Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > બજાર સુસ્તી સાથે સાધારણ ઘટાડામાં ડૉલર સામે રૂપિયો વર્સ્ટ લેવલે

બજાર સુસ્તી સાથે સાધારણ ઘટાડામાં ડૉલર સામે રૂપિયો વર્સ્ટ લેવલે

Published : 12 October, 2024 08:51 AM | IST | Mumbai
Anil Patel

ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સનું સુસ્ત લિસ્ટિંગ, હ્યુન્દાઇ મોટરમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ તૂટીને ૧૦૦ બોલાયું

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જર્મન હ્યુએશ ગ્રુપનો ગ્લોબલ પિગમેન્ટ બિઝનેસ સુદર્શન કેમિકલ્સે ૧૧૮૦ કરોડમાં હસ્તગત કરતાં શૅર ૨૦ ટકા ઊછળી નવા શિખરે : ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સનું સુસ્ત લિસ્ટિંગ, હ્યુન્દાઇ મોટરમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ તૂટીને ૧૦૦ બોલાયું : નવા સુકાનીની વરણીને રિઝર્વ બૅન્કની લીલી ઝંડી મળતાં બંધન બૅન્ક તેજીમાં આવી : નબળાં રિઝલ્ટમાં ટીસીએસ પોણાબે ટકા બગડી ટૉપ લૂઝર બન્યો : ઑલટાઇમ હાઈ થવાના સિલસિલામાં બીએસઈ અને એમસીએક્સની જુગલબંધી : રિલાયન્સ યથાવત્ બંધ રહ્યો


બજારમાં FII એકધારી વેચવાલ છે, ચાલુ મહિને ૧૦મી સુધી કામકાજના સાત દિવસમાં એણે ૫૪,૨૩૨ કરોડની રોકડી કરી લીધી છે. વિદેશી રોકાણના આવા તગડા આઉટફ્લોની અસરમાં ડૉલર સામે રૂપિયો ગગડી શુક્રવારે ૮૪.૦૯ના ઑલટાઇમ તળિયે પહોંચી ગયો હતો. તૂટતા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બૅન્ક મોટા પાયે ડૉલર વેચી ઘટાડો રોકવા સક્રિય બની હતી. અમેરિકા ખાતે સપ્ટેમ્બર માસમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવાનો દર ૨.૪ ટકા આવ્યો છે જે અપેક્ષા કરતાં સહેજ વધુ હોવા છતાં ફેબ્રુઆરી ૨૦૨૧ પછીની બૉટમ બતાવે છે. ચાઇના ખાતે શનિવારે આશરે ૨૮૩ અબજ ડૉલરનો નવો સ્ટિમ્યુલસ ડોઝ જાહેર થવાની હવા શરૂ થઈ છે. ત્યાંનું માર્કેટ જોકે ગઈ કાલે અઢી ટકા ગગડી ૩૨૧૮ બંધ હતું. અન્ય એશિયન બજારોમાં તાઇવાન એક ટકો, જપાન અને ઇન્ડોનેશિયા અડધો ટકો, થાઇલૅન્ડ નજીવું પ્લસ થયું છે. હૉન્ગકૉન્ગ રજામાં હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર આખલા દોડમાં થાકોડો આગળ વધારતાં ૨૦૨ પૉઇન્ટ ઘટી ૮૫,૨૫૧ હતું.



ઘરઆંગણે સાંકડી વધઘટે ઉપર-નીચે થતા રહેવાના સિલસિલામાં સેન્સેક્સ ૨૩૦ પૉઇન્ટ ઘટીને ૮૧,૩૮૧ તો નિફ્ટી ૩૪ પૉઇન્ટની નરમાઈમાં ૨૪,૯૬૪ બંધ થયો છે. માર્કેટ બ્રેડ્થમાં રસાકસી રહેતાં NSE ખાતે વધેલા ૧૨૮૭ શૅર સામે ૧૨૧૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨૮,૦૦૦ કરોડ વધીને ૪૬૨.૨૮ લાખ કરોડ રૂપિયા થયું છે. બજાર ગઈ કાલે લગભગ આખો દિવસ નેગેટિવ ઝોનમાં હતું. શૅર આંક ઉપરમાં ૮૧,૬૭૧ અને નીચામાં ૮૧,૩૦૪ થયો હતો. બન્ને બજારના બહુમતી ઇન્ડાઇસિસ પ્લસ હતા, પણ સુધારો મોટે ભાગે નાનો હતો. આગલા દિવસની નબળાઈ બાદ હેલ્થકૅર ફાર્મા એકાદ ટકો વધ્યું છે. બૅન્ક નિફ્ટી સામે પોણો ટકો કટ થયો હતો. મેટલ ઇન્ડેક્સ પાંચેક દિવસની પીછેહઠ બાદ ચાઇનીઝ સ્ટિમ્યુલસની હવામાં સવા ટકો બાઉન્સ થયો છે. આઇટી બેન્ચમાર્ક અડધો ટકો અપ હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. ફાઇનૅન્સ અડધો ટકો ઢીલું હતું.


મુંબઈની ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સ શૅરદીઠ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૫ ખૂલી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૦ની અંદર બંધ રહી છે. અત્રે ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નહોતા. હ્યુન્દાઇ મોટર્સના મેગા ઇશ્યુને લઈ ગ્રે માર્કેટમાં ઊથલપાથલ છે. પ્રીમિયમ ૧૭૫થી તૂટી હાલ ૧૦૦ રૂપિયા થઈ ગયું છે. લક્ષ્ય પાવરટેકમાં પ્રીમિયમ ૧૦૦ બોલાય છે. હ્યુન્દાઇમાં સબ્જેક્ટ-ટૂના રેટ ૬૦૦ મુકાય છે. 

HCL ટેક્નૉલૉજીઝ ઑલટાઇમ હાઈ, માર્કેટકૅપ લગભગ પાંચ લાખ કરોડે


ધારણા કરતાં નબળાં પરિણામના પગલે અગ્રણી આઇટી જાયન્ટ ટીસીએસ ગઈ કાલે સાડાત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૪૧૧૨ થઈ પોણાબે ટકા ખરડાઈ સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સામે ટ્રેન્ટના સૂત્રધાર નોએલ તાતાની તાતા ગ્રુપના નવા સુકાની તરીકે વરણી થતાં ટ્રેન્ટનો શૅર વધુ અઢી ટકા ઊચકાઈ ૮૨૩૪ના નવા ઊચા બંધ સાથે નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. ઇન્પીનાં પરિણામ ૧૭મીએ ઊજળા આવવાની આશામાં શૅર પોણો ટકો વધી ૧૯૩૫ના બંધમાં બજારને સર્વાધિક ૫૦ પૉઇન્ટ ફળ્યો છે. HCL ટેક્નૉલૉજીઝ ૧૪મીએ રિઝલ્ટને લઈ ૧૮૫૨ની ઑલટાઇમ હાઈ બનાવી દોઢ ટકો વધી ૧૮૩૯ વટાવી જતાં એનું માર્કેટકૅપ પાંચ લાખ કરોડની તદ્દન નજીક પહોંચી ગયું છે. રિલાયન્સનાં રિઝલ્ટ પણ સોમવારે છે. શૅર રાબેતા મુજબની સુસ્તી સાથે ૨૭૪૨ના લેવલે ફ્લૅટ રહ્યો છે. ટેક મહિન્દ્ર દોઢ ટકો, JSW સ્ટીલ અને હિન્દુસ્તાન યુનિલીવર એક ટકો, હિન્દાલ્કો ૨.૪ ટકા, ONGC સવા ટકો, કોલ ઇન્ડિયા એક ટકો પ્લસ હતા. મહિન્દ્ર ૧.૯ ટકાના ઘટાડે ૩૧૩૪ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ICICI બૅન્ક દોઢ ટકાથી વધુના ઘટાડે ૧૨૨૩ બંધ આપી બજારને સર્વાધિક ૧૨૫ પૉઇન્ટ નડ્યો છે. HDFC બૅન્ક પોણો ટકો ઘટતાં માર્કેટને ૭૯ પૉઇન્ટની હાનિ થઈ હતી. મારુતિ તથા પાવરગ્રીડ સવા ટકો, સિપ્લા દોઢ ટકા નજીક, અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૨ ટકા, ઍક્સિસ બૅન્ક એક ટકો, આઇટીસી, અદાણી પોર્ટ્સ તથા એસિયન પેઇન્ટ્સ પોણા ટકા આસપાસ માઇનસ થયા છે.

સુદર્શન કેમિકલ્સ યુરોપ ખાતે કોઈક મોટું ટેકઓવર કરવાની તૈયારીમાં હોવાની હવા ચાલતાં શૅર છ ગણા વૉલ્યુમે ૧૨૧૬ના બેસ્ટ લેવલે જઈ ૧૯ ટકાની તેજીમાં ૧૨૦૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. ઉષા માર્ટિન ૩૧ ગણા કામકાજે ૪૩૪ના શિખરે જઈ ૧૫ ટકાના ઉછાળે ૪૨૨ વટાવી ગયો છે. ન્યુલૅન્ડ લૅબ ૧૪,૫૦૦ની સર્વાચ્ચ સપાટી બાદ ૧૭૬૭ રૂપિયા કે ૧૪ ટકાના જમ્પમાં ૧૪,૨૬૮ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૯૯૯ ઉપર છે. મેઇડન બોનસ અને અથવા શૅર વિભાજન ગમે ત્યારે આવી શકે છે. 

તાતા ઍલેક્સી અને ઇરેડા પરિણામ પછી પ્રૉફિટ બુકિંગમાં

તાતા ગ્રુપની ૪૪ ટકા માલિકીની આઇટી કંપની તાતા ઍલેક્સીએ ૧૫ ટકાના વધારામાં ૨૨૯ કરોડ નેટ નફો બતાવી સારાં ત્રિમાસિક પરિણામ આપ્યાં છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૭૯૮૦ વટાવ્યા બાદ પ્રૉફિટ બુકિંગમાં એક ટકો ઘટી ૭૬૭૬ બંધ રહ્યો છે. દરમ્યાન સુદર્શન કેમિકલ્સ દ્વારા ૧૧૮૦ કરોડમાં હ્યુએશનો ગ્લોબલ પિગમેન્ટ બિઝનેસ હસ્તગત કરાયો હોવાના અહેવાલ છે. બંધન બૅન્કમાં પાર્થ પ્રતિમ સેનગુપ્તાની નવા મૅનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે વરણીને રિઝર્વ બૅન્કે લીલી ઝંડી આપી છે. શૅર ૧૩ ગણા કામકાજે સવાબાર ટકાની છલાંગ મારીને ૨૧૧ બંધ થયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગને ૧૧૩૨ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૬૩૪ થઈ પોણાબે ટકા વધી ૬૧૫ નજીક ગયો છે. મહારાષ્ટ્ર સરકારના ૩૩૨ કરોડના ઑર્ડરનો કૈફ જાળવી રાખતાં નાગપુરની સેન્સિસ ટેક ૯૮૩ની નવી ટૉપ બનાવી ૪ ટકાની આગેકૂચ સાથે ૯૩૭ થયો છે. ત્રણ દિવસ પહેલાં ભાવ ૭૧૫ હતો. ઇરેડાનો ત્રિમાસિક નફો ૩૬ ટકા વધી ૩૮૮ કરોડ થયો છે. શૅર પ્રારંભિક સુધારામાં ૨૪૦ થયા બાદ સવાબે ટકાની નબળાઈમાં ૨૨૮ રહ્યો છે.

૬૩ મૂન્સ આગલા દિવસની તેજીની ઇનિંગ આગળ ધપાવતાં ૪૫૪ થઈ પોણાત્રણ ટકા વધી ૪૩૮ વટાવી ગયો છે. કામકાજ બમણું હતું. જિયો ફાઇનૅન્સનાં પરિણામ ૧૮મીએ આવશે. શૅર અડધો ટકો ઘટીને ૩૪૧ હતો. લોટસ ચૉકલેટ્સ પરિણામ પછી સતત બીજી મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટી ૧૭૯૭ થયો છે. ક્વીકહીલ તેજીની આગેકૂચમાં ૮૨૬ના શિખરે જઈ સવાસાત ટકા ઊચકાઈ ૮૧૧ વટાવી ગયો છે. ભાવ ૪ દિવસ પહેલાં ૬૩૬નો હતો.

જેપી મૉર્ગને ભારતી ઍરટેલ અને વોડાફોનને અપગ્રેડ કર્યા

વિદેશી બ્રોકરેજ હાઉસ જેપી મૉર્ગનના મતે ભારતમાં ટેલિકૉમ ટૅરિફ એકાદ વર્ષમાં ૧૦-૧૫ ટકા વધી શકે છે. એણે ભારતી ઍરટેલમાં ૧૯૨૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ આપ્યો છે. વોડાફોનમાં ટાર્ગેટ પ્રાઇસ અપગ્રેડ કરીને ૧૦ કરી છે. જોકે શૅર ગઈ કાલે દોઢ ટકો ઘટી ૯.૧૮ બંધ થયો છે, જ્યારે ભારતી ઍરટેલ અડધો ટકો વધી ૧૬૮૭ હતો. તેજસ નેટ, રેલટેલ, આઇટીઆઇ અને સ્ટરલાઇટ ટેક્નૉ જેવા ટેલિકૉમ શૅર અડધાથી દોઢ ટકા રણક્યા હતા. તાતા ટેલિ બે ટકા કપાયો છે. ૪૦ હજાર કરોડની અણુ સબમરીન યોજનાને સરકારે મંજૂરી આપતાં આગલા દિવસે ૧૦ ટકા ઊછળેલો ઝેન ટેક્નૉલૉજીસ ગઈ કાલે બે ટકા ઘટી ૧૮૯૮ હતો. કોચીન શિપયાર્ડ સવાબે ટકા અને માઝગાવ ડૉક એક ટકો ઘટ્યા છે. ગાર્ડન રિચ ફ્લૅટ હતો. બે કરોડ ગ્રાહકોનો ડેટા લીક કરી એની રોકડી કરવાના ફ્રૉડમાં જેનું નામ સંડોવાયું છે એ આરઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થકૅર વધુ સાડાત્રણ ટકા બગડી ૫૪૮ થયો છે. આ શૅર વધુ ખરડાશે એમ લાગે છે.

બીએસઈ લિમિટેડ ૪૫૫૦ની નવી વિક્રમી સપાટી બનાવી સાડાછ ટકા કે ૨૩૦ની તેજીમાં ૪૪૯૬ દેખાયો છે. તો એમસીએક્સ બુલરન જારી રાખતાં ૬૪૧૦ હતો. વૈશાલી ફાર્મામાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ ૧૫ ઑક્ટોબર નજીક આવતાં ભાવ ૨૧૫ની ટોચે જઈ સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૨૧૩ થયો છે. રજનીશ રીટેલ પાંચના શૅરનું એકમાં વિભાજન અમલી બનતાં ૧૧.૫ ટકા તૂટી ૧૦.૩૭ હતો. પેનેસિયા બાયો તરફથી બે વર્ષમાં ડેન્ગીની વૅક્સિન બનાવવાની યોજના જાહેર થઈ છે. શૅર પોણાબે ટકા વધી ૩૧૦ રહ્યો છે. ફેસવૅલ્યુ એકની છે. અશોકા બિલ્ડકૉન બૃહન્મુંબઈ નગરપાલિકા તરફથી સાયન-પનવેલ હાઇવે ખાતે ૯૧૮ કરોડના ફ્લાયઓવર બનાવવા માટેના કૉન્ટ્રૅક્ટના ટેન્ડરમાં લોએસ્ટ બિડર હોવાનું બહાર આવતાં શૅર ત્રણ ટકા ઊચકાઈ ૨૫૨ નજીક ગયો છે. જેના પ્રમોટર્સની છાપ ખાસ્સી તોફાની છે એ ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ સતત ચોથા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટ મારીને ૭૭૮ બંધ આવ્યો છે. ૨૬ ઑક્ટોબરે ભાવ ૧૪૨ના તળિયે હતો. 

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2024 08:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK