એલઆઇસી પરિણામ પહેલાં સામાન્ય સુધારામાં, બંધન બૅન્ક અને બજાજ હોલ્ડિંગ્સની આગેકૂચ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અદાણીના ૧૦માંથી ૭ શૅર ડાઉન, ૩ જાતો તેજીની સર્કિટે બંધ : મુંબઈની કાજુ-બદામનો વેપાર કરતી પ્રોવેન્ટ્સ ઍગ્રો.નો શૅરદીઠ ૭૭૧ના ભાવનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે માત્ર ૪ ટકા ભરાયો, હેમંત સર્જિકલનો બેડો પાર થયો : આઇટીસી અને ટીવીએસ મોટર્સ નવા બેસ્ટ લેવલે, સ્નેઇડર ઇલે. પરિણામ પાછળ એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર : મહિન્દ્ર સીઈએ ઑટોમાંથી મહિન્દ્રએ રોકડી કરી વિદાય લીધી, શૅર નવા શિખરે ગયો : જેટ ઍરવેઝ નીચલી સર્કિટે નવું બૉટમ બતાવી ઉપલી સર્કિટે ગયો, સ્પાઇસ જેટ ૭.૮ ટકા ઊછળ્યો : એલઆઇસી પરિણામ પહેલાં સામાન્ય સુધારામાં, બંધન બૅન્ક અને બજાજ હોલ્ડિંગ્સની આગેકૂચ
અમેરિકા ખાતે ડેટ સીલિંગ વિળેની મડાગાંઠ ચાલુ રહેતાં વૈશ્વિક શૅરબજારોનો બુધવાર બગડ્યો છે. ન્યુ ઝીલૅન્ડ ખાતે ત્યાંની રિઝર્વ બૅન્કે અડધા ટકાની ધારણા સામે વ્યાજદરમાં માત્ર ૦.૨૫ ટકાનો વધારો કરીને તેમ જ હવે પછી નવો કોઈ વધારો નહીં કરવાની ખાતરી આપી થોડોક આંચકો આપ્યો છે. ન્યુ ઝીલૅન્ડ ડૉલર એના પગલે સવા ટકો ઘટ્યો છે. ત્યાંનું શૅરબજાર નહીંવત સુધર્યું છે. ચાઇના ખાતે રિકવરીમાં નબળાઈ વચ્ચે કોવિડના નવા વેરિઅન્ટનો ખોફ શરૂ થયો છે. શાંઘાઈ ઇન્ડેક્સ વધુ સવા ટકો ઘટી ૩૨૦૫ની અંદર ઊતરી ગયો છે. જે સવાચાર માસની બૉટમ છે. આ સાથે ચાઇનીઝ માર્કેટનો ૨૦૨૩ દરમ્યાનનો સમગ્ર વધારો હવે લગભગ સાફ થવામાં છે. હૉન્ગકૉન્ગ ૧.૭ ટકા ઘટ્યું છે. જૅપનીઝ નિક્કેઈ બીજા દિવસની કમજોરીમાં એક ટકા નજીક ઢીલો થયો છે. સાઉથ કોરિયન બજાર સાત દિવસના સુધારા બાદ પ્રથમ વાર સહેજ માઇનસમાં બંધ થયું છે. સિંગાપોર તથા તાઇવાન સામાન્ય નરમ હતા. મંગળવારની નબળાઈ આગળ વધારતાં યુરોપ રનિંગમાં સવાથી દોઢ ટકો ડાઉન થયું છે. બ્રેન્ટ ક્રૂડ વિપરીત ચાલમાં દોઢેક ટકો વધી ૭૮ ડૉલરને અને નાઇમેક્સ પોણાબે ટકા ઊંચકાઈ ૭૪.૩ ડૉલર વટાવી ગયું છે. ડિમાન્ડ ગ્રોથની વિમાસણમાં કૉપર એક માસમાં ૧૧ ટકા ગગડી ૮૦૦૦ ડૉલરની નવેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ જેવો નરમ ખૂલી છેવટે ૨૦૮ પૉઇન્ટ ઘટીને ૬૧,૭૭૪ તથા નિફ્ટી ૬૩ પૉઇન્ટ ઘટી ૧૮,૨૮૫ બંધ રહ્યો છે. નરમ ખૂલ્યા પછી ઊંટના ઢેકા જેવી ચાલમાં શૅરઆંક ઉપરમાં ૬૨,૧૫૪ અને નીચામાં ૬૧,૭૦૮ થયો હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૯૬૩ શૅરની સામે ૧૦૭૧ જાતો ઘટી છે. બજારના બહુમતી ઇન્ડાઇસિસ સુધર્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવા ટકો, નિફ્ટી ફાર્મા એક ટકા, હેલ્થકૅર બેન્ચમાર્ક પોણો ટકા, નિફ્ટી એફએમસીજી અને મિડિયા ઇન્ડેક્સ અડધા ટકાની આસપાસ પ્લસ હતા. અદાણી એન્ટરના ભારમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા બગડ્યો છે. બૅન્ક નિફ્ટી અડધો ટકો ઢીલો હતો.
ADVERTISEMENT
અમદાવાદી રેમસ ફાર્મામાંથી પ્રેરણા મળી હોય એમ મુંબઈના અંધેરી-ઈસ્ટની કાજુ બદામ સહિત ડ્રાયફ્રૂટ્સનો વેપાર કરતી પ્રોવેન્ટસ ઍગ્રોકૉમ ૧૦ના શૅરદીઠ ૭૭૧ રૂપિયાના તદ્દન ખોટા ભાવે ૧૮૬ના પી/ઈ સાથે ૬૯૫૪ લાખ રૂપિયાનો અતિ મોટો એસએમઈ ઇશ્યુ લઈ બુધવારે મૂડી બજારમાં આવી છે. ઇશ્યુ પ્રથમ દિવસે ચાર ટકા ભરાયો છે. મુંબઈના મુલુંડ-વેસ્ટની હેમંત સર્જિકલનો ૧૦ના શૅરદીઠ ૯૦ની અપર બેન્ડવાળો ૨૪૮૪ લાખનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨.૬ ગણો ભરાયો છે.
માથે પરિણામની વચ્ચે સનફાર્મા બન્ને બજારોમાં ટૉપ પર્ફોર્મર
સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર વધ્યા છે. જેના રિઝલ્ટ ૨૬મીએ છે એસનફાર્મા બમણા વૉલ્યુમે બે ટકા વધી ૯૪૯ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. આઇટીસી ૪૩૫ નજીક નવી વિક્રમી સપાટી બનાવી એક ટકાની આગેકૂચમાં ૪૩૩ હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને ટાઇટન એક ટકા જેવા સુધર્યા છે. આ ઉપરાંત નિફ્ટી ખાતે ડૉ.. રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકો, એસબીઆઇ લાઇફ ૦.૮ ટકા વધ્યા હતા. મારુતિ પોણો ટકો વધી ૯૨૭૦ હતો. રિલાયન્સ પોણા ટકાની નરમાઈમાં ૨૪૩૭ થયો છે.
નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૨૭૫૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૨૫ થઈ છ ટકા કે ૧૫૮ રૂપિયા ખરડાઈ ૨૪૭૫ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર હતો. અદાણી પોર્ટ્સ ૨.૨ ટકા, તાતા મોટર્સ ૧.૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૩ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩ ટકા, એચડીએફસી સવા ટકો, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૨ ટકા ડાઉન હતા. એચડીએફસી ટ્વીન્સને કારણે સેન્સેક્સને ૧૩૮ પૉઇન્ટનો માર પડ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૭૨ પૉઇન્ટ નડી છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી વિલ્મર ૫૦૯ વટાવ્યા બાદ પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૬૪ બંધ હતો. અદાણી પાવર દોઢ ટકો, અદાણી ગ્રીન અડધો ટકો, એસીસી બે ટકા, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો માઇનસ હતા. અદાણી ટ્રાન્સ., અદાણી ટોટલ અને એનડીટીવીમાં પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ વધી છે. મૉનાર્ક નેટવર્થ સવાચાર ટકા તૂટી ૨૧૧ હતો. ગૌતમ એક્ઝિમ, તૂતીકોરિન આલ્કલી, મલ્ટિબેઝ ઇન્ડિયા, ગ્રેટેક્સ કૉર્પોરેટસ જેવા રોકડાના શૅર વીસેક ટકા ઊછળ્યા છે. સીડબ્લ્યુડી લિમિટેડ ૨૦ ટકા, ક્વૉલિટી આરઓ ૧૭ ટકા, અપોલો ફિનવેસ્ટ ૧૫.૬ ટકા તૂટ્યા હતા. સ્નેઇડર ઇલે. પરિણામ પાછળ ૨૨૦ના બેસ્ટ લેવલે જઈ ૧૩.૫ ટકાની તેજીમાં ૨૧૪ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે દિશમાન ૧૨.૬ ટકાના ધબડકામાં ૧૧૪ બંધ આપી ટૉપ લૂઝર હતો.
નબળાં પરિણામોમાં પૉલિપ્લેક્સ ગગડ્યો, પરંતુ સુદર્શન કેમિકલ્સ ૧૨ ટકા ઊછળ્યો
પૉલિપ્લેક્સ કૉર્પોરેશને વેચાણમાં ૧૧.૫ ટકાના ઘટાડા સામે ૯૬ ટકાના ધબડકામાં ૭૬૧ લાખનો ત્રિમાસિક નફો કર્યો છે. કંપનીના પ્રમોટર્સ તરફથી તેમના ૫૧ ટકાના હોલ્ડિંગમાંથી ૨૪.૨ ટકા હિસ્સો દુબઈની એજીપી હોલ્ડકોને ૧૩૭૯ કરોડ રૂપિયામાં વેચવાનું નક્કી થયું છે. ઓપન ઑફર આવવાની હમણાં કોઈ શક્યતા નથી. એટલે શૅર સવાઆઠ ટકા કે ૧૨૪ રૂપિયા ખરડાઈને ૧૩૯૫ નીચે બંધ થયો છે. હિન્દાલ્કોએ ૩૭ ટકાના ઘટાડામાં ૨૪૧૧ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર પોણો ટકો ઘટીને ૪૦૭ બંધ આવ્યો છે. સુદર્શન કેમિકલ્સે માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૧૦ ટકાના વધારા સામે ૨૭ ટકાના ઘટાડામાં ૩૨ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર બે વર્ષના તગડા જમ્પમાં ઉપરમાં ૪૫૩ નજીક જઈને બાર ટકાની તેજીમાં ૪૩૯ ઉપર બંધ રહ્યો છે.
મહિન્દ્ર સીએઈમાં મહિન્દ્રા તરફથી શૅરદીઠ ૪૪૮ જેવા ભાવે ૧૨૧ લાખ શૅર કે ૩.૨ ટકાનો સમગ્ર હિસ્સો બ્લૉકડીલ મારફત વેચી નાંખવામાં આવતાં ભાવ ૪૯૩ના બેસ્ટ લેવલે જઈ ૪.૭ ટકાની મજબૂતીમાં ૪૭૪ બંધ થયો છે. વર્ષ પહેલાં ભાવ ૧૬૮ના તળિયે હતો. ગૅલેક્સી સર્ફકટન્ટ્સનો નફો ૧૪.૮ ટકા ઘટી ૯૦ કરોડ આવતાં શૅર ૨૬૦૦ના આગલા બંધથી નીચામાં ૨૪૩૮ થઈ છેલ્લે ત્રણેક ટકાના ઘટાડે ૨૫૨૩ બંધ થયો છે. જેટ ઍરવેઝ નીચલી સર્કિટે ૪૮ના નવા તળિયે જઈ બાઉન્સબૅકમાં ઉપલી સર્કિટે ૫ ટકા વધીને ૫૩ વટાવી ગયો છે, જ્યારે સ્પાઇસ જેટ અઢી ગણા કામકાજે પોણાઆઠ ટકા ઊછળી ૨૬ ઉપર ગયો છે. ટીવીએસ મોટર્સ ૧૨૮૦ની વિક્રમી સપાટી બનાવી એક ટકાના સુધારામાં ૧૨૭૩ નજીક બંધ હતો.
નાયકામાં નબળાં પરિણામોની અસર આજે દેખાશે, પૂનાવાલા ફિનકૉર્પ નવી ટોચે
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડે અડધો ટકો કે ૨૭૭ પૉઇન્ટ કટ થયો છે. પીએસયુ બૅન્ક નિફટી સ્ટેટ બૅન્કના નજીવા સુધારાને બાદ કરતાં બાકીના ૧૧ શૅરના ઘટાડે અડધો ટકો માઇનસ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૩ શૅર ઘટ્યા છે. બંધન બૅન્ક પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૨૬૧ નજીક સરકી છે. સૂર્યોદય બૅન્ક દોઢ ટકો, ઇન્ડ્સઇન્ડ એક ટકો અને ઉજજીવન બૅન્ક પોણો ટકો પ્લસ હતી. સામે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ધનલક્ષ્મી બૅન્ક, સીએસબી બૅન્ક, ફેડરલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા દોઢથી અઢી ટકા માઇનસ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૬૯ શૅરના ઘટાડામાં અડધા ટકાથી વધુ નરમ હતો. બજાજ હોન્ડિંગ્સ વધુ ચાર ટકા કે ૨૬૫ રૂપિયા વધી ૬૯૦૦ થયો છે. ફાઇવ સ્ટાર બિઝનેસ સવાત્રણ ટકા, હુડકો ૨.૭ ટકા તો લાર્સન ફાઇ. અઢી ટકા વધી ૧૦૧ના નવા શિખરે બંધ હતી. પૂનાવાલા ફિનકૉર્પ ૩૫૫ની ટોચે જઈ અડધો ટકો વધી ૩૪૮ થયો છે. માસ ફાઇ, મુથૂટ ફાઇ, એમસીએક્સ, મેક્સ વેન્ચર્સ અને નાહર કૅપિટલ બેથી અઢી ટકા માઇનસ હતા. એલઆઇસી પરિણામ પહેલાં પોણાબે ગણા કામકાજે ઉપરમાં ૬૦૪ બતાવી અડધા ટકાના સુધારામાં ૫૯૩ બંધ આવ્યો છે. નાયકાનાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં. શૅર અઢી ટકા ઘટી ૧૨૫ બંધ હતો. કંપનીએ ૩૩.૮ ટકાના વધારામાં ૧૩૦૧ કરોડની ત્રિમાસિક આવક કરી છે. પણ નેટ પ્રૉફિટ ૭૨ ટકા જેવો ગગડીને ૨૪૦ લાખ રૂપિયા થયો છે. આ શૅર નવા નીચા તળિયા બનાવશે એમ લાગે છે. પેટીએમ અડધો ટકો નરમ હતો પૉલિસી બાઝાર પોણો ટકો વધીને બંધ થયાં છે.
