ઝોમાટો ૧૦ ટકા ડાઉન, ઇન્વેસ્ટરોના ૭ લાખ કરોડની બાદબાકી, ટ્રેન્ટ ૬ ટકા તૂટ્યો, સિમેન્ટ્સ શૅરોનાં ખરાબ રિઝલ્ટ, ઇન્ડિયા સિમેન્ટમાં ૮ ટકાનું ગાબડું
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
ત્રિમાસિક પરિણામોની મોસમ આગળ વધવા સાથે વધુ કંપનીઓનાં રિઝલ્ટને બજારે યોગ્ય ન્યાય આપ્યો અને ટ્રમ્પની શપથવિધિ પછી કૅનેડા, બ્રાઝિલ પર આવનારી ટૅરિફના સંકેતો મળવા સાથે ચીન અને ભારત પર ટૅરિફના પ્રમાણ વિશેની અટકળો વચ્ચે બજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ૩૨૦ પૉઇન્ટ્સ, 1.37 ટકા ગુમાવી 23,024 થઈ ગયો હતો. ઇન્ટ્રા ડેમાં 23,000 તોડી 22,976 સુધી ગયો હતો. આ ઇન્ડેક્સના 50માંથી 41 શૅરો ડિક્લાઇનિંગ મોડમાં હતા. ઘટવામાં ટ્રેન્ટ 6 ટકા તૂટી 5724 રૂપિયાની સપાટીએ આવી ગયો હતો. સેન્સેક્સ 1235ના ઘસરકાએ 75,838ના લેવલે બંધ હતો. 30માંથી 28 શૅરો ડાઉન હતા એમાં સેન્સેક્સનો નવો સભ્ય ઝોમાટો જાણે વ્હીપિંગ બૉય બની ગયો હોય એમ સેન્સેક્સના સાપ્તાહિક ઑપ્શનની મંગળવારની એક્સપાયરીના દિવસે દસ ટકા તૂટી 214 રૂપિયા થઈ ગયો હતો. બૅન્ક નિફ્ટી દોઢ ટકો ઘટી 48,570, બીએસઈનો બૅન્કેક્સ 1.81 ટકા ગુમાવી 55,020, ફાઇનૅન્શ્યલ સર્વિસ ઇન્ડેક્સ 1.65 ટકાના લોસે 22,548, નિફ્ટી નેક્સ્ટ 50 2.61 ટકાના ગાબડાએ 63,406 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 2.78 ટકા તૂટી 12,013 બંધ જોવા મળ્યા હતા. બૅન્ક નિફ્ટીના 12માંથી 11 શૅરો ડાઉન હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 17 શૅરો ઘટ્યા એમાં એમસીએક્સ પોણાનવ ટકા તૂટી 5500 રૂપિયા સુધી આવી ગયો હતો. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સના 25માંથી 22 શૅરો તૂટ્યા એમાં ટૉપ લુઝર ડિક્સોન ટેક્નૉલૉજી 14 ટકા તૂટી 15,118 રૂપિયાના સ્તરે બંધ હતો. બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવ ઘટતાં એચપીસીએલ પોણાત્રણ ટકા સુધરી 370 રૂપિયા બંધ હતો. વોડાફોન આઇડિયામાં કંપનીએ ગઈ કાલે મોકલાવેલ ખુલાસાના પગલે ભાવ પોણાછ ટકાના ફૉલે 9.36 રૂપિયા અને કોફોર્જ સાડાચાર ટકાના નુકસાને 8279 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સના 50માંથી 49 શૅરો ડાઉન હતા. ઘટવામાં ઝોમાટો ત્રિમાસિક પરિણામો પછી સવાસાત ટકાના સોમવારના ગાબડા પછી મંગળવારે વધુ 10.16 ટકા તૂટી 215 રૂપિયા, જિયો ફાઇનૅન્શ્યલ પોણાછ ટકા ઘટી 259 રૂપિયા, મેક્રોટેક ડેવલપર્સ સવાપાંચ ટકા ઘટી 1146 રૂપિયા બંધ હતા. સેબીમાં AI, IPOના ગ્રે માર્કેટ સોદા માટે નવું પ્લૅટફૉર્મ બનાવવાની વિચારણા ગ્રે માર્કેટ પ્રવૃત્તિને રોકવા માટે સેબી પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગ મિકેનિઝમ પર વિચારણા કરે છે એવું સેબીના ચૅરપર્સન બૂચે જણાવ્યું છે. સેબી ગ્રે માર્કેટ પ્રવૃત્તિને રોકવા માટે IPO લિસ્ટિંગ પહેલાં પ્રીમિયમ કે ગ્રે માર્કેટમાં થતા સોદા નિયમનકારી માળખામાં થાય એવા ટ્રેડિંગને મંજૂરી આપવા વિચારે છે. આ માટે વ્હેન લિસ્ટેડ સિક્યૉરિટીઝ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર સક્રિયપણે વિચારણા ચાલતી હોવાનું માધબી પુરી બૂચે મંગળવારે જણાવ્યું હતું. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી) પ્રારંભિક જાહેર ઑફર (IPO) બંધ થવા અને તેમના સત્તાવાર લિસ્ટિંગ વચ્ચે શૅર માટે નિયમનકારી ટ્રેડિંગ મિકેનિઝમ રજૂ કરવાનું વિચારે છે. મંગળવારે અસોસિએશન ઑફ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ ઑફ ઇન્ડિયા (AIBI)ના વાર્ષિક સંમેલન, 2024-25માં તેમણે આ અણસાર આપ્યો હતો. આ પ્લૅટફૉર્મ અનિયંત્રિત ગ્રે માર્કેટ પ્રવૃત્તિને અંકુશમાં લેવાનો હેતુ ધરાવે છે. હાલ IPO બંધ થવા અને શૅરના લિસ્ટિંગ વચ્ચે ત્રણ દિવસનો ગેપ હોય છે જે દરમ્યાન અનિયંત્રિત ટ્રેડિંગ થાય છે. આ ગ્રે માર્કેટ પ્રવૃત્તિ વ્યાપક અને અનિયંત્રિત છે અને એમાં બોલાતાં પ્રીમિયમને સાચા માની અરજદારો સંભવિત લિસ્ટિંગ વખતે થનારા લાભની ગણતરી કરતા હોય છે. સેબીનો ઉદ્દેશ આવા સોદાઓ માટે એક પ્લૅટફૉર્મ પૂરું પાડી રોકાણકારોને અનૌપચારિક બજારના બદલે નિયંત્રિત માળખામાં વેપાર કરી શકે એવું પ્લૅટફૉર્મ આપવા વિચારે છે. ભારતના IPO બજારમાં 2024માં 91 કંપનીઓએ 1.6 ટ્રિલ્યન રૂપિયા એકત્ર કર્યા હતા. સેબીના ડેટા મુજબ 2025માં પણ આ ગતિ ચાલુ રહેશે અને 1.8 ટ્રિલ્યન રૂપિયા મૂલ્યનાં જાહેર ભરણાંઓ કર્યાં છે કે મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. માધબી પુરી બૂચે IPO ડિસ્ક્લોઝરમાં પારદર્શિતા વધારવા માટે સેબીના પ્રયત્નો પર પણ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે રોકાણકારો IPOની કિંમત વાજબી છે કે નહીં એનું મૂલ્યાંકન કરી શકે એ માટે પૂરતી માહિતીનો ઍક્સેસ જરૂરી છે કેમ કે સેબી IPOના ભાવ નક્કી કરતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉદ્દેશ્ય પૂરતો ડેટા મળી રહે અને માહિતીનો ઓવરલોડ પણ ટાળવા વચ્ચે સંતુલન સાધવા આ બાબત પર કમિટી અભ્યાસ કરી રહી છે. સેબી કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણોને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમાં વાર્ષિક સામાન્ય સભાઓ (AGM) દરમ્યાન પસાર થયેલા ઠરાવોમાં પારદર્શિતા વધારવા અને ઑડિટ સમિતિઓ દ્વારા મંજૂરીઓ સ્પષ્ટ રીતે જણાવવામાં આવે એ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.