Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગ હેવીવેઇટ્સની હૂંફમાં બજાર સાધારણ સુધર્યું, હેલ્થકૅર ડાઉન થયું

બૅન્કિંગ હેવીવેઇટ્સની હૂંફમાં બજાર સાધારણ સુધર્યું, હેલ્થકૅર ડાઉન થયું

Published : 11 October, 2024 08:17 AM | Modified : 11 October, 2024 08:51 AM | IST | Mumbai
Anil Patel

રતન તાતાની આખરી વિદાયને ગ્રુપના મોટા ભાગના શૅરોએ હસતા મોઢે વધાવી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બજાર બંધ થયા પછી ટીસીએસનાં પરિણામ ઢીલાં આવ્યાં, શૅર હાલના મથાળે ટકવો મુશ્કેલ: માથે પરિણામ વચ્ચે રિલાયન્સ પ્રેશરમાં, ઇન્ફોસિસ પોણાબે ટકા ગગડી બજારને ૧૦૯ પૉઇન્ટ નડ્યો: રતન તાતાની આખરી વિદાયને ગ્રુપના મોટા ભાગના શૅરોએ હસતા મોઢે વધાવી: નવા બિઝનેસ વર્ટિકલના લૉન્ચિંગ પાછળ ૬૩ મૂન્સ ઉત્સાહમાં: એમસીએક્સ તથા બીએસઈના શૅર નવી સર્વોચ્ચ સપાટી: ગ્રાહકોની વ્યાપક ફરિયાદથી સરકાર સક્રિય બનતાં ઓલા ઇલેક્ટ્રિક સવાપાંચ ટકા ડૂલ


સેન્સેક્સ ગુરુવારે ૩૫૦ પૉઇન્ટ પ્લસના સુધારામાં ૮૧,૮૩૩ નજીક ખૂલી છેવટે ૧૪૪ પૉઇન્ટની મામૂલી વૃદ્ધિમાં ૮૧,૬૧૧ બંધ થયો છે. નિફ્ટી ૧૬ પૉઇન્ટ વધી ૨૪,૯૯૮ હતો. સારા ઓપનિંગ પછી ઉપરમાં બજાર ૮૨,૦૦૩ થયું હતું, પણ ત્યાંથી ક્રમશઃ ઘસાતું રહી નીચામાં ૮૧,૫૩૯ની અંદર ઊતરી ગયું હતું. બજારના બહુમતી સેક્ટોરલ રેડ ઝોનમાં હતા. આઇટી, હેલ્થકૅર, ફાર્મા ટેક્નૉલૉજીસ સર્વાધિક એકથી બે ટકા ડૂલ થયા છે. ખાનગી બૅન્કો, ખાસ કરીને અગ્રણી પ્રાઇવેટ બૅન્કોના જોરમાં બૅન્ક નિફ્ટી એક ટકો પ્લસ હતો. HDFC બૅન્ક પોણાબે ટકા, કોટક બૅન્ક સવાચાર ટકા અને ઍક્સિસ બૅન્ક સવા ટકો વધતાં બજારને ૨૧૭ પૉઇન્ટનો ફાયદો થઈ ગયો હતો. મહિન્દ્ર સવા ટકો અને મારુતિ સવા ટકાથી વધુ પ્લસ થતાં ઑટો બેન્ચમાર્ક સાધારણ કે ૧૭૯ પૉઇન્ટનો વધારો દાખવી શક્યો છે. ઑટો ઇન્ડેક્સને આ બે શૅર ૨૭૨ પૉઇન્ટ ફળ્યા હતા. સનફાર્મા, સિપ્લા, લુપિન, ડૉ. રેડ્ડીઝ લૅબ, અરબિંદો ફાર્મા, ડિવીઝ લૅબ, ગ્લૅનમાર્કે જેવી ચલણી જાતો ઘટતાં હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૯માંથી ૫૧ શૅર વધવા છતાં ૧.૪ ટકા કે ૬૨૧ પૉઇન્ટ પટકાયો છે. ન્યુલૅન્ડ લૅબ છ ટકા તો યુનિકેમ લૅબ સાડાચાર ટકા મજબૂત હતા. રોકડું અને બ્રૉડર માર્કેટ સુસ્તી સાથે મિશ્ર વલણમાં હોવાથી માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી ઘટી છે. NSE ખાતે વધેલા ૧૩૪૪ શૅર સામે ૧૧૪૯ જાતો નરમ રહી છે. બજારનું માર્કેટકૅપ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૬૨ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. 



ચાઇનાના સવા ટકાના તો હૉન્ગકૉન્ગના પોણાત્રણ ટકાના બાઉન્સબૅકને બાદ કરતાં એશિયન બજારો સાંકડી વધઘટે બંધ હતાં. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ દેખાડતું હતું. સાત દિવસની આખલા દોડમાં વિરામ લેતાં પાકિસ્તાની શૅરબજાર ૧૨૬ પૉઇન્ટની પીછેહઠમાં ૮૫,૫૪૩ બંધ આવ્યું છે. 


આઇટી જાયન્ટ ટીસીએસનાં પરિણામ બજાર બંધ થયાં પછી જાહેર થયાં છે જેમાં કશી ઝમક નથી. કંપનીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૭.૬ ટકાના વધારામાં ૬૪,૨૫૯ કરોડની આવક પર પાંચ ટકાના વધારામાં ૧૧,૯૦૯ કરોડ નેટ પ્રૉફિટ બતાવી શૅરદીઠ ૧૦ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. એની રેકૉર્ડ ડેટ પાંચમી નવેમ્બર રખાઈ છે. પરિણામ બજારની એકંદર અપેક્ષા કરતાં નબળાં આવ્યાં છે. ટીસીએસના શૅર માટે આગામી સમય વધઘટે નરમાઈનો રહેવાનો છે. બ્લુમબર્ગના સર્વેમાં કંપનીની આવક ૬૪,૧૭૭ કરોડ અને નેટ પ્રૉફિટ ૧૨,૫૪૭ કરોડ રહેવાની એકંદર ધારણા વ્યક્ત થઈ હતી. હવે સોમવારે રિલાયન્સ શું આપે છે એના પર નજર છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૭૪૦ થઈ આઠેક રૂપિયા સાધારણ ઘટાડે ૨૭૪૨ બંધ હતો. 

મુમ્બૈયા ગરુડીનો ઇશ્યુ પૂરો થતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગાયબ 


મુંબઈના બાંદરા ખાતેની ગરુડા કન્સ્ટ્રક્શનનો પાંચના શૅરદીઠ ૯૫ની અપર બૅન્ડ સાથે ૨૬૪ કરોડનો ઇશ્યુ એના આખા દિવસે કુલ ૭.૫ ગણો પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ જે એક તબક્કે ઉપરમાં બાવીસ થયું હતું એ હાલ રેટ શૂન્ય થઈ ગયો છે. SME સેગમેન્ટમાં કલકત્તાની પ્રણીક લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૭૭ની અપર બૅન્ડ સાથે ૨૨૪૭ લાખનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૨.૪ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ નથી. જ્યારે મુંબઈના સાંતાક્રુઝની શિવ ટેક્સકેમનો શૅરદીઠ ૧૬૬ની અપર બૅન્ડવાળો ૧૦૧ કરોડ પ્લસનો BSE SME IPO એના આખરી દિવસે કુલ ૧૫૬ ગણો છલકાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ૪૦ હતું એ વધી હાલ ૪૬ જેવું છે. 

મુંબઈના જુહુ ખાતેની ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ શૅરદીઠ ૯૯ના ભાવવાળા SME IPOનું લિસ્ટિંગ આજે, શુક્રવારે છે. ગ્રે માર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી. અમદાવાદી લક્ષ્ય પાવરટેક ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડમાં ૪૯૯૧ લાખનો NSE SME IPO આગામી સપ્તાહે, ૧૬મીએ કરવાની છે. અત્રે ગ્રે માર્કેટમાં ૫૧થી સોદા શરૂ થયા હતા. બરોડાની નીઓપૉલિટન પીત્ઝા ૧૦ના શૅરદીઠ ૨૦ના ભાવે મૂડીબજારમાં આવી હતી. બુધવારે લિસ્ટિંગમાં નીચામાં ૧૮ થઈ ૨૦ પ્લસ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૧.૨૨ થઈ ત્યાં જ રહ્યો છે. તાજેતરમાં ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયેલી સુબમ પેપર્સ ૩ ટકા નરમ તો પૅરેમાઉન્ટ ડાઇ ૯૭ નીચે ઑલટાઇમ તળિયે જઈ ચાર ટકા ગગડીને ૯૭ ઉપર બંધ આવ્યા છે.

ટીસીએસ પરિણામ પૂર્વે નરમ, તાતા ઍલેક્સી મજબૂત

આઇટી જાયન્ટ ટીસીએસ પરિણામ પૂર્વે ઉપરમાં ૪૨૯૩ અને નીચામાં ૪૨૦૦ થઈ અડધો ટકો ઘટી ૪૨૨૮ બંધ રહ્યો છે. તાતા ઍલેક્સી ૮૦૨૫ થઈ અડધો ટકો ઘટી ૪૨૨૮ બંધ રહ્યો છે. તાતા ઍલેક્સી ૮૦૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧.૮ ટકાની આગેકૂચમાં ૭૭૪૮ હતો. હેવીવેઇટ ઇન્ફોસિસ ૧.૮ ટકા, ટેક મહિન્દ્ર સવાબે ટકા, વિપ્રો સવા ટકો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૧.૮ ટકા, લાટિમ દોઢ ટકા, કોફોર્જ સવા ટકો, ઑરેકલ ૧.૪ ટકા, એમ્ફાસિસ દોઢ ટકા નરમ હતા. સરવાળે આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૧ શૅરની નરમાઈમાં એક ટકા કે ૪૫૮ પૉઇન્ટ કપાયો છે અને ૬૩ મૂન્સ નવા સાઇબર સિક્યૉરિટી બિઝનેસ વર્ટિકલ્સના લૉન્ચિંગના પગલે ઉપરમાં ૪૩૬ થઈ ૯.૩ ટકાની તેજીમાં ૪૨૭ બંધ આવ્યો છે. ક્વીકહીલ સાત ટકાની આગેકૂચમાં ૭૫૭ હતો, જે નવી ટૉપ છે. 

દરમ્યાન તાતા ગ્રુપના મોભી અને દેશ-દુનિયાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન તાતાના અવસાન પછી તાતા ગ્રુપના શૅરોમાં એની બહુધા નેગેટિવ અસર નથી. ગઈ કાલે તાતા પાવર એક ટકો, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૫.૭ ટકા કે ૩૭૪ રૂપિયા, તાતા કેમિકલ્સ ચાર ટકા, તાતા ટેક્નૉલૉજીસ પોણાબે ટકા, તાતા ટેલી સર્વિસિસ પોણાછ ટકા, તાતા કમ્યુનિકેશન અડધો ટકો, તાતા સ્ટીલ અડધો ટકો, લેમન ટ્રી પોણાચાર ટકા, ઇન્ડિયન હોટેલ્સ પોણાબે ટકા, તાજ જીવીકે સવાબે ટકા પ્લસ હતા. સામે તાતા મોટર્સ એક ટકો, રાલીસ ઇન્ડિયા પોણો ટકો, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અડધો ટકો, વૉલ્ટાસ સાધારણ, ટાઇટન એક ટકો, ટ્રેન્ટ બે ટકા નજીક નરમ હતા. તેજસ નેટવર્ક અને ટાચો રૉલ્સ કે તાતા યોડોગાવા પોણો ટકો સુધર્યા છે. ટીઆરએફ લિમિટેડ ઉપરમાં ૫૨૮ થઈ પોણાસાત ટકા ઊછળીને ૫૧૨ થયો છે. બનારસ હોટેલ પોણો ટકો ઘટ્યો છે. 

ટેલિકૉમમાં તાતા ટેલિ ઉપરાંત ઓપ્ટિમસ પાંચ ટકા અને વિન્દય ટેલિ ચાર ટકા મજબૂત હતા. સ્ટરલાઇટ ટેક્નૉ સાડાત્રણ ટકા કપાયો છે. રિલાયન્સની જસ્ટ ડાયલ પરિણામની પૂર્વસંધ્યાએ સુધારાની હૅટ-ટ્રિકમાં સવાબે ટકા વધી ૧૨૬૯ વટાવી ગયો છે. જીટીપીએલ હૅથવે નબળા રિઝલ્ટમાં ૧૬૦ નીચે જઈ બે ટકાના ઘટાડે ૧૬૨ હતો. 

ડિફેન્સ સિલેક્ટિવ જેટીમાં, ઝેન ટેક્નૉલૉજી ૧૦ ટકા ઊછળ્યો 

ભંગાર પ્રોડક્ટ યેનકેન પ્રકારેણ ગ્રાહકોને પધરાવી આફટર સેલ્સ સર્વિસિસમાં ઠાગાઠૈયા કરી કન્ઝ્યુમરને રડાવતી ઑલા ઇલેક્ટ્રિક સામે વધતા જનઆક્રોશને પારખી સરકાર સક્રિય બની છે. કન્ઝ્યુમર ઑથોરિટી પછી હવે ગ્રાહક મંત્રાલયે પણ આ મુદ્દે કંપનીનો જવાબ માગ્યો છે જેમાં ઑલાનો શૅર ગઈ કાલે સવાપાંચ ટકા તૂટી ૯૧ની અંદર ગયો છે. ડેટા લીક સ્કૅમમાં કથિત સંડોવણી બદલ આરઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થકૅર બે ટકા ખરડાઈ ૫૬૬ બંધ થયો છે. ડેટા લીક મામલાની ગંભીરતા જોતાં આટલો મામૂલી ઘટાડો પૂરતો લાગતો નથી. CDSL આગલા દિવસના ઉછાળાને પચાવી વધુ પોણો ટકો આગળ વધ્યો છે. BSE લિમિટેડ ઉપરમાં ૪૩૪૯ થઈ પોણો ટકો વધી ૪૨૧૬ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. MCX બુલરનમાં ૬૨૨૦ની વિક્રમી સપાટી દેખાડીને દોઢ ટકો વધી ૬૧૯૩ થયો છે. 

સરકારે બે અણુ સબમરીન બનાવવા લીલી ઝંડી આપતાં ડિફેન્સ શૅરો સિલેક્ટિવ લાઇમ લાઇટમાં હતા. ઝેન ટેક્નૉલૉજીસ ૧૦ ટકાની તેજીમાં ૧૯૩૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. માઝગાવ ડૉક ૩૪૫ રૂપિયા કે સાડાઆઠ ટકા, કોચીન શિપયાર્ડ પોણાત્રણ ટકા, ગાર્ડન રિચ સાડાછ ટકા કે ૧૦૫ રૂપિયા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સવાબે ટકા, ભારત ડાયનેમિક્સ પોણાપાંચ ટકા મજબૂત હતા. હરક્યુલસ હોઇસ્ટમાં ડીમર્જરની રેકૉર્ડ ડેટ ૧૧ ઑક્ટોબર હોવાથી શૅર ૭૧૦ના બેસ્ટ લેવલ બાદ સવાઆઠ ટકા ઊછળી ૬૮૮ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના ૩૩૨ કરોડના ઑર્ડરનું જોર જાળવી રાખતાં નાગપુરની સેન્સિસ ટેક ૯૪૪ના શિખરે જઈ સવાચાર ટકાની આગેકૂચમાં ૯૦૦ ઉપર બંધ થયો છે. હિટાચી એનર્જી ૨૦૦૦ કરોડની વિસ્તરણ યોજનાની જાહેરાત પછી તેજીના તાલમાં ૧૬,૩૫૯ની વિક્રમી સપાટી દેખાડી ૧૪૦૫ રૂપિયા કે સાડાનવ ટકા ઊછળીને ૧૫,૯૫૮ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૪૦૩૦ હતો. 

હ્યુન્દાઇના મેગા ઇશ્યુને ઊંચી પ્રાઇસ બૅન્ડ નડશે? ગ્રે માર્કેટમાં ૧૭૫નાં પ્રીમિયમ

મલ્ટિ-નૅશનલ ઑટો જાયન્ટ હ્યુન્દાઇ ઇન્ડિયાનો ૨૭,૮૭૦ કરોડ રૂપિયાનો દેશનો સૌથી મોટો ઇશ્યુ ૧૫મીએ ખૂલવાનો છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે એટલે તમામ ભંડોળ વિદેશી પ્રમોટરનાં ઘરમાં જશે. બાય ધ વે, આઇપીઓ પહેલાં ડિવિન્ડ પેટે ૧૦,૭૦૦ કરોડ પણ તેઓ જ લઈ ગયા છે. ૧૦ના શૅરની ઇશ્યુ પ્રાઇસ અપર બઈન્ડમાં ૧૯૬૦ રખાઈ છે. કંપનીના પ્રમોટર્સની શૅરદીઠ ઍવરેજ કોસ્ટ માત્ર ૧૦ની છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS ૬૨.૫૦ આસપાસની છે. કંપનીએ ગયા વર્ષે ૭૧,૩૦૨ કરોડની આવક પર ૬૦૬૦ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં આવક ૧૭,૫૬૮ કરોડ અને નેટ પ્રૉફિટ ૧૪૯૦ કરોડ નજીક રહ્યા છે જેને એન્યુલાઇઝ્ડ કરીએ તો અપર બૅન્ડ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૬.૭ પ્લસનો પીઇ સૂચવે છે. હ્યુન્દાઇથી ક્યાંય મોટી અને પાંચના શૅર સામે ૨૭૨૪ની બુકવૅલ્યુ સાથે ૪૬૭ની ઈપીએસ ધરાવતી નંબર વન ખેલાડી મારુતિનો શૅર આજે ૨૭.૭ના પીઇ પર મળે છે. મારુતિએ ગયા વર્ષે ૧.૪૨ લાખ કરોડની આવક પર ૧૩,૨૩૪ કરોડ અને ચાલુ વર્ષે જૂન ક્વૉર્ટરમાં ૩૫,૫૩૧ કરોડની આવક પર ૩૬૫૦ કરોડ નેટ નફો કર્યો છે. એની ઇક્વિટી ૧૫૭ કરોડ છે, હ્યુન્દાઇની પેઇડ-અપ ઇક્વિટી ૮૧૨ કરોડથી વધુની છે. 

ઇશ્યુમાં કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૮૬નું ડિસ્કાઉન્ટ છે. આશરે ૧૪૨૨ લાખ ઇક્વિટી શૅરના આ ઇશ્યુમાં રીટેલ ક્વૉટા ૩૫ ટકા છે. લોટ સાઇઝ ૭ શૅરની છે. રીટેલ પોર્શન ભરાય એ માટે ૭૧ લાખ લોટની અરજી રીટેલમાં મળવી જરૂરી છે. પ્રાઇમરી માર્કેટના ઇતિહાસમાં ક્યારેય કોઈ ઇશ્યુમાં રીટેલ સેગમેન્ટમાં ૭૧ લાખ લોટની અરજી આવી નથી. મતલબ કે ફર્મ અલોટમેન્ટ લગભગ પાકું છે. ઇશ્યુ પ્રાઇસ ઘણી ઊંચી છે, વિદેશી પ્રમોટરે લોભમાં કોઈ થોભ રાખ્યો નથી. ઇશ્યુ પ્રાઇસની જાહેરાત બાદ પ્રીમિયમ ૫૭૦ની ઊંચી સપાટીથી ગગડીને નીચામાં ૧૪૭ થઈ ગયું હતું. હાલમાં ૧૭૫ જેવું છે. ઇશ્યુ બંધ થયા પછી આ રેટ ટકશે કે કેમ એ સવાલ છે. જાણકારો લિસ્ટિંગ બાદ હ્યુન્દાઇ બીજો એલઆઇસી કે પેટીએમ પુરવાર થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2024 08:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK