Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયો તૂટીને તળિયે: ટ્રમ્પના શાસનમાં હજી કેટલો ગગડશે?

રૂપિયો તૂટીને તળિયે: ટ્રમ્પના શાસનમાં હજી કેટલો ગગડશે?

Published : 23 December, 2024 08:22 AM | Modified : 23 December, 2024 08:35 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ક્રૂડ તેલ, ખાદ્ય તેલો, કઠોળ, સોના-ચાંદી સહિતની આયાત મોંઘી થતાં મોંઘવારી આસમાને પહોંચવાનો ડર : ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ અભિયાન અને ટ્રેડ-વૉરથી રૂપિયા પર દબાણ વધતું રહેવાની ધારણા

ડોનલ્ડ ટ્રમ્પ

કૉમોડિટી વૉચ

ડોનલ્ડ ટ્રમ્પ


ભારતીય રૂપિયો ડૉલર સામે તૂટીને તળિયે પહોંચી ગયો છે. અમેરિકાના પ્રેસિડન્ટ પદે ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ ડૉલરની મજબૂતી એકધારી વધી રહી હોવાથી રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગયા સપ્તાહને અંતે રૂપિયાનું મૂલ્ય ડૉલર સામે ૮૫.૦૮ હતું જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. ભારતીય ચીજોની નિકાસ કરતાં આયાત અનેકગણી થઈ રહી હોવાથી રૂપિયાની મંદીથી ભારતમાં આયાત થતી ચીજો માટે વધુ નાણાં ખર્ચવા પડી રહ્યાં છે જેને કારણે ભારતમાં આયાત થતું ક્રૂડ તેલ, ખાદ્ય તેલો, કઠોળ, સોના-ચાંદી વગેરે વધુને વધુ મોંઘાં બની રહ્યાં છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની ક્રૂડ તેલની ડિપેન્ડન્સી વધીને ૮૮ ટકાએ પહોંચી હતી. એ જ રીતે ખાદ્ય તેલોની આયાત ડિપેન્ડન્સી ૬૫થી ૭૦ ટકા આસપાસ, કઠોળની આયાત ડિપેન્ડન્સી ૨૫થી ૩૦ ટકાએ પહોંચી હતી. ભારતીય પબ્લિક સોના-ચાંદી માટે દીવાની હોવાથી દર વર્ષે ભારતમાં ઢગલાબંધ સોના-ચાંદીની આયાત થઈ રહી છે. આમ, આયાત ડિપેન્ડન્સી આસમાની ઊંચાઈએ હોવાથી રૂપિયાની નબળાઈથી દર વર્ષે વધુને વધુ કીમતી વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ રહ્યું છે જે ભારતીય અર્થતંત્રના પાયા હચમચાવી રહ્યું છે. રૂપિયાની નબળાઈથી વધી રહેલી મોંઘવારી અને કીમતી વિદેશી હૂંડિયામણના વધતા ખર્ચથી અનેક એજન્સીઓએ ભારતીય ગ્રોથ-રેટના અંદાજમાં ખાસ્સો એવો ઘટાડો કર્યો છે. ડોનલ્ડ ટ્રમ્પે હજી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં નથી ત્યારે રૂપિયો ગગડી રહ્યો છે તો ૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળશે અને ચાર વર્ષ સુધી અમેરિકાની રાજગાદીએ બિરાજશે એ સમયગાળા દરમ્યાન ભારતીય રૂપિયાની શું હાલત થશે? એનો વિચાર જ ધ્રુજાવનારો છે.


રૂપિયાની નબળાઈની અર્થતંત્ર પર અસર



ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ-રેટ જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન ઘટીને ૫.૪ ટકાએ પહોંચ્યો હતો જે છેલ્લા સાત ક્વૉર્ટરનો સૌથી નીચો ગ્રોથ-રેટ હતો અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના સાત ટકાના પ્રોજેક્શન કરતાં ગ્રોથ-રેટ ઘણો નીચો રહ્યો હતો. રૂપિયાની સતત વધતી નબળાઈને કારણે જીવનજરૂરી ચીજો મોંઘી થતાં કન્ઝ્યુમર ડિમાન્ડ સતત ઘટી રહી છે. વળી આયાત મોંઘી થતાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટી રહ્યું છે. ગ્રોથ-રેટ ઘટીને સાત ક્વૉર્ટરના તળિયે પહોંચતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને આગામી નાણાકીય વર્ષના ગ્રોથ-રેટનું પ્રોજેક્શન સાત ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કરવાની ફરજ પડી હતી. નવેમ્બરમાં ભારતીય ચીજોની નિકાસ ૪.૮ ટકા ઘટીને પચીસ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી એની સામે વિદેશી ચીજોની આયાત ૨૭ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૩૭.૮ અબજ ડૉલરે પહોંચી હતી. ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ચાલુ નાણાકીય વર્ષના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઑલરેડી એક ટકો વધીને ૯.૮ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉના ક્વૉર્ટરમાં ૮.૯ અબજ ડૉલર હતી પણ અગાઉના ક્વૉર્ટરમાં ૪.૬ અબજ ડૉલરની સરપ્લસ હતી. આમ, કરન્ટ અકાઉન્ટની સરપ્લસ ઑલરેડી ડેફિસિટમાં ફેરવાઈ ચૂકી છે ત્યારે હજી રૂપિયાની નબળાઈની અસર જોવી બાકી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરની ડેફિસિટમાં મોટો વધારો થવાનો અંદાજ છે.


રૂપિયાનું ભાવિ ટ્રમ્પના શાસનમાં કેવું રહેશે?

ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ અભિયાન અને અમેરિકામાં નિકાસ કરતા મુખ્ય દેશોની ચીજો પર ટૅરિફ વધારવાના પ્લાનની અસરે ડૉલરની મજબૂતી દિન-પ્રતિદિન વધી રહી છે અને હજી વધશે એવું પ્રોજેક્શન વર્લ્ડના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટોનું છે. ડૉલરની મજબૂતીને કારણે ભારતના ટૉપ લેવલના કરન્સી ઍનલિસ્ટોના મતે રૂપિયો હાલ ઘટીને ૮૫.૦૮ છે જે વધુ ઘટીને જાન્યુઆરીમાં ૮૭.૨૧, ફેબ્રુઆરીમાં ૮૭.૨૮, માર્ચમાં ૮૭.૫૯, એપ્રિલમાં ૮૭.૪૭, મે મહિનામાં ૮૭.૬૫, જૂન મહિનામાં ૮૮.૦૧, જુલાઈ મહિનામાં ૮૭.૯૩, સપ્ટેમ્બરમાં ૮૮.૦૨, ઑક્ટોબરમાં ૮૮.૪૯, નવેમ્બરમાં ૮૮.૨૯ અને ડિસેમ્બરમાં ૮૮.૧૭ના લેવલે પહોંચવાની આગાહી કરાઈ છે. કરન્સી સ્ટ્રૅટેજીસ્ટના મતે રૂપિયો ૨૦૨૫માં ઘટીને ૯૦ના લેવલે અને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ના લેવલે પહોંચશે. ડોનલ્ડ ટ્રમ્પની જીતના રિઝલ્ટ પહેલાં અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૧૦૩.૪૨ પૉઇન્ટ હતો જે ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ અત્યાર સુધીમાં વધીને ૧૦૮.૫૪ પૉઇન્ટે પહોંચ્યો છે જે છેલ્લાં બે વર્ષની ઊંચી સપાટી છે. આમ, ટ્રમ્પની જીત બાદ ડૉલર ઇન્ડેક્સ માત્ર દોઢ મહિનામાં ૪.૯૫ ટકા વધી ગયો છે. ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ એકસાથે અનેક જાહેરાતો કરશે એ નક્કી હોવાથી એની અસરે ડૉલર ઇન્ડેક્સ હજી ઘણો મજબૂત બનશે જેની અસરે રૂપિયો સતત ગગડતો રહેશે, કારણ કે આયાત સતત વધી રહી હોવાથી કીમતી વિદેશી હૂંડિયામણ વધુને વધુ વપરાઈ રહ્યું છે. અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ફેડે ટ્રમ્પની જીત પહેલાં ૨૦૨૫માં ચાર વખત રેટ-કટ લાવવાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું જે ટ્રમ્પની જીત બાદ હવે ઘટાડીને બે વખત રેટ-કટ લાવવાનું પ્રોજેક્શન મૂક્યું છે. ફેડની રેટ-કટ ઘટાડવાની જાહેરાતને પગલે ડૉલર ઇન્ડેક્સ ઊછળ્યો હતો. અમેરિકાના ઇકૉનૉમિસ્ટોના મતે ટ્રમ્પની ટ્રેડ પૉલિસીથી ઇન્ફ્લેશન આસમાની ઊંચાઈએ પહોંચતાં ફેડ ૨૦૨૫માં કદાચ એક પણ રેટ-કટ નહીં લાવી શકે. જો આવું બનશે તો ડૉલરની મજબૂતી ધારણા કરતાં અનેકગણી વધશે.


રૂપિયાના ઘટાડાને રોકવા માટે કોઈ પગલાં બચ્યાં છે ખરાં?

રૂપિયાને ઘટતો અટકાવવા માટે સરકારે ક્રાન્તિકારી પગલાં લેવા પડશે, પણ આ પગલાં લેવાની જગ્યા કેટલી? રૂપિયાને ઘટતો અટકાવવા માટે સરકારે નિકાસ વધારવા અનેક પ્રકારનાં પ્રોત્સાહનો આપવા જોઈએ અને વધતી આયાતને રોકવા નિયંત્રણો લાદવાં જોઈએ પણ આવાં પગલાં લેવાથી ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટી શકે છે. સરકારે વિદેશી સેન્ટ્રલ બૅન્કોને અનેક છૂટ આપવી જોઈએ, ગવર્નમેન્ટ બોન્ડમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પગલાં લેવાં જોઈએ. ઉપરાંત ફૉરેન ઇન્વેસ્ટમેન્ટની લિમિટમાં વધારો કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ વધારવા અનેક પ્રકારનાં પ્રોત્સાહનો આપવાં જોઈએ. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ફૉરેન કરન્સી રિઝર્વને વેચીને રૂપિયાને વધુ ઘટતો અટકાવવો જોઈએ. આ તમામ પગલાં થીયોરિકલી આદર્શ લાગે છે, પણ પ્રૅક્ટિકલી પગલાં લેવા લગભગ અશક્ય હોવાથી રૂપિયાને વધુ ઘટતો અટકાવવો હાલ મુશ્કેલ લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2024 08:35 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK