Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારની પાંચ દિવસની નરમાઈ અટકી, સેન્સેક્સ ૬૦૩ પૉઇન્ટના સુધારે બંધ

બજારની પાંચ દિવસની નરમાઈ અટકી, સેન્સેક્સ ૬૦૩ પૉઇન્ટના સુધારે બંધ

Published : 29 October, 2024 08:25 AM | IST | Mumbai
Anil Patel

પાકિસ્તાની શૅરબજાર ૯૧,૦૦૦નેય વટાવી ગયું : પરિણામની અસરમાં ઇન્ડિગોમાં સાડાત્રણસોનું ધોવાણ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સ એક્સ બોનસમાં અડધો ટકો પ્લસ, ડૉ. રેડ્ડીઝ લૅબ એક્સ સ્પ્લિટ થતાં પોણો ટકો સુધર્યો : શ્રીરામ ફાઇનૅન્સ પરિણામ પાછળ નિફ્ટીમાં ટૉપ ગેઇનર : અંબુજા સિમેન્ટ્સ અને એસીસી નફામાં મોટા ઘટાડા છતાં વધીને બંધ : પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની મજબૂતીમાં પોણાચાર ટકા ઊછળ્યો : IDFC ફર્સ્ટ બૅન્ક ખરાબ પરિણામમાં વર્ષના તળિયે જઈ જબરો બાઉન્સબૅક થયો : પાકિસ્તાની શૅરબજાર ૯૧,૦૦૦નેય વટાવી ગયું : પરિણામની અસરમાં ઇન્ડિગોમાં સાડાત્રણસોનું ધોવાણ : ભારતી ઍરટેલનો નફો ૧૬૮ ટકા વધ્યો, પણ ધારણાથી ઘણો ઓછો હોવાથી શૅર આજે ઘટશે


સોમવારે સેન્સેક્સ ૬૦૩ પૉઇન્ટ વધીને ૮૦,૦૦૫ તથા નિફ્ટી ૧૫૮ પૉઇન્ટના સુધારામાં ૨૪,૩૩૯ બંધ થયો છે. આ સાથે બજારની સળંગ પાંચ દિવસની નરમાઈ અટકી છે. દિવાળી ટાંકણે હૈયાહોળીની જે દહેશત જાગી હતી એમાંય ગઈ કાલના સુધારાથી થોડીક નિરાંત પેદા થઈ છે. શૅર આંક અઢીસો પૉઇન્ટ જેવા ગૅપ-અપ ઓપનિંગમાં ૭૯,૬૫૪ નજીક ખૂલી તરત નીચામાં ૭૯,૪૧૯ દેખાયો હતો ને ત્યાંથી ઊંચકાઈ ૮૦,૫૪૦ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. બન્ને બજારના તમામ બેન્ચમાર્ક પ્લસ થયા છે. રિયલ્ટી, મેટલ, ટેલિકૉમ, હેલ્થકૅર, સ્મૉલકૅપ, નિફ્ટી ફાર્મા વગેરે જેવા સેક્ટોરલ એકથી દોઢ ટકા મજબૂત હતા. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૦૬ શૅરની સામે ૯૩૧ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૪.૨૧ લાખ કરોડ વધીને ૪૪૧.૨૦ લાખ કરોડ રૂપિયા થયું છે. એશિયન બજારોમાં જૅપનીઝ પોણાબે ટકા, સાઉથ કોરિયન કોસ્પી એક ટકો, ચાઇના પોણા ટકા નજીક વધ્યું હતું. સામે થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા અને તાઇવાન અડધો-પોણો ટકો નરમ હતાં. સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ નામપૂરતી વધઘટમાં ફ્લૅટ હતાં. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૯૧,૦૫૫ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૩૧ પૉઇન્ટની આગેકૂચમાં ૯૦,૧૨૫ બંધ આવ્યું છે. ઈરાન પર આક્રમણના મામલે ઇઝરાયલનું વલણ ઢીલું પડતાં વિશ્વબજારમાં ક્રૂડ સવાચાર ટકા ડાઉન થયું છે.



પ્રાઇમરી માર્કેટમાં વારિ એનર્જીસ શૅરદીઠ ૧૫૦૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૨૯૫ના ગ્રે માર્કેટના પ્રીમિયમ સામે સોમવારે ૨૫૫૦ ખુલ્યા બાદ ઉપરમાં ૨૬૦૦ બતાવી વેચવાલીના પ્રેશરમાં ૨૨૯૪ થઈ ૨૩૩૭ બંધ થતાં અત્રે ૫૫ ટકાની લિસ્ટિંગ ગેઇન મળ્યો છે જે ખરેખર ઓછો કહી શકાય. તો દીપક બિલ્ડર્સ શૅરદીઠ ૨૦૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૨ના પ્રીમિયમ સામે ૧૯૮ ખૂલી નીચામાં ૧૬૦ દેખાડી ૧૬૨ બંધ આવતાં એમાં ૨૦ ટકાની લિસ્ટિંગ લોસ નોંધાઈ છે. એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મંગળવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૫૨ ટકા જ ભરાયું છે. પ્રીમિયમ હાલમાં ૪૨ બોલાય છે. ગોદાવરી બાયોરિફાઇનરીઝમાં પાંચનું પ્રીમિયમ છે. લિસ્ટિંગ બુધવારે થવાનું છે. SMEમાં ડેનિશ પાવર, યુનાઇટેડ હીટ ટ્રાન્સફર અને OBSC પર્ફેક્શનનું લિસ્ટિંગ આજે, મંગળવારે છે. હાલ ડેનિશમાં ૨૪૬ રૂપિયા, OBSCમાં ૬ રૂપિયા તથા યુનાઇટેડ હીટમાં ૧૭ રૂપિયા પ્રીમિયમ સંભળાય છે. નવી દિલ્હીની ઉષા ફાઇનૅન્શિયલ સર્વિસિસના ૧૦ના શૅરદીઠ ૧૬૮ની અપરબૅન્ડ સાથે ૯૮૪૫ લાખ રૂપિયાનો SME ઇશ્યુ ગઈ કાલે કુલ ૧૯ ગણો પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૧૦ થઈ ગયું છે. 


ICICI બૅન્ક રીરેટિંગ સાથે બુલિશ વ્યુ રજૂ થતાં ડિમાન્ડમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક્સ બોનસ થતાં નીચામાં ૧૩૨૨ અને ઉપરમાં ૧૩૫૩ થઈ અડધો ટકો સુધરી ૧૩૩૪ બંધ થયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પોણો ટકો વધીને ૧૩૧૪ હતો. સન ફાર્માએ ૨૯૧૧ કરોડની એકંદર ધારણા કરતાં સારો, ૨૮ ટકાના વધારામાં નફો ૩૦૪૦ કરોડ થતાં ભાવ સવા ટકાની મજબૂતીમાં ૧૯૦૨ રહ્યો છે. સિપ્લા પરિણામની પૂર્વસંધ્યાએ એક ટકો વધીને ૧૫૦૩ હતો. કોલ ઇન્ડિયાનો નેટ નફો બાવીસ ટકા ઘટી ૬૨૭૫ કરોડ આવતાં ભાવ સવાછ ગણા કામકાજમાં ૪૩૫ થઈ સવાચાર ટકા બગડીને ૪૪૨ની અંદર ઊતરી ગયો છે.


શ્રીરામ ફાઇનૅન્સે ૧૮ ટકાના વધારામાં ૨૦૭૧ કરોડ નફો કરી શૅરદીઠ બાવીસનું ઇન્ટરિમ તેમ જ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન જાહેર કરતાં શૅર ઉપરમાં ૩૩૪૪ બતાવી ૫.૪ ટકા કે ૧૬૭ની તેજીમાં ૩૨૫૯ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ બે દિવસની નરમાઈ બાદ ચારેક ટકા ઊંચકાઈ ૨૭૯૯ નજીકના બંધમાં અત્રે સેકન્ડ બેસ્ટ ગેઇનર હતો. ICICI બૅન્કમાં સારાં પરિણામ પછી રીરેટિંગમાં મોતીલાલ ઓસવાલે ૧૫૦૦, CLSA દ્વારા ૧૬૦૦, નોમુરાએ ૧૫૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ આપ્યો છે. શૅર ત્રણ ટકાની તેજીમાં ૧૨૯૩ નજીક બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર થયો છે. એના લીધે બજારને સીધો ૨૨૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો. સ્ટેટ બૅન્ક પોણાબે ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવા ટકો સુધર્યો હતો. HDFC બૅન્ક અડધો ટકો તો કોટક બૅન્ક એક ટકો સુધર્યો હતો. બજાજ ઑટો બે ટકા નજીક અને હીરો મોટોકૉર્પ એક ટકા નજીક નરમ હતા. આઇશર પોણાત્રણ ટકા પ્લસ થયો છે. અદાણી પોર્ટ્સ અઢી ટકા, વિપ્રો પોણાત્રણ ટકા, તાતા સ્ટીલ ૨.૪ ટકા, મહિન્દ્ર સવાબે ટકા, હિન્દાલ્કો અને હિન્દુ. યુનિલીવર બે ટકા આસપાસ વધ્યા હતા.

રિઝલ્ટની તેજીમાં ઇન્ડિયન બૅન્ક તથા બંધન બૅન્ક બે આંકડામાં ઉપર

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે ૪૭૨ પૉઇન્ટ કે એક ટકા નજીક અપ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં પોણાચાર ટકાની તેજીમાં રહ્યો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૯ શૅર નરમ હતા. IDFC ફર્સ્ટ બૅન્કનો નફો ૭૩ ટકા ગગડી ૨૦૧ કરોડ આવતાં શૅર ખરડાઈને ૫૯ની વર્ષની નીચી સપાટીએ જઈ બાઉન્સબૅકમાં અઢી ટકા જેવો વધી ૬૭ ઉપર બંધ રહ્યો છે. વૉલ્યુમ છ ગણું હતું. સારાં પરિણામના જોરમાં ઇન્ડિયન બૅન્ક સાડાદસ ટકા ઊછળી ૫૫૧ તો બંધન બૅન્ક દસ ટકા નજીકનો જમ્પ મારીને ૧૮૫ થયા છે. યસ બૅન્કે પણ બમણાથી વધુ એવો ૫૩૩ કરોડ નફો કરતાં ભાવ ૬ ટકા ઊંચકાયો છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૬ ટકા પ્લસ હતો. કૅનેરા બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ પોણાસાત ટકાની તેજીમાં ૧૦૧ નજીક જોવાયો છે. બૅન્ક ઑફ બરોડા પરિણામ પાછળ સવાચાર ટકા ઊછળી ૨૫૦ થયો છે. પીએનબી ત્રણ ટકા અપ હતો. સૂર્યોદય બૅન્ક ત્રણ ટકા, આઇડીબીઆઇ બૅન્ક દોઢ ટકાથી વધુ ઘટ્યા છે.

બૅન્કિંગના જોર સાથે પુનાવાલા ફીનકૉર્પ સાડાસાત ટકા, મેડી અસિસ્ટ હેલ્થકૅર પોણાસાત ટકા, આઇઆરએફસી ૬.૭ ટકા, મોતીલાલ ઓસવાલ ૫.૯ ટકા, હૂડકો સવાપાંચ ટકા, ફ્યુઝન ફાઇનૅન્સ પાંચ ટકા, એડલવીસ પોણાપાંચ ટકા, ઇરડા ૪ ટકા વધતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા પ્લસ હતો એની ૧૫૧માંથી ૧૦૧ જાતો પૉઝિટિવ ઝોનમાં રહી હતી. MCX દોઢેક ટકો સુધરી ૬૫૯૫ તો BSE લિમિટેડ અઢી ટકા આગેકૂચમાં ૪૧૬૫ દેખાયો છે. બજાજ ફાઇનૅન્સ ૬૯૦૭ના લેવલે યથાવત હતો. એલઆઇસીનાં પરિણામ ૮ નવેમ્બરે આવશે. શૅર સવા ટકાના સુધારામાં ૯૧૫ હતો. પેટીએમ દોઢ ટકો ઢીલો પડ્યો છે. SME ગ્લોબલ તથા ચૌલા ઇન્વેસ્ટમેન્ટ પોણાસાત ટકા અને ચૌલા ફાઇનૅન્શિયલ સવાપાંચ ટકા ખરડાયા છે.

મર્જરની હિલચાલમાં NMDC અને KIOCL વૉલ્યુમ સાથે વધ્યા

સરકાર તેની ૯૯ ટકા માલિકીની કુદ્રમુખ આયર્ન ઓરને ૬૦.૮ ટકા માલિકીની NMDC સાથે મર્જર કરવા સક્રિય બની હોવાના અહેવાલમાં ગઈ કાલે બન્ને શૅર સારા વૉલ્યુમ સાથે ડિમાન્ડમાં હતા. NMDC ૨૨૮ અને કુદ્રમુખ ૩૩૧ બંધ હતા. બન્ને જાતો ૪.૬ ટકા ઊચકાઈ છે. એક અન્ય સમાચારમાં ભારત પેટ્રોલિયમ તથા ઇન્ડિયન ઑઇલ સંયુક્ત સાહસમાં ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપની સ્થાપવા વિચારી રહી છે. ભારત પેટ્રો ગઈ કાલે દોઢ ટકો તો ઇન્ડિયન ઑઇલ અડધો ટકો પ્લસ હતા. સિમેન્ટ કંપનીઓ નબળા દેખાવનો ચીલો આગળ વધારતાં એસીસીએ ૪૮ ટકાના ઘટાડામાં ૨૦૦ કરોડ અને અંબુજા સિમેન્ટ્સે ૪૩ ટકાના ઘટાડામાં ૪૫૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. એસીસી સવાબે ટકા વધ્યો છે અને અંબુજા ત્રણ ટકા ઊંચકાયો છે. દરમ્યાન ઇન્ડિયન ઑઇલે બજાર બંધ થયા પછી ૯૮ ટકાના ધોવાણમાં ૧૮૦ કરોડ નેટ નફો બતાવ્યો છે, શૅર મંગળવારે બગડશે. ખરાબ રિઝલ્ટને લઈ ઇન્ડિગોવાળી ઇન્ટરગ્લોબ એવિયેશન ધારણા પ્રમાણે ખુવારીમાં ૩૭૭૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી આઠ ટકા કે ૩૪૯ના ધોવાણમાં ૪૦૧૫ બંધ આવ્યો છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ નબળાં પરિણામમાં ૬૧૧ નીચે ખૂલી ક્રમશઃ બાઉન્સબૅક દાખવી છેવટે એક ટકાની પીછેહઠમાં ૭૦૪ થયો છે. બજાર બંધ થયા પછી અદાણી પાવરે ૫૦ ટકાના ઘટાડામાં ૩૨૯૭ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. ગઈ કાલે પરિણામ પૂર્વે એક ટકો વધેલો આ શૅર આજે બેશક ઘટશે. કૅન્યાની સર્વોચ્ચ અદાલતે અદાણી એનર્જી સાથે ત્યાંની સરકારી કંપની કૅન્યા ઇલે. ટ્રાન્સમિશન સાથે થયેલા આશરે ૭૪ કરોડ ડૉલરના સોદાને રદબાતલ જાહેર કર્યો છે. આની અદાણી શેઠને માઠી અસર થશે, પણ અદાણી એનર્જી તો ગઈ કાલે બે ટકા વધીને ૯૩૯ બંધ થયો છે. અદાણી ગ્રીન પોણાબે ટકા અને અદાણી ટોટલ દોઢ ટકો નરમ હતા.

ભારતી ઍરટેલનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં. કંપનીએ ૧૬૮ ટકાના વૃદ્ધિદરથી ૩૫૯૩ કરોડ નફો કર્યો છે. જોકે બજારની ગણતરી ૪૩૯૮ કરોડના ચોખ્ખા નફાની હતી એ જોતાં આ પરિણામ આજે બજારને નહીં ગમે. શૅર ગઈ કાલે નામજોગ ઘટાડામાં ૧૬૬૪ નીચે બંધ હતો. સરકારી કંપની ભેલ ૬૩ કરોડની ખોટમાંથી ૧૦૬ કરોડના નફામાં આવતાં ૬ ટકાના ઉછાળે ૨૩૦ નજીક સરક્યો છે. શક્તિ પમ્પ્સનો ત્રિમાસિક નફો ૬ કરોડથી ઊછળી ૧૦૧ કરોડ વટાવી જતાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૪૭૫ બંધ થયો છે. ૨૧ ડિસેમ્બરે ભાવ ૯૨૯ની વર્ષની નીચી સપાટીએ હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2024 08:25 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK