એચડીએફસી-ટ્વિન્સની નબળાઈ સેન્સેક્સને ૧૭૦ પૉઇન્ટ નડી, આઇટીસી ૧૩૩ પૉઇન્ટ ફળ્યો : અદાણી સાથેના સંબંધમાં ક્વિન્ટ ડિજિટલ ૨૯ ટકા તૂટી નવા તળિયે, મોનાર્કમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અદાણી ગ્રુપમાં ૧૦માંથી એકમાત્ર અંબુજા સિમેન્ટ વધ્યો, ૬ શૅર મંદીની સર્કિટમાં, ૪ નવા તળિયે : અદાણી એન્ટર ૨૬.૫ ટકાના કડાકામાં સતત બીજા દિવસે આખા બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો : સેક્ટોરલ બ્રેડ્થ અને માર્કેટ બ્રેડ્થમાં એકંદર મિશ્ર વલણ, બજારનું માર્કેટ કૅપ ૮૧,૦૦૦ કરોડ રૂપિયા ઘટ્યું : એચડીએફસી-ટ્વિન્સની નબળાઈ સેન્સેક્સને ૧૭૦ પૉઇન્ટ નડી, આઇટીસી ૧૩૩ પૉઇન્ટ ફળ્યો : અદાણી સાથેના સંબંધમાં ક્વિન્ટ ડિજિટલ ૨૯ ટકા તૂટી નવા તળિયે, મોનાર્કમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ
અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં નવો ૦.૨૫ ટકાનો વધારો કરી દેવાયો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક તથા બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા અડધા ટકાની વ્યાજદરવૃદ્ધિ આજકાલમાં આવી જશે. વ્યાજદરમાં વધારાની સાથે-સાથે ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે ફુગાવો ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરતાં અમેરિકન શૅરબજારને શાંતિ થઈ હતી. વ્યાજદરમાં વધારાનું ચક્ર અટકશે એવી હૈયાધારણ મળી હતી. ડાઉ ઇન્ડેક્સ નીચલા લેવલથી ૪૬૮ પૉઇન્ટ બાઉન્સબૅક થઈ નામજોગ સુધારામાં ૩૪૦૯૩ બંધ થયો હતો. નૅસ્ડૅક ઇન્ટ્રા-ડે બૉટમથી ૪૦૦ પૉઇન્ટ વધીને છેલ્લે બે ટકા કે ૨૩૨ પૉઇન્ટ ઊંચકાઈ ૧૧૮૧૬ રહ્યું હતું. અમેરિકાની પાછળ એશિયન બજારો ગુરુવારે એકંદરે સુધારાતરફી હતા. તાઇવાન એક ટકાથી વધુ, સાઉથ કોરિયા પોણો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ, ચાઇના અને જપાન નહીંવત્ પ્લસ હતા. સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ અડધો ટકો નરમ હતા. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં સ્ટ્રૉન્ગ હતું. જર્મન ડેક્સ દોઢ ટકો, ફ્રાન્સ એકાદ ટકો, લંડન ફુત્સી અડધો ટકો અપ હતા. બ્રેન્ટ ક્રૂડ ૮૩ ડૉલરની નીચે ટકેલું છે. કૉમેક્સ ગોલ્ડ દોઢ ટકો વધી ૧૯૭૯ ડૉલરે પહોંચ્યું છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ અઢીસો પૉઇન્ટ જેવા ગૅપમાં નીચે ખૂલ્યા પછી બે વાગ્યા સુધી અઢીસો પૉઇન્ટની અતિ સાંકડી રેન્જમાં સતત ઉપર-નીચે થઈ છેલ્લા કલાકના સપોર્ટમાં ૨૨૪ પૉઇન્ટ વધી ૫૯૩૨૨ બંધ થયો છે. સામે નિફ્ટી ૬ પૉઇન્ટ નરમ હતો, જે અદાણીના ભારને આભારી છે. બન્ને બજારનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં રહ્યાં છે. પાવર, યુટિલિટી, ઑઇલ-ગૅસ, એનર્જી જેવા બેન્ચમાર્ક બેથી ૩.૭ ટકા ખરડાયા છે. નિફ્ટી મેટલ ૪.૪ ટકા તૂટ્યો છે. આ બધો અદાણીનો પ્રતાપ છે! સામે એફએમસીજી બેન્ચમાર્ક ૨.૨ ટકા તથા આઇટી-ટેક્નૉ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ મજબૂત હતા. માર્કેટ બ્રેડ્થમાંય રસાકસીનો માહોલ હતો. એનએસઈ ખાતે વધેલા ૯૩૩ શૅર સામે ૧૦૮૯ જાતો ઘટી છે.
બ્રિટાનિયા અને આઇટીસી નવા ટોચે, રિલાયન્સમાં ઘટાડો આગળ વધ્યો
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ તો નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર પ્લસ હતા. બ્રિટાનિયાની ત્રિમાસિક કામગીરી મજબૂત આવતાં શૅર ૪.૬ ટકા કે ૨૦૨ની તેજીમાં ૪૫૭૫ની તથા આઇટીસી પોણાપાંચ ટકાની છલાંગમાં ૩૭૮ની વિક્રમી સપાટીએ બંધ આપીને બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યા છે. આઇટીસીની તેજી સેન્સેક્સને સર્વાધિક ૧૩૩ પૉઇન્ટ ફળી છે. હિન્દુ યુનિલીવર અઢી ટકા વધ્યો છે. અન્યમાં ઇન્ડસઇન્ડ બૅન્ક સવાત્રણ ટકા તથા ઇન્ફી સવાબે ટકા નજીક અપ હતા. વિપ્રો, એચસીએલ ટેક્નૉ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક બૅન્ક, મારુતિ સુઝુકી, ભારતી ઍરટેલ, ઍક્સિસ બૅન્ક એકથી પોણાબે ટકા આસપાસ વધ્યા હતા.
એચડીએફસી બૅન્ક દોઢેક ટકો અને એચડીએફસી પોણાબે ટકાથી વધુ ખરાબ થતાં બજારને ૧૭૦ પૉઇન્ટનો માર પડ્યો છે. રિલાયન્સ સરેરાશ કરતાં ૩૫ ટકાના વૉલ્યુમે અડધો ટકો ઘટીને ૨૩૨૭ રહી છે. નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર તરીકે અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્સે તેમનાં સ્થાન જાળવી રાખ્યાં છે. યુપીએલ પોણાછ ટકા, એચડીએફસી લાઇફ ૪.૪ ટકા, આઇશર અને ડિવીઝ લૅબ ૨.૭ ટકા ડૂલ થયા છે. બજાજ ફાઇ, હીરો મોટોકૉર્પ, એનટીપીસી, પાવર ગ્રિડ, તાતા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, કોલ ઇન્ડિયા સવાથી બે ટકા બગડ્યા હતા.
વેલસ્પન સવાછ ગણા વૉલ્યુમે ૮.૭ ટકાની તેજીમાં ૭૦નો બંધ આપી એ-ગ્રુપ ખાતે મોખરે રહ્યો છે. ક્લીન સાયન્સ સારા પરિણામમાં ૧૧૧ રૂપિયા કે આઠ ટકાના ઉછાળે ૧૪૮૭ થયો છે. અદાણી એન્ટર ૨૬.૫ ટકા કે ૫૬૪ના કડાકામાં સતત બીજા દિવસે પણ સમગ્ર બજારમાં ટૉપ લૂઝર બન્યો છે, જ્યારે એ-ગ્રુપ ખાતે અદાણી એન્ટર ઉપરાંત અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન, અદાણી ટોટલ નીચલી સર્કિટ સાથે ટૉપ લૂઝર હતા. ટીસીઆઇ એક્સપ્રેસ ૧૩૮૩નું વર્ષનું બૉટમ બનાવી ૯ ટકા કે ૧૪૪ના ધબડકામાં ૧૪૪૯ થઈ છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૮૧,૦૦૦ કરોડ ઘટ્યું છે, એ પણ અદાણીની દેન છે!
અદાણી સતત ઊંધા માથે, ૬ દિવસમાં પોણાનવ લાખ કરોડ રૂપિયા ડૂલ
અદાણીના શૅરોમાં વિશ્વાસની કટોકટીની સાથે-સાથે ખુવારીનો આંકડો વધતો જાય છે. ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૮ શૅર ઘટ્યા છે, એક યથાવત્ હતો, ઘટેલા ૮માંથી ૬ શૅર નીચલી સર્કિટમાં, એક શૅર ૬ ટકાથી વધુ તો ફ્લૅગશિપ અદાણી એન્ટર ૨૬.૫ ટકા કે ૫૬૪ રૂપિયા તૂટી છે. અદાણી એન્ટર, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમાં નવાં નીચાં બૉટમ બન્યાં છે.
ગ્રુપનો એકમાત્ર અંબુજા સિમેન્ટ સવાપાંચ ટકા વધી ૩૫૨ બંધ હતો. એસીસી યથાવત્, અદાણી પોર્ટ્સ ૬ ટકાથી વધુ, અદાણી ગ્રીન-અદાણી ટોટલ તથા અદાણી ટ્રાન્સ ૧૦-૧૦ ટકાની નીચલી સર્કિટે તો અદાણી પાવર-અદાણી વિલ્મર અને એનડીટીવી ૫-૫ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતા. આને કારણે ગઈ કાલે ગ્રુપના માર્કેટ કૅપમાં ૧૩૨૭૨૧ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. આ સાથે સળંગ ૬ દિવસની ખરાબીમાં અદાણી ગ્રુપને કુલ મળીને ૮૭૬૨૮૭ કરોડ કે ૧૦૭.૫૧ અબજ ડૉલરનો ફટકો પડી ચૂક્યો છે, જે એક વરવો વિક્રમ છે!
અદાણીની સાથે-સાથે ગ્રુપ સાથે પરોક્ષ સંબંધ ધરાવતા કેટલાક શૅર પણ સાફ થતા જાય છે, જેમ કે મોર્નાક નેટવર્થ ૧૦ ટકાની મંદીની સર્કિટે ૨૧૨ થઈ છે. ૬ ડિસેમ્બરે ભાવ ૪૧૯ના બેસ્ટ લેવલે હતો. ક્વિન્ટ ડિજિટલ ૨૦ ટકાના કડાકામાં ૯૮ના નવા તળિયે બંધ રહી છે.
ખાતર શૅરોમાં નરમ વલણ, રેલવે શૅરોમાં ઘટાડાની ચાલ
એફએમસીજી ઇન્ડેક્સ ગુરુવારે ૨.૨ ટકા કે ૩૫૩ પૉઇન્ટ વધ્યો છે. અહીં ૮૧માંથી ૪૪ શૅર પ્લસ હતા. બૉમ્બે બર્મા સવાસાત ટકા, સીસીએલ પ્રોડક્ટ્સ પાંચ ટકા અને આઇટીસી પોણાચાર ટકા મજબૂત હતા. આંકના ૩૫૩ પૉઇન્ટના સુધારામાં આઇટીસીનું પ્રદાન ૨૪૨ પૉઇન્ટ હતું. હિન્દુ યુનિલીવર અઢી ટકા વધતાં એમાં બીજા ૯૦ પૉઇન્ટનો ઉમેરો થયો છે. અદાણી વિલ્મર પાંચ ટકા, પતંજલિ ફૂડ્સ સાડાત્રણ ટકા, રેણુકા શુગર અઢી ટકા ડાઉન હતા. રેલવે શૅરમાં ઇરકોન એક ટકો, આઇઆરએફસી નહીંવત્, આઇઆરસીટીસી સાધારણ, રેલ વિકાસ નિગમ ૧.૭ ટકા પ્લસ હતા. સામે રેલ ટેલ સવાબે ટકા, ટિટાગર વૅગન્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં, ટૅક્સમાકો રેલ સવા ટકો, કારનેક્સ માઇક્રો અડધો ટકો ઘટ્યા છે. ફર્ટિલાઇઝર સેગમેન્ટમાં ઝુઆરી ૮.૭ ટકા, ફૉસ્ફેટ કંપની પાંચ ટકા, આરસીએફ પોણાબે ટકા પ્લસ હતા. ઉદ્યોગના ૨૨માંથી ફક્ત ૫ શૅર સુધર્યા છે.
ઑટો બેન્ચમાર્ક નહીંવત્ વધ્યો હતો, પણ અશોક લેલૅન્ડ ઊજળા પરિણામથી ત્રણ ટકા મજબૂત થયો છે. મારુતિ સુઝુકી સવા ટકો વધી ૮૮૬૫ હતો. ટીવીએસ, હીરો અને આઇશર દોઢથી પોણાત્રણ ટકા બગડ્યા છે. જિન્દલ સ્ટીલ ૫.૫ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, કોલ ઇન્ડિયા સવા ટકો ઘટતાં બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૦.૯ ટકા ઘટ્યો છે, પણ અદાણી એન્ટરના ભારમાં નિફ્ટી મેટલ આંક ૪.૪ ટકા પીગળ્યો છે.
આ પણ વાંચો : બજેટ પ્રેરિત ૪૦૭૧ પૉઇન્ટની ઊથલપાથલ દાખવી સેન્સેક્સ સુધર્યો, નિફ્ટી માઇનસમાં
ફ્રન્ટલાઇનની આગેવાની હેઠળ આઇટી મજબૂત, બૅન્કિંગ મિશ્ર
નૅસ્ડૅકની મજબૂતી પાછળ આઇટીમાં સુધારાનું વલણ જળવાયું છે. આંક ૬૦માંથી ૩૭ શૅરના સુધારે ૧.૭ ટકા કે ૪૯૪ પૉઇન્ટ પ્લસ હતો. કેપીઆઇટી ટેક્નૉ ૬ ટકા, ન્યુજેન ચાર ટકા, ૬૩ મૂન્સ ૩ ટકા, સિએન્ટ ૩.૩ ટકા, પર્સિસ્ટન્ટ સવાત્રણ ટકા, લાર્સન ટેક્નૉ ૩.૧ ટકા, ઓરેકલ ત્રણ ટકા નજીક ઊંચકાયા છે. બિરલા સૉફ્ટ આઠ ટકા તૂટી ૨૭૧ હતો. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૨.૨ ટકા, ટીસીએસ ૧.૬ ટકા, વિપ્રો ૧.૬ ટકા, એચસીએલ ટેક્નૉ ૧.૪ ટકા પ્લસ હતા. ટેક મહિન્દ્ર પોણો ટકો ઘટ્યો છે. ટેલિકૉમમાં ઑપ્ટિમસ સાડાછ ટકા ઊછળીને ૨૯૨ વટાવી ગયો છે. વોડાફોન, ભારતી, તાતા કમ્યુ. એકથી પોણાબે ટકા સુધર્યા છે. આઇટીના હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૮માંથી ૨૧ શૅરના સથવારે દોઢ ટકાથી વધુ પ્લસ હતો.
બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા કે ૧૫૬ પૉઇન્ટ પ્લસ અને પીએસયુ બૅન્ક નિફ્ટી નહીંવત્ નરમ હતા. બૅન્કિંગના ૩૭માંથી ૨૦ શૅર સુધર્યા છે. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, એયુ બૅન્ક સવાબેથી સવાત્રણ ટકા વધ્યા હતા. આઇડીએફસી-ફર્સ્ટ બૅન્ક ૫.૪ ટકા, આરબીએલ બૅન્ક ૪.૯ ટકા, કરુર વૈશ્ય ૨.૭ ટકા વધ્યા છે. સ્ટેટ બૅન્ક નહીંવત્ સુધારે ૫૨૮ હતો. યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક બેથી પોણાબે ટકા, તો બંધન બૅન્ક સાડાચાર ટકા અને ડીસીબી બૅન્ક ૪.૧ ટકા કટ થયા છે. એલઆઇસી ૫૯૯ના આગલા લેવલે યથાવત્ હતો.