આ વર્ષે વેચાણ ૨૭ ટકા વધવાનો ક્રિસિલનો અંદાજ
ફાઇલ તસ્વીર
દેશમાં કમર્શિયલ વેહિકલના વેચાણમાં આગામી ૨૦૨૩-’૨૪ના વર્ષમાં ૯થી ૧૧ ટકાનો વધારો થવાની ધારણા છે એમ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું. ક્રિસિલના મતે મધ્યમ અને ભારે કમર્શિયલ વેહિકલ (સીવી)નું વેચાણ સારું રહેવાને કારણે કુલ વેચાણ વધશે. ક્રિસિલે જણાવ્યું કે આ ઉપરાંત, આગામી નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટમાં માળખાગત ખર્ચમાં વધારાની ફાળવણી માગને ટેકો આપશે. ક્રિસિલના જણાવ્યા અનુસાર સ્થાનિક સીવી ઉદ્યોગમાં વૃદ્ધિનું આ સતત ત્રીજું વર્ષ હશે. કુલ સ્થાનિક સીવી વેચાણમાંથી, લાઇટ કમર્શિયલ વેહિકલ (એલસીવી) સેગમેન્ટ ૮થી ૧૦ ટકા વધી શકે છે, જ્યારે મધ્યમ અને ભારે કમર્શિયલ વેહિકલના વેચાણ ૧૩થી ૧૫ ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાવે એવી ધારણા છે એમ ક્રિસિલ રેટિંગ્સના વરિષ્ઠ નિયામક અનુજ સેઠીએ જણાવ્યું હતુ. સ્થાનિક બજારમાં ૨૦૨૧-’૨૨માં કમર્શિયલ વાહનોના વેચાણનું પ્રમાણ વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધ્યું, જ્યારે રસ્તાઓ, ખાણકામ, રિયલ એસ્ટેટ અને બાંધકામમાં વધેલી પ્રવૃત્તિને કારણે માગમાં વધારો થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં વેચાણ ૨૭ ટકા વધવાની ધારણા છે.