માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ, એનએસઈ ખાતે એક શૅર વધ્યો, સામે નવ જાત માઇનસ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
રોકડામાં ભારે ખુવારી, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ વર્ષના મોટા કડાકા સાથે ૧૫૫૧ પૉઇન્ટ ડૂલ : બજારનાં તમામ સેક્ટોરલ ગગડ્યાં, ટીસીએસ ઇન્ફીની તાકાત ઉપર આઇટી અને ટેક્નૉ ઇન્ડેક્સમાં આભાસી સુધારો : માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ, એનએસઈ ખાતે એક શૅર વધ્યો, સામે નવ જાત માઇનસ: બજારના માર્કેટ કૅપમાં ૫.૫૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ છતાં સેન્સેક્સ ૯૪ પૉઇન્ટ વધીને બંધ : મેટલ, એનર્જી, પાવર, યુટિલિટી, ઑઇલ-ગૅસ, એનર્જી, પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી મીડિયા, રિયલ્ટી વગેરેના તમામ શૅર ડાઉન : અદાણી અને અંબાણીના બધા જ શૅર માઇનસમાં ગયા
રોકડામાં મોટા પાયે ભારે ખરાબી વચ્ચે સેન્સેક્સ મંગળવારે ૯૪ પૉઇન્ટની આગેકૂચમાં ૬૭,૨૨૧ બંધ થયો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૦,૧૧૦ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ત્રણ પૉઇન્ટ ઘટી ૧૯,૯૯૩ રહ્યો છે. આ સાથે સેન્સેક્સની સળંગ સાત દિવસની આગેકૂચ આઠમા દિવસમાં પ્રવેશી છે. બજાર આગલા બંધથી ૩૮૦ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૬૭,૫૦૭ ખૂલી ઉપરમાં ૬૭,૫૩૯ બતાવી તરત જ લથડી નીચામાં ૬૬,૯૪૮ દેખાયું હતું અને આ ધબડકા પછી બજારની ચાલ બેતરફી વધઘટે બહુધા અથડાયેલી રહી હતી. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, ઑટો, કૅપિટલ ગુડ્સ, પીએસયુ બૅન્ક નિફ્ટી, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ફાઇનૅન્સ, હેલ્થકૅર જેવા ઇન્ડાઇસિસ લાઇફટાઇમ હાઈ થયાં હતાં. મેટલ, આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી ઇન્ડેક્સમાં નવાં ઐતિહાસિક શિખર બન્યાં હતાં, પરંતુ સરવાળે બધું ધોવાઈ ગયું હતું. આઇટી અને ટેક્નૉલૉજીને બાદ કરતાં અને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ ગગડ્યાં છે.
ADVERTISEMENT
ગઈ કાલે રોકડું રીતસર રગદોળાયું હતું. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૨૫માંથી ૧૧૪ શૅરના ધબડકામાં ત્રણ ટકા કે ૯૮૦ પૉઇન્ટ, સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૯૫૯ શૅરમાંથી માત્ર ૩૭ શૅરના સુધારામાં ચાર ટકા કે ૧૫૫૧ પૉઇન્ટ અને બ્રોડર માર્કેટ ૫૦૧માંથી ૪૪૭ શૅરની ખરાબીમાં એક ટકા કે ૨૯૯ પૉઇન્ટ ડૂલ થયો છે. આ ઉપરાંત પાવર-યુટિલિટી ઇન્ડેક્સ પોણાચાર ટકા, રિલલ્ટી ઇન્ડેક્સ સવાત્રણ ટકા, ટેલિકૉમ ૩.૬ ટકા, ઑઇલ-ગૅસ ૩.૧ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૨.૮ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આંક ૨.૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૮ ટકા, મેટલ ઇન્ડેક્સ અઢી ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૪ ટકા, નિફ્ટી મીડિયા ૪.૩ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૬ ટકા સાફ થયો છે. પીએસયુ ઇન્ડેક્સ ૧૨,૬૬૯ની વિક્રમી સપાટી બાદ ૩.૮ ટકા કે ૪૭૧ પૉઇન્ટ ખરડાઈ ૧૨,૦૮૯ હતો. સેન્ટ્રલ પીએસયુનો ઇન્ડેક્સ ૪.૭ ટકા ખુવાર થયો છે. માર્કેટની વ્યાપક વેચવાલીમાં ખરડાયેલા આંતર પ્રવાહને લઈને માર્કેટ બ્રેડથમાં ભારે બુરાઇ જોવા મળી છે. એનએસઈ ખાતે વધેલા ૨૧૭ શૅરની સામે ૧૮૬૦ જાતો ઘટીને બંધ થઈ છે. બજારનું માર્કેટ કૅપ પણ ૫.૫૯ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં ૩૧૮.૬૭ લાખ કરોડ નોંધાયું છે. આવા ખરાબ માર્કેટમાંય સેન્સેક્સ સતત આઠમા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યો એ કેવળ ઇન્ડેક્સ મૅનેજમેન્ટના ખેલનું પરિણામ છે.
ટીસીએસ, લાર્સન અને અલ્ટ્રાટેક નવા ઐતિહાસિક શિખરે ગયા
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર વધ્યા હતા. ટીસીએસ ૩૫૯૦ની વર્ષની ટૉપ બતાવી ૨.૯ ટકા ઊંચકાઈ ૩૫૮૦ થયો છે. લાર્સને બાયબૅક પ્રાઇસ શૅરદીઠ ૩૦૦૦થી વધારીને ૩૨૦૦ રૂપિયા કરી છે. પણ બાયબૅક માટેના શૅરની સંખ્યા ૩૩૩ લાખથી ઘટાડી ૩૧૨ લાખ કરી નાખી છે. જેથી બાયબૅકની સાઇઝ ૧૦ હજાર કરોડ રૂપિયા યથાવત્ રહે છે. બાયબૅકની રેકૉર્ડડેટ ૧૨ સપ્ટેમ્બર હતી. ભાવ ગઈ કાલે ૩૦૦૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૧.૭ ટકા વધી ૨૯૪૩ બંધ થયો છે. અલ્ટ્રાટેક ૮૬૧૧ના શિખરે જઈને દોઢ ટકા કે ૧૨૬ રૂપિયાની મજબૂતીમાં ૮૫૮૬ થયો છે. ઇન્ફોસિસ ૧.૭ ટકા વધી ૧૫૦૧ના બંધમાં બજારને ૭૮ પૉઇન્ટ ફળ્યો છે. ટીસીએસની તેજી બજારને સર્વાધિક ૯૨ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. નેસ્લે ૨૩૮ રૂપિયા કે એક ટકો પ્લસ હતો. આઇટીસી ૦.૯ ટકા, સનફાર્મા પોણો ટકા, ICICI આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૩ ટકા વધ્યા હતા. રિલાયન્સ દોઢ ટકા ગગડી ૨૪૩૮ના બંધમાં બજારને ૧૧૧ પૉઇન્ટ નડ્યો હતો. જિયો ફાઇ. ૨.૪ ટકા ઘટી ૨૪૪ રહ્યો છે. નિફ્ટીમાં ડિવીઝ લૅબ ૧.૪ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૧ ટકા, ગ્રાસિમ અડધો ટકો અપ હતા.
પાવર ગ્રીડ ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૨૦૪ના બેસ્ટ લેવલે જઈ ૩.૫ ટકા ગગડી ૧૯૧ હતો. એનટીપીસી ૩.૩ ટકા, તાતા મોટર્સ ૨.૨ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક દોઢ ટકા, મહિન્દ્ર ૧.૬ ટકા, હિન્દુ યુનિલીવર ૧.૪ ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા, ભારત પેટ્રો ૪.૨ ટકા, અદાણી પોર્ટસ ૨.૭ ટકા, અદાણી એન્ટર ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૨.૯ ટકા, અપોલો હૉસ્પિટલ ૨.૩ ટકા, યુપીએલ ૨.૨ ટકા આઇશર ૧.૯ ટકા, હિન્દાલ્કો દોઢ ટકો, એચડીએફસી લાઇફ ૧.૨ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૧ ટકા, ઓએનજીસી ૧.૪ ટકા ડૂલ થયા છે.
અદાણીના ૧૦માંથી ૧૦ શૅર ડાઉન, વીર હેલ્થકૅરમાં બોનસની રેકૉર્ડડેટ બાવીસમી
અદાણી ગ્રુપના દસમાંથી દસ શૅર બગડ્યા છે. અદાણી એન્ટર ૩.૧ ટકા, અદાણી પોર્ટસ ૨.૮ ટકા, અદાણી પાવર ૩.૧ ટકા, અદાણી ટ્રાન્સ. કે અદાણી એનર્જી સોલ્યુશન્સ ૨.૬ ટકા, અદાણી ગ્રીન એક ટકો, અદાણી ટોટલ અઢી ટકા, અદાણી વિલ્મર ૨.૯ ટકા, એસીસી ૧.૭ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૧.૩ ટકા, એનડીટીવી ૩.૭ ટકા ડાઉન થયો છે. મોનાર્ક નેટવર્થ ૬ ટકા ખરડાઈ ૩૨૪ રહી છે. ક્વીન્ટ ડિજિટલ ૫.૫ ટકા લથડી ૧૫૦ હતી. વીર હેલ્થકૅરમાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડડેટ ૨૨ સપ્ટે. નક્કી કરાઈ છે, પરંતુ શૅર અઢી ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૩ થયા બાદ પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૦ પ્લસ થઈને ૪૧.૩૦ બંધ હતો. ઇન્ફિનિયમ ફાર્માકેમ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ત્રણ ટકા વધી ૪૯૫ હતો. સર્વેશ્વર ફૂડ્સ ૧૫ સપ્ટે.ના રોજ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૩ના શિખરે ગયો છે. આ કંપની ૧૦ના શૅરનું એકમાં વિભાજન પણ કરવાની છે. ભાવ ૧૫મીએ એક્સ-સ્પ્લિટ થવાનો છે. ખરાબ બજારમાંય વ્હેરલેઝ આઇટી, સ્મિફસ કૅપિટલ, ઝોડિઍક જેઆરડી મકનજી ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. નીટ લિમિટેડ ૨૦ ટકાની વધુ એક સર્કિટમાં ૧૧૯ નજીક જઈ ૧૧૭ બંધ રહી એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની હતી. આઇટીઆઇ લિમિટેડ ૧૭૭ નજીક નવી ટૉપ બનાવી ૧૧.૪ ટકાની મજબૂતીમાં ૧૬૩ થઈ છે. જેબી કેમિકલ્સ ૩૦૩૭ના શિખર બાદ ત્રણ ટકા વધી ૨૯૨૯ રહી છે. ટૅક્સમાકો રેલ ત્રણ ગણા કામકાજે ૧૬૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૪.૮ ટકા ગગડી ૧૩૬ બંધ આવી છે.
ગડકરીનો બફાટ ઑટો શૅરોને નડ્યો, આઇટીઆઇ સિવાય તમામ પીએસયુ ડૂલ
નીતિન ગડકરીની ગણના આમ તો ઠરેલ રાજનેતા તરીકે થાય છે, પરંતુ સંગતની અસર થઈ હોય એમ તેમણે બફાટ કરી નાખ્યો, ડીઝલ વાહનો ઉપર ૧૦ ટકાનો અતિરિકત ટૅક્સ નાખવા યોજના તૈયાર હોવાનું કહી દીધું. જોકે પછીથી આવી કોઈ યોજના હાલમાં વિચારાધીન નથી એવી સ્પષ્ટતા કરી છતાં એનાથી ઑટો શૅરોમાં બગડેલું માનસ સુધર્યું નહીં. ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૩૭,૧૮૮ની ઑલટાઇમ હાઈથી તૂટી ૩૬,૧૧૯ થઈ છેવટે પોણા બે ટકા કે ૬૫૪ પૉઇન્ટ ખરડાઈ ૩૬,૪૦૭ નીચે બંધ થયો છે. અત્રે બજાર ઑટો નહીંવત્ સુધર્યો હતો. બાકીના ૧૫ શૅર ગગડ્યા છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ નવ ટકા તૂટી ૩૩૫૯ હતો. હીરો મોટોકૉર્પ, આઇશર, ટીવીએસ મોટર્સ, મહિન્દ્ર, તાતા મોટર્સ, અશોક લેલૅન્ડ સવાથી પોણાત્રણ ટકા માઇનસ હતા. ઑટો ઍન્સિલિયરી ઉદ્યોગના ૧૧૮ શૅરમાંથી માત્ર ૧૧ શૅર વધ્યા છે. સંખ્યાબંધ કાઉન્ટર્સ પાંચથી ૧૧ ટકા લથડ્યાં હતાં.
મંગળવારે મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની બુરાઈમાં અઢી ટકા કે ૬૦૭ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડે ત્રણ ટકા કે ૬૦૦ પૉઇન્ટ, રિયલ્ટી ઇન્ડેક્સ બધા જ દસ શૅરના ધોવાણમાં સવાત્રણ ટકા, કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ ૧૧માંથી ૧૧ શૅરની ખરાબીમાં ૧.૮ ટકા કે ૮૫૦ પૉઇન્ટ, પાવર ઇન્ડેક્સ બારેબાર શૅરના અંધારપટમાં ૩.૭ ટકા તો યુટિલિટી ઇન્ડેક્સ ટોરન્ટ પાવરના નજીવા સુધારા સિવાય બાકીના ૨૩ શૅરની ખુવારીમાં પોણાચાર ટકા, એનર્જી ઇન્ડેક્સ તમામ ૨૭ શૅરના ધબડકામાં પોણાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૨૧ શૅરના બગાડમાં ૭૬૩ પૉઇન્ટ કે ૧.૬ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી બેન્ચમાર્ક ૨૯૪માંથી ૨૮૬ શૅરના ધોવાણમાં સવાબે ટકા, પીએસયુ ઇન્ડેક્સ આઇટીઆઇને બાદ કરતાં બાકીના ૫૪ શૅરની ખરાબીમાં પોણાચાર ટકા કપાયો છે.
ઇન્ફી અને ટીસીએસને કારણે આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ વધીને બંધ
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડામાં ૫૯ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના ધબડકામાં ૨.૪ ટકા બગડ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૮માંથી માત્ર ત્રણ શૅર વધ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકો અને એચડીએફસી બૅન્ક તથા કોટક બૅન્ક નહીંવત્ પ્લસ હતા. સામે કર્ણાટકા બૅન્ક સવાસાત ટકા, ધનલક્ષ્મી બૅન્ક પોણાસાત ટકા, જેકે બૅન્ક ૬.૬ ટકા, આરબીએલ બૅન્ક ૬.૪ ટકા, આઇડીબીઆઇ બૅન્ક સવાછ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૫.૪ ટકા, યસ બૅન્ક સાડાચાર ટકા, યુકો બૅન્ક ૮ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૭.૯ ટકા, સેન્ટ્રલ બૅન્ક સાડાસાત ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાસાત ટકા, આઇઓબી સાત ટકા, સૂર્યોદય બૅન્ક સાડાપાંચ ટકા ડૂલ થઈ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતો, પણ એના ૧૩૯માંથી માત્ર ૧૦ શૅર સુધર્યા છે. અત્રે બે ડઝનથી વધુ જાતો સાત ટકાથી લઈ સાડાદસ ટકા તૂટી છે. એલઆઇસી પોણાત્રણ ટકા, પેટીએમ ૪.૩ ટકા, આઇએફસીઆઇ ૧૦.૬ ટકા, ઇન્ફીબીમ સવાદસ ટકા, જિયોજીત ૯.૬ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ નવ ટકા, આરઈસી આઠ ટકા, હુડકો ૭.૯ ટકા, પાવર ફાઇ. સાડાસાત ટકા સાફ થયા હતા. આઇટી ઇન્ડેક્સ ૨૧૦ પૉઇન્ટ કે ૦.૬ ટકા વધી સામે પ્રવાહે હતો, પરંતુ આ સુધારો માત્ર ૫ શૅરને આભારી છે. અન્યથા અહીં ૫૬માંથી ૫૦ શૅર ડાઉન અને ક્વિકહીલ જૈસે થે હતો. વધેલા પાંચમાંથી ટીસીએસ ૨.૯ ટકા અને ઇન્ફી ૧.૭ ટકા મજબૂત હતા. જ્યારે વિપ્રો, એચસીએલ ટેક્નૉ અને લાર્સન ટેક્નૉ નામપૂરતા સુધર્યા છે. અત્રે ઘટેલા ૫૦માંથી ૨૪ શૅર તો પાંચ ટકાથી માંડીને ૧૧ ટકા ધોવાયા હતા. ટીસીએસ તથા ઇન્ફીને કારણે જ ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ ૨૬માંથી ૨૧ શૅર ઘટવા છતાં પોણો ટકો વધીને બંધ થયો છે. મુકેશ અંબાણીની ટીવી ૧૮ સાડાઆઠ ટકા, નેટવર્ક ૧૮ સવાસાત ટકા, જસ્ટ ડાયલ સાડાત્રણ ટકા, ડેન નેટવર્ક સાડાછ ટકા, હેથવે કેબલ સાડાસાત ટકા, સ્ટર્લિંગ વિલ્સન સાડાચાર ટકા, રિલાયન્સ ઇન્ફ્રા પોણાચાર ટકા, આલોક ઇન્ડ ૧૧.૭ ટકા ધોવાઈ છે.