સૅન્ફૉર્ડ સીના અહેવાલ મુજબ ૨૦૩૦ સુધીમાં આટલી કમાણી થશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૩૦ સુધીમાં સોલરથી હાઇડ્રોજન સુધીના એના નવા એનર્જી બિઝનેસમાંથી ૧૦થી ૧૫ અબજ ડૉલરની કમાણી કરી શકે છે, પરંતુ ટેક્નૉલૉજીમાં મર્યાદિત કુશળતા મેળવવા માટે એને એક્વિઝિશન અથવા ભાગીદારીની જરૂર પડશે, એમ સૅન્ફૉર્ડ સી બર્નસ્ટેઇનના અહેવાલમાં જણાવાયું છે. સ્વચ્છ ઊર્જા (સૌર, બૅટરી, ઇલેક્ટ્રૉલાઇઝર અને ઈંધણ કોષો) ૨૦૫૦ સુધીમાં ભારતમાં બે ટ્રિલ્યન ડૉલરના રોકાણ સાથે રિલાયન્સ માટે નવા વિકાસ સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત ૨૦૩૦ સુધીમાં ૨૮૦ ગીગાવોટની સૌર-ક્ષમતા અને ૫૦ લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે.
‘અમે અપેક્ષા રાખીએ છીએ કે ઇલેક્ટ્રિક પેનિટ્રેશન પૅસેન્જર અને કમર્શિયલ વાહનો માટે ગ્રોથ પાંચ ટકા અને ટૂ-વ્હીલર માટે ૨૧ ટકા સુધી પહોંચશે. ૨૦૩૦માં ક્લીન એનર્જીનું કુલ ઍડ્રેસેબલ માર્કેટ ૩૦ અબજ ડૉલરનું થશે જે હાલ ૧૦ અબજ ડૉલરનું છે.
બ્રોકરેજના અહેવાલ મુજબ ૨૦૫૦ સુધીમાં આ માર્કેટનો અંદાજ ૨૦૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે અને એ માટે બે ટ્રિલ્યન ડૉલરનો સંયુક્ત ખર્ચ થશે.
ઑઇલ-ટુ-ટેલિકૉમ સમૂહ રિલાયન્સે અશ્મિભૂત ઈંધણથી દૂર સૌર-ઉત્પાદન તેમ જ હાઇડ્રોજનમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ સ્થાપિત સોલર-ક્ષમતા ધરાવવાની યોજના ધરાવે છે જે ભારતની ૨૮૦ ગીગાવોટની લક્ષિત ક્ષમતાના ૩૫ ટકા છે.

