Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોથી વિપરીત ચાલમાં શૅરબજાર ૬૯૩ પૉઇન્ટ ડાઉન, બૅન્કિંગ શૅર ખરડાયા

વિશ્વબજારોથી વિપરીત ચાલમાં શૅરબજાર ૬૯૩ પૉઇન્ટ ડાઉન, બૅન્કિંગ શૅર ખરડાયા

Published : 14 August, 2024 08:35 AM | IST | Mumbai
Anil Patel

અદાણી ગ્રુપના ૧૧માંથી ૮ શૅર માઇનસ : એક્સ બોનસ થતાં મિલ્ક ફૂડ્સ ઉપલી સર્કિટમાં, EIH અસોસિએશન હોટેલ્સ નવી ટૉપ બનાવી સાડાપાંચ ટકા તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી : હૉસ્પિટલ કંપની HCGને હસ્તગત કરવાની રેસમાં બેઇન કૅપિટલ ફ્રન્ટ રનર : જેબી કેમિકલ્સને ટેકઓવર કરવા ટૉરન્ટ ફાર્મા ત્રણ અબજ ડૉલરનું ભંડોળ ઊભું કરવા પ્રવૃત્ત, શૅર નવા શિખરે : અદાણી ગ્રુપના ૧૧માંથી ૮ શૅર માઇનસ : એક્સ બોનસ થતાં મિલ્ક ફૂડ્સ ઉપલી સર્કિટમાં, EIH અસોસિએશન હોટેલ્સ નવી ટૉપ બનાવી સાડાપાંચ ટકા તૂટ્યો : બલરામપુર ચીની સુસ્ત પરિણામ વચ્ચે ૨૮ મહિનાના બેસ્ટ લેવલે : ૨૦ ટકાની ત્રીજી સર્કિટની નજીક જઈ પ્રૉફિટ બુકિંગમાં ઓલા ઇલેક્ટ્રિક ઘટ્યો


હિંડનબર્ગના નવા અટૅક સામે ઝીંક ઝીલવામાં સફળ નીવડેલું બજાર વળતા દિવસે ઢીલું પડી ગયું છે. સેન્સેક્સ આગલા બંધથી મંગળવારે ૯૬ પૉઇન્ટ જેવો નરમ ખૂલી છેવટે ૬૯૩ પૉઇન્ટ ઘટી ૭૮,૯૫૬ તો નિફ્ટી ૨૦૮ પૉઇન્ટ બગડી ૨૪,૧૩૯ બંધ થયો છે. આરંભથી અંત સુધી લગભગ માઇનસ ઝોનમાં રહેલા માર્કેટમાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ અપવાદ તરીકે દોઢ ટકો કે ૮૫૨ પૉઇન્ટ પ્લસ હતો જેમાં ટાઇટનનું પ્રદાન ૪૧૫ પૉઇન્ટ હતું. આ શૅર પોણાબે ટકા પ્લસની મજબૂતીમાં ૩૩૮૪ ઉપર બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ પર્ફોર્મર બન્યો છે. સેન્સેક્સ નિફ્ટીની ૦.૯ ટકાની નબળાઈ સામે બૅન્કિંગ, ફાઇનૅન્સ, ટેલિકૉમ, નિફ્ટી મેટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢથી પોણાબે ટકા ખરડાયા હતા. રોકડું અને બ્રૉડર માર્કેટ, નિફ્ટી મીડિયા, પાવર, યુટિલિટીઝ જેવા ઇન્ડાઇસિસ એકથી સવા ટકો કપાયા છે. પીએસયુ ઇન્ડેક્સ ૫૯માંથી ૫૬ શૅરના બગાડમાં પોણાબે ટકા સાફ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૪.૫૩ લાખ કરોડના ઘટાડે ૪૪૫.૩૦ લાખ કરોડ રહ્યું છે. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૯૦ શૅરની સામે ૧૭૮૫ કાઉન્ટર ઘટ્યાં છે.



તમામ અગ્રણી એશિયન બજાર સુધારામાં જોવાયાં છે. જૅપનીઝ નિક્કી ૧૨૦૭ પૉઇન્ટ કે સવાત્રણ ટકા તો સિંગાપોર અને ઇન્ડોનેશિયા પોણો ટકો પ્લસ હતા. યુરોપ સામાન્ય વધ-ઘટે રનિંગમાં અથડાયેલું હતું. એશિયા ખાતે કોવિડના નવા કેસમાં નોંધપાત્ર વધારાનું વલણ દેખાવા માંડ્યું છે જેની અસરમાં ખાસ કરીને જપાન, ચાઇના અને સાઉથ કોરિયા ખાતે કોવિડના પરીક્ષણને લગતી ટેસ્ટ કીટ્સ, ઇલાજમાં વપરાતી દવાઓ તેમ જ કોવિડ રિલેટેડ અન્ય સામગ્રી બનાવતી કંપનીઓના શૅરો ડિમાન્ડમાં આવ્યા છે. દરમ્યાન હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન નબળાં રિઝલ્ટમાં સવાતેર ટકા તૂટી ૨૪૪ની અંદર આવી ગયો છે. 