કન્ઝ્યુમર ડ્યુરે. આંક ૫૧૧ પૉઇન્ટ ઊંચકાયો, સીએટની સેન્ચુરી
ગઈ કાલે સીએટ બમણાથી વધુના વૉલ્યુમે ૨૧૧૨ની નવી ટૉપ બનાવી સવાપાંચ ટકા કે ૧૦૩ રૂપિયાની તેજીમાં ૨૦૭૭ તો અપોલો ટાયર્સ ૩૮૫ના શિખરે જઈ સવાટકો વધી ૩૮૪ નજીક બંધ હતો. જેકે ટાયર્સ દોઢ ટકો અને ગુડયર તથા ટીવીએસ શ્રીચક્ર પોણો ટકો પ્લસ હતા. બજાજ ઑટો, મહિન્દ્ર, મારુતિ, ટીવીએસ મોટર્સ અને હીરો મોટોકૉર્પ અડધાથી એક ટકો વધવા છતાં ઑટો ઇન્ડેક્સ નજીવો ઘટ્યો છે. તાતા મોટર્સ દોઢ ટકો ઘટી ૫૨૦ હતો. ક્યુમિન્સ ઇન્ડિયા નબળાં રિઝલ્ટમાં ૧૭૧૫ના બેસ્ટ લેવલથી ગગડી ૧૫૫૭ થઈ ૫.૪ ટકા તૂટી ૧૫૯૪ રહ્યો છે. આદિત્ય બિરલા ફૅશન ૧.૯ ટકા, બ્લુ સ્ટાર સવાત્રણ ટકા, ક્રૉમ્પ્ટન ૩.૮ ટકા, અંબર એન્ટર ૪.૭ ટકા અને ડિક્સન ટેક્નૉ સવાસાત ટકા ઊછળતાં કન્ઝ્યુ. ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૫૧૧ પૉઇન્ટ કે ૧.૩ ટકા મજબૂત હતો. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૨૬ શૅરના સુધારા વચ્ચે મામૂલી વધ્યો છે. ઇન્ફી નજીવો નરમ, ટીસીએસ નહીંવત પ્લસ અને વિપ્રો અડધો ટકો સુધર્યો છે. ટેક મહિન્દ્ર પોણો ટકો અપ હતો. કેપીઆઇટી ટેક્નૉ ૯૮૭ની વિક્રમી સપાટી બતાવી પોણાછ ટકાના જમ્પમાં ૯૭૯ થયો છે. ઓરિયનપ્રો પાંચ ટકા અને એલાઇડ ડિજિટલ સાડાપાંચ ટકા બગડ્યા હતા. ટેલિકૉમમાં ઑપ્ટિમસ ૧૦.૭ ટકાની તેજીમાં ૨૧૭ વટાવી ગયો છે. ટીવી ૧૮ ચારેક ટકા મજબૂત હતો. સનફાર્માની આગેવાનીમાં હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો વદ્યો છે. લૌરસ લૅબ સવાછ ટકા, કેપ્લીન પૉઇન્ટ પોણાચાર ટકા, ગ્લેનમાર્ક લાઇફ સાડાત્રણ ટકા પ્લસ હતા. એનર્જી સેગમેન્ટમાં ચેન્નઇ પેટ્રો સાડાઆઠ ટકા, દીપ ઇન્ડ. સવાબાર ટકા, કૉન્ફિડન્સ પેટ્રો. સવાપાંચ ટકા, એમઆરપીએલ અઢી ટકા મજબૂત હતા. વાટેક વાબેગ ૪૫૯ની ટોચે જઈ દસેક ટકા ઊછળી ૪૫૬ થયો છે. ઍન્ટોની વેસ્ટ ૧૧.૪ ટકા લથડીને ૨૫૧ રહ્યો છે.