બજેટની માર્કેટ પરની અસર મોટે ભાગે તો ટૂંકા ગાળાની હોય છે, આપણો રોકાણકાર તરીકેનો અભિગમ લાંબા ગાળાનો જ હોવો જોઈએ. આ સાથે પહેલી ફેબ્રુઆરીએ યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદર વિશે આવનારો નિર્ણય ચિંતા બની ઊભો છે.
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એક દિવસ બાદ બજેટમાં જે પણ આવે, તમારા મનમાં ચાલતા અનેક સવાલોનો જવાબ હાલ તો એક જ છે, તમારે લૉન્ગ ટર્મનો અભિગમ રાખવામાં જ સાર છે. બજેટની માર્કેટ પરની અસર મોટે ભાગે તો ટૂંકા ગાળાની હોય છે, આપણો રોકાણકાર તરીકેનો અભિગમ લાંબા ગાળાનો જ હોવો જોઈએ. આ સાથે પહેલી ફેબ્રુઆરીએ યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદર વિશે આવનારો નિર્ણય ચિંતા બની ઊભો છે. આ પહેલાં અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં પડેલાં ગાબડાંઓએ માર્કેટનો મૂડ બગાડ્યો છે. બજેટ આ જખમ પર મલમ લગાવશે એવી આશા છે
શૅરબજાર હોય કે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણની વાત હોય, વરસોથી મોટે ભાગે લૉન્ગ ટર્મ રોકાણની વાતો ભારપૂર્વક થાય છે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને જ ખરા અર્થમાં ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે, બાકી સટ્ટો, જુગાર, ટ્રેડિંગ ગણવામાં આવે છે, જેમાં કાયમ જોખમ માથે લટકતું જ હોય છે. અલબત્ત, એમાં ઊંચા વળતરની આશા પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે, પણ ખરું રોકાણ તો લાંબા ગાળાનું જ સાર્થક ગણાય. નવું વરસ નવી આશા-ઉમ્મીદ સાથે અને ઇકૉનૉમીની મજબૂતીના આધારે શરૂ થયું છે ત્યારે લૉન્ગ ટર્મના મહત્ત્વને સમજવામાં સાર છે.
ADVERTISEMENT
કમ્પાઉન્ડિંગની કમાલ સમજો
સૌપ્રથમ તો લૉન્ગ ટર્મને ખરા અર્થમાં સમજવું હોય તો કમ્પાઉન્ડિંગનો અર્થ સમજવો પડે, કમ્પાઉન્ડિંગ એટલે વ્યાજ-વળતરની વૃદ્ધિ પર વૃદ્ધિ, માત્ર મૂળ રકમ પર જ નહીં. ઇન શૉર્ટ, ઘણા લોકો એમ માનતા હોય છે કે ૨૫ વરસમાં ૧૦ ટકા ગ્રોથ એટલે ૨૫૦ ટકા ગ્રોથ, પરંતુ વાસ્તવમાં ૮૯૯ ટકા ગ્રોથ થાય, જે કમ્પાઉન્ડિંગની કમાલ છે. શૅરબજારમાં લૉન્ગ ટર્મ રોકાણ કર્યા બાદ લૉસ કરનારા અને નાણાં ગુમાવનાર લોકોની સંખ્યા ખરેખર ઓછી હશે. સિવાય કે તેમની સ્ટૉક્સની પસંદગી જ ખોટી હોઈ શકે.
લૉન્ગ ટર્મ બાબતે મોટા ભાગના લોકો એવા પણ ભ્રમમાં હોય છે કે બે-ત્રણ વરસ એટલે અથવા બહુ-બહુ તો પાંચ વરસ એટલે લૉન્ગ ટર્મ, પરંતુ લૉન્ગ ટર્મની ખરેખર કોઈ ટર્મ હોય શકે નહીં, છતાં એક સાધારણ નિયમ મુજબ ૭થી ૧૦ વરસને લૉન્ગ ટર્મની વ્યાખ્યામાં આવરી લેવાય છે. આ વાત ખાસ કરીને ઇક્વિટી શૅર્સ માટે લાગુ પડે છે. લૉન્ગ ટર્મના મહત્ત્વને સમજવા માટે સેન્સેક્સની છેલ્લા ચાર દાયકાની યાત્રા સમજવી જોઈશે.
આ પણ વાંચો: વૉલેટાઇલ માર્કેટનું હવે પછીનું એકમાત્ર ટ્રિગર બજેટ બનશે
સેન્સેક્સની ૪૩ વરસની યાત્રા
સેન્સેક્સની અદ્ભુત યાત્રાને સમજવા ચોક્કસ ઐતિહાસિક ડેટા જોઈ જવા જરૂરી છે. સેન્સેક્સની શરૂઆત ૪૩ વરસ પહેલાં થઈ. આ ૪૩ વરસોમાં ૧૧,૦૦૦થી વધુ ટ્રેડિંગ દિવસો આવી ગયા. આ દિવસોમાં પૉઝિટિવ અને નેગટિવ રિટર્ન્સને જોવામાં આવે તો દૈનિક ધોરણે ૫૩ ટકા સમય પૉઝિટિવ વળતર અને ૪૭ ટકા સમય નેગેટિવ રહ્યું, સાપ્તાહિક ધોરણે ૫૬ ટકા પૉઝિટિવ અને ૪૪ ટકા નેગેટિવ, માસિક ધોરણે ૬૧ ટકા પૉઝિટિવ, ૩૯ ટકા નેગેટિવ, ક્વૉર્ટરલી ધોરણે ૬૪ ટકા પૉઝિટિવ અને ૩૬ ટકા નેગેટિવ, વાર્ષિક ધોરણે ૭૨ ટકા પૉઝિટિવ અને ૨૮ ટકા નેગેટિવ, ત્રણ વરસના ધોરણે ૮૯ ટકા પૉઝિટિવ, ૧૧ ટકા નેગેટિવ; પાંચ વરસના સમયને લઈએ તો ૯૬ ટકા પૉઝિટિવ અને ૪ ટકા નેગેટિવ અને ૧૦ વરસના સમયગાળાને ધ્યાનમાં લઈએ તો ૧૦૦ ટકા પૉઝિટિવ વળતરવાળાં રહ્યાં.
સેન્સેક્સે ૪૩ વરસમાં ૧૫.૫ ટકા કમ્પાઉન્ડિંગ ઍન્યુઅલ ગ્રોથ રેટ આપ્યો છે. એમાં પણ દાયકા મુજબ જોઈએ તો ૧૯૮૦-’૯૦માં ૨૧.૬ ટકા, ૧૯૯૦-૨૦૦૦માં ૧૪.૩ ટકા, ૨૦૦૦-૨૦૧૦માં ૧૭.૮ ટકા, ૨૦૧૦-૨૦૨૦માં ૮.૮ ટકા અને ૨૦૨૦થી ૨૦૨૨ (૨૧ ડિસેમ્બર સુધીમાં) ૨૪.૮ ટકા વળતર આપ્યું છે. જોકે વળતર વિનાનો લાંબો સમયગાળો ૧૯૯૪થી ૨૦૦૩નો હતો. અલબત્ત, ૨૦૦૨થી ૧૮ વરસ કોઈ વરસ વળતર વિનાનું ગયું નથી. અર્થાત્ જો તમે ૨૦૦૨માં રોકાણ કરીને મિનિમમ ૭ વરસ નાણાં રાખી મૂક્યાં હોય તો તમે જરાય નાણાં ગુમાવ્યાં ન હોય.
૧૨ લાખ કરોડની મૂડીનું ધોવાણ
વીતેલા સપ્તાહની ચાલ પર નજર કરીએ તો માર્કેટ વૉલેટાઇલ રહ્યું, અદાણી ગ્રુપ વિશેના અહેવાલોએ બજાર પર નેગેટિવ અસર મૂકી હતી. બુધવારે બજારે સડસડાટ તૂટતા જઈને ૭૦૦-૮૦૦ પૉઇન્ટનો કડાકો બતાવ્યો, ગુરુવારે ૨૬ જાન્યુઆરીની રજા બાદ ૨૭ જાન્યુઆરીના શુક્રવારે અદાણીના નામે મોટા કડાકા શરૂ થયા અને કલાકમાં તો અદાણી ગ્રુપના તમામ સ્ટૉક્સ તૂટી ગયા હતા. અદાણીના પગલે બૅન્ક સ્ટૉક્સ પણ તૂટ્યા હતા. એક ફૉરેન રિસર્ચ કંપનીના અદાણી ગ્રુપ વિશેના ગંભીર નેગેટિવ રિપોર્ટ બાદ માર્કેટ પર આ મુસીબતનાં પોટલાં પડ્યાં હતાં, જેમાં એ કંપનીએ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મંદીના સોદા કરીને બળતામાં ઘી હોમ્યું હતું. બ્રૉડર માર્કેટમાં પણ કડાકા જોવાયા હતા. સેન્સેક્સ ૮૭૪ પૉઇન્ટ તૂટીને ૫૯,૩૩૦ અને નિફ્ટી ૨૮૭ પૉઇન્ટ તૂટીને ૧૭,૬૦૪ બંધ રહ્યા. છેલ્લા અમુક જ દિવસોમાં ૧૨ લાખ કરોડનું મૂડીધોવાણ થયું હોવાનો અંદાજ છે.
બજેટ જખમ પર મલમ બનશે?
આ સમગ્ર વિષયમાં કોણ કેટલું સાચું-કેટલું ખોટું એ તો સમય કહેશે, પરંતુ અત્યારે તો બજાર વિચારતું થઈ ગયું છે. આ કોઈ હરીફાઈના ભાગરૂપ છે, રાજકારણના ભાગરૂપ છે કે કોઈ અન્ય રમત યા સત્ય છે, એનો જવાબ કોણ આપી શકશે એ પણ સવાલ છે, એ બાબત પણ સમય પર છોડવી પડે. અદાણી ગ્રુપે એના ખુલાસા કર્યા છે તેમ જ અમુક અન્ય રિસર્ચ સંસ્થાએ પણ અદાણી બાબતે નેગેટિવ રિપોર્ટને ઇરાદાપૂર્વકની રમત ગણાવી છે, પણ હવે પછી અદાણી શું ઍક્શન લે છે અને માર્કેટ શું રિઍક્શન આપે છે એ જોવાનું રહેશે. હાલ તો બજેટને કારણે અદાણી ઇફેક્ટ જલદીથી પૂરી થાય એવી માર્કેટ આશા રાખે છે, બાકી કંઈ કહેવું કઠિન હોવાથી અદાણીના સ્ટૉક્સમાં સાવચેતી આવશ્યક છે. જોખમ લેવાની હામ હોય તો જ ઍવરેજ કરવા અથવા નીચા ભાવે ખરીદવા જવાય.
સિલેક્ટિવ બનો - સાવચેતી રાખો
એક સત્ય ખાસ યાદ રાખવાનું છે કે બજેટની અસરો ટૂંકા ગાળા માટે થતી હોવાથી બજારની ટૂંકા ગાળાની ચાલ પર ધ્યાન આપવાની ચિંતામાં પડવું નહીં, પરંતુ લાંબા ગાળાનો વિચાર કરવો મહત્ત્વનો છે, કેમ કે ભારતીય અર્થતંત્રની લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી ઉજ્જ્વળ હોવાનું પાકું છે. અલબત્ત, વર્તમાન સંજોગોમાં તો ગ્લોબલ પરિબળો મહત્ત્વની અસરો કરી રહ્યાં છે, એની ઉપેક્ષા થઈ શકશે નહીં, પણ જેમણે લૉન્ગ ટર્મ માટે રોકાણ કરવાનું વિચાર્યું છે તેમણે સિલેક્ટિવ બનીને આગળ વધવામાં શાણપણ છે. જ્યાં સુધી અદાણી ગ્રુપની અસરોનો મુદ્દો છે ત્યાં ધ્યાન આપવું, પરંતુ બહુ ગંભીર થઈ જવાની જરૂર નથી, કારણ કે માર્કેટ આવા અનેક આઘાત-પ્રત્યાઘાતો અગાઉ અનેક વાર સહન કરીને પાછું ઊભર્યું છે. વાસ્તે જે જોવા-સમજવાનું છે એ લૉન્ગ ટર્મ સ્ટોરી અને એની સંભવિત અસરો છે.