ઓલેક્ટ્રા ગ્રીનનો નફો ૬ કરોડ વધતાં માર્કેટકૅપ ૯૨૩ કરોડ વધી ગયું

ઓર્ચિડ ફાર્માનો ત્રિમાસિક નફો ૨૧૨ ટકા વધી ૨૯ કરોડ વટાવી જતાં ૧૫૯૧ની નવી ટૉપ બનાવી હેવી પ્રૉફિટ બુકિંગમાં ૧૩૯૫ થઈ ચાર ટકા ગગડી ૧૪૧૭ રહ્યો છે. ૨૬ ઑક્ટોબરે શૅર ૪૩૨ના વર્ષના તળિયે હતો. ઓલેક્ટ્રા ગ્રીનનો ત્રિમાસિક નફો ૩૪ ટકા વધી ૨૪ કરોડ થતાં શૅર ઉપરમાં ૧૭૪૦ થઈ ૭.૩ ટકા કે ૧૧૨ રૂપિયાની તેજીમાં ૧૬૫૬ બંધ થયો છે. સાદી ભાષામાં કહીએ તો ત્રિમાસિક નફો ફક્ત ૬ કરોડ રૂપિયા વધ્યો છે, પણ એમાં કંપનીનું માર્કેટકૅપ એક જ દિવસમાં ૯૨૩ કરોડ ઊંચકાયું છે. સટ્ટાકીય ખેલ વગર આવું શક્ય જ નથી. બલરામપુર ચીનીએ સવાબે ટકાના વધારામાં ૧૪૨૧ કરોડની આવક પર સાડાચાર ટકાના ઘટાડામાં ૭૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. આમ છતાં શૅર ૫૨૨ની ૨૮ માસની ટૉપ બતાવી ત્રણ ટકાની મજબૂતીમાં ૫૧૧ જોવાયો છે. આવી જ સ્થિતિ રેલવે કંપની આઇઆરએફસીમાં રહી છે. કંપનીએ માંડ દોઢ ટકાના વધારામાં ૬૭૬૫ કરોડની આવક પર નામપૂરતી વૃદ્ધિ સાથે ૧૫૭૬ કરોડ ત્રિમાસિક નફો કર્યો છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૮૯ વટાવી અંતે પોણાબે ટકા ઘટી ૧૮૧ હતો. બાય ધ વે, આ શૅર ત્રણ માસમાં ૨૬ ટકા, ૨૦૨૪ દરમ્યાન ૮૫ ટકા અને એક વર્ષમાં ૨૭૫ ટકા વધી ગયો છે. ૮૬.૪ ટકા માલ સરકાર પાસે છે જે બજારમાં આવવાનો નથી. ફરતા માલની ખેંચની કૃત્રિમ સ્થિતિ પેદા કરી સટોડિયા ઑપરેટરો પીએસયુ શૅરો ચલાવે જાય છે.


વોડાફોનની ત્રિમાસિક ખોટ ૭૮૪૦ કરોડની સામે આ વખતે જૂન ક્વૉર્ટરમાં ઘટીને ૬૪૩૨ કરોડ આવી છે. બ્લુમબર્ગની એકંદર ધારણા ૭૬૩૯ કરોડની નેટ લોસની હતી, પરંતુ શૅર ૩.૩ ટકા ઘટી ૧૫.૪૮ બંધ થયો છે. પરિણામની તેજી આગળ ધપાવતાં ત્રિવેણી ટર્બાઇન ૮૩૮ની વિક્રમી સપાટી નોંધાવી ૧૨.૪ ટકાના ઉછાળે ૭૮૭ થયો છે. શૅર એક સપ્તાહમાં ૨૯ ટકા વધી ચૂક્યો છે. 

ફર્સ્ટક્રાય અને યુનિકૉમર્સનાં લિસ્ટિંગ ધમાકેદાર રહ્યાં

ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબિઝ સૉલ્યુશન્સ બેના શૅરદીઠ ૪૫૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૮૭ના છેલ્લા પ્રીમિયમ સામે ગઈ કાલે ૬૨૫ ખૂલી ૬૭૮ બંધ થતાં અત્રે ૪૬ ટકા કે ૨૧૩ રૂપિયાનો દમદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. તો સ્નેપડિલ પ્રમોટેડ યુનિકૉમર્સ ઈ-સૉલ્યુશન્સ ૧૦૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬૯ના પ્રીમિયમ સામે ૨૩૦ ખૂલી ઉપરમાં ૨૫૬ વટાવી ૨૧૦ બંધ થતાં એમાંય ૯૪.૫ ટકાનું ધમાકેદાર રિટર્ન છૂટ્યું છે. શુક્રવારે SME કંપની એસ્થેટિક એન્જિનિયર્સનું લિસ્ટિંગ છે. ગ્રે માર્કેટમાં ૫૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૪૫નું પ્રીમિયમ બોલાય છે.

દરમ્યાન નીરસ લિસ્ટિંગમાં ૭૬ ખૂલ્યા પછી સળંગ બે દિવસ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ મારનારી ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે ૨૦ ટકાની ત્રીજી સર્કિટ ૧૩૧ નજીક, ૧૩૦ થઈ સવા ટકાની નરમાઈમાં ૧૦૮ બંધ થયો છે. તો SME સેગમેન્ટમાં તાજેતરમાં લિસ્ટેડ એફકૉમ હોલ્ડિંગ્સ ૫ ટકાની ઉપલી સર્કિટે ૨૩૭ની ટૉપ બનાવી ત્યાં અને પિક્ચર પોસ્ટ સ્ટુડિયોઝ ઉપલી સર્કિટે પાંચ ટકા ઊંચકાઈ ૩૫ નજીકની ટોચે જઈ ત્યાં જ બંધ રહ્યો છે. કોલ્હાપુરની સરસ્વતી સાડી ડેપો શૅરદીઠ ૧૬૦ની અપરબૅન્ડમાં ૧૬૦ કરોડનો ઇશ્યુ લાવેલી છે. ભરણું બીજા દિવસના અંતે કુલ ૧૬.૩ ગણું છલકાઈ ગયું છે. પ્રીમિયમ ૬૫થી વધી હાલ ૮૦ જેવું છે. બીજા દિવસના અંતે ગાંધીનગરની પોસિટ્રોનનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૫૧૨૧ લાખનો ઇશ્યુ કુલ ૬૦ ગણો તો ખેડાની સનલાઇટ રિસાઇક્લિંગનો શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૩૦૨૪ લાખનો ઇશ્યુ કુલ ૨૭.૩ ગણો ભરાઈ ગયો છે. પોસિટ્રોનમાં ૨૦૦નું અને સનલાઇટમાં ૪૦નું પ્રીમિયમ બોલાય છે. 

વેઇટેજના વસવસામાં HDFC બૅન્ક ખરડાઈ, બજારને સૌથી વધુ નડી

HCG અર્થા હેલ્થકૅર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસની વિદેશી પ્રમોટર CVC એનો ૬૦.૪ ટકા હિસ્સો વેચવા સક્રિય બની છે જે હસ્તગત કરવા અમેરિકન બેઇન મેદાનમાં ઊતરી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૬૫ થઈ પોણો ટકો ઘટી ૩૫૩ બંધ હતો. ડીલ પ્રીમિયમે થવાની વાત છે જે સાચી ઠરે તો આ કાઉન્ટર લાઇમલાઇટમાં જોવાશે. MSCI ઇન્ડેક્સમાં HDFC બૅન્કનું વેઇટેજ એકસાથે નહીં, પણ બે તબક્કે વધારવાના નિર્ણયથી ગઈ કાલે HDFC બૅન્કનો શૅર સાડાત્રણ ટકા ગગડી ૧૬૦૪ નીચે બંધ થતાં સેન્સેક્સને સર્વાધિક ૩૭૮ પૉઇન્ટનો માર પડ્યો છે. એ સાથે બૅન્કિંગમાંય માનસ બગડતાં ઉદ્યોગના ૪૧માંથી ફક્ત ૪ શૅર સુધર્યા હતા. બૅન્ક નિફ્ટી દોઢ ટકો કે ૭૪૬ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ શૅરના ઘટાડે પોણાબે ટકા કપાયો હતો. બૅન્કિંગની પાછળ ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૯માંથી ૧૨૮ શૅરની નરમાઈમાં પોણાબે ટકા સાફ થયો છે. હૂડકો, LIC, ફીનો પેમેન્ટ બૅન્ક, બીએફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફીબીમ, TFCL, ઓસ્વાલ ગ્રીન, દૌલત અલ્ગો, એડલવાઇસ ઇત્યાદી ૪થી ૯.૫ ટકા ધોવાયા હતા.

રિલાયન્સ નહીંવત સુધર્યો હતો, પરંતુ સ્ટેટ બૅન્ક, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, બજાજ ફાઇ, શ્રીરામ ફાઇ, HDFC લાઇફ, ગ્રાસિમ, અદાણી એન્ટર, ONGC જેવી જાતો દોઢથી પોણાત્રણ ટકા ગગડી છે. ભારત પેટ્રો સાડાત્રણ ટકા ખરડાઈ નિફ્ટીમાં ટૉપ લૂઝર હતો. અદાણી ગ્રુપમાં અદાણી ટોટલ બે ટકા, અદાણી ગ્રીન સવા ટકો, અદાણી એનર્જી પોણો ટકો પ્લસ હતા. સાંધી ઇન્ડ, અંબુજા સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર સવાથી સવાબે ટકા કટ થયા છે. 

આરતી ઇન્ડસ્ટ્રીઝનાં રિઝલ્ટ સારાં પણ ગાઇડન્સિસ ટાળ્યું, શૅરમાં કડાકો

બેન્ઝિન બેઝ્ડ સ્પેશ્યલ કેમિકલ્સ સેક્ટરની વૈશ્વિક ખેલાડી વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝે ૨૮ ટકાના વધારામાં ૨૦૧૨ કરોડની આવક પર ૯૬ ટકાના વધારામાં ૧૩૭ કરોડનો નફો કર્યો હોવા છતાં શૅર ગઈ કાલે ૨૦૦૮ પછીના મોટા કડાકામાં NSE ખાતે નીચામાં ૬૦૬ થઈ ૧૫.૫ ટકા કે ૧૧૩ રૂપિયા ખરડાઈ ૬૨૧ બંધ થયો છે. આ ખરાબી પાછળનું કારણ વૈશ્વિક અનિશ્ચિતતાના લીધે કંપની મૅનેજમેન્ટ તરફથી ૨૦૨૪-’૨૫ના વર્ષ માટે ગાઇડન્સિસ આપવાનો કરાયેલો ઇનકાર છે. મૉર્ગન સ્ટેનલી તથા એમ્કે ગ્લોબલ દ્વારા ડી-રેટિંગ સાથે બેરિશ વ્યુ અપાયો છે. સામે નુવામો ૯૦૩ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે. જેબી કેમિકલ્સમાં પેરન્ટ કેકેઆરનું ૫૩.૮ ટકા હોલ્ડિંગ ખરીદવા ભંડોળની જોગવાઈ કરવા માટે ટૉરન્ટ ફાર્મા બર્કલેઝ, ડ્યુશ બૅન્ક, સ્ટાન્ચાર્ટ ઇત્યાદી જેવા બૅન્કર્સ પાસેથી ત્રણ અબજ ડૉલર ઊભા કરવા સક્રિય બની હોવાના અહેવાલ છે. ટૉરન્ટ ફાર્માનો શૅર ૩૩૮૪ની સર્વોચ્ચ સપાટી બનાવી પોણો ટકો વધી ૩૩૬૩ તો જેબી કેમિકલ્સ ઉપરમાં ૧૯૮૦ વટાવી અંતે ૧૯૪૧ના લેવલે ફ્લૅટ બંધ હતો.

મિલ્ક ફૂડ શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના ૫માં વિભાજનમાં એક્સ-બોનસ, એક્સ-સ્પ્લિટ થતાં ૫ ટકાની ઉપલી સર્કિટે ૨૦૫ નજીક સરક્યો છે. EIH અસોસિએટ્સ હોટેલ્સ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ૫૪૫ના શિખરે જઈ ૫.૬ ટકા તૂટી ૪૬૭ હતો. ૧૦૦૦ રૂપિયાના શૅરના ૧૦ રૂપિયામાં વિભાજનમાં જામશ્રી રિયલ્ટી ઉપલી સર્કિટ જારી રાખતાં બે ટકા વધી ૨૧,૯૯૧ના શિખરે ગયો છે. શૅર શુક્રવારે એક્સ સ્પ્લિટ થશે. ઓરિએન્ટ ગ્રીન એક્સ રાઇટ થતાં ગઈ કાલે ૩.૫ ટકા ઘટી ૨૧ ઉપર હતો. બ્રોકરેજ ફર્મ ઍન્ટિક સ્ટૉક બ્રોકિંગ દ્વારા રેલ વિકાસ નિગમમાં ભારે બેરિશ વ્યુ સાથે ૨૮૩ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની સલાહ અપાઈ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૦૨ નજીક જઈ એક ટકો ઘટીને ૫૬૯ હતો. આ કાઉન્ટર ત્રણ માસમાં ૧૨૬ ટકા અને વર્ષમાં ૩૫૯ ટકા વધી ગયું છે. શૅર હાલ ૮૩ના અતિ ઊંચા પી/ઇ ઉપર ચાલે છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2024 08:35 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK