તમે તમારા પ્રિયજનો માટે દિવાળીની ભેટ ખરીદતી વખતે તેમની પસંદગી, વય અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને એમને માટે ભેટો ખરીદો છો.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી એ ભારતના સૌથી પ્રિય ઉત્સવોમાંનો એક છે. આ દિવાળીના તહેવારમાંથી તમે અમુક બોધપાઠ લઈને એને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો છો.
૧. સાફ-સફાઈ ઃ દિવાળીના તહેવારની ઉજવણીની શરૂઆત સાફ-સફાઈની શરૂઆતથી થાય છે. એવી જ રીતે રોકાણ કરેલા પોર્ટફોલિયોમાં ઘણી પ્રોડક્ટ્સ હોય, મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઘણી બધી સ્કીમ્સ હોય તેમ જ ઘણાં બધાં નાનાં રોકાણો નિયમિત ધોરણે ચાલતાં હોય એ બધાંને સુવ્યવસ્થિત કરવાની, તમારાં લક્ષ્યો સાથે અસંગત હોય એવાં રોકાણોને છૂટાં કરીને પોર્ટફોલિયોની સાફ-સફાઈ કરવી જરૂરી છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે એમાં ફેરફારો કરવાની તેમ જ નિયમિત ધોરણે આ રોકાણો પર મૉનિટરિંગ કરવામાં સરળતા રહે.
ADVERTISEMENT
૨. તમારાં લક્ષ્યો પ્રમાણે રોકાણ કરો ઃ તમે તમારા પ્રિયજનો માટે દિવાળીની ભેટ ખરીદતી વખતે તેમની પસંદગી, વય અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને એમને માટે ભેટો ખરીદો છો. એવી જ રીતે રોકાણ કરતી વખતે પણ તમારે તમારા જીવનનાં લક્ષ્યો જેવા કે લગ્ન, ઘરની ખરીદી, બાળકોનું શિક્ષણ, તમારું રિટાયરમેન્ટ વગેરે માટે રોકાણ કરવાની જરૂર છે. જો તમે લક્ષ્ય નક્કી કર્યું હોય તો તમે આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વહેલે તબક્કેથી જ રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. આ પ્રમાણે રોકાણ કરવાથી ભવિષ્યમાં તમારી પાસે એ લક્ષ્ય માટે નાણાંનો પ્રવાહ ઉપલબ્ધ થઈ શકે છે. આર્થિક રીતે નબળી સ્થિતિ સર્જાય એના કરતાં નિશ્ચિત લક્ષ્ય માટે વધુ પૈસા ભેગા થઈ શકે એ સારી પરિસ્થિતિ સર્જી શકાય છે.
3. અંધકારને દૂર કરવો ઃ ફાનસ અને દીવાઓથી આપણું ઘર પ્રકાશિત થાય છે. અંધકારમાંથી પ્રકાશ થતાં આપણને દિશાની સ્પષ્ટતા મળે છે. એવી જ રીતે નાણાકીય યોજના આપણાં નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગને પ્રકાશિત કરે છે, જેથી આપણને આપણી આર્થિક સ્થિતિની દિશાની સ્પષ્ટતા મળે છે. આ ઉપરાંત મની-મૅનેજમેન્ટ શીખવાથી કોઈ પણ ગેરસમજભર્યા નાણાકીય નિર્ણયો લેવાને બદલે માહિતગાર રહીને નાણાકીય નિર્ણયો સ્પષ્ટતાપૂર્વક લઈ શકાય છે.
૪. વિવિધતાને યાદ રાખો ઃ દિવાળી એ રોશનીનું-લાઇટ્સનું પર્વ છે, પરંતુ કેવળ રોશની આનંદદાયક દિવાળીની ઉજવણી કરવા માટે પૂરતી નથી. દિવાળીનો આ તહેવાર ખરીદી, પરિવાર સાથે મળીને ઉજવણી કરવી, દીવાઓ પ્રગટાવવા, ફટાકડા ફોડવા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું એક સુમેળભર્યું સરસ સંયોજન હોવું જોઈએ. દિવાળીનો ખરો આનંદ માણવા માટે આ દરેક પ્રવૃત્તિઓનું સરસ રીતે આયોજન કરવું મહત્ત્વપૂર્ણ છે, જેથી તમે કંઈ પણ ચૂકો નહીં. તમારાં રોકાણોને પણ આ જ હકીકત લાગુ પડે છે. એક જૂની કહેવત અનુસાર એમ કહેવાય છે કે બધાં જ ઈંડાં એક જ બાસ્કેટમાં ન મૂકવાં જોઈએ. એ અનુસાર બજારનાં જોખમો ઓછાં કરવા માટે તમારા રોકાણના પોર્ટફોલિયોમાં વિવિધતા હોવી જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે તમે સોના અને ચાંદીમાં રોકાણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે સફળ રોકાણ માટે વિવિધતા આવશ્યક છે.
૫. ફૅમિલી બોન્ડિંગ ઃ આપણા પ્રિયજનો વિના દિવાળીનો આનંદ માણવો એકદમ અશક્ય છે. જેવી રીતે આખો પરિવાર સાથે મળીને દિવાળીની ઉજવણી કરે છે એ જ રીતે આખો પરિવાર સાથે મળીને આર્થિક લક્ષ્યો નક્કી કરે અને એક સાથે એ લક્ષ્યોની પ્રાપ્તિ માટે તેમ જ પરિવારના દરેક સભ્યની આર્થિક સુરક્ષા માટે પૂરતો ઇન્શ્યૉરન્સ અને રોકાણો કરે તો પરિવારના સભ્યો એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવી શકશે.
૬. મીઠાઈઓ અને વાનગીઓ ઃ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવીને એની વહેંચણી પોતાના પ્રિયજનોમાં કરવી એ દિવાળીની ઉજવણીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સંતુષ્ટ બનવું અને મિત્રો અને સંબંધીઓ સાથે પોતાનાં રોકાણો અને નાણાકીય બાબતોની તુલના ન કરવાથી આપણને જીવન અને સંબંધોની મીઠાશ જાળવવામાં મદદ મળી શકે છે.
૭. તમારા જીવનમાં ઉજવણીનો માહોલ કાયમ બની રહે ઃ રોશની કરવી અને ફટાકડા ફોડવા એ દિવાળી સાથે સંકળાયેલ છે. આ બધા ઉત્સવની ઉજવણી આપણી અંદરની નકારાત્મકતાને સુન્ન કરવા માટે પૂરતી શક્તિશાળી છે. દીવાઓનો સ્વર્ગીય પ્રકાશ તમારી બધી નકારાત્મક ઊર્જાને સાફ કરે છે. એ જ રોકાણના ક્ષેત્ર માટે પણ સાચું છે. બધી અનિચ્છનીય ગેરસમજણો, અફવાઓ, દંતકથાઓ અને અધકચરા જ્ઞાન દ્વારા કરેલી પસંદગીઓ ટાળવી જોઈએ. તમારા નાણાકીય નિર્ણયો આ બધા અવાજો પર આધારિત ન રહેતાં કેવળ અભ્યાસ અને વિશ્લેષણ પર આધારિત હોવા જોઈએ. આવેગજન્ય નિર્ણય લેવાને બદલે લાઇસન્સ પ્રાપ્ત રોકાણ વિષયક સલાહકાર પાસેથી સલાહ લેવી જોઈએ અને ખાસ કરીને તમારા નાણાકીય જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે વ્યક્તિગત ફાઇનૅન્સ પ્રોફેશનલને તમારા માટે પ્રકાશ પાથરવાની મંજૂરી આપો.
આનંદ અને સમૃદ્ધિ તમને અનુસરે એવી દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!