AGMમાં મુકેશ અંબાણીએ ગઈ કાલે જાહેરાત કરી : દેશના દરેકેદરેક નાગરિકને AI સાથે જોડવા બહુ જલદી જિયો બ્રેઇનના નામે AI લૉન્ચ કરવામાં આવશે : ૪૦ લાખ કરિયાણાવાળા છે રિલાયન્સના પાર્ટનર
ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે કંપનીની ૪૭મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં શૅરધારકોને ખુશ કરી દીધા હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરહોલ્ડરોને એક શૅરની સામે એક શૅર બોનસ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલાં કંપનીએ ૨૦૧૭માં બોનસ આપ્યું હતું. આ પાંચમી વખત રિલાયન્સે શૅરધારકોને બોનસ આપ્યું છે. હવે પાંચમી સપ્ટેમ્બરે મળનારી બોર્ડની મીટિંગમાં આ જાહેરાત પર મંજૂરીની મહોર મારવામાં આવશે. એ સિવાય ઈશા અંબાણીએ રિલાયન્સ રીટેલ અને આકાશ અંબાણીએ રિલાયન્સ જિયોનો આગળનો રોડમૅપ શૅરધારકો સમક્ષ મૂક્યો હતો. આ બધા વચ્ચે શૅરબજારને રિલાયન્સ જિયો અને રિલાયન્સ રીટેલના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની જાહેરાત AGMમાં કરવામાં આવશે એવી આશા હતી, પણ એવું નહોતું થયું. મુકેશ અંબાણી તરફથી રિલાયન્સના દરેક બિઝનેસ વિશે વિગતવાર જે માહિતી આપવામાં આવી હતી એના મહત્ત્વના અંશ…
જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસનું કામકાજ સારું ચાલી રહ્યું છે અને એનું માર્કેટ કૅપ ૨.૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ADVERTISEMENT
રિલાયન્સે એક વર્ષમાં નવી ૨૫૫૫ પેટન્ટ ફાઇલ કરી હોવાથી કંપનીનું ભવિષ્ય ઉજ્જ્વળ હોવાનો દાવો મુકેશ અંબાણીએ કર્યો હતો.
એક વર્ષમાં કંપનીએ નવા ૧.૭ લાખ રોજગારનું સર્જન કર્યું.
બહુ જલદી જિયો બ્રેઇનના નામે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) લૉન્ચ કરવામાં આવશે અને જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવવામાં આવશે. રિલાયન્સનો ટાર્ગેટ દેશના દરેકેદરેક નાગરિકને AIથી જોડવાનો છે એટલું જ નહીં, દિવાળી સુધીમાં જિયો AI ક્લાઉડ લૉન્ચ કરવામાં આવશે.
જિયો AI ક્લાઉડ લૉન્ચ કર્યા બાદ જિયો હોમમાં નવાં ફીચર્સ ઉમેરવામાં આવશે.
ઈશા, આકાશ અને અનંતે રિલાયન્સના બોર્ડમાં એક વર્ષ પૂરું કર્યું છે. હું તમને કહી શકું છું કે રિલાયન્સનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.
રિલાયન્સ ફાઉન્ડેશન મારફત સ્કૂલનાં ૨૫ કરોડ બાળકોને મદદ કરવામાં આવશે. ગયા વર્ષે લૉન્ચ કરેલા ‘સ્વદેશ’ને લીધે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું છે અને અમને વિશ્વાસ છે કે વિકસિત ભારતનું સપનું પૂરું કરવામાં એ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
અમારું લક્ષ્ય અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાનું છે અને એને માટે અમારી કંપની સતત બાયો એનર્જી બિઝનેસ પર ફોકસ કરી રહી છે. ૨૦૨૫ સુધીમાં ૫૫ કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ લગાવવામાં આવશે અને બાયો એનર્જી બિઝનેસ મારફત ૩૦,૦૦૦ નોકરી ઊભી કરવામાં આવશે.
જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ સિવાય વર્ષના અંત સુધીમાં અમે સોલર PV બિઝનેસમાં પણ ઝંપલાવીશું.
આ વર્ષે રિલાયન્સ રીટેલના નવા ૧૮૪૦ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. ઑનલાઇન પ્લૅટફૉર્મ જિયો માર્ટના બિઝનેસમાં પણ સારી એવી વૃદ્ધિ થઈ છે અને એની સર્વિસ ૩૦૦ શહેરો સુધી પહોંચાડવામાં આવી છે.
અત્યારે રિલાયન્સ રીટેલનો કારભાર દેશના દરેક ખૂણામાં છે અને રિલાયન્સ રીટેલના ૪૦ લાખ કરિયાણાવાળા પાર્ટનર છે. આ બિઝનેસ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નવા રોજગાર પેદા કરે છે. કંપનીની ગ્રોસ રેવન્યુ પણ ૨.૦૬ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.