આ ઉપરાંત બૅન્ક ઑફ બાહરિન અને કુવૈત બીએસસીને પણ ૨.૬૬ કરોડનો દંડ કરાયો
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કે કહ્યું કે એણે સાઇબર સુરક્ષા માળખા પરના નિર્દેશોનું પાલન ન કરવા બદલ બૅન્ક ઑફ બાહરિન અને કુવૈત બીએસસી, ભારતની કામગીરી પર ૨.૬૬ કરોડનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત મધ્યસ્થ બૅન્કે વિવિધ ધારાધોરણોના ઉલ્લંઘન બદલ ગુજરાતની ૧૭ સહિત ૨૦ કો-ઑપરેટિવ બૅન્કો પર ૫૦,૦૦૦થી લઈને ૭ લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાદ્યો છે.
એક નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે બૅન્ક ઑફ બાહરિન અને કુવૈત બીએસસી ભારતના ઑપરેશન્સ એના ડેટાબેઝમાં અસામાન્ય અને અનધિકૃત, આંતરિક અથવા બાહ્ય પ્રવૃત્તિઓ શોધવા માટે સિસ્ટમ્સ લાગુ કરવામાં નિષ્ફળ ગયાં છે, જેને પગલે દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
ગુજરાતની ૧૭ કો-ઑપરેટિવ બૅન્કો ઉપરાંત, બસિન કૅથલિક કો-ઑપરેટિવ બૅન્ક, વસઈ (મહારાષ્ટ્ર) પર ૫૦ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે; દિલ્હી સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક, નવી દિલ્હી પર ૩૦.૮૫ લાખ રૂપિયા અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક, વિજયવાડા પર ૨૬.૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.