ગુરુવારના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 762 પોઈન્ટના ઉછાળા સાથે 62,272 પર બંધ થયો હતો
પ્રતીકાત્મક તસવીર
બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બીએસઈ સેન્સેક્સ આજે ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. ભારતીય શેરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 62000ના આંકડાને પાર કરી ગયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ શેરોમાં અદભૂત ઉછાળાને કારણે બેન્ક નિફ્ટી પણ ઐતિહાસિક રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો છે.
ગુરુવારના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 762 પોઈન્ટના ઉછાળા સાથે 62,272 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 પોઈન્ટના ઉછાળા સાથે 18,484 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
સેક્ટરની સ્થિતિ
શેરબજારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા જેવા તમામ ક્ષેત્રોના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ બેન્ક નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. બેન્ક નિફ્ટી પ્રથમ વખત 43000 પાર કરીને 43075 પર બંધ થયો હતો.
તો આઈટી શેરોમાં જોરદાર તેજીના કારણે નિફ્ટી આઈટી 773 પોઈન્ટના ઉછાળા સાથે 30,178 પોઈન્ટ પર બંધ થયો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જ તેના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે માત્ર સાત શેરોમાં ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને ચાર લાલ નિશાનમાં બંધ થયા હતા.
વધ્યા આ શેરો
બજાર વિક્રમી વધારા સાથે બંધ થયું ત્યારે, ઈન્ફોસીસ 2.93%, HCL ટેક 2.59%, પાવર ગ્રીડ 2.56%, વિપ્રો 2.43%, ટેક મહિન્દ્રા 2.39%, TCS 2.05%, HDFC 1.99%, એચયુએલ 1.69%, એચડીએફસી બેન્ક 1.68%, સન ફાર્મા 1.58%ના વધારા સાથે બંધ થયા છે.
ઘટ્યા આ શેરો
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર ચાર શેરોમાં ઘટાડો થયો હતો, જેમાં ટાટા સ્ટીલ 0.14%, બજાજ ફિનસર્વ 0.11%, બજાજ ફાઇનાન્સ 0.10 %, કોટક મહિન્દ્રા 0.09% હતા.
આ પણ વાંચો: તાતા ગ્રુપને વેચાઈ જશે બિસલેરી, 7,000 કરોડમાં થઈ શકે છે ડીલ