Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > આઇટી, ઑટો અને બૅન્કિંગમાં નરમાઈ સાથે નિફ્ટી ૨૫,૦૦૦ની અંદર ઊતર્યો

આઇટી, ઑટો અને બૅન્કિંગમાં નરમાઈ સાથે નિફ્ટી ૨૫,૦૦૦ની અંદર ઊતર્યો

Published : 17 October, 2024 08:35 AM | Modified : 17 October, 2024 08:42 AM | IST | Mumbai
Anil Patel

અમદાવાદી લક્ષ્ય પાવર ટેક્નૉ પ્રથમ દિવસે ૬૦ ગણો છલકાયો, હ્યુન્દાઇને બીજા દિવસે ૪૨ ટકા પ્રતિસાદ, પ્રીમિયમ ઘટ્યું: બૅન્ક ઑફ મહારાષ્ટ્રનાં સારાં પરિણામ કામ ન આવ્યાં, સાઉથ ઇન્ડિયન બૅન્ક પ્રોત્સાહક રિઝલ્ટમાં ઝળક્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદી લક્ષ્ય પાવર ટેક્નૉ પ્રથમ દિવસે ૬૦ ગણો છલકાયો, હ્યુન્દાઇને બીજા દિવસે ૪૨ ટકા પ્રતિસાદ, પ્રીમિયમ ઘટ્યું: બૅન્ક ઑફ મહારાષ્ટ્રનાં સારાં પરિણામ કામ ન આવ્યાં, સાઉથ ઇન્ડિયન બૅન્ક પ્રોત્સાહક રિઝલ્ટમાં ઝળક્યો: રેલટેલ વૉલ્યુમ સાથે મજબૂત, ઑઇલ ઇન્ડિયાની નબળાઈ વધી: માર્જિનના વસવસામાં KEI ઇન્ડસ્ટ્રીઝમાં ૩૦૦ની ખરાબી: ન્યુલૅન્ડ લૅબ છ દિવસની આગેકૂચમાં ૫૨૦૦ રૂપિયા વધી ગયો: શુગર શૅરોમાં એકંદર નરમાઈ: પાકિસ્તાની શૅરબજાર નવા બુલરનમાં નવા બેસ્ટ લેવલે


નબળા માનસમાં સેન્સેક્સ બુધવારે પોણાબસ્સો પૉઇન્ટ નીચે, ૮૧,૬૪૬ ખૂલી ૩૧૯ પૉઇન્ટના ઘટાડે ૮૧,૫૦૧ બંધ થયો છે. નિફ્ટી ૮૬ પૉઇન્ટના કટમાં ૨૫,૦૦૦ની અંદર, ૨૪,૯૭૧ રહ્યો છે. આરંભથી અંત સુધી લગભગ રેડ ઝોનમાં રહેલા માર્કેટમાં શૅર આંક ઉપરમાં ૮૧,૯૩૨ અને નીચામાં ૮૧,૩૫૮ થયો હતો. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માર્કેટકૅપ ૫૭,૦૦૦ કરોડના ઘટાડામાં ૪૬૩.૨૯ લાખ કરોડ રૂપિયા આવી ગયું છે. ગઈ કાલે આઇટી સવા ટકા નજીક તો ઑટો ઇન્ડેક્સ એક ટકો ડૂલ થયો હતો. ખાનગી બૅન્કિંગમાં વિશેષ નરમાઈ હોવાથી બૅન્ક નિફ્ટી ૧૦૫ પૉઇન્ટ ઢીલો થયો છે. માર્કેટ બ્રેડ્થ નહીંવત પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૪૨૨ શૅર સામે ૧૩૬૬ કાઉન્ટર માઇનસ થયાં છે.



તાતાની રાલિસ ઇન્ડિયા પોણાતેર ટકા તથા બિરલા ગ્રુપની આદિત્ય બિરલા સનલાઇફ ૧૧.૫ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ઓરિયેન્ટ સિમેન્ટ સવાનવ ટકા ઊછળી ૩૨૮ વટાવી ગયો છે. લાર્સન ટેક્નૉલૉજીસે બજાર બંધ થયા પછી સવા ટકાના વધારામાં ૩૨૦ કરોડ નજીક નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૧૭ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર સામાન્ય સુધારામાં ૫૩૩૬ બંધ રહ્યો હતો.


બજાર બંધ થયા પછી બજાજ ઑટોએ બાવીસ ટકાના વધારામાં ૧૩,૧૨૭ કરોડની આવક પર ૯ ટકાના વૃદ્ધિદરથી ૨૦૦૫ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. કેન્દ્રીય બજેટમાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સમાં જે ફેરફાર કરાયા છે એના પગલે કંપનીને કરબોજમાં પ્રતિકૂળ અસર થઈ છે. આ પેટે ૨૧૧ કરોડની વનટાઇમ જોગવાઈ કરાઈ છે અન્યથા નફો એટલો વધુ આવ્યો હોત. બજારની એકંદર અપેક્ષા ૨૧ ટકાની નફાવૃદ્ધિની હતી. ટિપ્સ મ્યુઝિક પરિણામ પાછળ સાતેક ટકા તૂટી ૭૭૪ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. તાતાની ટ્રેન્ટ સતત બીજા દિવસની નરમાઈમાં ૪ ટકા કે ૩૨૩ રૂપિયા બગડી ૭૮૦૧ રહ્યો છે. પરિણામ ૭ નવેમ્બરે આવવાના છે.

બહુમતી એશિયન બજાર ઢીલાં હતાં. જપાન પોણાબે ટકા અને તાઇવાન સવા ટકો કપાયું છે. થાઇલૅન્ડ ૧.૪ ટકા અપ હતું. યુરોપ બહુધા નેગેટિવ બાયસ સાથે રનિંગમાં ફ્લૅટ હતું. લંડન ફુત્સી પોણો ટકો પ્લસ દેખાતો હોતો. પાકિસ્તાની શૅરબજાર તેજીના અલ્પ વિરામ બાદ ગઈ કાલે ૮૬,૫૧૩ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૩૮૩ પૉઇન્ટ વધી ૮૬,૨૨૩ના શિખરે બંધ થયું છે.


બ્રોકરેજ અને ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના શૅર લાઇમલાઇટમાં 

પરિણામના જોરમાં આગલા દિવસે ૫૦૦ રૂપિયાની તેજી બતાવનાર ઍન્જલવન બુધવારે સાધારણ વધી ૩૨૩૪ થયો છે, પણ મોતીલાલ ઓસવાલ તેજીની ઇનિંગ આગળ વધારતાં ૯૮૮ની નવી ટૉપ બનાવી ચાર ટકા ઊંચકાઈ ૯૬૧ વટાવી ગયો હતો. જિયોજિત ફાઇનૅન્સ સર્વિસિસ સવાઆઠ ટકા, નુવામા વેલ્થ સવાછ ટકા,મોનાર્ક નેટવર્થ સાડાપાંચ ટકા, શૅર ઇન્ડિયા ત્રણ ટકા મજબૂત હતા. આદિત્ય બિરલા સનલાઇફની તેજી પાછળ યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ કંપની સાડાસાત ટકા અને HDFC ઍસેટ મૅનેજમેન્ટ ૬ ટકા ઊંચકાયા હતા.

ન્યુલૅન્ડ લૅબ મંગળવારના ૧૫૦૦ પ્લસના ઉછાળા બાદ ગઈ કાલે ૧૬,૫૦૧ની સર્વોચ્ચ સપાટી બતાવી ત્રણ ગણા વૉલ્યુમે સાડાચાર ટકા કે ૭૧૮ના જમ્પમાં ૧૬,૩૮૫ થયો છે. આ સળંગ છઠ્ઠા દિવસની તેજી છે. ૭ ઑક્ટોબરે ભાવ ૧૧,૩૫૨ હતો. ગુફિક બાયો સવાઆઠ ટકા અને થાયરૉકૅર સાડાસાત ટકાના ઉછાળે હેલ્થકૅરમાં ઝળક્યા હતા. ઝાયડ્સ લાઇફ સાડાત્રણ ટકા ખરડાઈ અત્રે ટૉપ લૂઝર બન્યો છે. 

શુગર ઉદ્યોગમાં વધેલા પ્રત્યેક શૅર સામે બે શૅર કડવા બન્યાની સ્થિતિ હતી. શક્તિ શુગર, મગધ શુગર, બન્નારી અમાન, બલરામપુર ચીની, વિશ્વરાજ, દાલમિયાં શુગર, ઉત્તમ શુગર, અવધ શુગર જેવી ડઝન જાતો બેથી સાડાપાંચ ટકા ગગડી છે. રાવલગાંવ પાંચ ટકા ઊંચકાઈ ૧૮૯૪ હતો. ઍક્સિસ બૅન્કનાં રિઝલ્ટ આજે હોવાથી શૅર નજીવો ઘટી ૧૧૫૨ બંધ હતો. માથે પરિણામ વચ્ચે HDFC બૅન્ક એક ટકો વધી ૧૭૦૦ નજીક બંધ આપી બજારને સર્વાધિક ૧૦૧ ટકા લાભદાયી નીવડી છે. રિલાયન્સ નીચામાં ૨૬૭૬ થઈ પોણો ટકો સુધરી ૨૭૦૮ બંધ આવ્યો છે. 

સરકાર સાથે ફ્રૉડમાં અરેસ્ટ થનાર પ્રમોટર સોમવારે આઇપીઓ લાવશે 

હ્યુન્દાઇ મોટરનો ઇતિહાસનો સૌથી મોટો અને ભારે મોંઘો એવો ૨૭,૮૭૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગુરુવારે બંધ થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં રીટેલમાં ૩૮ ટકા અને HNIમાં ૨૬ ટકા પ્રતિસાદ સાથે કુલ ૪૨ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં આગલા દિવસનું પંચાવનવાળું પ્રીમિયમ ઘટી હાલ ૩૫ જેવું બોલાય છે. અમદાવાદી લક્ષ્ય પાવર ટેક્નૉ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડવાળો ૪૯૯૧ લાખ રૂપિયાનો SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે ૬૦ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી ૧૬૯ થયું છે. કલકત્તાની પ્રણિક લૉજિસ્ટિક્સનો શૅરદીઠ ૭૭ના ભાવનો SME IPO આજે ગુરુવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ૧૨ આસપાસનું છે. ચેન્નઈની ફ્રેશરા ઍગ્રો એક્સપોર્ટ્સનો ૧૧૬ની અપર બૅન્ડ સાથે ૭૫૩૯ લાખનો NSE SME ઇશ્યુ આજે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધતું રહી ૭૫ બોલાઈ રહ્યું છે. 

સોમવારે મેઇન બોર્ડમાં મુંબઈના બોરીવલી-ઈસ્ટ ખાતેની વારિ એનર્જીસ ૧૦ના શૅરદીઠ ૧૪૨૭થી ૧૫૦૩ રૂપિયાની પ્રાઇસ બૅન્ડમાં ૭૨૧ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૪૩૨૧ કરોડનો ઇશ્યુ કરવાની છે. અત્રે ગ્રે માર્કેટમાં કામકાજ ૧૨૮૦ના રેટથી શરૂ થયા હતા. પ્રીમિયમ વધી હાલમાં ૧૪૪૦ આસપાસ બોલાવા માંડ્યું છે. સોમવારે નવી દિલ્હીની દીપક બિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ પણ ૧૦ના શૅરદીઠ ૨૦૩ની અપર બૅન્ડમાં ૨૬૦ કરોડનો ઇશ્યુ કરવાની છે જેમાંથી આશરે ૪૩ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ ઘરભેગા કરશે. કંપનીના CMD અને પ્રમોટર દીપક કુમાર સિંઘલ તેમ જ અન્ય ૧૫ વ્યક્તિઓની પંજાબ સરકારના વિજિલન્સ બ્યુરો દ્વારા કરતારપુર ખાતે રાજ્ય સરકારના ભંડોળથી જંગે આઝાદી નામથી સ્થપાયેલા સ્મારકના બાંધકામમાં ફ્રૉડ કરવા બદલ ધરપકડ થયેલી છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૧ જેવું સંભળાય છે. 

સરકારે પાંચ ટકા હોલ્ડિંગ વેચતાં કોચીન શિપયાર્ડ ખરડાયો

કોચીન શિપયાર્ડમાં શૅરદીઠ ૧૫૪૦ની ફ્લોર પ્રાઇસથી પાંચ ટકા માલ વેચી આશરે ૨૦૨૬ કરોડની રોકડી કરવા સરકાર સક્રિય બનતાં શૅર નીચામાં ૧૫૮૮ થઈ પાંચ ટકા ગગડી ૧૫૮૯ બંધ થયો છે. પિયર ગ્રુપમાં માઝગાવ ડૉક પોણાબે ટકા નરમ તો ગાર્ડન રિચ ફ્લૅટ બંધ હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સને સરકાર તરફથી મહારત્નનું સ્ટેટસ મળતાં ભાવ ઉપરમાં ૪૬૭૬ થઈ પોણાબે ટકા વધી ૪૬૫૫ બંધ આવ્યો છે. સરકારી કંપની ઑઇલ ઇન્ડિયા આગલા દિવસની સાડાચાર ટકાની ખરાબી આગળ વધારતાં નીચામાં ૫૧૮ બતાવી પોણાછ ટકા તૂટીને ૫૨૭ રહ્યો છે, તો ભારત અર્થ મૂવર્સ તગડા વૉલ્યુમ સાથે ઉપરમાં ૪૦૦૯ વટાવી ચાર ટકા કે ૧૫૧ રૂપિયાની મજબૂતીમાં ૩૮૭૦ હતો. રેલટેલ કૉર્પોરેશન પણ સાત ગણા કામકાજે ૪૪૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭.૫ ટકાના જમ્પમાં ૪૩૯ થયો છે. 

બૅન્ક ઑફ મહારાષ્ટ્રનો ત્રિમાસિક નફો ૪૪ ટકા વધી ૧૩૨૭ કરોડ થયો છે, પણ શૅર નજીવો સુધરી ૫૪ રહ્યો છે. ન્યુજેન સૉફ્ટવેર તરફથી ૪૭ ટકાના વૃદ્ધિદરથી ૭૦ કરોડ પ્લસનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર પ્રારંભિક તેજીમાં ૧૩૪૬ થઈ અંતે સવાબે ટકા ઘટી ૧૨૭૦ રહ્યો છે. તાતાની રાલિસ ઇન્ડિયાએ સર્વાંગી સુધારા સાથે ૨૦ ટકાના વધારામાં ૯૮ કરોડનો ચોખ્ખો ત્રિમાસિક નફો બતાવતાં શૅર જબરો પોરસાઈ ૩૧ ગણા કામકાજ સાથે ૩૭૮ની નવી ટૉપ બનાવી ૧૨.૭ ટકાની તેજીમાં ૩૬૨ થયો છે. કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝે સવાદસ ટકાના વૃદ્ધિદરથી ૧૫૫ કરોડનો નેટ નફો કર્યો છે, પણ એનું ગ્રોસ માર્જિન પોણો ટકો ઘટી પોણાદસ ટકા નીચે નોંધાયું છે. કંપની ક્વીપ રૂટ મારફત ૨૦૦૦ કરોડ ઊભા કરવા ધારે છે, પણ એ ક્યાં વાપરશે એનો ફોડ પાડ્યો નથી. શૅર સાડાછ ગણા વૉલ્યુમે નીચામાં ૪૧૪૮ થઈ સાડાછ ટકા કે ૩૦૫ રૂપિયા ખરડાઈ ૪૩૮૧ બંધ આવ્યો છે. 

જેફરીઝના ડાઉન ગ્રેડિંગમાં BSEનો શૅર ૨૩૦ રૂપિયા તૂટ્યો

ઉસ જેફરીઝને હવે એનું વૅલ્યુએશન વધુ પડતું ઊંચું જણાયું છે જેમાં ૩૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી શૅરને ડી-ગ્રેડ કર્યો છે. સરવાળે ગઈ કાલે ભાવ નીચામાં ૪૪૨૦ થઈ ૪.૯ ટકા કે ૨૩૦ રૂપિયા ઘટી ૪૫૨૨ બંધ થયો છે. BSEની સાથે તેજીની જુગલબંધીમાં સાથ આપનારી MCX ગઈ કાલે દોઢ ટકો નરમ રહ્યો હતો. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અર્થાત અગાઉની સેન્ચુરી ટેક્સટાઇલ્સમાં નોમુરા તરફથી ૩૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. શૅર દોઢા કામકાજે ૨૯૬૪ના શિખરે જઈ અઢી ટકા ઊંચકાઈ ૨૯૨૭ રહ્યો છે. પચીસ ઑક્ટોબરે વર્ષ પૂર્વે ભાવ ૧૦૪૨ હતો. આદિત્ય બિરલા કૅપિટલ સહપ્રમોટર તરીકે જેમાં લગભગ ૪૫ ટકા હિસ્સો ધરાવે છે એ આદિત્ય બિરલા સનલાઇફ ૨૦ ગણા વૉલ્યુમે ૮૦૩ની નવી ટૉપ બતાવી ૧૧.૫ ટકાના ઉછાળે ૭૭૮ થયો છે. આદિત્ય બિરલા કૅપિટલ ૨૨૬ના લેવલે યથાવત હતો. આદિત્ય બિરલા મની પરિણામ પૂર્વે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૭૦ વટાવી છેવટે એ જ લેવલે બંધ હતો.

PNC ઇન્ફ્રાટેકને મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી ૪૬૩૦ કરોડના બે પ્રોજેક્ટ મળ્યા છે જે ૩૦ મહિનામાં પૂરા કરવાના રહેશે. શૅર ૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૭૦ થઈ ૪.૪ ટકા વધી ૪૬૬ રહ્યો છે. તો નાગપુરની સેન્સિસ ટેક મહારાષ્ટ્ર સરકારને ૩૩૨ કરોડનો ઑર્ડર મળ્યા પછી એકધારી તેજીમાં ગઈ કાલે ૧૦૬૦ની નવી સર્વોચ્ચ સપાટી દેખાડી ૭.૭ ટકાની આગેકૂચમાં ૧૧૪૧ હતો. વર્ષ પૂર્વે ભાવ ૨૪૮ના તળિયે હતો. કામકાજના ૭ દિવસ પૂર્વે, ૭ ઑક્ટોબરે શૅર ૬૯૬ હતો. વર્ષે ૨૦૫ કરોડની આવક પર માંડ પચીસ કરોડ નફો કરતી આ કંપનીનું માર્કેટકૅપ હાલ ૧૮૬૪ કરોડ વટાવી ગયું છે.

રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ઇન્ફી બે ટકા બગડી બજારને નડ્યો 

પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસ નીચામાં ૧૯૧૬ થઈ બે ટકા બગડી ૧૯૧૯ બંધ થયો છે. વિપ્રોમાં પણ રિઝલ્ટ પર બોનસ માટે બોર્ડ મીટિંગ ગુરુવારે છે. શૅર નેગેટિવ બાયસમાં ૫૩૨માં ફ્લૅટ રહ્યો છે. HCL ટેક્નૉ ૧૮૮૪ના નવા શિખર બાદ પોણો ટકો ઘટીને ૧૮૫૬ બંધ હતો. TCS નીચામાં ૪૦૬૮ બતાવી ૪૦૯૩ રહ્યો છે. ૬૩ મૂન્સનો ભાવ માત્ર બે દિવસ ઝળક્યો એમાં તો બજાર સત્તાવાળા તરફથી ભાવમાં તેજી માટે સ્પષ્ટીકરણ માગતી નોટિસ કંપનીને જારી કરી દેવાઈ. કંપનીએ આ મુદ્દે પોતાને કશું કહેવાનું નથી. ભાવમાં વધઘટ એ બજારની સાહજિક પ્રક્રિયા છે એની વાત એ જાણે એમ કહી હાથ ઊંચા કરી લીધા છે. શૅર ગઈ કાલે નીચામાં ૫૦૫ થઈ ૪.૨ ટકા ઘટી ૫૧૩ બંધ થયો છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૫ શૅરની નરમાઈમાં ૫૦૬ પૉઇન્ટ ઘટ્યો છે. રેલટેલ ૭.૫ ટકા, ભારતી હેક્સા અઢી ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ વધતાં ટેલિકૉમ બેન્ચમાર્ક એકાદ ટકો પ્લસ હતો. ટીવી-૧૮ને પોતાની સાથે મર્જ કર્યા પછી નેટવર્ક-૧૮ ગઈ કાલે અઢી ટકા ઘટી ૮૫ હતો. 

મહિન્દ્ર, ટીવીએસ મોટર્સ, એક્સાઇડ ઇન્ડ, હીરો મોટોકૉર્પ, મધરસન, તાતા મોટર્સ ઇત્યાદિના સવાથી પોણાત્રણ ટકાના ઘટાડા પાછળ ઑટો ઇન્ડેક્સ ૧૭માંથી ૧૨ શૅરની નરમાઈમાં ૫૭૬ પૉઇન્ટ કે એક ટકો ઘટ્યો છે. પરિણામની પૂર્વસંધ્યાએ ૩૦૦ રૂપિયાથી વધુ ખરડાયેલો બજાજ ઑટો ગઈ કાલે પરિણામ પૂર્વે નીચામાં ૧૧,૩૮૨ અને ઉપરમાં ૧૧,૬૭૩ થઈ છેવટે ૧૧,૬૩૭ બંધ આવ્યો છે જે ૧૧,૫૧૯ના આગલા બંધના મુકાબલે એક ટકાનો વધારો દર્શાવે છે. વૉલ્યુમ દોઢ ગણું હતું. સાઉથ ઇન્ડિયન બૅન્કનો નફો ૧૮ ટકા વધી ૩૨૫ કરોડ થતાં શૅર સાડાછ ટકાની મસ્તીમાં ૨૫.૫૦ને વટાવી ગયો છે. કામકાજ પાંચ ગણું હતું.

 

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 08:42 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK