વીતેલા વર્ષમાં અને છેલ્લાં પાંચ વર્ષમાં શૅરબજારે અને ભારતીય ઇકૉનૉમીએ શું જોયું? શેમાંથી પસાર થયાં? યુદ્ધ, અનિશ્ચિતતા, વિવિધ ક્રાઇસિસ, વૉલેટિલિટી અને કોવિડનો કપરો કાળ. એમ છતાં બજાર કયાં કારણોસર ક્યાં પહોંચ્યું એ સમજવામાં શાણપણ છે
સ્ટૉક ટ્રેન્ડ
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારની લાંબી-સળંગ તેજી, સ્ટૉક્સ અને ઇન્ડેક્સની નવી-નવી ઊંચાઈ, વિવિધ નવા વિક્રમો જોયા-માણ્યા બાદ તાજેતરમાં પહેલી વાર કરેક્શનનો કડક આંચકો તેમ જ વૉલેટિલિટીનો ચકરાવો બજારે જોયો અને ફીલ પણ કર્યો. ગણતરીના દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીના આંકડામાં કેવાં ગાબડાં પડ્યાં એ જોયા બાદ લાખો રોકાણકારોના મનમાં સવાલો થયા હશે, ખાસ કરીને નવા-યુવા રોકાણકારોના મનમાં. બજાર આમ અચાનક એકધારું ગબડે કે તૂટે પણ ખરું? આપણને તો એમ કે બજાર માત્ર વધે જ. આવો સવાલ જેને થાય એવો વર્ગ બહુ મોટો છે, જેમણે માત્ર તેજી અને બજારની ઊંચાઈ જ જોઈ હતી; કરેક્શનના આંચકા જોયા નહોતા. જેથી આ દિવાળી દરમ્યાન ઇન્વેસ્ટર્સ વર્ગને આ બહુ મહત્ત્વનો પાઠ જોવા-શીખવા મળ્યો છે, જેને તેમણે દિવાળી-ગિફ્ટ ગણવી જોઈએ. જો આ ગિફ્ટને તેઓ બરાબર સમજી લેશે તો આગામી સમયમાં બજાર કેવું પણ રહે, તેઓ સંપત્તિસર્જન તરફ આગળ વધશે. સંભવતઃ એમ ન પણ થયું તો કમસે કમ સંપત્તિ-વિસર્જનને તો ચોક્કસ ટાળી શકશે.