Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Reliance AGM Update : ધીરુભાઈ અંબાણીની ત્રીજી પેઢી ઈશા, આકાશ અને અનંતની બોર્ડમાં નિમણૂક

Reliance AGM Update : ધીરુભાઈ અંબાણીની ત્રીજી પેઢી ઈશા, આકાશ અને અનંતની બોર્ડમાં નિમણૂક

Published : 29 August, 2023 04:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈશા, આકાશ અને અનંતને તેમના એનર્જી-ટુ-ટેક્નૉલૉજી ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

ઈશા, આકાશ અને અનંત અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં નિયુક્તી

ઈશા, આકાશ અને અનંત અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં નિયુક્તી


અબજોપતિ મુકેશ અંબાણીએ તેના ઉત્તરાધિકારીની દિશામાં વધુ એક કદમ આગળ વધાર્યું હતું. ઈશા, આકાશ અને અનંતને તેમના એનર્જી-ટુ-ટેક્નૉલૉજી ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં, જેને ભારતની સૌથી મૂલ્યવાન કંપનીમાં ઉત્તરાધિકાર આયોજનના સ્પષ્ટ માર્ગ તરીકે જોવામાં આવે છે. કંપનીએ સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રિલાયન્સના બોર્ડે જોડિયા ઈશા અને આકાશ તેમ જ અનંતની ‘કંપનીના નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ’ તરીકે નિમણૂકને મંજૂરી આપવા માટે કંપનીની વાર્ષિક સામાન્ય સભા પહેલાં બેઠક કરી હતી.


મુકેશ અંબાણીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે ‘ઈશા, આકાશ અને અનંતમાં હું પોતે અને મારા પિતાને પણ જોઉં છું. મારા માટે આ એક ભાવનાત્મક બાબત છે, કારણ કે વર્ષ ૧૯૭૭માં જ્યારે મારા પિતાએ મને બોર્ડમાં સામેલ કર્યો હતો ત્યારે હું માત્ર ૨૦ વર્ષનો હતો.’ ગયા વર્ષે ૬૬ વર્ષના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પ્રથમ જન્મેલા આકાશ અંબાણીને ભારતની સૌથી મોટી મોબાઇલ કંપની, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચૅરમૅન બનવાનો માર્ગ બનાવ્યો હતો. જોકે અંબાણી, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ ધરાવતી પેઢી જિયો પ્લૅટફૉર્મ્સના ચૅરમૅન તરીકે ચાલુ રહ્યા છે. આકાશની જોડિયા બહેન ઈશા (૩૧), રિલાયન્સના રીટેલ માટે અને સૌથી નાના ભાઈ અનંતને ન્યુ એનર્જી બિઝનેસ માટે ઓળખવામાં આવ્યાં છે.



રિલાયન્સની જામનગરને ગિફ્ટ : સોલર ગીગા ફૅક્ટરી ૨૦૨૫માં રેડી


રિલાયન્સની જામનગર ખાતેની પહેલી સોલર ગીગા ફૅક્ટરી ૨૦૨૫ના અંત સુધીમાં તૈયાર થવાની જાહેરાત પણ સોમવારે કંપનીએ કરી હતી. રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે એની નવી ઊર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમના નિર્માણ માટે એની ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની પ્રતિબદ્ધ મૂડીનો ઉપયોગ કરવા માટે સારી રીતે પ્રગતિ કરી રહી છે. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે કંપનીની પ્રથમ સોલર ગીગા ફૅક્ટરી ૨૦૨૫ના અંત સુધીમાં કાર્યરત થશે. રિલાયન્સના ગુજરાતમાં જામનગર ખાતે તેના ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મૅન્યુફૅક્ચરિંગ કૉમ્પ્લેક્સના ફાસ્ટ-ટ્રેક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ખૂણે-ખૂણે પહોંચાડીશું એઆઇ : જિયોનું વચન


જિયો પ્લૅટફૉર્મ્સ સમગ્ર ડોમેન્સમાં ભારત-વિશિષ્ટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મૉડલ્સ અને એઆઇ-સંચાલિત સોલ્યુશન્સ વિકસાવવાના પ્રયાસોનું નેતૃત્વ કરવા આતુર છે, જે ભારતીય નાગરિકો, વ્યવસાયો અને સરકારને આ નવી-યુગ તક્નિકનો લાભ પહોંચાડે છે, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ વચન આપ્યું હતું અને કહ્યું કે એઆઇ દરેક માટે દરેક જગ્યાએ ઉપલબ્ધ બનાવીશું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને જિયો માટે વૃદ્ધિની સૌથી આકર્ષક સીમા તરીકે ગણાવતાં અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૬મી એજીએમમાં આ મોરચે મહત્ત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી. અંબાણીએ સ્થાયી પ્રથાઓ અને ઉજળા ભવિષ્યને અપનાવીને, ક્લાઉડ અને એજ બન્ને સ્થાનો પર ૨૦૦૦ મેગાવૉટ સુધીની એઆઇ-તૈયાર કમ્પ્યુટિંગ ક્ષમતા બનાવવાની કંપનીની પ્રતિબદ્ધતાનું વચન આપ્યું હતું. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવા માટે, ભારતે નવીનતા, વૃદ્ધિ અને રાષ્ટ્રીય સમૃદ્ધિ માટે એઆઇનો ઉપયોગ કરવો જોઈએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

જિયો સિનેમા સૌથી મોટું ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ

રિલાયન્સની ઓટીટી મીડિયા સ્ટ્રીમિંગ સેવા જિયો સિનેમા, જેણે આ વર્ષની શરૂઆતમાં આઇપીએલ ક્રિકેટ મૅચોના મફત લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા ક્ષેત્રને વિક્ષેપિત કર્યું હતું, એ હવે ભારતનું સૌથી મોટું ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ સ્થળ બની ગયું છે. જિયો સિનેમાએ પેઇડ સબ્સ્ક્રાઇબર્સમાં મજબૂત વૃદ્ધિ નોંધાવીને ઉદ્યોગ-અગ્રણી જોડાણ બનાવ્યું છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેણે આઇપીએલ દરમ્યાન પ્લૅટફૉર્મ પર ૪૫ કરોડ દર્શકો સાથે મળીને વૈશ્વિક રેકૉર્ડ બનાવ્યો હતો.

ગણેશચતુર્થીએ જિયો ઍરફાઇબર લૉન્ચ થશે

રિલાયન્સ જિયો એની 5G હોમ બ્રૉડબૅન્ડ સેવા જિયો ઍરફાઇબર ગણેશ ચતુર્થી એટલે કે ૧૯ સપ્ટેમ્બરે લૉન્ચ કરશે, એમ રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું, કારણ કે તેમણે એઆઇ માટે આક્રમક યોજનાઓની રૂપરેખા પણ આપી હતી અને એને જિયો માટે ‘વૃદ્ધિની સૌથી આકર્ષક સીમા’ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિયો ઍરફાઇબર, એક નિશ્ચિત વાયરલેસ બ્રૉડબૅન્ડ ઑફરિંગ, છેવાડાના લોકોને ફાઇબરની જરૂરિયાતને બાયપાસ કરવા માટે સમગ્ર ભારતમાં 5G નેટવર્ક અને અદ્યતન વાયરલેસ તક્નિકનો ઉપયોગ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ 5G બ્રૉડબૅન્ડ સેવા છે, જેને વાયરની જરૂર નથી. જ્યારે ઑપ્ટિકલ ફાઇબર હાલમાં દરરોજ લગભગ ૧૫,૦૦૦ પરિસરોને કનેક્ટ કરી શકે છે, ઍરફાઇબર દરરોજ ૧.૫૦ લાખ કનેક્શન્સ સાથે વિસ્તરણને સુપરચાર્જ કરશે, જે ૧૦ ગણો વધારો દર્શાવે છે જે આગામી ત્રણ વર્ષમાં કંપનીના ઍડ્રેસેબલ માર્કેટને ૨૦ કરોડથી વધુ ઘરોમાં વિસ્તરણ કરશે.

પાંચ વર્ષમાં ૧૦૦ કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટનો વાયદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન ઑઇલ રિફાઇનિંગ કૉમ્પ્લેક્સની માલિક, કૃષિ-કચરાને ગૅસમાં રૂપાંતરિત કરવા માટે ૧૦૦ કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ (સીબીજી) પ્લાન્ટ સ્થાપશે, એમ ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જામનગર ખાતે કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ માટે બે ડેમો યુનિટ સ્થાપ્યા પછી રિલાયન્સે માત્ર ૧૦ મહિનાના રેકૉર્ડ સમયમાં ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે પ્રથમ કમર્શિયલ સ્કેલ સીબીજી પ્લાન્ટ શરૂ કર્યો છે.

રિલાયન્સનું દાયકામાં વિક્રમી ૧૫૦ અબજ ડૉલરનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે છેલ્લાં ૧૦ વર્ષમાં સંયુક્ત રીતે ૧૫૦ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે, જે કોઈ પણ ભારતીય કૉર્પોરેટ દ્વારા સૌથી વધુ છે, એમ એના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં બોલતાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઊભરતા નવા ભારતની અગ્રદૂત રહી છે. અમે મોટે ભાગે અશક્ય લક્ષ્યો નક્કી કર્યાં છે અને એને પ્રાપ્ત કર્યાં છે, એમ તેમણે કહ્યું હતું.

નીતા અંબાણીની ડિરેક્ટરપદેથી એક્ઝિટ

બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નીતા અંબાણીનું બોર્ડના ડિરેક્ટરપદેથી રાજીનામું સ્વીકાર્યું હતું અને રિલાયન્સ ફાઉન્ડેશનને ભારત માટે વધુ અસર બનાવવા માટે માર્ગદર્શન આપવા અને સક્ષમ બનાવવા માટે તેમની શક્તિ અને સમય ફાળવવાના તેમના નિર્ણયને માન આપ્યું હતું. બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નીતા અંબાણીની રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચૅરપર્સન તરીકે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચૅરપર્સન તરીકે નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડની તમામ બેઠકોમાં બોર્ડના કાયમી આમંત્રિત તરીકે હાજરી આપશે, જેથી કંપની તેમની સલાહનો લાભ મેળવી શકે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK