સેન્સેક્સ ૯૪૨ પૉઇન્ટ ખરડાયો, બજારનું માર્કેટકૅપ ૫.૯૦ લાખ કરોડ ડૂલ, બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં : પાકિસ્તાની શૅરબજાર ૧૨૮૩ પૉઇન્ટની તેજીમાં ૯૨,૦૦૦ની પાર નવી ટોચે
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
સેન્સેક્સ ૯૪૨ પૉઇન્ટ ખરડાયો, બજારનું માર્કેટકૅપ ૫.૯૦ લાખ કરોડ ડૂલ, બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં : પાકિસ્તાની શૅરબજાર ૧૨૮૩ પૉઇન્ટની તેજીમાં ૯૨,૦૦૦ની પાર નવી ટોચે : માથે પરિણામ વચ્ચે મહિન્દ્રમાં સુધારાની હૅટ ટ્રિક, રિલાયન્સ પોણાત્રણ ટકા પટકાઈ બજારને ૨૧૮ પૉઇન્ટ નડ્યો : એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ ૧૩૦૨૩ રૂપિયાના ઉછાળે ૨.૭૩ લાખ રૂપિયાને વટાવી ગયો : જિયો ટેલિકૉમનો જંગી ઇશ્યુ ૬-૮ મહિનામાં આવવાની ધારણા : સ્વિગીમાં પ્રીમિયમ ઘટીને ૧૭ રૂપિયા : ચાલુ સપ્તાહે ૪ નવાં ભરણાં
નવા ચાલુ સપ્તાહે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ તેમ જ ત્યાંની સેન્ટ્રલ બૅન્ક ફેડ તરફથી વ્યાજદરમાં સંભવિત નવા ઘટાડાના ઘટનાક્રમ પર સૌકોઈની નજર રહેવાની છે. ઇઝરાયલ પર ઈરાન નવો હુમલો કરશે કે નહીં એ પણ એક સવાલ યથાવત્ છે. FII તરફથી ઑક્ટોબરમાં ૧.૧૪ લાખ કરોડનું વિક્રમી નેટ સેલિંગ થયું હોવાનું પ્રાથમિક આંકડામાંથી જાણવા મળે છે. મુહૂર્ત ટ્રેડિંગના દિવસે પણ એણે ૨૧૨ કરોડની રોકડી કરી છે. FIIની અવિરત વેચવાલી ક્યારે અટકશે એની કોઈને ખબર નથી. સપ્ટેમ્બર ક્વૉર્ટરના કંપની પરિણામમાં કશી ભલીવાર નથી. ડિમાન્ડ ગ્રોથ મંદ પડ્યો હોવાની સાર્વત્રિક ફરિયાદ છે. સરકાર રાબેતા મુજબ એના ઇલેક્શન-મોડ પર છે. પ્રચારતંત્રનાં કારખાનાં ધમધમે છે. રિયલ ઇકૉનૉમીની કોઈને પડી નથી. PMI ડેટાની રીતે દેશનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૯ મહિનાના તળિયે પહોંચ્યો છે. મંદ માગ વચ્ચે ઘટતી નફાશક્તિને બચાવવા કંપનીઓ એની પ્રોડક્ટ્સના ભાવવધારા સાથે સાબદી બની રહી છે. મતલબ કે ફુગાવો વધવાનો છે.
ADVERTISEMENT
થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયાની મામૂલી નરમાઈને બાદ કરતાં સોમવારે તમામ અગ્રણી એશિયન બજાર પ્લસ હતાં. જપાન રજામાં હતું. ચાઇના સવા ટકા નજીક, સાઉથ કોરિયા પોણાબે ટકા, તાઇવાન પોણો ટકો મજબૂત થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી માંડ અડધા ટકા આસપાસ સુધારામાં દેખાતું હતું. પાકિસ્તાની શૅરબજાર આગઝરતી તેજીને આગળ ધપાવતાં ૯૨૧૫૯ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧૨૮૩ પૉઇન્ટ વધી ૯૨૧૪૨ રહ્યું છે.
ઘરઆંગણે મુહૂર્ત ટ્રેડિંગનો મલાજો જાળવી રાખતાં શુક્રવારે ૩૩૫ પૉઇન્ટ જેવા સાધારણ સુધારે બંધ રહેલો સેન્સેક્સ ગઈ કાલે ફસડાઈ પડ્યો છે. આગલા બંધથી ૧૧ પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડામાં ૭૯૭૧૩ ખૂલી આખો દિવસ માઇનસ ઝોનમાં રહી શૅરઆંક છેવટે ૯૪૨ પૉઇન્ટ લથડી ૭૮૭૮૨ તથા નિફ્ટી ૩૦૯ પૉઇન્ટ પટકાઈ ૨૩૯૯૫ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં તો સેન્સેક્સ ૧૫૦૦ પૉઇન્ટ જેવી ખુવારીમાં નીચામાં ૭૮૨૩૨ થયો હતો. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સ-નિફ્ટીની સવા ટકા જેવી નબળાઈ સામે સ્કૉલ કૅપ, એનર્જી, ટેલિકૉમ, પાવર, યુટિલિટીઝ, કૅપિટલ ગુડ્સ, મેટલ, ઑઇલ-ગૅસ, નિફ્ટી મીડિયા જેવા બેન્ચમાર્ક દોઢથી અઢી ટકા ડૂલ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા તરડાયો છે. માર્કેટ બ્રેડ્થ બગડી છે. NSEમાં વધેલા ૭૨૨ શૅર સામે ૨૧૪૪ જાતો ગગડી છે. બજારનું માર્કેટકૅપ ૫.૯૦ લાખ કરોડ ઘટી હવે ૪૪૨.૧૧ લાખ કરોડ રહ્યું છે. ચાર્ટવાળા કહે છે કે સેન્સેક્સ ૭૮૧૨૦નો સપોર્ટ તોડે તો વધ-ઘટે મંદીતરફી ચાલમાં ૭૨૦૦૦નું લેવલ અવશ્ય જોવા મળશે.
વેચાણ ૧૮ ટકા વધવા છતાં હીરો મોટોકૉર્પ વૉલ્યુમ સાથે તૂટ્યો
મહિન્દ્રમાં પરિણામ ૭મીએ આવવાનાં છે, પણ ઍનલિસ્ટો બુલિશ છે. ૩૩૨૧ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ બજારમાં ફરવા માંડ્યા છે. ગોલ્ડમાન સાક્સવાળા ૩૬૦૦નો ભાવ લાવ્યા છે. શૅર સુધારાની હૅટ ટ્રિકમાં બે ટકા વધી ૨૮૭૩ના બંધમાં બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. ટેક મહિન્દ્ર બે ટકા નજીક અપ હતો. સિપ્લાના ગોવા પ્લાન્ટને US FDAનું ક્લિયરન્સ મળતાં નોમુરાએ ૧૮૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર દોઢ ટકો વધીને ૧૮૫૪ વટાવી ગયો છે. માથે પરિણામ વચ્ચે સ્ટેટ બૅન્ક એક ટકો વટ્યો છે, પણ તાતા મોટર્સ સવાબે ટકા માઇનસ હતો.
રિલાયન્સ વૉલ્યુમ સાથે પોણાત્રણ ટકા તૂટીને ૧૩૦૨ના બંધમાં બજારને સર્વાધિક ૨૧૮ પૉઇન્ટ નડ્યો છે. HDFC સવા ટકાથી વધુ અને ICICI બૅન્ક સવા ટકા નજીક નરમ થતાં એમાં બીજા ૨૫૦ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. હીરો મોટોકૉર્પનું વેચાણ ગયા મહિને ૧૮ ટકા વધવા છતાં શૅર સવાચાર ટકાની ખરાબીમાં ૪૮૦૬ બંધ આપી નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. પરિણામ ૧૪મીએ આવવાનાં છે. સેન્સેક્સ ખાતે સવાત્રણ ટકાના ધોવાણમાં અદાણી પોર્ટ્સ મોખરે હતો. હેર લૉસ માટેની ડ્રગ લેકસેલ્વીના લૉન્ચિંગને અમેરિકન કોર્ટે અટકાવી દેતાં સનફાર્મા પોણાત્રણ ટકા ખરડાઈ ૧૮૦૯ થયો છે. ભારત પેટ્રો ત્રણ ટકા, ગ્રાસિમ ચાર ટકા, બજાજ ઑટો સાડાત્રણ ટકા છોલાયા છે. ઍક્સિસ બૅન્ક, આઇશર, NTPC, હિન્દાલ્કો, બજાજ ફિનસર્વ, કોલ ઇન્ડિયા, ONGC, ટાઇટન, પાવર ગ્રિડ અને વિપ્રો બેથી અઢી ટકા સાફ થયા હતા. તાતા સ્ટીલનાં પરિણામ બુધવારે છે. શૅર પોણાબે ટકાના ઘટાડે ૧૪૭ હતો. નેસ્લે, ભારતી ઍરટેલ, લાર્સન દોઢેક ટકા ડાઉન થયા છે. તગડા ઉછાળે બૅક-ટુ-બૅક IT ઇન્ડેક્સમાં ટૉપ પર્ફોર્મર બનેલો ૬૩ મૂન્સ ગઈ કાલે ત્રણેક ટકાની પીછેહઠમાં ૫૮૧ હતો. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઐતિહાસિક રીલિસ્ટિંગ પછી ઉપલી સર્કિટ ચાલુ જ છે. શૅર પાંચ ટકા કે ૧૩૦૨૩ની વધુ તેજીમાં ૨૭૩૪૮૯ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. કામકાજ ૫૧ શૅરનું હતું.
એફકૉન્સ ઇન્ફ્રા બિલો-પાર ખૂલી બાઉન્સબૅકમાં ૨૭૪ ઉપર બંધ
શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રા શૅરદીઠ ૪૬૩ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે ગ્રેમાર્કેટ ખાતે બોલાતા ૧૫ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૪૩૦ ખૂલી નીચામાં ૪૨૦ની અંદર ગયા બાદ શાર્પ બાઉન્સબૅકમાં ૪૭૯ વટાવી અંતે ૪૭૪ બંધ થતાં અહીં અઢી ટકા જેવો નજીવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ચાલુ સપ્તાહે મેઇન બોર્ડમાં ૪ ભરણાં ખૂલશે. બૅન્ગલોરની સેજિલિટી ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૩૦ની અપર બૅન્ડમાં ૨૧૦૬ કરોડ પ્લસનો ઇશ્યુ આજે મંગળવારે કરવાની છે. પ્રીમિયમ બુધવારે સ્વિગી એકના શૅરદીઠ ૩૯૦ની મારફાડ ઇશ્યુ પ્રાઇસથી ૧૧૩૨૭ કરોડનો તથા ઍક્મે સોલર હોલ્ડિંગ્સ બેના શૅરદીઠ ૨૮૯ની અપર બૅન્ડમાં ૨૯૦૦ કરોડનું ભરણું કરશે. સ્વિગીમાં છેલ્લે બાવીસવાળું પ્રીમિયમ ઘટીને હાલમાં ૧૭ જેવું બોલાય છે. ઍક્મે સોલરમાં સોદા નથી. ગુરુવારે નવી દિલ્હીની નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ ૧૦ના શૅરદીઠ ૭૪ની અપર બૅન્ડમાં ૧૪૦૦ કરોડની OFS સહિત કુલ ૨૨૦૦ કરોડનો ઇશ્યુ કરશે. ગ્રે માર્કેટમાં સોદા નથી. સ્વિગી સતત ભારે ખોટમાં છે, તો બાકીની બે કંપની પણ છેલ્લાં ત્રણમાંથી એકાદ-બે વર્ષ લૉસમાં જોવા મળી છે એથી ભરણામાં QIB પૉર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. રીટેલ પૉર્શન ૧૦ ટકા છે. એ ઉપરાંત NTPC ગ્રીન એનર્જીનો ૧૦૦૦૦ કરોડનો તેમ જ મુંબઈના અંધેરી-ઈસ્ટની અવાન્સે ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૩૫૦૦ કરોડનો ઇશ્યુ લાવવાની તૈયારીમાં છે. SME સેગમેન્ટમાં મુંબઈના લોઅર પરેલની નીલમ લિનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૪ની અપર બૅન્ડમાં ૧૩ કરોડ રૂપિયાનો NSE SME IPO ૮મીએ કરશે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી. દરમ્યાન મુકેશ અંબાણીએ ૨૦૧૯માં ટેલિકૉમ તથા રીટેલ બિઝનેસને પાંચ વર્ષમાં બજારમાં લિસ્ટેડ કરાવવાની જાહેરાત કરી હતી એના ભાગરૂપ રિલાયન્સના ટેલિકૉમ બિઝનેસ જિયો ટેલિકૉમનું લિસ્ટિંગ ૨૦૨૫ દરમ્યાન સંભવત: પૂર્વાર્ધમાં થવાની વાત છે. જિયોનું વૅલ્યુએશન ૧૦૦ અબજ ડૉલર પ્લસનું મુકાય છે. આ ધોરણે જિયોનો IPO કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો ઇશ્યુ બની રહેશે એમ લાગે છે. રીટેલનો IPO ૨૦૨૬માં જશે.
જિલેટ તેજીમાં પાંચ આંકડે, પ્રુડેન્ટ કૉર્પોરેટમાં ૧૭.૩ ટકાનું ગાબડું
જિલેટ ઇન્ડિયા પરિણામનું જોર જાળવી રાખતાં ૧૦૫૪૩ની સર્વોચ્ચ સપાટી દેખાડી સાડાત્રણ ટકા વધીને પાંચ આંકડે ૧૦૩૨૩ બંધ આવ્યો છે. વૉકહાર્ટ તેજીની ચાલ બરકરાર રાખતાં પોણાપાંચ ટકાની આગેકૂચમાં ૧૩૦૭ના શિખરે ગયો છે. પ્રુડેન્ટ કૉર્પોરેટમાં પરિણામનો ઊભરો શમી ગયો છે. શૅર ૮ ગણા વૉલ્યુમે ૧૭.૩ ટકા કે ૬૧૮ના ગાબડામાં ૨૯૬૦ નીચે જોવા મળ્યો છે. પૉલિમેડિક્યૉર પણ ૯ ટકા કે ૨૮૬ રૂપિયા લથડી ૨૮૭૭ હતો. બરોડાની વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ પરિણામ પાછળ મંદી આગળ ધપાવતાં ૭ ટકા કે ૮૪૭ રૂપિયાની ખરાબીમાં ૧૧૧૧૦ થયો છે. ફોર્સ મોટર્સ પોણાસાત ટકા કે ૫૩૨ રૂપિયા તૂટ્યો હતો. એસ્ટ્રલ, બિરલા સૉફ્ટ, TCI એક્સપ્રેસ, રાજ ટીવી, સુબમ પેપર્સ, દીપક બિલ્ડર્સ, ગૅલૅક્સી બેરિંગ્સ, ઓવોબેલ ફૂડ્સ જેવાં કાઉન્ટર્સમાં ગઈ કાલે એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા નીચા ભાવ દેખાયા છે. LICનાં પરિણામ ૮મીએ છે. શૅર ગઈ કાલે અડધો ટકો ઘટી ૯૨૪ હતો. હ્યુન્દાઇ મોટર્સ એક ટકો અને ઓલા ઇલેક્ટ્રિક પોણાત્રણ ટકા ડૂલ થયા છે.
સિસ્ટમૅટિક્સ કૉર્પોરેટ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં મંગળવારે એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે ૪ ટકા ગગડી ૧૭૦૦ બંધ થયો છે. વર્ષનું બૉટમ ૩૮૫નું છે. પ્રીમિયર પૉલી ફિલ્મ્સ પાંચના શૅરના એકમાં વિભાજનમાં પાંચમીએ એક્સ-સ્પ્લિટ થવાનો છે. ભાવ સવા ટકો ઘટી ૩૦૮ હતો.