Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી સતત ૭મા દિવસની આગેકૂચમાં વિક્રમી સપાટીએ બંધ, સેન્સેક્સ પાંચ દિવસના સુધારા બાદ નજીવો નરમ

નિફ્ટી સતત ૭મા દિવસની આગેકૂચમાં વિક્રમી સપાટીએ બંધ, સેન્સેક્સ પાંચ દિવસના સુધારા બાદ નજીવો નરમ

Published : 06 July, 2023 01:26 PM | IST | Mumbai
Anil Patel

શિલ્પા શેટ્ટીની વિઆન ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૫૭ પૈસાના ઑલટાઇમ તળિયે ગયો : બજારનું માર્કેટ કૅપ ૩૦૦ લાખ કરોડની નજીક સરકતાં નવી સર્વોચ્ચ સપાટીએ, માર્કેટ બ્રેડ્થમાં મજબૂત વલણ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ઑટો, એફએમસીજી, સ્મૉલ કૅપ, મિડ કૅપ તથા બ્રૉડર માર્કેટનો બેન્ચમાર્ક નવા બેસ્ટ લેવલે : મારુતિ, ટાઇટન, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ, આઇટીસી, હિન્દુ. યુનિલીવર સહિત સેન્સેક્સ-નિફ્ટીના સવા ડઝન શૅરમાં નવાં શિખર બન્યાં : ક્યુઆઇબીના તદ્દન કંગાળ પ્રતિસાદના કારણે માત્ર ૬૫ ટકા જ ભરાયેલો પીકેએચ વેન્ચર્સનો ઇશ્યુ રદ કરાયો : શિલ્પા શેટ્ટીની વિઆન ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૫૭ પૈસાના ઑલટાઇમ તળિયે ગયો : બજારનું માર્કેટ કૅપ ૩૦૦ લાખ કરોડની નજીક સરકતાં નવી સર્વોચ્ચ સપાટીએ, માર્કેટ બ્રેડ્થમાં મજબૂત વલણ


ઇન્ડોનેશિયન બજારના અડધા ટકાના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર બુધવારે બગડ્યાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકાથી વધુ, ચાઇના પોણા ટકાની નજીક તો સિંગાપોર, તાઇવાન, સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ અડધા ટકાની આસપાસ કટ થયાં હતાં. જૅપનીઝ નિક્કી સાધારણ નરમ હતો. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં અડધો-પોણો ટકો નીચે દેખાયું છે. ઓપેક તરફથી ઉત્પાદનકાપની નવી હિલચાલ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૭૬ ડૉલર નજીક તો નાયમેક્સ ક્રૂડ ૭૧ ડૉલર ઉપર ચાલતું હતું. ઘરઆંગણે સળંગ પાંચ દિવસના સુધારામાં નવા બેસ્ટ લેવલના સિલસિલા બાદ સેન્સેક્સ ફ્લૅટ ખૂલી ૩૩ પૉઇન્ટ જેવા નગણ્ય ઘટાડામાં ૬૫,૪૪૬ બંધ થયો છે. નિફ્ટી સળંગ ૬ દિવસની આગેકૂચ બાદ સાતમા દિવસે પણ પ્લસમાં રહ્યો છે. જોકે સુધારો સાડાનવ પૉઇન્ટ જેવો સાવ નજીવો હતો, પરંતુ નિફ્ટી ગઈ કાલે ૧૯,૩૯૮ ઉપર બંધ થયો છે એ ક્લોઝિંગની રીતે એની સર્વોચ્ચ સપાટી છે. બજારનું માર્કેટ કૅપ પણ ૨૯૯.૯૦ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. બજારમાં વધ-ઘટની રેન્જ ઘણી સાંકડી રહી છે.  સેન્સેક્સ ઉપરમાં ૬૫,૫૮૪ અને નીચામાં ૬૫,૨૫૬ થયો હતો. માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. એનએસઈમાં વધેલા ૧૨૪૪ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૮૦૩ નોંધાઈ છે. જૂજ અપવાદ બાદ કરતાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. એફએમસીજી આંક ૧.૭ ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક એક ટકો, એનર્જી ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મીડિયા ૧.૩ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો મજબૂત હતા. નિફ્ટી ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકો અને બૅન્ક નિફ્ટી અડધો ટકો ડાઉન હતા. 
ગઈ કાલે સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, ઑટો ઇન્ડેક્સ, એફએમસીજી બેન્ચમાર્ક, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે ગયા છે. મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેની ગરૂડા ફેમ રિયલ્ટી કંપની પીકેએચ વેન્ચર્સનો પાંચના શૅરદીઠ ૧૪૮ રૂપિયાની અપર બેન્ડ સાથે ૩૭૯ કરોડ રૂપિયાનો ઇશ્યુ કંગાળ રિસ્પૉન્સમાં માત્ર ૬૫ ટકા જ ભરાતાં ભરણું રદ કરવામાં આવ્યું છે. ઇશ્યુને ક્યુઆઇબીમાં કેવળ ૧૧ ટકા ભરાયો હતો જે નજીકના ભૂતકાળનો એક વરવો વિક્રમ કહી શકાય. ૩૭૯ કરોડના આ ઇશ્યુમાં પ્રમોટર પ્રવીણ અગરવાલ ૯૮.૩૧ લાખ શૅર ઑફર ફૉર સેલ મારફત વેચી ૧૪૫ કરોડ રૂપિયા ઘરભેગા કરવાના હતા, પરંતુ ઇશ્યુ ફ્લૉપ જતાં રોકડીનાં સપનાં રોળાઈ ગયાં છે. 



મારુતિ પાંચ આંકડે જઈ પાછો પડ્યો, બજાજ ઑટોમાં ૨૬૫ની તેજી થઈ 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર પ્લસ હતા. મારુતિ સુઝુકી પોણાચાર ગણા વૉલ્યુમે ૧૦,૦૩૭ નજીક ઑલટાઇમ હાઈ બતાવી સાડાત્રણ ટકા કે ૩૪૮ રૂપિયાની તેજીમાં ૯૯૯૪ બંધ થતાં એનું માર્કેટ કૅપ ૩.૦૨ લાખ કરોડ જેવું થઈ ગયું છે. આઇશર સામે એક વધુ હરીફ તરીકે બજાજે બ્રિટિશ જાયન્ટ ટ્રમ્ફ સાથે હાથ મિલાવી સિંગલ સિલિન્ડરના બે મૉડલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. એના પગલે બજાજ ઑટો ૪૯૦૦ની વિક્રમી સપાટીએ જઈ પોણાછ ટકા કે ૨૬૫ની તેજીમાં ૪૮૯૦ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. બન્ને બેન્ચમાર્ક ખાતે વધેલા અન્ય શૅરમાં ડિવીઝ લૅબ ૫.૬ ટકા, હીરો મોટોકૉર્પ ૪.૩ ટકા, એચડીએફસ‌ી લાઇફ ૪.૧ ટકા, ભારત પેટ્રો ૨.૬ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને ટેક મહિન્દ્ર ૨.૪ ટકા, હિન્દુ. યુનિલીવર બે ટકા, આઇટીસી ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો, પાવર ગ્રીડ દોઢ ટકા, નેસ્લે એક ટકો, બ્રિટાનિયા ૧.૭ ટકા, ઓએનજીસી એક ટકો સામેલ છે. બજાજ ઑટો, મારુતિ, હીરો મોટોકૉર્પ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, બજાજ ફાઇ. ડૉ. રેડ્ડીઝ લૅબ, આઇટીસી, બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી લાઇફ, એચસીએલ ટેક્નૉ, ટેક મહિન્દ્ર, ભારત પેટ્રો, ટાઇટન જેવા સવા ડઝન જેવી વેઇટ્સ નવી ટોચે ગઈ છે. એચડીએફસી બૅન્ક ૩.૨ ટકા અને એચડીએફસી ૨.૯ ટકા ગગડતાં સેન્સેક્સને ૩૫૦ પૉઇન્ટનો માર પડ્યો છે. રિલાયન્સ નહીંવત્ ઘટાડે ૨૫૮૫ હતો. આઇશર મોટર્સ ૨.૭ ટકા વધુ ખરડાઈને ૩૩૧૦ની અંદર ગયો છે. તાતા કન્ઝ્યુમર અને યુપીએલ એક ટકા જેવા નરમ હતા. હિન્દાલ્કો પણ એક ટકો માઇનસ થયો છે. બજાજ ફીનસર્વ પોણા ટકાથી વધુ ઢીલો હતો. 

વિદ્યાવિહારની વીફીનમાં ૧૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન, એમઆરપીએલ તેજીમાં 


અદાણીના ૧૦માંથી ૬ શૅર ઘટ્યા છે. એનડીટીવી સવાબે ટકા, અદાણી એન્ટર અડધો ટકો તથા અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીન નહીંવત સુધર્યા છે. સામે અદાણી પાવર ૦.૬ ટકા નરમ હતો. અદાણી ટ્રાન્સ, અદાણી ટોટલ, અદાણી વિલ્મર, એસીસી તથા અંબુજા સિમેન્ટ્સ સાવ મામૂલી ઘટાડે બંધ હતા. મોનાર્ક નેટવર્થ ત્રણેક ટકા વધી ૨૮૧ને વટાવી ગયો છે. મુંબઈના વિદ્યાવિહારની વીફીન સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૬ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૯૦ ઉપર બંધ થતાં અહીં દસ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ગુરુવારે એસ્સેન સ્પે. ફિલ્મ્સ, ગ્રીનશેફ અપ્લાયન્સિસ તથા મેગસન રીટેલના એસએમઈ ઇશ્યુનાં લિસ્ટિંગ છે. 
રોકડામાં જીનસ પાવર, સોનાલીઝ કન્ઝ્યુમર, ડેલ્ટન કેબલ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. પર્મનન્ટ મેગ્નેટ ૧૪૧૪ના શિખરે જઈ ૧૮.૮ ટકા કે ૨૨૨ની તેજીમાં ૧૪૦૧ થયો છે. એચપીએલ ઇલે. ૧૮૪ નજીક નવી ટોચે જઈ સવાસોળ ટકા ઊછળી ૧૮૦ વટાવી ગયો હતો. ડીશ ટીવી પોણાચાર ગણા કામકાજે ૧૪ ટકાના જમ્પમાં ૧૭.૬૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. એમઆરપીએલ તગડા વૉલ્યુમે ૯૧ની ટૉપ દેખાડી સવાબાર ટકા ઊછળી ૮૯ તો ચેન્નઈ પેટ્રો ૪૪૩ના શિખર બાદ સાતેક ટકાની મજબૂતીમાં ૪૨૭ રહ્યો છે. શિલ્પા શેટ્ટી સહપ્રમોટર્સ તરીકે જેમાં ૨૪.૧ ટકા હોલ્ડિંગ ધરાવે છે એ વિઆન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૫૭ પૈસાના વર્સ્ટ બૉટમે જઈ ૬૦ પૈસાના આગલા લેવલે યથાવત બંધ થયો છે. આ શૅરમાં પહેલી નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૪૯ની ઑલટાઇમ હાઈ બની હતી. શિલ્પા કંપનીની ફિટનેસને લઈ બેદરકાર હોય એમ નથી લાગતું? 

એચડીએફસી બૅન્કના ભારમાં બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં નરમાઈ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારા વચ્ચે ૧૪૯ પૉઇન્ટ ઘટ્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅર પ્લસમાં આપી પોણો ટકો વધુ મજબૂત થયો છે. અત્રે બૅન્ક ઑફ ઇન્ડિયા નહીંવત ઘટાડે ૮૦ બંધ હતી. બૅન્કિંગના ૩૭માંથી ૨૯ શૅર વધ્યા છે. કર્ણાટક બૅન્ક ૬.૪ ટકાના ઉછાળે ૨૦૦ની ટોચે બંધ રહી છે. જેકે બૅન્ક ૪.૮ ટકા, આરબીએલ બૅન્ક ૪.૫ ટકા, કરૂર વૈશ્ય ૩.૮ ટકા, પીએનબી ૨.૮ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ૨.૯ ટકા વધી છે. એચડીએફસી બૅન્ક ૩.૨ ટકા, બંધન બૅન્ક ૨.૮ ટકા, સૂર્યોદય બૅન્ક બે ટકા, એયુ બૅન્ક ૧.૧ ટકા, ડીસીબી બૅન્ક સવા ટકો કટ થઈ છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૦૦ શૅર વધવા છતાં અડધો ટકો કપાયો છે. ફાઇવ પૈસા કૅપિટલ સાડાઅગિયાર ટકા, રેપ્કો હોમ ૮ ટકા, આનંદ રાઠી વેલ્થ ૪.૫ ટકા, એચડીએફસી લાઇફ ૪ ટકા, યુટીઆઇ ઍસેટ્સ ૩.૫ ટકા મજબૂત હતા. કેનફીન હોમ્સ ૩.૬ ટકા ગગડી ૭૬૯ બંધ રહેતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૮૦૫ના શિખરે ગયો હતો. પૂનાવાલા ફીનકૉર્પ ૩૭૬ની ટોચે જઈ ૨.૭ ટકાની આગેકૂચમાં ૩૬૮ રહ્યો છે. બૅન્ક નિફ્ટી તેમ જ ફાઇનૅન્સ ઇન્ડેક્સની નબળાઈ કેવળ એચડીએફસી બૅન્કને આભારી છે. 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૪ના સુધારામાં સામાન્ય વધ્યો છે. ઈ-મુદ્રા બાર ટકા, માસ્ટેક ૫.૭ ટકા, બ્લૅક બૉક્સ ૫.૮ ટકાની તેજીમાં હતા. ૬૩ મૂન્સ પોણો ટકો વધીને ૨૪૭ થયો છે. ટેક મહિન્દ્ર ૧૧૮૪ની ટોચે જઈ ૨.૪ ટકા વધી ૧૧૭૪ હતો. લાટિમ ૧૩ જુલાઈથી નિફ્ટી-૫૦માં જશે. શૅર ૫૪૨૫ની ટૉપ બતાવી સહેજ ઘટી ૫૨૪૧ રહ્યો છે. ઇન્ફી નહીંવત, ટીસીએસ સાધારણ વધ્યા છે. વિપ્રો અડધો ટકો ઘટીને ૩૯૪ બંધ હતો.

એફએમસીજી અને ઑટો શૅર જોરમાં, કોલગેટ પાંચ ટકા, લીવર બે ટકા અપ

એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૪૭ શૅરના સથવારે ૧૯,૨૯૦ની લાઇફ ટાઇમ ટૉપ બનાવી ૧.૭ ટકા કે ૩૨૪ પૉઇન્ટ ઊંચકાઈ ૧૯,૨૬૦ બંધ હતો. હિન્દુ. યુનિલીવર, આઇટીસી, બ્રિટાનિયા, કોલગેટ, બજાજ કન્ઝ્યુમર, બૉમ્બે બર્મા, ગ્લોબસ સ્પિરિટ્સ, ફૂડ્સ ઍન્ડ ઇન્સ, સીસીએલ, સોનાલીઝ કન્ઝ્યુમર જેવી જાતો નવી ટોચે ગઈ છે. બૉમ્બે બર્મા પોણાનવ ટકા, કોલગેટ પાંચ ટકા, ગોદરેજ કન્ઝ્યુ. સવાત્રણ ટકા, વીએસટી ઇન્ડ. ત્રણ ટકા તો વરુણ બિવરેજિસ અઢી ટકા પ્લસ હતા. આઇટીસી ૧.૯ ટકા વધી ૪૭૫ અને હિન્દુ. યુનિલીવર બે ટકા ઊંચકાઈ ૨૭૫૬ના બેસ્ટ લેવલે બંધ હતા.
ઑટો ઇન્ડેક્સ ૩૫,૧૮૯ની વિક્રમી સપાટી બનાવી ૫૬૨ પૉઇન્ટ કે ૧.૬ ટકા વધી ૩૫,૧૩૪ બંધ હતો. અત્રે સંવર્ધના મધરસન ૬ ટકા, બજાજ ઑટો પોણાછ ટકા, હીરો મોટોકૉર્પ સવાચાર ટકા, મારુતિ સાડાત્રણ ટકા, બાલક્રિશ્ન ઇન્ડ. ૨.૯ ટકા, ટીવીએસ મોટર્સ ૧.૪ ટકા, અશોક લેલૅન્ડ સવા ટકો, ક્યુમિન્સ એક ટકો મજબૂત હતા. તાતા મોટર્સ અડધો ટકો નરમ હતો. આઇશર પોણાત્રણ ટકા વધુ ખરડાયો છે. ઑટો એન્સિલિયરી ઉદ્યોગના ૭૮ શૅર પ્લસ તો ૩૮ શૅર માઇનસ હતા. મશીનો પ્લાસ્ટિક્સ ૧૫૦ની ટૉપ બનાવી ૧૮ ટકાની તેજીમાં ૧૪૭ વટાવી ગયો છે. એનબી બેરિંગ્સ સવાદસ ટકા, મુંજાલ શોવા ૯.૮ ટકા, મુંજાલ ઑટો ૭.૫ ટકા, શિવમ ઑટો સાડાછ ટકા, રિકો ઑટો પોણાછ ટકા ઊછળ્યા છે. જય ભારત મારુતિ પાંચ ટકા તૂટી ૩૨૩ હતો. આઇઓસી, પેટ્રોનેટ, ઑઇલ ઇન્ડિયા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, ભારત પેટ્રોના એકથી અઢી ટકાના તથા હિન્દ પેટ્રો ૪.૧ ટકા, હિન્દુ. ઑઇલ ૪.૩ ટકા, ચેન્નઈ પેટ્રો ૬.૯ ટકા, એજીસલોજી ૭.૫ ટકા, એમઆરપીએલ ૧૨.૨ ટકા ઊછળતાં એનર્જી ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2023 01:26 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK