Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇટી અને બૅન્કિંગના ભારમાં શૅરબજાર સતત ત્રીજા દિવસે નરમ, માર્કેટ બ્રેડ્થમાં નેગેટિવિટી

આઇટી અને બૅન્કિંગના ભારમાં શૅરબજાર સતત ત્રીજા દિવસે નરમ, માર્કેટ બ્રેડ્થમાં નેગેટિવિટી

Published : 20 April, 2023 02:24 PM | IST | Mumbai
Anil Patel

ગ્લૅન્ડ ફાર્મા તગડા વૉલ્યુમ સાથે ૧૮૬ રૂપિયા કે ૧૫ ટકાની તેજીમાં : પરિણામના વસવસામાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પાંચેક ટકા તૂટ્યો : ક્રિસિલ સારાં પરિણામ પાછળ પ્રારંભિક સુધારા બાદ બગડ્યો : ઍપ્ટેકમાં નવું બેસ્ટ લેવલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઉત્પાદનમાં બે દાયકાના મોટા ઘટાડાની આશંકાથી રાઇસ કંપનીઓના શૅરોમાં લાવલાવ : વિન્ડફૉલ ટૅક્સના પુનરાગમનથી ઑઇલ ઇન્ડિયા અને હિન્દુ ઑઇલ ડાઉન, ડીઝલની એક્સપોર્ટ ડ્યુટી રદ થવા છતાં રિલાયન્સ માત્ર અડધો ટકો સુધર્યો : એચસીએલ ટેક્નૉલૉજીઝ પરિણામની પૂર્વસંધ્યાએ સેન્સેક્સ-નિફ્ટીમાં ટૉપ લૂઝર : ગ્લૅન્ડ ફાર્મા તગડા વૉલ્યુમ સાથે ૧૮૬ રૂપિયા કે ૧૫ ટકાની તેજીમાં : પરિણામના વસવસામાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પાંચેક ટકા તૂટ્યો : ક્રિસિલ સારાં પરિણામ પાછળ પ્રારંભિક સુધારા બાદ બગડ્યો : ઍપ્ટેકમાં નવું બેસ્ટ લેવલ


એશિયા-યુરોપના ઢીલા વલણ વચ્ચે ઘરઆંગણે શૅરબજાર બુધવારે પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ ખૂલી છેવટે ૧૫૯ પૉઇન્ટ ઘટીને ૫૯,૫૬૮ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૧૭,૬૧૯ બંધ આવ્યો છે. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ અતિ સાંકડી, માંડ ત્રણસો પૉઇન્ટની હતી. સેન્સેક્સ ખૂલતાની સાથે જ ઉપરમાં ૫૯,૭૪૬ થઈ નીચામાં દિવસ દરમ્યાન ૪૯,૪૫૩ થયો હતો. બન્ને બજારોનાં બહુમતી સેક્ટોરલ માઇનસમાં બંધ થયાં છે. નિફ્ટી મીડિયા ૧.૭ ટકા, આઇટી ઇન્ડેક્સ ૧.૭ ટકા, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક દોઢ ટકા, પાવર યુટિલિટી ઇન્ડેક્સ એકાદ ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો ડાઉન હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સર્વાધિક અડધો ટકો સુધર્યો છે. માર્કેટ બ્રેડ્થ નકારાત્મક જ રહી છે. એનએસઈમાં વધેલા ૯૩૬ શૅરની સામે ૧૦૮૯ જાતો નરમ રહી છે. એશિયા ખાતે સિંગાપોર અડધા ટકાની નજીક તો સાઉથ કોરિયા નામજોગ સુધર્યું છે. સામે હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, થાઇલૅન્ડ પોણા ટકાથી વધુ તથા ચાઇના અને તાઇવાન અડધા ટકાથી વધુ માઇનસ હતા. યુરોપ રનિંગમાં નહીંવતથી અડધા ટકાની નજીક નીચે દેખાયું છે. 



વિન્ડફૉલ ટૅક્સ નાબૂદ કર્યાની વાત હજી હવામાં છે. ત્યાં એને ફરી વખત નાખવાની જાહેરાત સરકારે કરી છે અને ક્રૂડના સ્થાનિક ઉત્પાદકો પર ટનદીઠ ૬૪૦૦નો આ વેરો ઝીંકી દેવાયો છે. સામે ડીઝલ પરની એક્સપોર્ટ ટ્યુટી શૂન્ય કરી દેવાઈ છે. આની અસરમાં બુધવારે ઑઇલ ઇન્ડિયા બે ટકા, હિન્દુ. ઑઇલ એક્સપ્લોરેશન બે ટકા અને ઓએનજીસી ૦.૪ ટકા ઘટ્યાં છે. સામે હિન્દુ. પેટ્રોલિયમ સાડાચાર ટકા, ભારત પેટ્રો અઢી ટકા, ચેન્નઈ પેટ્રો દોઢ ટકા, એમઆરપીએલ સવા ટકો, ઇન્ડિયન ઑઇલ ૦.૯ ટકા પ્લસ હતા. 


ફીન સૉલ્યુશન્સના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગના પગલે છેલ્લા કેટલાક વખતથી ચોખાનું ઉત્પાદન વિશ્વસ્તરે ઘટી રહ્યું છે. આ વર્ષે ઊપજમાં છેલ્લા બે દાયકાનો મોટો ઘટાડો જોવા મળે એવી દહેશત છે. આ અહેવાલથી ગઈ કાલે રાઇસ બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓના શૅર ખાસ્સા ઝળક્યા છે. કેઆરપીએલ સવાબાર ટકાની તેજીમાં ૩૮૫, ચમનલાલ સેટિયા પોણાનવ ટકા ઊછળીને ૧૮૦, કોહીનૂર ફૂડ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૧ નજીક, દાવત ફેમ એલટી ફૂડ્સ આઠ ટકાના જમ્પમાં ૧૦૬ બંધ રહ્યા છે. 

મિર્ઝા ઇન્ટર સતત ઉપલી સર્કિટમાં, ઈકેઆઇ એનર્જી નવા નીચા તળિયે 


સેન્સેક્સના ૩૦માંથી ૯ અને નિફ્ટીના ૫૦માંથી ૧૮ શૅર સુધર્યા છે. નિફ્ટી ખાતે ભારત પેટ્રો અને ડિવીઝ લૅબ ૨.૨ ટકા, બજાજ ઑટો ૧.૩ ટકા વધીને મોખરે હતા. સેન્સેક્સમાં ઍક્સિસ બૅન્ક એક ટકાથી વધુ સુધરી ૮૭૩ હતી. રિઝલ્ટ ૨૭મીએ છે. મહિન્દ્ર એક ટકાની નજીક, ભારતી ઍરટેલ અને એચડીએફસી પોણો ટકો વધ્યા છે. ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી રદ થવા છતાં રિલાયન્સ માત્ર અડધા ટકાના સુધારામાં ૨૩૫૨ની અંદર હતો. 

એચસીએલ ટેક્નૉલૉજીઝ પરિણામની પૂર્વસંધ્યાએ ૨.૪ ટકા ગગડી ૧૦૩૮ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૪ ટકા, ઇન્ફી સવાબે ટકા, વિપ્રો બે ટકા, એનટીપીસી તથા એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા, ટીસીએસ ૧.૪ ટકા, એસબીઆઇ લાઇફ ૧.૯ ટકા, એચડીએફસી લાઇફ ૧.૪ ટકા, સિપ્લા સવા ટકો ઘટ્યા છે. 

અદાણી ગ્રીન પોણાબે ટકા, અદાણી ટ્રાન્સ દોઢ ટકા, અદાણી ટોટલ ૧.૮ ટકા, એસીસી પોણા ટકાથી વધુ, અંબુજા સિમેન્ટ પોણો ટકો, એનડીટીવી ૧.૭ ટકા, અદાણી પાવર અડધો ટકો ઘટ્યા છે. અદાણી વિલ્મર સવા ટકો પ્લસ હતો. અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્સ નહીંવત સુધર્યા છે. રોકડામાં મિર્ઝા ઇન્ટરનૅશનલ, ટેક્સમો પાઇપ્સ, મનુગ્રાફ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. સિંધુ ટ્રેડ ૨૦ ટકા ઊંચકાયો છે. ગ્લૅન્ડ ફાર્મા ૧૫ ટકા કે ૧૮૬ રૂપિયાના ઉછાળે ૧૪૧૭ થયો છે. ઈકેઆઇ એનર્જી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૮૩ના નવા તળિયે બંધ હતો. ૬ જુલાઈએ અહીં ૨૯૬૪નું શિખર બન્યું હતું. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પરિણામ પાછળ ૪.૯ ટકા ગગડીને ૧૦૭૬ રહ્યો છે. 

આઇટી ઇન્ડેક્સ ૪૫૩ પૉઇન્ટ ડાઉન, ટીવીએસ અને અતુલ ઑટો નવી ટોચે 

આઇટીમાં માનસ બગડેલું છે. આંક ૫૯માંથી ૪૦ શૅરની ખરાબીમાં ૪૫૩ પૉઇન્ટ કે ૧.૭ ટકા ખરડાયો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડે ૧.૮ ટકા ડૂલ થયો હતો. ઇન્ફોસિસ સવાબે ટકા તૂટીને ૧૨૩૨, ટીસીએસ ૧.૪ ટકા ઘટી ૩૦૮૯, એચસીએલ ટેક્નૉ. ૨.૪ ટકા ગગડી ૧૦૩૮, ટેક મહિન્દ્ર એક ટકાના ઘટાડે ૧૦૧૫, વિપ્રો પોણાબે ટકાની ખરાબીમાં ૩૬૧, લાટિમ ૧૨૨ રૂપિયા કે ૨.૮ ટકા બગડી ૪૧૯૫ બંધ હતો. સિગ્નેટી સામા પ્રવાહે પોણાપાંચ ટકા ઊંચકાઈ ૭૮૯ થયો છે. ઇમુદ્રા સવાચારેક ટકા, સોનાટા સૉફ્ટવેર ૪ ટકા, બ્લૅક બૉક્સ સવાત્રણ ટકા મજબૂત હતા. કોફોર્જ, સિએન્ટ, એક્સેલ્યા, એએસએમ ટેક્નૉ, બ્રાઇટકૉમ ત્રણથી પાંચ ટકા કપાયા છે. ટેલિકૉમમાં ભારતી, વિન્દય ટેલિ, રાઉટ મોબાઇલ અને એમટીએનએલ પોણાથી સવાબે ટકા પ્લસ હતા. સામે તાતા ટેલિ, તાતા કમ્યુ, એચએફસીએલ, ઑપ્ટિમસ અને તેજસ નેટ સવાથી સવાબે ટકા ડાઉન થયા છે. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક દોઢ ટકો કટ થયો છે. અત્રે ઝી એન્ટર, પીવીઆર, જસ્ટ ડાયલ દોઢથી ત્રણ ટકા તો સનટીવી અને નેટવર્ક ૧૮ પોણા ટકાથી વધુ નરમ થયા છે. 

ટીવીએસ મોટર્સનાં પરિણામ ૪ મેએ સારા આવવાની હવામાં ભાવ ૧૧૮૪ના નવા શિખરે જઈ ૨.૨ ટકા વધી ૧૧૭૦ રહ્યો છે. બજાજ ઑટો સવા ટકો, મહિન્દ્ર ૦.૯ ટકા, આઇશર અડધો ટકો પ્લસ હતા. મારુતિ અડધો ટકો અને તાતા મોટર્સ પોણો ટકો ઘટ્યા છે. બાલક્રિશ્ના ઇન્ડ. ૨૦૨૮ હતો. અતુલ ઑટો ૪૩૨ની નવી ટોચે જઈ દોઢ ટકો વધીને ૪૨૦ નજીક ગયો છે. 

બૅન્કિંગમાં પીછેહઠ, એચડીએફસી બૅન્ક બે દિવસ બાદ ધીમા સુધારામાં

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડે ૧૧૧ પૉઇન્ટ વધી ૪૨,૧૫૪ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નબળાઈમાં પોણો ટકો નરમ હતો. બૅન્કિંગના ૩૭માંથી આઠ શૅર વધ્યા છે. ફીનો પેમેન્ટ બૅન્ક અને ફેડરલ બૅન્ક લગભગ યથાવત હતા. ઉજ્જીવન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ઍક્સિસ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક પોણાથી એક ટકો પ્લસ થયા છે. સામે સીએસબી બૅન્ક, આરબીએલ બૅન્ક, જેકે બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, એયુ બૅન્ક બેથી સાડાત્રણ ટકા કટ થયા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધો ટકો અને સ્ટેટ બૅન્ક એક ટકો નરમ હતા. એચડીએફસી બૅન્ક અડધા ટકા નજીક સુધર્યો છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૮૩ શૅરના ઘટાડા વચ્ચે નહીંવત નરમ હતો. ક્રિસિલ પરિણામ પૂર્વે આગલા દિવસના ૧૪૯ રૂપિયાના ધબડકાને આગળ વધારતાં ઉપરમાં ૩૪૩૮ થઈ ૩૩૧૭ બતાવી ૦.૯ ટકા ઘટી ૩૩૫૨ બંધ આવ્યો છે. સારાં પરિણામ કામ આવ્યાં નથી. બીએસ લિમિટેડ પોણાત્રણ ટકા ગગડી ૪૫૪ થયો છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પરિણામના વસવસામાં ૪.૯ ટકા ખરડાઈ ૧૦૭૬ નીચે ગયો છે. નાયકા પોણો ટકો ઘટી ૧૨૪ હતો. શૅર નવા નીચા તળિયે જવાની તૈયાર કરતો લાગે છે. લાર્સન ૨૨૧૯ના લેવલે ફ્લૅટ હતો. એલ્જી ઇક્વિપમેન્ટ્સ સાડાછ ટકા ઊંચકાઈને ૫૦૭ વટાવી ગયો છે. સેફલર ૨.૮ ટકાની ખરાબીમાં ૨૮૫૩ થયો છે. મેટલમાં જિંદલ સ્ટીલ અઢી ટકા, નાલ્કો દોઢ ટકો અને વેદાન્ત પોણો ટકો પ્લસ હતા. તાતા સ્ટીલ અડધો ટકો સુધરી ૧૦૮ હતો.

બનારસ હોટેલ્સમાં પરિણામ પૂર્વે ભારે અફરાતફરી જોવાઈ

બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૯માંથી ૫૪ શૅરના સથવારે સાધારણ પ્લસ હતો, પરંતુ ગ્લૅન્ડ ફાર્મા ૨૨ ગણા કામકાજે ઉપરમાં ૧૪૭૫ થઈ ૧૫ ટકાની તેજીમાં ૧૪૧૭ બંધ રહી છે. ઝાયડ્સ લાઇફ ૫૨૦ની દોઢેક વર્ષની નવી ટૉપ બતાવી સામાન્ય સુધારે ૫૧૭ હતી. કૅપ્લિન પૉઇન્ટ નવ ટકા, સિકવન્ટ સાયન્ટિફિક નવ ટકા, પિરામલ ફાર્મા આઠ ટકા, જગસન પાલ સાડાસાત ટકા, ટેક સૉલ્યુશન્સ પાંચ ટકા મજબૂત હતા. 

એફએમસીજી બેન્ચમાર્ક ૮૦માંથી ૪૬ શૅરના સુધારા વચ્ચે નજીવો ઘટ્યો છે. હિન્દુ. યુનિલીવર અડધો ટકો, મારિકો અઢી ટકા, યુનાઇટેડ સ્પિરિટ્સ બે ટકા, કોલગેટ દોઢ ટકો નરમ હતા. અત્રે કેઆરબીએલ, ચમનલાલ સેટિયા, એલટી ફૂડ્સ જેવા રાઇસ બિઝનેસના શૅર ૮થી ૧૨ ટકા ઊંચકાયા છે. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ એક ટકો માઇનસ થયો છે. અત્રે અદાણીના શૅરોના ભાર ઉપરાંત તાતા પાવર, એનટીપીસી, વાટેક વાબેગ, જેપી પાવર, રિલાયન્સ પાવર જેવી જાતો એકથી બે ટકા નરમ હતી. વારિ રિન્યુએબલ ૪.૩ ટકા ઊછળી ૯૦૯ વટાવી ગઈ છે. આઇનોક્સ ગ્રીન એનર્જી સવાચાર ટકા અને કેપી ગ્રીન સવાત્રણ ટકા પ્લસ હતા. તાતા કેમિકલ્સ આગલા દિવસની ખરાબી બાદ બુધવારે નહીંવત વધી ૯૩૩ રહ્યો છે. ઍપ્ટેક ૪૫૫ની નવી ટૉપ બનાવી ૫.૪ ટકાના જમ્પમાં ૪૫૨ થયો છે. બનારસ હોટેલ્સ પરિણામ પૂર્વે ૩૯૨૫ની નવી ટોચે ગયા બાદ નીચામાં ૩૬૭૦ થઈ સવા ટકો ઘટીને ૩૭૨૩ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 02:24 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK