પૅસેન્જર વેહિકલનું વેચાણ ૨૨ ટકા અને ટૂ-વ્હીલરનું ૧૦ ટકા વધ્યું
ઑટોમોબાઇલ સેક્ટરનું રીટેલ વેચાણ જાન્યુઆરીમાં ૧૪ ટકા વધ્યું
પૅસેન્જર વાહનો, ટૂ-વ્હીલર્સ અને ટ્રૅક્ટરમાં મજબૂત નોંધણીને પગલે ભારતમાં ઑટોમોબાઇલ રીટેલ વેચાણ જાન્યુઆરીમાં ૧૪ ટકા વધ્યું હતું, એમ ડીલર્સની સંસ્થા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા)એ જણાવ્યું હતું.
દેશમાં જાન્યુઆરી મહિનામાં ૧૮,૨૬,૬૬૯ યુનિટનું કુલ વેચાણ થયું હતું, જે ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી ૨૦૨૨માં ૧૬,૦૮,૫૦૫ યુનિટનું થયું હતું. ગયા મહિને પૅસેન્જર વેહિકલ રજિસ્ટ્રેશન વધીને ૩,૪૦,૨૨૦ યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના ગાળામાં ૨,૭૯,૦૫૦ યુનિટ્સની સરખામણીએ ૨૨ ટકા વધુ છે. એ જ રીતે ટૂ-વ્હીલરનું રીટેલ ગયા મહિને વધીને ૧૨,૬૫,૦૬૯ યુનિટ થયું હતું, જે જાન્યુઆરી ૨૦૨૨માં ૧૧,૪૯,૩૫૧ યુનિટ હતું, જે ૧૦ ટકાનો વધારો દર્શાવે છે. થ્રી-વ્હીલરનું છૂટક વેચાણ વધીને ૬૫,૭૯૬ યુનિટ થયું હતું, જે ગયા વર્ષના જાન્યુઆરીમાં ૪૧,૪૮૭ યુનિટની સરખામણીએ ૫૯ ટકા વધીને ૬૫,૭૯૬ યુનિટ થયું હતું. જાન્યુઆરીમાં વાણિજ્યિક વાહનોનું રજિસ્ટ્રેશન ૮૨,૪૨૮ યુનિટ હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૭૦.૫૮૩ યુનિટની તુલનાએ ૧૬ ટકા વધારે છે. એ જ રીતે ટ્રૅક્ટરનું વેચાણ ગયા મહિને આઠ ટકા વધીને ૭૩,૧૫૬ યુનિટ થયું હતું, જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ૬૭,૭૬૪ યુનિટ હતું. ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કુલ છૂટક વેચાણ એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં વધ્યું હતું, પરંતુ જાન્યુઆરી ૨૦૨૦ના પ્રી-કોવિડ મહિનાની સરખામણીમાં હજુ પણ આઠ ટકા ઓછું રહ્યું છે.