Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ફુગાવો વધવાના એંધાણથી રિસ્ક ઑન રૅલી ઓસરી : ડૉલરમાં શાનદાર રિકવરી

ફુગાવો વધવાના એંધાણથી રિસ્ક ઑન રૅલી ઓસરી : ડૉલરમાં શાનદાર રિકવરી

Published : 13 February, 2023 04:48 PM | Modified : 13 February, 2023 05:02 PM | IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

બલૂનગેટ-નૉર્ડ સ્ટ્રીમ સેબટાઝ મામલે અમેરિકા-ચીન-રશિયા વચ્ચે વધતો તનાવ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

કરન્સી કૉર્નર

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


તાજેતરમાં સૉલિડ જૉબ ડેટા અને વપરાશી ફુગાવામાં પણ ઘટાડાને બદલે વધારાતરફી સંકેત જોવા મળતાં ડૉલર શાનદાર બાઉન્સબૅક જોવા મળ્યો છે. મંગળવારે જાહેર થનારા ફુગાવાના આંકડા જો મોંઘવારી વધારો સૂચવશે તો વ્યાજદર વધારાની પીક નજીકમાં હોવાની આશા ઠગારી નીવડશે. તાજેતરની ફેડ મીટિંગમાં વ્યાજદરમાં પા ટકા જેવો નાનો વધારો થયો હતો. ફુગાવો ઘટવાના સંકેતથી એમ લાગ્યું હતું કે જૂનમાં ૫-૫.૨૫ ટકા વચ્ચે વ્યાજદરની પીક બની જશે. સપ્ટેમ્બર કે મોડામાં મોડા ડિસેમ્બરમાં પહેલો રેટ કટ આવી જશે. પાછલા બે વીકના અમેરિકી મેક્રો ડેટા જોયા પછી લાગે છે કે ફુગાવો ફેડના કહ્યામાં નથી. ફેડ માટે લડાઈ લાંબી છે. માર્ચ અને મે મીટિંગમાં બે વ્યાજદર વધારા આવશે. ઑપ્શન ટ્રેડર્સ પહેલાં ૫-૫.૨૫ને રેટ પીક માનતા હતા, હવે ૫.૫૦-૫.૭૫ આસપાસ પીકની બેટ ચાલે છે. અમુક વર્ગ ૬ ટકા સુધીની રેટ પીક જુએ છે.


સ્થાનિક બજારોમાં રિઝર્વ બૅન્કે પા ટકાના છઠ્ઠા વ્યાજદર વધારા સાથે હોકીશ કમેન્ટ કરતાં બૉન્ડ યીલ્ડ ઊછળ્યાં હતાં. રૂપિયો ૮૨.૬૦ આસપાસ મામૂલી નરમ હતો. રિઝર્વ બૅન્ક ૮૨.૮૦-૮૩ના લેવલે ડૉલર વેચતી લાગે છે. અમેરિકામાં ફુગાવો વધવા લાગતાં એપ્રિલમાં પણ પા ટકા વ્યાજદર વધારો આવશે. એશિયામાં અલ નીનો આવે અને ચોમાસા વિશે પ્રતિકૂળતા થાય તો ભારતમાં પણ મોંઘવારી વિકટ સમસ્યા બની શકે.  



દરમ્યાન વૈશ્વિક જિયોપૉલિટિકલ રિસ્ક વધ્યાં છે. અમેરિકામાં મોન્ટાના રાજ્ય પર ઝળૂંબતા  ચીની બલૂનને તોડી પડાયા પછી અલાસ્કામાં અને કૅનેડામાં યુઆનમાં અજાણ્યો અવકાશી પદાર્થ દેખાતાં અ બેઉ પદાર્થોને પણ તોડી પડાયા છે. શંકાની સોય સ્વાભાવિક જ ચીન તરફ તકાઈ છે. જપાને પણ એમ કહ્યું છે કે એની દરિયાઈ સીમાની અંદર ચીનના એક લશ્કરી જહાજે ઘૂસણખોરી કરી છે. ચીન-અમેરિકા વચ્ચે તો તનાવ છે, હવે રશિયા-અમેરિકા વચ્ચે તનાવનું નવું કારણ ભળ્યું છે. ગયા વર્ષે રશિયા-યુરોપ વચ્ચેની નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન ભંગાણમાં સીઆઇએનો હાથ હતો એવો ઘટસ્ફોટ સ્કૂપ સ્ટોરીઓ મટે જાણીતા પત્રકાર સૈમુર હર્ષે કર્યો છે. 


મુખ્ય કરન્સીમાં ડૉલર ૧૦૦.૫૦થી ઊછળી ૧૦૩.૫૦ થયો છે. હવે ટેક્નિકલ રિકવરીમાં ૧૦૧.૮૦-૧૦૫.૮૦ની રેન્જ લાગે છે. જો ૧૦૫.૩૦ ઉપર ટકે તો સુધારો આગળ વધી શકે.  ડૉલર રિબાઉન્ડને કારણે યુરો, પાઉન્ડ, યેન અને ઇમર્જિંગ કરન્સી ફરી નબળી પડી છે. બૉન્ડબજારમાં પણ શાનદાર તેજી આવી હતી એ ઓસરતી જાય છે. 

યુરો ઝોનની વાત કરીએ તો યુકે અને યુરોપમાં ફુગાવો હજી મચક આપતો નથી. કૅનેડામાં પણ સૉલિડ જૉબ ડેટા પછી રેટ હાઇક આવશે એ નક્કી છે. ફુગાવો ખરેખર સ્ટિકી દેખાય છે. યુક્રેન વૉરને લગભગ એક વર્ષ થવા આવ્યું છે અને યુક્રેનને સીધી હવે સંરક્ષણ સહાયમાં નાટોનું ઇન્વૉલ્વમેન્ટ વધતું જાય છે. યુરોમાં નોંધપાત્ર કરેક્શન આવ્યું છે. યુરો ૧.૧૦૫૦થી ઘટીને ૧.૦૬૭૦ થયો છે. પાઉન્ડ પણ ૧.૨૩થી ઘટીને ૧.૨૦૫૦ થયો છે. 


જપાનમાં નવા ગવર્નર ઉડાની નિયુક્તિથી કરન્સી ડીલરો અલર્ટ મોડમાં છે. ઉડાને જપાનના બેન બર્નાન્કે કહે છે. જપાનનું દેવું ૧૦૦૦ ટ્રિલ્યન વટાવી ગયું છે. નાણાનીતિમાં કેવા ફેરફાર આવે એની અટકળો ચાલે છે. બૅન્ક ઑફ જપાનની તોતિંગ બૅલૅન્સશીટ, સુપર લૂઝ મૉનિટરી પૉલિસીમાંથી કઈ રીતે એક્ઝિટ લેવી એ નવા ગવર્નર માટે મોટો પડકાર છે. જપાનનો ડેબ્ટ ટાઇમબૉમ્બ ક્યારેક તો ફૂટશે જ અને એ વખતે મોટું તોફાન આવશે. ઇમર્જિંગ એશિયામાં ઇન્ડોનેશિયામાં હાઉસિંગ બબલ અને મિડલ ઈસ્ટમાં પણ હાઉસિંગ બબલ ડેવલપ થતા દેખાય છે.
ચીન રીઓપન તો થયું છે, પણ ઇકૉનૉ‌મિક રિકવરી અનઈવન દેખાય છે. લિક્વિડિટીની છત છે. સરકાર ઇસ્કલ સ્ટિમ્યુલસના મૂડમાં છે. વ્યાજદર પણ ઘણા નીચા છે એ જોતાં ૨૦૨૩માં સેકન્ડ હાફમાં ચીનમાં ફુગાવો વધી શકે. જપાનમાં પણ ફુગાવો વિકટ સમસ્યા બની ગયો છે.

કરન્સી બજારોમાં  શૉર્ટ ટર્મ રેન્જ જોઈએ તો ડૉલર રૂપી ૮૧.૫૦-૮૩.૩૦, યુરો રૂપી ૮૫.૫૦-૮૮.૮૦, પાઉન્ડ રૂપી ૯૭-૧૦૦, યુરો ડૉલર ૧.૦૫-૧.૦૯, પાઉન્ડ ડૉલર ૧.૧૮-૧.૨૨, યેન ૧૨૮-૧૩૪, બીટકૉઇન ૧૯૮૦૦-૨૨૮૦૦, ડોલેક્સ ૧૦૧.૭૦-૧૦૫.૭૦ની રેન્જ દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2023 05:02 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK