઇડ.
ADVERTISEMENT
બીએસઈ લિ. ૧૪ માસના તળિયે, નૅશનલ ફર્ટિ. એ-ગ્રુપમાં ઝળક્યો
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ તથા નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર વધ્યા છે. યુપીએલ સાડાત્રણ ટકાની તેજીમાં ૭૬૦ બંધ આપીને નિફ્ટી ખાતે તો આઇટીસી સવાત્રણ ટકાની તેજીમાં ૩૮૬ ઉપરના બંધમાં સેન્સેક્સ ખાતે બેસ્ટ ગેઇનર બન્યા છે. રિલાયન્સ ૨.૪ ટકાની મજબૂતીમાં ૨૩૭૭ રહીને બજારને સર્વાધિક ૧૬૬ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૮ ટકા અને ઇન્ફી ૧.૬ ટકા પ્લસ હતા, જેમાં આઇટીસીની તેજી સામેલ કરીએ તો આ ત્રણ આઇથી બજારને ગઈ કાલે ૨૬૮ પૉઇન્ટ મળ્યા હતા. બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકાથી વધુ તથા બજાજ ફિન સર્વ પોણા ટકાથી વધુ સુધર્યો છે. હિન્દાલ્કો ૧.૭ ટકા વધ્યો હતો. ટેક મહિન્દ્ર, વિપ્રો, ઍક્સિસ બૅન્ક, એચસીએલ ટેક્નૉ, ભારતી ઍરટેલ એકથી સવા ટકાની આસપાસ પ્લસ હતા. એચડીએફસી ૦.૭ ટકા અને ઍની બૅન્ક ૦.૯ ટકાના સુધારામાં બજારને ૮૬ પૉઇન્ટ ફળ્યા છે. અપોલો હૉસ્પિટલ્સઅઢી ટકા, આઇશર મોટર્સ સવાબે ટકા, એસબીઆઇ લાઇફ દોઢ ટકો બગડી નિફ્ટી ખાતે ઘટાડામાં મોખરે હતા. ભારત પેટ્રો, ગ્રાસિમ, એનટીપીસી એકથી સવા ટકો ઢીલા પડ્યા છે.
ન્યુક્લિયસ સૉફ્ટવેર, ડીબીએસ સ્ટૉક બ્રોકિંગ, કૅન્યુબ ઇન્ડ, ડૅન્લો ટેક્નૉ, નેટલિંક્સ જેવી જાતો ૧૯-૨૦ ટકાની તેજીમાં બંધ રહી છે. પરિણામની તેજી આગળ વધારતાં ઑઇલ ઇન્ડિયા સવાસાત ટકા ઊછળીને ૨૫૮ થયો છે. પસંદગી યુક્ત લેવાલીમાં નૅશનલ ફર્ટિ. સવાસોળ ટકા, મદ્રાસ ફર્ટિ. પોણાદસ ટકા, શિવા ઍગ્રો સવાસાત ટકા, આરએફસી પોણાપાંચ ટકા ઊંચકાયા હતા. ઈકેઆઇ એનર્જી બીજા દિવસે ૨૦ ટકાના કડાકામાં પોણાબસોના ધોવાણમાં ૭૦૨ના નવા તળિયે ગઈ છે. જેટ ફ્રેઇટ ૧૮.૬ ટકાના ધોવાણમાં ૧૩ની અંદર વર્ષના તળિયે રહ્યો છે. લવેબલ લિંગરીઝ ૧૦૨નું વર્સ્ટ બૉટમ બનાવી ૧૪.૯ ટકા તૂટી ૧૦૫ હતો. બીએસઈ લિમિટેડ ૪૮૧ની બૉટમ બનાવી દોઢ ટકો ઘટી ૪૮૧ ઉપર બંધ આવ્યો છે.
અદાણી એન્ટર બહેતર પરિણામમાં નીચલા મથાળેથી ૨૭૮ રૂપિયા ઊંચકાયો
અદાણી એન્ટર. દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૨ ટકાના વધારામાં ૨૬,૬૧૨ કરોડ રૂપિયાની આવક ઉપર અગાઉની ૧૧૬૩ લાખ રૂપિયાની નેટલૉસ સામે આ વખતે ૮૨૦ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર એના પગલે ૧૬૧૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૮૮૯ બતાવી ૧.૯ ટકાના સુધારામાં ૧૭૫૦ બંધ થયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પોર્ટસ ૨.૨ ટકાના સુધારામાં ૫૬૫ હતો. સામે અદાણી પાવર નીચલી સર્કિટમાં ૫ ટકા ગગડી ૧૪૮ થયો છે. અદાણી ટ્રાન્સ. ૫ ટકા તૂટી ૧૦૭૦, અદાણી ગ્રીન પાંચ ટકા ખરડાઈ ૬૫૩ તથા અદાણી ટોટલ પાંચ ટકા લથડી ૧૧૩૬ની અંદર નવા નીચા તળિયે બંધ થયા છે. અદાણી વિલ્મર પાંચ ટકાની ખરાબીમાં ૩૯૩ તો એનડીટીવી પણ પાંચ ટકાની બીમારીમાં ૧૮૮ બંધ હતા. એસીસી સામાન્ય સુધારામાં ૧૮૩૧ હતો, જ્યારે અંબુજા સિમેન્ટ ૧.૭ ટકાની નરમાઈમાં ૩૩૭ બંધ આવ્યો છે. આમ ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૭ શૅર ઘટ્યા છે, જેમાંથી ૬ જાતો નીચલી સર્કિટમાં બંધ રહી છે. ત્રણમાં નવાં નીચાં બૉટમ બન્યાં છે. સરવાળે ગ્રુપના માર્કેટ કૅપમાં વધુ ૧૮,૬૬૪ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે હિંડનબર્ગે આદરેલા શૉર્ટ સેલના હવનમાં છેલ્લા ૧૪ દિવસમાં અદાણી ગ્રુપના કુલ ૧૦.૪૩ લાખ કરોડ (સ્પષ્ટ કહીએ તો ૧૦,૪૨,૭૯૮ રૂપિયા) હોમાઈ ચૂક્યા છે અને હવન હજી ચાલુ છે. મોનાર્ક અડધો ટકો ઘટ્યો હતો. ક્વિન્ટ ડિજિટલ ૧.૮ ટકા ઘટીને ૯૬ રહ્યો છે.
સિલેક્ટિવ લેવાલીમાં બૅન્ક નિફ્ટીમાં સુધારો, એલઆઇસી ઘટી ૬૦૦ની અંદર
બૅન્ક નિફ્ટી તાજેતરની નબળાઈ બાદ ગઈ કાલે ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૩૬૬ પૉઇન્ટ કે ૦.૯ ટકા વધીને ૪૧,૬૪૮ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારામાં એક ટકો પ્લસ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૫ શૅર સુધર્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧૧૫૮ના લેવલે ફ્લૅટ હતો. આગલા દિવસના ધબડકા બાદ સિટી યુનિયન બૅન્ક અઢી ટકાના સુધારે ૧૩૮ થયો છે. સૂર્યોદય સ્મૉલ બૅન્ક, કૅનરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ઇન્ડિયન બૅન્ક બેથી સવાબે ટકા આસપાસ પ્લસ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાબે ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, એચડીએફસી બૅન્ક પોણા ટકાથી વધુ તો સ્ટેટ બૅન્ક પોણા ટકાની નજીક અપ હતા. કોટક બૅન્ક સાધારણ નરમ રહી છે. યુકો બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, યસ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, જેકે બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક દોઢથી અઢી ટકા કટ થયા છે.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૮૯ શૅરના ઘટાડા વચ્ચે પોણો ટકો વધ્યો છે. ઇન્ડોસ્ટાર કૅપિટલ, જીએફએલ લિમિટેડ, પૂનાવાલા ફિન કૉર્પ, પૈસાલો ડિજિટલ અઢીથી ચાર ટકા પ્લસ હતા. બીએફ ઇન્વે. ૧૦ ટકાના કડાકામાં ૪૪૩ થયો છે. રેપ્કો હોમ, ધાની સર્વિસિસ, પૉલિસી બાઝાર, જનરલ ઇન્સ્યૉરન્સ, સ્ટાર હેલ્થ, અરમાન ફાઇ. ૪થી ૭ ટકા ગગડ્યા છે. હુડકો, સાટીન ક્રેડિટ તથા ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ સાડાત્રણ-પોણાચાર ટકા બગડ્યા હતા. એલઆઇસી વધુ ૧.૪ ટકા ખરડાઈ ૫૯૮ થઈ છે. પેટીએમ પોણાબે ટકા, નાયકા સાડાચાર ટકા તથા ઝાેમૅટો પોણાત્રણ ટકા માઇનસ થયા છે.
આઇટીના જોરમાં એફએમસીજી ઇન્ડેક્સ વધ્યો, ન્યુલૅન્ડ લૅબ ૧૭૮ રૂપિયા ઊછળ્યો
આગલા દિવસના પોણાબે ટકાના ધોવાણ બાદ આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૪ શૅરના સથવારે ૨૯૩ પૉઇન્ટ કે એક ટકો વધ્યો છે. ન્યુ ક્લિયસ ૧૯.૪ ટકાની છલાંગ મારી ૪૭૮ થયો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૧.૬ ટકા, ટીસીએસ અડધો ટકો, એચસીએલ ટેક્નૉ, વિપ્રો તથા ટેક મહિન્દ્ર એકાદ ટકો વધ્યા હતા. સ્ટારલાઇટ ટેક્નૉ, રેલટેલ, વોડાફોન, તાતા ટેલિ., ઑન મોબાઇલ અને ઑપ્ટિમસ જેવા ટેલિકૉમ શૅર બેથી પોણાસાત ટકા કપાયા છે. નફો ૯૦ ટકા ધોવાઈ જવા છતાં ઝી એન્ટર માંડ એક ટકો ઘટીને ૨૧૬ રહ્યો છે. નેટવર્ક ૧૮ સવાબે ટકા નરમ હતો.
એફએમસીજી ઇન્ડેક્સ ૮૧માંથી ૬૨ શૅર ઘટવા છતાં એકાદ ટકો કે ૧૪૯ પૉઇન્ટ સુધર્યો છે જેનો ખરો યશ આઇટીસીને જાય છે. ઝુઆરી ઇન્ડ. સવાછ ટકા, ટેસ્ટી બાઇટ સવાત્રણ ટકા, કેઆરબીએલ ૨.૮ ટકા, પતંજલિ ફૂડ્સ અઢી ટકા નરમ હતા. હિન્દુ. યુનિલીવર ૨૫૮૦ નજીકના લેવલે ફ્લૅટ હતો. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૬૨ શૅરના ઘટાડામાં અડધા ટકાની નજીક માઇનસ હતો. નવ ક્વૉર્ટર બાદ પ્રથમ વાર નફાના નશામાં તગડો ઉછાળો દેખાડનારી સ્પાર્ક ગઈ કાલે નવ ટકા તૂટી ૨૦૧ થઈ છે. બજાજ હેલ્થકૅર સવાસાત ટકા, ક્રિસ્ના ડાયગ્નોસ્ટિક સાડાચાર ટકા, સુપ્રિયા લાઇફ પોણાચાર ટકા ડાઉન હતા. ન્યુલૅન્ડ લૅબ પરિણામના જોરમાં ૧૬૩૦ થઈ ૧૨.૬ ટકા કે ૧૭૮ રૂપિયાના જમ્પમાં ૧૫૯૧ બંધ આવી છે. લિંકન ફાર્મા સાડાછ ટકા, પેનેસિયા બાયો સવાછ ટકા, કૉપ્શન સાડાચાર ટકા, દિશમાન સાડાત્રણ ટકા મજબૂત હતા. સન ફાર્મા પોણો ટકો, લુપિન પોણાબે ટકા, ઇપ્કા લૅબ સવા ટકો નરમ હતા. સિપ્લા ૦.૭ ટકાના સુધારે ૧૦૨૮ વટાવી ગઈ છે.