ડૉલેક્સ અને રૂપિયો મક્કમ : યુરો-પાઉન્ડમાં નરમાઈ : બૉન્ડમાં એકધારી મંદી
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં દેવું વધારવા વિશે શાસક અને વિપક્ષ વચ્ચેના મતભેદોમાં કામચલાઉ સમાધાન થયું છે. સ્ટૉપગૅપ ફન્ડિંગનો માર્ગ મોકળો થતાં ગવર્નમેન્ટ શટડાઉન ટાળી શકાશે. આમ તો છેલ્લાં ૨૫ વરસથી સમયાંતરે દેવા લિમિટ વધારવા મામલે માથાકૂટો થાય છે, પણ છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જાય છે. શુક્રવાર સુધી કોઈ સમજૂતી થઈ નહોતી એટલે ડૉલર ઇન્ડેક્સ મજબૂત રહ્યો હતો, સોનું તૂટ્યું હતું. વૈશ્વિક બૉન્ડ બજારોમાં વેચવાલી વધતાં યીલ્ડ વધતા રહ્યા હતા. વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેશે એવી ધારણા વચ્ચે બૉન્ડ યીલ્ડ ૧૬ વરસની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ગયા વરસે અમેરિકાના બૉન્ડ યીલ્ડ ૫ ટકા થશે કે જર્મનીમાં બૉન્ડ યીલ્ડ ૩ ટકા થશે એ ગયા વરસ સુધી તો અકલ્પનીય હતું. વિશ્વના ગંજાવર ઍસેટ મૅનેજર બ્લૅકરૉકના વડા લેરી ફિંકે કહ્યું છે કે હાલનો ફુગાવો એમ્બેડેડ સ્વરૂપનો છે. નજીકના ભવિષ્યમાં વ્યાજદરો ઘટવાની સંભાવના નહીંવત છે એવો સંકેત ગણાય.
બજારોની વાત કરીએ તો અમેરિકામાં ગવર્નમેન્ટ શટડાઉનની ભીતિ વચ્ચે હૉલર ઇન્ડેક્સ ૧૦૬.૬૦ આસપાસ મજબૂત હતો, પણ આજે કદાચ થોડી વેચવાલી આવી શકે. અમેરિકામાં શૅરબજારમાં બેતરફી વધઘટ છે. બે વરસના બૉન્ડ યીલ્ડ એક તબક્કે ૫.૨૦ અને ૧૦ વરસના બૉન્ડ યીલ્ડ ૪.૬૮ થઈ ગયા હતા. યુરોપિયન કરન્સી ઘટતી જાય છે એટલે ડૉલેક્સમાં અંડરટોન મજબૂત છે. ડૉલેક્સની રેન્જ ૧૦૩.૭૦-૧૦૭.૭૦ દેખાય છે. આવતા મહિને ફેડની બેઠકમાં વ્યાજદર વધારો આવવાની શક્યતા વધી છે.
ADVERTISEMENT
સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો ૮૩.૧૦ આસપાસ સ્ટેબલ રહ્યો છે. રિઝર્વ બૅન્ક રૂપિયાને ૮૩.૧૦-૨૦ પર ટકવા દેતી નથી. રિઝર્વ બૅન્કનો રૂપિયા પર પૂરેપૂરો કાબૂ છે, એમ દેખાઈ આવે છે. પાઉન્ડ, યુરો, યેન જેવી મેઇનસ્ટ્રિમ કરન્સીથી માંડીને લીરા, બ્રાઝિલ રિયાલ કે સાઉથ આફ્રિકન રેન્ડ, કોરિયા વોન જેવી ઇમર્જિંગ કરન્સીમાં વૉલેટિલિટી મોટી હોવા છતાં રૂપિયો રોક સોલિડ રહ્યો છે. ક્રૂડ ૯૫ ડૉલર થઈ ગયું છે. વેપારખાધ ૧૦ વરસની ઊંચી હોવા છતાં રૂપિયો ઘણો સ્ટેબલ રહ્યો છે એ માટે રિઝર્વ બૅન્ક અભિનંદનની હકદાર છે. રૂપિયાની રેન્જ શૉર્ટ ટર્મ રેન્જ ૮૨.૨૦-૮૩.૪૦ ગણાય. સવા વરસથી રૂપિયો ૮૧.૭૦-૮૩.૨૦ વચ્ચે કન્સોલિડેશનમાં છે. ટેક્નિકલી ૮૩.૩૮ પર નિર્ણાયક બ્રેકઆઉટ આવે તો ૮૪.૨૦-૮૪.૪૦ જઈ શકે. જ્યાં સુધી રૂપિયો ૮૩.૩૦ નીચે રહે ત્યાં સુધી શાર્પ ડેપ્રિશિયેશનની સંભાવના ઓછી છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર વટાવે તો રૂપિયા પર દબાણ વધશે, ક્રૂડ ઘટીને ૮૦ ડૉલર થાય તો રૂપિયો ફરી પાછો ૮૧.૮૦-૮૨ની રેન્જમાં આવી શકે. હાલના ચાર્ટ અને મેક્રો ફન્ડામેન્ટલ જોતાં આયાતકારોએ થોડું અંડરહેજ રહી શકાય. એક્સપોર્ટર્સ દરેક ઉછાળે થોડું હેજ વધારી શકે. બેઉં પક્ષ હાલની સાંકડી રેન્જને અનુલક્ષી ડાયનેમિક હેજ કરી શકે. ફૉર્વર્ડ પ્રીમિયમ એકંદરે નીચા છે. ઑપ્શન રાઇટર્સે વિશેષ સજાગ રહેવું પડે. રૂપિયામાં સપોર્ટ ૮૩.૦૭, ૮૨.૮૦, ૮૨.૪૮ અને રેઝિસ્ટન્સ ૮૩.૨૮, ૮૩,૩૩, ૮૩.૭૮ ગણાય.
ક્રૉસ ટ્રેડમાં રૂપિયો પાઉન્ડ અને યુરો સામે સુધરતો જાય છે. યુરોપમાં ફુગાવો એક વરસની નીચી સપાટીએ છે. ઈસીબીએ હાલમાં વ્યાજદર યથાવત્ રાખ્યા છે. યુરોપમાં અલ્ટ્રા લૉન્ગ બૉન્ડમાં કારમી મંદી છે. ઑસ્ટ્રિયાનાં ૯૮ વરસના બૉન્ડ ઇશ્યુ પ્રાઇસથી ૬૩ ટકા તૂટ્યા છે. જર્મનીમાં ૧૦૦ વરસના બૉન્ડ ૫૫ ટકા તૂટ્યા છે. યુરો અને પાઉન્ડમાં ચાર્ટ્સ અને મેક્રો ફન્ડામેન્ટલ ઘણા કમજોર છે. નિકાસકારો યુરો અને પાઉન્ડમાં ઑપ્ટિમમ હેજ રહી શકે. આયાતકારો થોડા અંડરહેજ રહી શકે. યુરોડોલરની રેન્જ ૧.૦૩૮૦-૧.૦૭૮૦, યુરોરૂપી રેન્જ ૮૬.૭૬-૮૮.૮૦ છે. પાઉન્ડ ડૉલરની રેન્જ ૧.૧૮૫૦-૧.૨૩૮૦ ગણાય. પાઉન્ડરૂપીની રેન્જ ૯૯.૯૦-૧૦૩.૩૦ ગણાય. બેઉં કરન્સી ટેક્નિકલી નરમ છે. પાઉન્ડમાં આયાતકારો થોડા અંડરહેજ અને નિકાસકારો ઑપ્ટિમમ હેજ રહી શકે. એશિયામાં યેન સતત તૂટે છે. યેન ૧૫૦ વટાવે તો બૅન્ક ઑફ જાપાન અણધાર્યું ઇન્ટરવેન્શન કરી શકે. યેનમાં મેક્રો ફન્ડામેન્ટલ ઘણાં કમજોર છે. ડૉલરયેન રેન્જ ૧૪૬-૧૫૨ ગણાય. ચીનમાં લાંબા સમય પછી હાઉસિંગ, મેન્યુ ડેટા થોડો સારો આવ્યો છે. યુઆનને થોડી રાહત મળી છે. અમેરિકામાં શટડાઉનનો ખતરો ટળતાં શૅરબજારોમાં રિલીફ રૅલી રૂપે થોડો સુધારો આવતો દેખાય છે.