Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > SME IPOમાં રોકાણકારોને સેફ રાખવા આવી રહી છે આકરી જોગવાઈઓ

SME IPOમાં રોકાણકારોને સેફ રાખવા આવી રહી છે આકરી જોગવાઈઓ

Published : 25 November, 2024 08:05 AM | Modified : 25 November, 2024 08:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPOનું કદ ૧૦ કરોડ રૂપિયા કરવાનો, લઘુતમ રોકાણ બે અથવા ચાર લાખ રૂપિયા રાખવાનો, લોન ચૂકવવા માટે પૈસા ન ઉઘરાવવા દેવાનો પ્રસ્તાવ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશના વિકાસમાં સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)નું યોગદાન મૂલ્યવાન રહ્યું છે એ વાતમાં બેમત નથી. આથી આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવું એ દેશહિતમાં જ કહી શકાય. સરકારે SMEને ઇક્વિટી માર્કેટમાંથી નાણાં ઊભાં કરવામાં સુવિધા રહે એ દૃષ્ટિએ સ્ટૉક એક્સચેન્જોમાં SME સેગમેન્ટ બનાવડાવ્યાં છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ SME આ સુવિધાનો લાભ લઈ ચૂકી છે અને પ્રગતિ કરીને એક્સચેન્જોના મેઇન બોર્ડમાં પણ સ્થાન મેળવી ચૂકી છે. આમ છતાં બીજાં અનેક ક્ષેત્રોની જેમ અહીં પણ કેટલાંક લેભાગુ તત્ત્વો SME સેગમેન્ટનો ગેરલાભ ઉઠાવતાં જોવા મળ્યાં છે.


સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં SMEના IPO મારફત નાણાં એકઠાં કરીને કંપનીઓ એનો દુરુપયોગ કરે છે. આ પ્રવૃત્તિ એકંદરે ફક્ત રોકાણકારોને નહીં, SMEની વિશ્વસનીયતાને અને દેશને નુકસાનકારક ઠરે છે. આથી SEBI હવે આ બાબતે કડક ધારાધોરણો અપનાવવા માગે છે.



૫૭ અબજ રૂપિયા એકઠા કરાયા
છેલ્લાં બે વર્ષોમાં SME સેગમેન્ટમાં IPOનું પ્રમાણ ઘણું વધી ગયું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૫ ઑક્ટોબર સુધીમાં ૧૫૯ કરતાં વધુ SME પોતાના IPO મારફત ૫૭ અબજ રૂપિયા ભેગા કરી ચૂકી છે. પાછલા વર્ષે આ પ્રમાણ ૬૦ અબજ રૂપિયા હતું. આમાંથી અમુક ઇશ્યુ ૫૦૦થી ૧૦૦૦ ગણા ભરાયા હતા. આ બાબત પરથી શંકા જાય છે કે SME સેગમેન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.


SEBIએ હવે SME IPO માટેની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. SMEના IPOમાં રોકાણ કરવાનું રોકાણકારો માટે વધુ સલામત બને એ દૃષ્ટિએ આ પગલાં સૂચવવામાં આવ્યાં છે. SEBI SME કંપનીઓ માટેનું અનુપાલન વધુ ચુસ્ત બનાવવાનું માનસ ધરાવે છે. આ કંપનીઓ વખત જતાં ડીલિસ્ટિંગ કરાવે અને રોકાણકારોને નુકસાનકારક ઠરે એવી પરિસ્થિતિ અટકાવવા માટે SEBIએ ડીલિસ્ટિંગ વધુ આકરું બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

IPOનું લઘુતમ કદ દસ કરોડ રૂપિયા?
SEBIએ SMEના IPO બાબતે હાલ બહાર પાડેલા કન્સલ્ટેશન પેપરમાં દર્શાવાયેલા અમુક ફેરફારો ધ્યાનાકર્ષક છે. એમાંનો એક પ્રસ્તાવ SMEના IPOનું કદ વધારીને ઓછામાં ઓછું ૧૦ કરોડ રૂપિયાનું કરવાનો છે. અહીં જણાવવું રહ્યું કે હાલ કોઈ લઘુતમ કદ રાખવામાં આવ્યું નથી.


રોકાણની મર્યાદામાં વધારો
IPO માટે લઘુતમ રોકાણ હાલ એક લાખ રૂપિયા છે, જે વધારીને બે લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. SEBIએ આ મર્યાદા વધારીને ચાર લાખ રૂપિયા સુધીની કરવા બાબતે પણ અભિપ્રાય માગ્યા છે. આ ઉપરાંત એનું કહેવું છે કે પ્રમોટરોને ઇશ્યુના કદના વીસ ટકા કરતાં વધુ હિસ્સો ઑફર ફૉર સેલ મારફત વેચવાની પરવાનગી આપવી જોઈએ નહીં. વળી ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) મારફત રોકાણકારો પાસેથી લીધેલાં નાણાંનો SME યોગ્ય ઉપયોગ કરે છે કે નહીં એ જોવા માટે અનુપાલન સંબંધિત દેખરેખ રાખનારી એજન્સી રચવાનો પણ પ્રસ્તાવ છે.

ઊંચા વૅલ્યુએશનનું જોખમ
SME સેગમેન્ટમાં છેલ્લાં થોડાં વર્ષોમાં આવેલા IPO પરથી જોવા મળ્યું છે કે આ કંપનીઓનું વૅલ્યુએશન ઘણું ઊંચું દર્શાવવામાં આવે છે અને પછીથી રોકાણકારોને નુકસાન થાય એવી અનેક ચાલબાજીઓ કરવામાં આવે છે. ઇશ્યુ મારફત ભેગી થયેલી રકમનો દુરુપયોગ થયો હોવાના કિસ્સાઓ પકડાયા બાદ SEBIએ અનેક કંપનીઓને દંડ પણ કર્યો છે.

નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં SME સેગમેન્ટના IPOમાં રીટેલ રોકાણકારોનો સહભાગ વધ્યો છે. આથી જો આવા IPOમાં કોઈ પણ ગેરરીતિ થાય તો રીટેલ રોકાણકારોને મોટું નુકસાન થાય છે. રોકાણકારો સામેનાં જોખમો ઘટાડવા માટે જ SEBI હવે કડક ધારાધોરણો અપનાવવા માગે છે.

અનુપાલન અને બીજા નિયમો
SEBIએ કન્સલ્ટેશન પેપરમાં સૂચવ્યું છે કે SME કંપનીઓના IPOના ઑફર-ડૉક્યુમેન્ટ ઇશ્યુના ઓછામાં ઓછા ૨૧ દિવસ પહેલાં જાહેર કરવામાં આવવા જોઈએ. હાલ આ ડૉક્યુમેન્ટ્સ જે એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાનું હોય એને જ સુપરત કરવામાં આવે છે અને એ જ એક્સચેન્જ એની ચકાસણી કર્યા બાદ IPO આવવાના થોડા સમય પહેલાં ડૉક્યુમેન્ટ્સ જાહેર કરે છે.

SEBIનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો SMEએ IPO લાવવા અગાઉનાં ત્રણમાંથી બે વર્ષોમાં ઓછામાં ઓછો ત્રણ કરોડ રૂપિયાનો ઑપરેટિંગ નફો કરેલો હોવો જોઈશે. હાલ ઑપરેટિંગ નફાને લગતી કોઈ શરત નથી. જે IPOનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રમોટર અથવા તો પ્રમોટર ગ્રુપ પાસેથી લેવાયેલી લોન ચૂકતે કરવાનો હશે એવા ઇશ્યુ લાવવા માટે પરવાનગી આપવી જ નહીં એવો SEBIનો પ્રસ્તાવ છે. એણે એવું પણ સૂચવ્યું છે કે SMEએ મોટી કંપનીઓની જેમ જ પોતાની શૅરહોલ્ડિંગ પૅટર્ન, નાણાકીય પરિણામો વગેરે જેવી માહિતી દર ત્રણ મહિને જાહેર કરવાની રહેશે.

જાણકારોનું કહેવું છે કે SEBIના મોટા ભાગના પ્રસ્તાવ SME ક્ષેત્રને બજારની દૃષ્ટિએ તંદુરસ્ત બનાવવા માટેના છે. જોકે તેઓ એમ પણ કહે છે કે અરજી માટેની ઓછામાં ઓછી રકમ વધારી દેવામાં આવશે તો રીટેલ રોકાણકારોને આવા IPOમાં સહભાગી થવામાં મુશ્કેલી નડશે અને આ રીતે રોકાણકારોની સંખ્યા મર્યાદિત થઈ જશે. જો SMEના ડિસ્ક્લોઝર સંબંધિત જરૂરિયાતો ચુસ્ત બનાવવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે નાણાકીય પરિણામો તથા અન્ય બાબતો જાહેર કરવાનો નિયમ બનાવવામાં આવશે તથા માર્કેટ-મેકરની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવામાં આવશે તો એકંદરે SME સેગમેન્ટ તંદુરસ્ત બની શકશે. અહીં જણાવવું રહ્યું કે SEBIએ આ પ્રસ્તાવો બાબતે ચોથી ડિસેમ્બર સુધીમાં જનતા પાસેથી અભિપ્રાય માગ્યા છે.

જાણવા જેવું

SMEનું વૅલ્યુએશન અવાસ્તવિક રીતે વધારી દેવાની પ્રવૃત્તિને કારણે SME IPOમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોકાણકારોને નુકસાન થયું છે. આથી SEBI એનું પુનરાવર્તન ટાળવા માગે છે.

SEBIના ધ્યાનમાં આવ્યું છે કે SME IPO દ્વારા એકઠાં કરાયેલાં નાણાંનો દુરુપયોગ થયો છે અથવા એ નાણાં અન્યત્ર વાળવામાં આવ્યાં છે.

બજારના નિષ્ણાતો માને છે કે SME ક્ષેત્રને બજારની દૃષ્ટિએ વધુ તંદુરસ્ત બનાવવા માટે SEBIના આ પ્રસ્તાવો આવકાર્ય છે. જોકે એમનું કહેવું છે કે અરજી માટેની લઘુતમ રકમ વધારવાથી રોકાણકારોનો સહભાગ ઘટી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK