૨૦૨૩માં જિયો-પૉલિટિકલ તનાવ અને કોરોનાથી ભારતનું અર્થતંત્ર ખરડાઈ શકે
આર્થિક પ્રવાહ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૨૩નું નવું વરસ વિશ્વ અને ભારત માટે અનેક આર્થિક પડકારો અને જોખમો સાથે શરૂ થયું છે. ૨૦૨૨નું પૂરું થયેલું વરસ પણ અનેક કારણોસર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
૨૦૨૨ની શરૂઆતમાં કોરોનાની મહામારીનું જોર ઓછું થયેલું, પણ ભાવવધારા અને એના પરિણામે અનેક દેશો દ્વારા સતત કરાયેલ વ્યાજના દરના વધારાને કારણે વિશ્વ સ્લોડાઉન અને મંદી ભણી ધકેલાયું. ભારતમાં પણ ભાવવધારાની સમસ્યા તો હતી જ. આપણા વ્યાજના દર પણ વધ્યા. એમ છતાં આપણે મહામારીથી ખરડાયેલ અર્થતંત્રની ગાડીને ઝડપથી પાટે ચડાવવામાં સફળ રહ્યા. ફિસ્કલ ૨૦૨૧માં આપણા આર્થિક વિકાસનો દર ઘટ્યો હતો (૬.૬ ટકા). જે ફિસ્કલ ૨૨માં વધ્યો (૮.૭ ટકા). ૨૦૨૨-૨૩ના અપેક્ષિત આર્થિક વિકાસના લગભગ સાત ટકાના દર સાથે આપણે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસ કરવાવાળા દેશનું બિરુદ મેળવ્યું.
ADVERTISEMENT
કોરોનાની મહામારીમાંથી પૂરેપૂરા બહાર આવીએ એ પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત (ફેબ્રુઆરી ૨૦૨૨) થઈ. દસ મહિના પછી પણ એ યુદ્ધનો અંત હજી નજરે દેખાતો નથી. આ યુદ્ધને કારણે વિશ્વને જબ્બર આર્થિક ફટકો પડ્યો. યુક્રેનના આર્થિક વિકાસના દરમાં ૩૫ ટકાનો ઘટાડો થયો. આક્રમણ કરનાર રશિયા પોતે પણ યુદ્ધની અસરમાંથી બાકાત ન રહ્યું.
વિશ્વ માટે આ આફતો પૂરતી ન હોય એમ ૨૦૨૨ના અંતિમ ચરણમાં દુનિયાભરમાં કોરોનાનો દાવાનળ પ્રગટાવી છટકી જનાર ચીનમાં આ મહામારીનો પ્રકોપ ફરી શરૂ થયો છે. આ મહામારી ૨.૦ના લાખોની સંખ્યામાં નવા કેસો અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને દ.કોરિયામાં પણ નોંધાયા. આ કેસો એટલી હદે વધવા માંડ્યા કે ચીન અને બ્રિટને તો એના આંકડા પ્રસિદ્ધ કરવાનું પણ બંધ કરી દીધું.
મહામારીના આ વિસ્ફોટથી સાવધાન બની જઈને ભારત સહિતના અનેક દેશોએ મહામારીથી અસરગ્રસ્ત થયેલ દેશોમાંથી આવતા મુસાફરો માટેના પ્રવેશ પર ઍરપોર્ટ પર જ કોરોનાની ટેસ્ટ જેવા અનેક પ્રતિબંધો મૂક્યા.
મોટા પ્રમાણમાં વૅક્સિનેશન અને બૂસ્ટર ડોઝથી પ્રજાની વધેલી રોગપ્રતિકારક શકિત, આપણો કોરોનાને ટ્રીટ કરવાનો અનુભવ તેમ જ સ્વાસ્થ્યને લગતી માળખાકીય સવલતોનો સુધારો અને નાક દ્વારા લઈ શકાય એવી દેશી વૅક્સિનને હાલમાં જ મળેલ મંજૂરી જેવાં અનેક કારણોસર ભારત કોરોના ૨.૦ના પ્રતિકાર માટે વધારે સજ્જ અને સલામત છે.
ભારતમાં પણ ઓમાઇક્રોન સબવેરીઅન્ટ એક્સબીબી ૧.૫ના કેસ નોંધાયા છે જે ઝડપથી ગંભીર બીમારી ફેલાવે છે. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એ ન્યાયે ભારત સરકારે વૅક્સિનેશનની પ્રક્રિયાને વેગ મળે અને પરદેશથી આવતા મુલાકાતીઓ આપણને કોરોનાની ભેટ ન આપી જાય એ માટેનાં ઝડપી પગલાં લેવાં માંડ્યાં છે.
૨૦૨૦ અને ૨૦૨૧માં મહામારીને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભંગાણ પડ્યાં. એ દુરસ્ત થાય એ પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધે આ ચેઇનને વધુ નબળી બનાવી. રશિયાની આડોડાઈ અને પશ્ચિમી દેશોએ મૂકેલા પ્રતિબંધોને કારણે ઇયુ દેશોમાં એનર્જી (ગૅસ)ના સપ્લાયની ગંભીર સમસ્યા ઊભી થઈ. ગૅસના આસમાને ગયેલ ભાવોએ આ દેશોના અર્થતંત્રને રફેદફે કર્યા.
રશિયાના યુક્રેન પરના મિસાઇલ્સ હુમલા સતત ચાલુ છે અને વધી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય (જોકે એનાં કોઈ ચિહ્નો દેખાતાં નથી) એ પહેલાં તો કોરોનાના નવા વેરીઅન્ટથી આ મહામારી ફરી ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ મહામારી વધુ ઉગ્ર બને (ભારતમાં એ ભલે મર્યાદિત રહે) તો સપ્લાય ચેઇન પાટે ચડવાની રહીસહી આશા પર પણ પાણી ફરી વળે.
ટૂંકમાં ૨૦૨૨નું વરસ સતત વધતા રહેલા જિયો પૉલિટિકલ તણાવનું વરસ (રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન અને ભારતની સરહદે સતત ચાલતો સંઘર્ષ, ચીન-તાઇવાન વચ્ચેનો તણાવ, પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે કરાતાં છમકલાં અને અમેરિકા-ચીન વચ્ચેની પ્રતિસ્પર્ધા) રહ્યું. ચીન અને ભારત વચ્ચેનો સંઘર્ષ ૨૦૨૩માં વધી શકવાની પૂરી શક્યતા છે. ૨૦૨૩માં ભારતની વસ્તી ચીનની વસ્તીને ઓળંગીને આ બાબતે વિશ્વનો પ્રથમ નંબરનો દેશ બનશે.
૨૦૨૨માં રૂપિયો ઘસાયો : ભારત ડિજિટલ ઇકૉનૉમી તરફ આગળ વધ્યું
૨૦૨૨માં ડૉલર સામે રૂપિયો દસ ટકા જેટલો ઘસાયો છે જે ૨૦૧૩ પછીનો સૌથી મોટો ઘટાડો છે. વિદેશી હૂંડિયામણમાં ૭૦ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે, જે છેલ્લાં ૨૨ વરસનો સૌથી મોટો છે. સેન્સેક્સ સતત સાતમા વરસે સુધર્યો છે તો પણ રોકાણકાર માટે એ ૨૦૧૬ પછીનું સૌથી ઓછું વળતર આપે છે.
૨૦૨૨માં ભારતમાં 5G અને ડિજિટલ કરન્સી લૉન્ચ કરાયાં છે.
ભારત માટે સાવધાનીપૂર્વકનો આશાવાદ
આપણે ત્યાં હાલ તો રોજના નવા ૨૦૦થી ૩૦૦ કેસ જ નોંધાય છે. આ નજીવા લાગતા કેસો અચાનક જેટ સ્પીડે મલ્ટિપ્લાય થતા ન જાય એ માટે સતર્ક રહેવું જરૂરી છે. સતત ઘટતા રહેલા ઍક્ટિવ કેસોની વધવા માંડેલી સંખ્યા પર પણ ચાંપતી નજર રાખવી પડે.
ભારતમાં ભાવવધારો ધીમો પડ્યો છે તો પણ એકબીજા પર આધારિત વિશ્વમાં અમેરિકામાં વ્યાજના દર વધતા રહે તો ભારતે ડૉલરનો આઉટફલો અટકાવવા માટે અને રૂપિયાની કિંમત જાળવી રાખવા માટે વ્યાજના દર વધારવા પડે. એ વ્યાજના દરનો વધારો આપણી માગને કારણે થતા ભાવવધારા પર અસર કરી શકે. ભાવવધારો પુરવઠાની ખેંચને કારણે હોય તો ભાવવધારા પર એની અસર મર્યાદિત રહે.
મૂડીરોકાણ સ્થગિત છે, નવી રોજગારીનું સર્જન મર્યાદિત
ચાલુ વરસ કરતાં ફિસ્કલ ૨૪માં વિકાસનો દર ધીમો પડશે. છેલ્લાં સાત-આઠ વરસથી (૨૦૧૫-૧૬થી) આપણું મૂડીરોકાણ ૨૮-૨૯ ટકાએ સ્થગિત થયું છે. અનેક આર્થિક જોખમો અને અનિશ્ચિતતાઓને કારણે જાહેર મૂડીરોકાણ ખાનગી મૂડીરોકાણને આકર્ષી શકતું નથી. સરકારની પ્રોડક્શન-લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પર આપણો મોટો મદાર છે. એક અંદાજ પ્રમાણે એના અમલથી ૪૦ લાખ કરોડ રૂપિયાનું વધારાનું ઉત્પાદન થાય તો આપણા આર્થિક વિકાસનો દર વધે.
આપણે ૨૦૧૮થી પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રની વાત કરીએ છીએ (આજે ૩.૨૫ ટ્રિલ્યન ડૉલરે પહોંચ્યા છીએ). હવે આપણે ૧૦ ટ્રિલ્યન ડૉલરનો લક્ષ્યાંક રાખ્યો છે. મોટા ભાવવધારાને કારણે આપણે કદાચ આ લક્ષ્યાંકની નજીક પહોંચીએ તો પણ સાચા ઉત્પાદન (ચીજવસ્તુઓના વૉલ્યુમ)ના લક્ષ્યાંકથી ઘણા દૂર રહેવાના.
વિશ્વની ૨૦૦૮-૦૯ની નાણાકીય કટોકટી પહેલાં આપણો મૂડીરોકાણનો દર લગભગ ૪૦ ટકાની ટોચે પહોંચ્યો હતો. મૂડીરોકાણનો દર ઘટે એટલે આપણું ઉત્પાદન અને આર્થિક વિકાસનો દર ઘટે અને સાથે રોજગારીની તકો પણ.
બૅન્કોની એનપીએની સુધરતી પરિસ્થિતિ અર્થતંત્રનો પ્લસ પૉઇન્ટ
હમણાં-હમણાં બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ઘટી રહી છે. ૨૦૧૮માં બૅન્કોની કુલ લોનના ૧૧.૬ ટકામાંથી ઘટીને આજે એ પાંચ ટકા જેટલી થઈ છે. આ એનપીએનો સ્તર છેલ્લાં સાત વરસનો સૌથી નીચો છે. બૅન્કોની અકાઉન્ટ-બુક સધ્ધર થતાં બૅન્ક દ્વારા કરાતાં ધિરાણ વધી રહ્યાં છે, જે હજી પણ વધતાં રહેશે. જે મૂડીરોકાણના ઘટાડાની આર્થિક વિકાસ કે રોજગારી પર પડતી વિપરીત અસરને નાબૂદ કરી શકે.
કોરોના પહેલાંનાં બે વરસથી ખાનગી વપરાશ ખર્ચનો દર ઘટી રહ્યો હતો
ખાનગી વપરાશ ખર્ચનો આપણો રેકૉર્ડ સારો નથી. મહામારીનાં બે વરસ પહેલાંથી અમુક છૂટક બજારોમાં વેચાણ ઘટી રહ્યાં હતાં. ૨૦૧૬માં ડિમૉનેટાઇઝેશનને કારણે અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગધંધાને અને નાના એકમોને માર પડ્યો હતો. એ પછી ૨૦૧૭માં દાખલ કરાયેલ જીએસટીની જટિલ જરૂરિયાતોને પહોંચી વળવામાં અસમર્થ નાના એકમોના ધંધાને વધુ વિપરીત અસર થઈ.
આ બધા ફેરફારોને કારણે અસંગઠિત ક્ષેત્રના એકમોને સંગઠિત ક્ષેત્રે આવવાની ફરજ પડી હશે એમાં ના નહીં. જે અર્થતંત્રનો લાંબા ગાળાનો ફાયદો ગણાય, પણ નાના-નબળા માણસોની આવક પડી ભાંગી હતી. એ વખતે નાનાં કુટુંબોના વપરાશ-ખર્ચ ઘટ્યા જે ૨૦૨૦ અને ૨૦૨૧માં સરકારે આપેલા સાથ અને ટેકા પછી પણ એના અગાઉના પીક સ્તરે પહોંચ્યા નથી.
અંદાજપત્ર સામે મોટો પડકાર ફિસ્કલ કન્સોલિડેશનનો
ચાલુ વરસના ટૅક્સ રેવન્યુની આવકના વધારાને કારણે સરકાર ફિસ્કલ ડેફિસિટના ૬.૪ ટકાના લક્ષ્યાંકને આંબી શકશે. ફિસ્કલ ડેફિસિટ કાબૂમાં રાખીને આપણે વ્યાજના દર અતિશય વધતા અટકાવી શકીએ. આપણા જેવા વિકસતા અર્થતંત્ર માટે વ્યાજના દર પ્રમાણસર રહે તો મૂડીરોકાણને ઉત્તેજન મળે. ઇન્પુટના ભાવો પણ અતિશય ન વધે અને ભાવવધારો કાબૂમાં રહે.
કોરોના કાળ દરમ્યાન સરકારે આપેલી સહાયતા (સ્ટિમ્યુલસ) ધીમે-ધીમે પાછી ખેંચાય તો જ સરકારનો સબસિડી (રોકડ સહાય) પરનો ખર્ચ ઘટે અને એ જરૂરી મૂડી-ખર્ચ માટે અંદાજપત્રમાં નાણાં ફાળવી શકે.
૨૦૨૫-૨૬ સુધીમાં ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૪.૫ ટકા જેટલી કરવાનો લક્ષ્યાંક છે. ફિસ્કલ કન્સોલિડેશનનો વ્યવહારુ પ્લાન સરકારે તૈયાર કરવો પડે. સરકારનું બૉરોઇંગ અને દેવું ઘટે તો જ વ્યાજનો ખર્ચ (રેવન્યુના ૫૦ ટકા) ઘટે. આવા રેવન્યુ-ખર્ચના ઘટાડા દ્વારા જ મૂડીરોકાણનો ખર્ચ વધારી શકાય.
સરકારી દેવું જીડીપીના ૮૦ ટકા જેટલું છે. વધતા જતા વ્યાજના દર સાથે એ એક મોટું જોખમ છે. એ ચૂકવવામાં તો આપણું આખું અંદાજપત્ર અપસાઇડ ડાઉન થઈ જાય. આ ખર્ચ ઓછો થાય તો પછીના વરસે ફિસ્કલ ડેફિસિટ પણ ઘટે. સીધા કરવેરાની આવક વધારવા માટે આવકવેરો ભરનાર માટેનાં પ્રોત્સાહન અંદાજપત્રમાં વિચારાય ખરાં.
૨૦૨૩માં નવ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ છે. એટલે આપણા અનુભવ પ્રમાણે રેવન્યુ-ખર્ચ વધવાનો. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ પહેલાંનું આ છેલ્લું અંદાજપત્ર છે. (૨૦૨૪ ફેબ્રુઆરીમાં એ વચગાળાનું અંદાજપત્ર હશે). એટલે સરકારને રેવન્યુ-ખર્ચ ઘટાડવાનું કે કરવેરા વધારવાનું પરવડે નહીં. કોઈ પણ સરકાર પોતાના પક્ષના પૉલિટિકલ એજન્ડાને ભોગે દેશના આર્થિક એજન્ડાને અગ્રક્રમ આપવાનું વિચારે નહીં, પણ સરકારે લાંબા ગાળાના સસ્ટેઇનેબલ ઇન્ક્લુઝિવ ગ્રોથ દ્વારા એનું વિકસિત દેશ બનવાનું, દેશમાંથી ગરીબી ઘટાડવાનું અને એ દ્વારા આર્થિક અસમાનતા ઘટાડવાનું ધ્યેય હાંસલ કરવું હશે તો કડવો દવાનો ઘૂંટ પીવો પડશે.