Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં એકંદર નરમ વલણ વચ્ચે રિલાયન્સના જોરમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો સુધારો

બજારમાં એકંદર નરમ વલણ વચ્ચે રિલાયન્સના જોરમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો સુધારો

Published : 11 July, 2023 03:22 PM | IST | Mumbai
Anil Patel

આઇનૉક્સ વિન્ડ નવી ટૉપ સાથે એ-ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર, તાતા ગ્રુપની બનારસ હોટેલમાં ૫૭૧ રૂપિયાની તેજી સાથે નવો ઊંચો ભાવ : અદાણીના ૧૦માંથી ૭ શૅર સુધારામાં, મુકેશ ગ્રુપના મોટા ભાગની જાતો ઘટાડામાં 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ડીમર્જરની થીમમાં રિલાયન્સ પોણાચાર ટકા ઊછળતાં સેન્સેક્સને ૩૦૨ પૉઇન્ટનો, રોકાણકારોને ૬૭,૪૫૩ કરોડ રૂપિયાનો ફાયદો : જૂજ અપવાદ સિવાય બન્ને બજારના તમામ ઇન્ડેક્સ ડાઉન, માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી નબળાઈ : સીએન્ટ ડીએલએમનું દમદાર લિ​સ્ટિંગ, ૫૯ ટકાનું રિટર્ન, આઇડિયા ફોર્જ ૧૩૪ના કડાકામાં બંધ : આઇનૉક્સ વિન્ડ નવી ટૉપ સાથે એ-ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર, તાતા ગ્રુપની બનારસ હોટેલમાં ૫૭૧ રૂપિયાની તેજી સાથે નવો ઊંચો ભાવ : અદાણીના ૧૦માંથી ૭ શૅર સુધારામાં, મુકેશ ગ્રુપના મોટા ભાગની જાતો ઘટાડામાં 


એશિયન બજારો તાજેતરની નરમાઈ બાદ સોમવારે સાંકડી વધઘટે મિશ્ર રહ્યાં છે. જૅપનીઝ નિક્કી ૦.૬ ટકા નરમ તો હૉન્ગકૉન્ગ માર્કેટ એટલા જ ટકા સુધર્યું છે. ચાઇના, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ અને સિંગાપોર સાધારણ પ્લસ તો ઑસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને તાઇવાન નહીંવતથી સામાન્ય ઘટાડામાં બંધ હતા. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ રનિંગમાં નજીવો સુધારો દેખાડતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૦૨ પૉઇન્ટ ઉપર, ૬૫,૪૮૨ ખૂલી અંતે ૬૩ પૉઇન્ટના સુધારે ૬૫,૩૪૪ બંધ થયો છે. નિફ્ટી ૨૪ પૉઇન્ટ વધી ૧૯,૩૫૬ થયો છે. બજાર ઉપરમાં ૬૫,૬૩૩ બતાવી નીચામાં ૬૫,૨૪૬ થયો હતો. મેટલ, નિફ્ટી ઑઇલ-ગૅસ, એનર્જી જેવા જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ બેન્ચમાર્ક ૧.૬ ટકા, પાવર યુટિલિટીઝ એકાદ ટકો, આઇટી ઇન્ડેક્સ ૧.૨ ટકા, નિફ્ટી એફએમસીજી પોણો ટકો ડાઉન હતા. મેટલ ઇન્ડેક્સ ૩૭૭ પૉઇન્ટ કે ૧.૮ ટકા વધ્યો છે. બીએસઈ એનર્જી ઇન્ડેક્સ પોણો ટકો તો નિફ્ટી ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક એકાદ ટકો મજબૂત હતો. માર્કેટ બ્રેડ્થ નબળી હતી. એનએસઈ ખાતે ૭૮૭ વધ્યા છે સામે ૧૩૧૦ જાતો ઘટી છે. 
સીએન્ટ ડીએલએમ ૧૦ના શૅરદીઠ ૨૬૫ની ઇશ્યુ પ્રાઇસ અને આગલા દિવસે ૧૩૮ના ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની સામે ૪૦૧ ખૂલી ઉપરમાં ૪૨૬ થઈ ૪૨૧ નજીક બંધ થતાં ૫૮.૭ ટકા કે ૧૫૬ રૂપિયાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. તાપરિયા ટૂલ્સ એક શૅરદીઠ ચાર બોનસમાં મંગળવારે એક્સ બોનસ થશે. શૅરમાં કોઈ સોદા નથી. ભાવ છેલ્લે ૨૬ જૂને સાડાદસ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ ૧૦ની છે. ઍપ્ટેક પાંચ શૅરદીઠ બે બોનસમાં ૧૪મીએ એક્સ બોનસ થવાનો છે. ભાવ ઉપરમાં ૫૦૪ વટાવી છેલ્લે પોણો ટકો ઘટી ૪૯૩ રહ્યો છે. આઇડિયા ફોર્જ ૧૧૫૧ની બૉટમ બતાવી ૧૦.૩ ટકા ગગડીને ૧૧૬૧ બંધ થયો છે. 



રિલાયન્સ વર્ષની ટોચે જઈને બજારને ૩૦૨ પૉઇન્ટ ફળ્યો 


રિલાયન્સ તરફથી એનો ફાઇનૅન્સ બિઝનેસ, રિલાયન્સ સ્ટ્રૅટેજિક ઇન્વેસ્ટમેન્ટસને ડીમર્જ કરવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. હવે એ માટેની રેકૉર્ડ ડેટ ૨૦ જુલાઈ નક્કી થઈ છે. રિલાયન્સના પ્રત્યેક શૅરદીઠ રિલાયન્સ સ્ટ્રૅટેજિક ઇન્વેસ્ટમેન્ટ કે રિલાયન્સ ફાઇનૅન્સનો એક શૅર રોકાણકારોને મળશે. રેકૉર્ડ ડેટની જાહેરાતની સાથેસાથે રિલાયન્સ રીટેલની ઇ​ક્વિટીમાં પણ ઘટાડો કરવાનું નક્કી કરાયું છે. મતલબ કે રિલાયન્સ રીટેલના ડીમર્જર અને આઇપીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બધાની અસરમાં રિલાયન્સ ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજમાં ૨૭૫૫ની વર્ષની ટૉપ બતાવી ૩.૮ ટકા કે ૯૯.૭૦ રૂપિયાની તેજીમાં ૨૭૩૫ બંધ થયો છે. એને કારણે બજારને ૩૦૨ પૉઇન્ટનો ફાયદો થયો છે. મતલબ કે બજારને ગઈ કાલે રિલાયન્સનો ટેકો મળ્યો ન હોત તો  માર્કેટ બેશક સારું એવું નરમ પડ્યું હોત. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં નેટવર્ક ૧૮ એક ટકા, જસ્ટ ડાયલ પોણો ટકા, ટીવી ૧૮ સવા ટકો, ડેન નેટવર્ક ૦.૯ ટકા, આલોક ઇન્ડ. ૧.૮ ટકા ડાઉન હતા. રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા પોણો ટકો વધી ૯૬૧ હતો. સ્ટર્લિંગ વિલ્સન અડધો ટકો વધ્યો છે. હેથવે કેબલ્સ એકાદ ટકો ઘટી ૧૬ અંદર હતો. રિલાયન્સનું માર્કેટ કૅપ ૬૭,૪૫૩ કરોડ વધી ગઈ કાલે ૧૮.૫૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર વધ્યા હતા. રિલાયન્સ બન્ને બજારમાં ટૉપગેઇનર હતો. અન્ય જાતોમાં તાતા સ્ટીલ ૩.૪ ટકા, ભારતી ઍરટેલ ૧.૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૮ ટકા, એચડીએફસી લાઇફ દોઢ ટકા, અદાણી એન્ટર સવા ટકો, બજાજ ઑટો ૧.૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૨ ટકા પ્લસ હતા. ટાઇટન ૩.૨ ટકા કે ૧૦૧ રૂપિયાની ખરાબીમાં ટૉપ લૂઝર બન્યો છે. એચસીએલ ટેક્નૉ ૨.૯ ટકા, પાવર ગ્રીડ ૨.૨ ટકા, ટીસીએસ ૧.૬ ટકા, વિપ્રો દોઢ ટકા, ઍ​ક્સિસ બૅન્ક દોઢ ટકા, હિન્દુ. યુનિલીવર ૧.૪ ટકા, નેસ્લે ૧.૨ ટકા, મારુતિ ૧.૨ ટકા, બજાજ ફાઇ. ૧.૨ ટકા, બજાજ ફિનસર્વ એક ટકા, ભારત પેટ્રો દોઢ ટકા ડાઉન હતા. 
રોકડામાં ગઈ કાલે વાડીલાલ ઇન્ડ. ૩૨૯૮ના શિખરે જઈ ૧૩.૬ ટકા કે ૩૭૮ રૂપિયા ઘટી ૩૧૫૨ ઉપર બંધ હતો. ટીના રબર ૧૭.૩ ટકા કે ૧૦૪ રૂપિયાના ઉછાળે ૭૦૭ થયો છે. આઇનૉક્સ વિન્ડ ૨૦૩ની નવી ટૉપ બતાવી ૧૬ ટકાનો જમ્પ મારી ૧૯૮ હતો. ઇન્ડિયન હોટેલ જેમાં પ્રમોટર્સ તરીકે ૪૯.૫ ટકા હિસ્સો ધરાવે છે એ બનારસ હોટેલ્સ ૫૮૬૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦.૮ ટકા કે ૫૭૧ રૂપિયાની તેજીમાં ૫૮૫૬ થઈ છે. ૧ ઑગસ્ટના રોજ આ શૅર ૧૮૧૨ના તળિયે હતો. મઝગાંવ ડૉક ૯.૩ ટકાના ઉછાળે ૧૪૪૪ના શિખરે બંધ રહ્યો છે. 

ઑટો ઇન્ડેક્સ નવી ટોચે જઈ ઢીલો પડ્યો, બજાજ ઑટો નવા શિખર સાથે મજબૂત 


ગઈ કાલે અદાણીના ૧૦માંથી ૭ શૅર વધ્યા છે. ફ્લૅગશિપ અદાણી એન્ટર ૧.૩ ટકો વધી ૨૪૧૦ હતી. અદાણી ગ્રીન પોણો ટકા, અંબુજા સિમેન્ટ ૦.૪ ટકા, એસીસી ૦.૪ ટકા વધ્યા છે. સામે અદાણી ટ્રાન્સ ૧.૩ ટકા, અદાણી પાવર પોણો ટકા, અદાણી વિલ્મર પોણો ટકો અને અદાણી ટોટલ અડધો ટકો ઘટ્યા છે. અદાણી પોર્ટસ અને એનડીટીવી નજીવા સુધર્યા હતા. મોનાર્ક નેટવર્થ સવા ટકો વધી ૨૮૫ રહી છે. 
સોમવારે ઑટો ઇન્ડેક્સ ૩૫,૯૬૯ની સર્વોચ્ચ સપાટી બનાવી અડધો ટકો કે ૨૦૧ પૉઇન્ટ ઘટી ૩૫,૪૫૭ રહ્યો છે. બજાજ ઑટો ૪૯૫૦ની નવી ટોચે જઈ દોઢ ટકો વધીને ૪૯૦૦ હતો. તાતા મોટર્સ ૬૩૪ની મ​લ્ટિયર ટૉપ બતાવી નજીવા સુધારે ૬૧૮ તો એનો ડીવીઆર ૩૩૪ના બેસ્ટ લેવલે જઈ અડધો ટકો વધીને ૩૨૬ થયો છે. અપોલો ટાયર્સ ૪૩૧ નજીકની ટૉપ દેખાડી પોણાત્રણ ટકાની મજબૂતી સાથે ૪૩૦ હતો. સીએટ પણ ૨૬૪૦ની નવી ઊંચી સપાટી મેળવી અઢી ટકા વધી ૨૪૭૩ થયો છે સામે બાલક્રિશ્ન ઇન્ડ. પોણાચાર ટકા, બોશ અઢી ટકા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ સવા ટકો, મહિન્દ્ર એકાદ ટકો કપાયા હતા. ટીવીએસ મોટર્સ એક ટકા નજીક અને મારુતિ સુઝુકી પોણા ટકા નજીક નરમ હતા. હીરો મોટોકૉર્પ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. 
હિન્દાલ્કો સવા ટકો, જિંદાલ સ્ટીલ અઢી ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ત્રણ ટકા, તાતા સ્ટીલ સવાત્રણ ટકા, સેઇલ ચારેક ટકા મજબૂત થતાં મેટલ બેન્ચમાર્ક પોણાબે ટકા કે ૩૭૭ પૉઇન્ટ ઊંચકાયો છે. હિન્દુસ્તાન ઝિન્ક સાતેક દિવસના સળંગ સુધારા બાદ સવાત્રણ ટકા ગગડી ૩૩૦ની અંદર ગયો છે એમઓઆઇએલ ૧૯૧ ઉપર નવું શિખર દર્શાવી સવાપાંચ ટકાની તેજીમાં ૧૮૯ નજીક બંધ આવ્યો છે. 

માથે પરિણામ વચ્ચે આઇટીમાં ફ્રન્ટલાઇન અને ચલણી શૅર ડાઉન 

એચસીએલ ટેક્નૉ, ટીસીએસ, વિપ્રોનાં પરિણામ માથે છે ત્યારે આઇટીમાં માનસ નબળું પડવા માંડ્યું છે. ૫૬માંથી માત્ર ૯ શૅર પ્લસમાં આપી આઇટી ઇન્ડેક્સ ૩૪૯ પૉઇન્ટ કે સવાટકો માઇનસ થયો છે. ઇન્ફી, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક્નૉ, ટેક મહિન્દ્ર, લાટિમ જેવા તમામ ટોચના શૅર ગઈ કાલે ઘટ્યા છે. સીએન્ટ સાડાપાંચ ટકા ગગડીને ૧૪૦૦ થયો છે. ૬૩ મૂન્સ અને બ્લૅક બૉક્સ પોણાપાંચ ટકાની આસપાસ, ડેટામૅટિક્સ પોણાચાર ટકા, આર. સિસ્ટમ્સ સાડાત્રણ ટકા બગડી હતી. સાઇડ કાઉન્ટરમાં એક્સચે​ન્જિંગ સોલ્યુશન્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૧ નજીકની ટૉપ દેખાડી ૧૭ ટકાની તેજીમાં ૧૦૮ થઈ છે. ટેલિકૉમમાં ભારતી ઍરટેલ ૮૯૦ નજીક નવી ઊંચી સપાટી મેળવી દોઢ ટકો વધી ૮૮૫ નજીક અને એનો પાર્ટપેઇડ પોણાત્રણ ટકા ઊંચકાઈ ૪૮૬ ઉપર બંધ થયો છે. એચસીએલ ટેક્નૉ ૨.૯ ટકા, ઝી એન્ટર અઢી ટકા તથા લાટિમ સવાબે ટકા ખરડાઈ ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ખાતે ૨૭ માંથી ઘટેલા ૨૪ શૅરમાં મોખરે હતા. ઑઇલ-ગૅસ તેમ જ એનર્જી ઇન્ડેક્સનો સુધારો મુખ્યત્વે રિલાયન્સની તેજીને આભારી છે. અત્રે અન્યમાં એજિસ લૉજિ​સ્ટિક્સ ૭.૯ ટકા અને જિંદાલ ડ્રિલિંગ સાડાસાત ટકા ઊછળ્યા હતા. એમઆરપીએલ સાડાત્રણ ટકા, સવિતા ઑઇલ પોણાત્રણ ટકા, હિન્દુ. ઑઇલ અને હિન્દુ. પેટ્રો અઢી ટકા, ચેન્નઇ પેટ્રો અઢી ટકા, ઇન્ડિયન ઑઇલ ૧.૯ ટકા ડાઉન હતા. 

ટાઇટનની ખરાબી પાછળ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આંક ૬૮૨ પૉઇન્ટ તૂટ્યો

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના સુધારા વચ્ચે ૬૪ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૪ શૅર પ્લસમાં આપી અડધો ટકો ઘટ્યો છે. બૅ​ન્કિંગના ૩૭માંથી ૧૫ શૅર સુધર્યા છે. આઇડીબીઆઇ બૅન્ક ૧.૯ ટકા, ધનલક્ષ્મી બૅન્ક દોઢ ટકા, જેકે બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૨ ટકા અપ હતા. સામે કરુર વૈશ્ય યસ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ઇ​ક્વિટાસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા પોણાબેથી સવાત્રણ ટકા નજીક બગડ્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક નહીંવત્ પ્લસ તો એચડીએફસી બૅન્ક સામાન્ય ઘટાડે બંધ હતી. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૬૧ શૅરના સુધારા વચ્ચે નહીંવત્ ઘટ્યો છે. આઇઆઇએફએલ સાત ટકાના જમ્પમાં ૫૪૪ વટાવી ગયો છે. આઇસીઆઇસીઆઇ પ્રુ ચાર ટકા, પીએનબી હાઉસિંગ ૩.૮ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ત્રણ ટકા પ્લસ હતા. યુગ્રો કૅપિટલ, પેટીએમ, સેન્ટ્રમ કૅપિટલ તથા ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ત્રણથી સાડાત્રણ ટકા માઇનસ થયા છે. એલઆઇસી અડધો ટકો ઘટી ૬૧૯ નીચે ગયો છે. 
ટાઇટનના ભારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૬૮૨ પૉઇન્ટ કે ૧.૬ ટકા ખરડાયો છે. ટાઇટનની સવાત્રણ ટકાની ખરાબી આ ઇન્ડેક્સને ૭૨૦ પૉઇન્ટ નડી હતી. તો હિન્દુસ્તાન યુનિલીવર, આઇટીસી, નેસ્લે, તાતા કન્ઝ્યુમર, વરુણ બેવરેજિસ બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર, યુનાઇટેડ બ્રુખરીઝ જેવી ચલણી જાતોની પીછેહઠ સાથે એફએમસીજી ઇન્ડેક્સ ૦.૭ ટકા ડાઉન હતો. દૂડલા ડેરી પાંચ ટકા, જીઆરએમ ઓવરસીઝ સાડાચાર ટકા, સુલા વાઇન યાર્ડ્સ ૪.૫ ટકા, હેરિટેજ ફૂડ્સ સાડાત્રણ ટકા મજબૂત હતા. 

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2023 03:22 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK