Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અર્થતંત્ર વધુ ડૅમેજ ન થાય એ માટે રિઝર્વ બૅન્કનો વ્યાજના દર ધીમા વધારવાનો નિર્ણય

અર્થતંત્ર વધુ ડૅમેજ ન થાય એ માટે રિઝર્વ બૅન્કનો વ્યાજના દર ધીમા વધારવાનો નિર્ણય

Published : 12 December, 2022 04:46 PM | IST | Mumbai
Jitendra Sanghvi

આર્થિક અને રાજકીય ક્ષેત્રની આ બન્ને ઘટનાઓની દૂરગામી અસર ભારતના અર્થતંત્ર તેમ જ રાજકારણ પર પડે જ.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગયા અઠવાડિયે વર્તમાનપત્રો તથા પ્રસારણનાં અન્ય માધ્યમો મૉનિટરી પૉલિસીની જાહેરાત, ગુજરાત તથા હિમાચલ પ્રદેશની વિધાનસભાઓનાં અને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓનાં પરિણામોથી છવાયેલાં રહ્યાં. આર્થિક અને રાજકીય ક્ષેત્રની આ બન્ને ઘટનાઓની દૂરગામી અસર ભારતના અર્થતંત્ર તેમ જ રાજકારણ પર પડે જ.


રિઝર્વ બૅન્કે સળંગ પાંચમી વાર વ્યાજના દર વધાર્યા છે, પણ આ વધારો અગાઉના ચાર વધારા કરતાં ઓછો છે. આ સાથે રેપો રેટ (૬.૨૫ ટકા) છેલ્લાં ચાર વરસની (ઑગસ્ટ ૨૦૧૮ પછીની) સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.



આ વધારો ધીમો પડવાનાં કારણોમાં ઑક્ટોબરમાં ભાવવધારાનો નીચો દર, નવેમ્બરમાં આ દર હજી નીચો રહેવાની સંભાવના, ફેડ દ્વારા આ અઠવાડિયાની મીટિંગમાં વ્યાજના દરનો વધારો ધીમો પડવાના સંકેત તથા આપણા આર્થિક વિકાસનો દર ધીમો પડી રહ્યો હોવાનાં સિગ્નલ મુખ્ય ગણાય.


જે ઍન્ટિ-ઇન્કમ્બન્સી (સત્તા પર હોય એને હરાવીને વિરોધ પક્ષ/પક્ષોને જિતાડવા) ફૅક્ટરને કારણે હિમાચલ પ્રદેશમાં બીજેપીએ સત્તા ગુમાવી એ ઍન્ટિ-ઇન્કમ્બન્સી ફૅક્ટરની ઐસી તૈસી કરીને ગુજરાતમાં બીજેપીએ સતત સાતમી વાર (૧૯૯૫થી) સત્તા હાંસલ કરી છે.

બીજેપીની ગુજરાતની આ જીત અનેક કારણસર ઐતિહાસિક બની રહેશે. ગુજરાતનાં ૬૨ વરસના ઇતિહાસમાં વિધાનસભાની અગાઉની બધી ચૂંટણીઓ કરતાં સૌથી વધુ બેઠકો (૧૮૨માંથી ૧૫૬) મેળવીને બીજેપીએ અગાઉનો કૉન્ગ્રેસનો રેકૉર્ડ (૧૯૮૫માં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો) તોડ્યો છે.


ગુજરાતની જનતાએ ભાવવધારો, બેરોજગારી જેવા આર્થિક મુદ્દાઓને ગૌણ કરીને વિકાસના મુદ્દાને લક્ષમાં રાખીને બીજેપીને ખોબલે-ખોબલે મત આપ્યા છે અને કૉન્ગ્રેસનાં સૂંપડાં સાફ કરી નાખ્યાં છે. કેજરીવાલના ‘આપ’ને પણ ભાવ આપ્યો નથી. આપે ગુજરાતમાં પગપેસારો કર્યો એટલું જ. જોકે આ સાથે તેણે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો હાંસલ કર્યો છે. ૨૦૨૪માં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આમેય બીજેપીની સ્પષ્ટ બહુમતીએ જીત નિશ્ચિત મનાતી હતી એના પર આ ચૂંટણીએ મંજૂરીની મહોર મારી છે.

દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આપે બીજેપી પાસેથી સત્તા આંચકી લીધી છે તો હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસે બીજેપી પાસેથી. હિમાચલ પ્રદેશમાં ૧૯૮૫થી ઍન્ટિ-ઇન્કમ્બન્સી ફૅક્ટર જોરદાર રીતે કામ કરે છે. દરેક ચૂંટણીમાં સત્તાધારી પક્ષને જાકારો અને વિરોધ પક્ષને આવકાર. એ પ્રણાલી આ ચૂંટણીઓમાં પણ જળવાઈ રહી છે.

આમ યોગાનુયોગ કહો કે જે કહો એ, મતદાતાઓ દ્વારા ગુજરાતમાં બીજેપી, હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ અને દિલ્હી કૉર્પોરેશનમાં આપની પસંદગી કરાઈ છે.

વૈશ્વિક વેપાર (વૉલ્યુમ)નો દર ૨૦૨૨માં (૩.૫ ટકા) ધીમો પડશે. ૨૦૨૩માં આ ઘટાડો આગળ વધશે (એક ટકો). પરિણામે વિશ્વના આર્થિક વિકાસનો દર ધીમો પડશે (૩.૨ ટકામાંથી ૨.૭ ટકા). વિશ્વ આર્થિક, નાણાકીય અને દેવાની કટોકટીમાં સપડાયેલું છે. સર્વવ્યાપી ભાવવધારાને કન્ટ્રોલ કરવા કરાતા વ્યાજના દરના વધારાથી દેવાની સર્વિસિંગ કૉસ્ટ (દેવા પર ચૂકવાતું વ્યાજ) વધી રહી છે. વિશ્વના દેશો અનેક બાબતે એકબીજા પર આધારિત હોવાથી ભારત વૈશ્વિક આર્થિક કટોકટીની અસરમાંથી લાંબો સમય મુક્ત રહી શકે નહીં.

પ્રજાના સખત વિરોધને કારણે અને આર્થિક સ્લોડાઉનને કારણે ઝીરો કોવિડ પૉલિસી અનુસરનાર ચીને મહામારી પરના અંકુશો (ડોમેસ્ટિક ટ્રાવેલ પરના પ્રતિબંધો, મહામારીનાં ચિહ્નો ન હોય એવા દરદીઓને ઘરમાં જ ક્વૉરન્ટીન/આઇસોલેશનની છૂટ) ઓછા/હળવા કર્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કુદરતી ગૅસના ભાવ આસમાન પર છે તો પણ યુરો ઝોન (૧૯ દેશો)માં આર્થિક વિકાસનો દર ઘટવાની શરૂઆત હજી થઈ નથી. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં નજીવો (૦.૩ ટકા) પણ વધારો થયો છે. અંદાજ એવો છે કે ડિસેમ્બર ક્વૉર્ટર અને ૨૦૨૩થી આર્થિક વિકાસનો દર ઘટવાની શરૂઆત થશે.

બે મહિના (સપ્ટેમ્બર અને ઑક્ટોબર)ના આઉટફ્લો પછી ભારતમાં નવેમ્બર મહિને વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો ઇન્ફ્લો શરૂ થયો. ચાલુ મહિને ફરી પાછો આ આઉટફ્લો શરૂ થયો છે (ડિસેમ્બર નવ સુધીમાં ૪૫૦૦ કરોડ રૂપિયા). આ આઉટફ્લોનાં મુખ્ય કારણોમાં આપણા બજારનું ઊંચું વૅલ્યુએશન, વર્ષાન્તે કરાતું પ્રૉફિટ-બુકિંગ તેમ જ ચીનમાં મહામારી પરના હળવા કરાયેલ અકુશો હોઈ શકે. રિઝર્વ બૅન્ક બજારમાંથી ડૉલર ખરીદી રહી છે. પરિણામે વિદેશી હૂંડિયામણ  નવેમ્બર મહિને (ડિસેમ્બર બેના રોજ પૂરા થતાં ચાર અઠવાડિયાંથી) સળંગ વધતું રહીને ૫૬૧ બિલ્યન ડૉલરે પહોંચ્યું છે. ભારત પાસે આમ નવ મહિનાની આયાતનું કવર છે.

આપણા સેવાના ક્ષેત્રના પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)માં નવેમ્બર મહિને સળંગ ત્રીજા મહિનાના વધારા (૫૬.૪) સાથે છેલ્લા ૧૬ મહિનાથી આ ઇન્ડેક્સ ૫૦ની ઉપર રહ્યો છે, જે સેવાના ક્ષેત્રનું વિસ્તરણ દર્શાવે છે. નવેમ્બર મહિને ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ (૫૫.૭) વિશ્વનો સૌથી ઊંચો છે.

છેલ્લા છ મહિનામાં રેપો રેટ વધારીને ૬.૨૫ ટકા કરાયો 

ગયે અઠવાડિયે રિઝર્વ બૅન્કે રેપો રેટમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. આ રેટ સળંગ પાંચમી વાર વધારાયો છે, પણ આ વધારો અગાઉના વધારા (એક વાર ૪૦ બેસિસ પૉઇન્ટ અને ત્રણ વાર ૫૦ બેસિસ પૉઇન્ટ) કરતાં ઓછો છે.

ભાવવધારો એની ટોચ પર પહોંચ્યા પછી ઑક્ટોબર મહિને (૬.૮ ટકા) ઓછો થયો છે. આ અઠવાડિયે નવેમ્બર મહિનાના ભાવવધારાના આંકડા પ્રસિદ્ધ કરાશે ત્યારે આ દર હજી ઘટીને ૬.૪  ટકા રહેવાની શક્યતા છે. તો પણ રિઝર્વ બૅન્કના મતે ભાવવધારા સામેની લડાઈનો હજી અંત આવ્યો નથી. પૉલિસીની જાહેરાતના પ્રત્યાઘાત રૂપે બૉન્ડ પરના યીલ્ડમાં વધારો થયો છે જે હવે પછી વ્યાજના દરના વધારા પર બ્રેક લાગશે, એવી બજારની અપેક્ષાનો સંકેત આપે છે.

ઊંચા કોર (ફૂડ અને ફ્યુઅલ સિવાયના) ઇન્ફ્લેશન, ખાદ્ય પદાર્થો પર વૈશ્વિક પરિબળોની તેમ જ કમોસમી વરસાદની અસરના જોખમ પર ડૉ. દાસે ભાર મૂક્યો છે. દરમ્યાન અત્યાર સુધી છેલ્લા છ મહિનામાં કરાયેલ ૨૨૫ બેસિસ પૉઇન્ટના વધારાની અર્થતંત્ર (આર્થિક વિકાસના દર, ખાનગી વપરાશ ખર્ચ, બૅન્ક ધિરાણ, ભાવવધારા, રૂપિયાની બાહ્ય કિંમત, આયાતના બિલ, વેપારખાધ અને ચાલુ ખાતાની ખાધ તેમ જ મૂડીના આઉટફ્લો) પર શું અસર થાય છે એ માહિતીને આધારે ભવિષ્યનાં પગલાં (પૉલિસી ઍક્શન)નો આધાર રહેશે.

ભાવવધારો હળવો થવાની શરૂઆત થઈ છે તો પણ એ હજી રિઝર્વ બૅન્કની ફ્લેક્સિબલ ટૉલરન્સ લિમિટ (૨થી ૬ ટકા)થી ઉપર છે. બીજી તરફ વિશ્વના નબળા થઈ રહેલ અર્થતંત્રની સરખામણીએ ભારતના અર્થતંત્રમાં મહામારીના પ્રકોપમાંથી ઝડપી સુધારો જોવા મળ્યો છે, એ આપણા અર્થતંત્રની મજબૂતાઈનો નિર્દેશ કરે છે. તો પણ વિશ્વનું અર્થતંત્ર વધુ ખરાબ થાય તો ભારતને એના છાંટા ઊડ્યા સિવાય રહે નહીં. 

એ સંદર્ભમાં પણ વ્યાજના દર હવે વધાર્યે જવામાં અર્થતંત્રને નુકસાન વેઠવાનો વારો આવી શકે.

ફિસ્કલ ૨૪ની શરૂઆતમાં વ્યાજના દર ઘટી શકે, અંત ભાગમાં વધી શકે

બૅન્કો અને રેટિંગ એજન્સીઓના એક સર્વે પ્રમાણે રિઝર્વ બૅન્કે વ્યાજના દર માટેનો એનો અભિગમ જાળવી રાખ્યો છે, તટસ્થ (ન્યુટ્રલ) કર્યો નથી એટલે હવે પછીની પૉલિસીની જાહેરાત (ફેબ્રુઆરી ૨૦૨૩)માં વ્યાજના દર ૨૫ બેસિસ પૉઇન્ટ વધી શકે. એ પછી એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પૂર્વે વિકાસનો દર વધુ ન ઘટે કે વધતો રહે એ માટે વ્યાજના દરમાં ૫૦થી ૭૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો સંભવી શકે. ત્યાર પછી ૨૦૨૪ની શરૂઆતમાં ચૂંટણીઓની પૂર્વસંધ્યાએ ફરી પાછા વ્યાજના દર વધવાની શરૂઆત થઈ શકે.

ફિસ્કલ ૨૩ના આર્થિક વિકાસના દરના લક્ષમાં નજીવો ઘટાડો 

રિઝર્વ બૅન્કે ફિસ્કલ ૨૩ના આર્થિક વિકાસના દરના એના અગાઉના અંદાજમાં નજીવો ઘટાડો  (૭ ટકામાંથી ૬.૮ ટકા) કર્યો છે. રિઝર્વ બૅન્કના મતે આર્થિક વિકાસનો દર ટકાવી રાખવા કે વધારવા માટે સરકારનો મૂડીખર્ચ (જે ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ માટે કેટેલિસ્ટનું કામ કરે છે) બહુ મહત્ત્વનો ભાગ ભજવશે.

ફિસ્કલ ૨૩નો સરેરાશ છૂટક ભાવવધારાનો અંદાજ (૬.૭ ટકા) જાળવી રાખ્યો છે. આ અંદાજ પણ રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટ પર છે. 

ભાવવધારાનો દર ફિસ્કલ ૨૪ના જૂન ક્વૉર્ટર (૫ ટકા) અને સપ્ટેમ્બર ક્વૉર્ટર (૫.૪ ટકા)માં ચોમાસું નૉર્મલ રહે તો ઘટશે અને રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટથી નીચો જશે.

ફિસ્કલ ૨૪ના અંદાજપત્રમાં મૂડીખર્ચ (રોકાણ) વધારીને પણ ફિસ્કલ ડેફિસિટ જાળવી રાખવાનો પડકાર

લોકસભાનું શિયાળુ સત્ર શરૂ થયું છે. ચાલુ વરસે સરકારે ખાતર, અનાજ અને ફ્યુઅલ માટેની રોકડ સહાય (સબસિડી) અને નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ માટે થનાર વધારાના ૩.૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચ માટે લોકસભાની મંજૂરી માગી છે. આ ખર્ચ વધવાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. 

મૂડીખર્ચનું લક્ષ્ય જાળવી રાખવા માટે પણ વધારાના ૩૧,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી પણ માગી છે. તો પણ આ વરસનું ફિસ્કલ ડેફિસિટનું લક્ષ્યાંક (૬.૪ ટકા) જળવાઈ રહે એવી અપેક્ષા છે. ચાલુ કિંમતે અંદાજ કરતાં જીડીપીનો મોટો વધારો પણ જીડીપીના સંદર્ભમાં ફિસ્કલ ડેફિસિટનું લેવલ જાળવી રાખવામાં મદદ કરશે.      

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 04:46 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK