રિપલના પ્રવક્તાએ કહ્યું છે કે કમિશનનો નિર્ણય એમાં થનારા મતદાનના આધારે મળનારી મંજૂરી પર નિર્ભર છે. આ મતદાન અને મંજૂરી માટે હજી ઘણો વધુ સમય લાગી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
રિપલ લૅબ્સના સીઈઓ બ્રૅન્ડ ગાર્લિંગ હાઉસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની વિડિયો પોસ્ટમાં જાહેર કર્યું છે કે અમેરિકાની સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC) છેલ્લાં ચાર વર્ષથી રિપલ લૅબ્સ વિરુદ્ધનો પોતાનો કેસ પાછો ખેંચી લેવાની છે. આ જાહેરાતને પગલે રિપલની ક્રિપ્ટોકરન્સી - એક્સઆરપીના ભાવમાં ૧૨.૪૩ ટકાની વૃદ્ધિ થઈને ભાવ ૨.૫૩ ડૉલર પર પહોંચ્યો છે. જોકે આ કમિશને કેસ પડતો મુકાવા વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. આ બાબતે રિપલના પ્રવક્તાએ કહ્યું છે કે કમિશનનો નિર્ણય એમાં થનારા મતદાનના આધારે મળનારી મંજૂરી પર નિર્ભર છે. આ મતદાન અને મંજૂરી માટે હજી ઘણો વધુ સમય લાગી શકે છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે કૅપિટલાઇઝેશનમાં ૩.૮૯ ટકા વૃદ્ધિ થતાં આંકડો ૨.૭૮ ટ્રિલ્યન ડૉલર થયો હતો. બિટકૉઇનમાં ૨૪ કલાકના ગાળામાં ૩.૫૪ ટકા વૃદ્ધિ થઈને ભાવ ૮૪,૪૪૭ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૮ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૨૦૩૮ ડૉલર પર પહોંચ્યો હતો. વધેલા અન્ય કૉઇનમાં ૭.૫૫ ટકા સાથે સોલાના, ૬.૭૩ ટકા સાથે કાર્ડાનો, ૫.૨૧ ટકા સાથે ડોઝકૉઇન અને ૩.૫૪ ટકા સાથે ટ્રોન મુખ્ય હતા.

