સ્વિસ રેટ કટ પછી ફ્રાન્ક અને પાઉન્ડમાં કડાકો : યેન-કોરિયા વૉન અને યુઆન પણ તૂટ્યાં
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક તસવીર
લાંબા સમયની સ્થિરતા પછી રૂપિયામાં અણધાર્યો કડાકો આવ્યો છે. શુક્રવારે રૂપિયો ઇન્ટરબૅન્ક ૪૦ પૈસા તૂટી ૮૩.૪૨ બંધ થયો હતો, જે ૭ મહિનાની નીચી સપાટી છે. ઑફશૉર રૂપિયો ૮૩.૭૧ થયો હતો જે વિક્રમી નીચો વિનિમયદર છે. દેશની ફૉરેક્સ રિઝર્વ ૬૪૨.૯૦ અબજ ડૉલર એટલે કે ઑલટાઇમ હાઈ છે અને રૂપિયો ઑલટાઇમ લો છે, એ વિરોધાભાસ અજીબ લાગે છે. યુઆન, યેન તેમ જ કોરિયા વૉન સહિત એશિયાઈ કરન્સીમાં નરમાઈ, ડૉલરની મજબૂતી, આયાતકારોનું શૉર્ટકવરિંગ, ઑપ્શન રાઇટર્સનું ડેલ્ટા ન્યુટ્રલ હેજિંગ અને માર્ચ આખર જેવાં કારણોથી રૂપિયામાં શૉર્ટ ટર્મ દબાણ આવ્યું હોય એમ લાગે છે.
રૂપિયો દસેક મહિનાથી ૮૨.૮૦-૮૩.૩૦ની સીમિત રેન્જમાં હતો. ઑફશૉર રૂપિયામાં બે દિવસમાં ૧૦૦ પૈસા જેવી મોટી મૂવમેન્ટ આવી છે એનાથી ડૉલર ઇમ્પોર્ટ કરવામાં અનહેજ કે અન્ડરહેજ હોય તેમ જ કૉલ ઑપ્શન વેચ્યા કે ડૉલર શૉર્ટ કર્યા હોય એમને અનપેક્ષિત ટ્રેઝરી હીટ આવી હશે. દર બે-ત્રણ વરસે આવો એપિસોડ બનતો હોય છે. સતત સારા સમાચારો, વિનિમયદરની સ્થિરતા પર રિઝર્વ બૅન્કનો મજબૂત કાબૂ હોવાથી બજારમાં એક જાતની લાપરવાહી આવી ગઈ હતી. રૂપિયો દિવસો સુધી માંડ ૫-૭ પૈસાની મૂવમેન્ટ બતાવતો હતો. લાંબો સમય રૂપિયો સ્ટેબલ રહેતાં આયાતકારોને ડૉલર ઇમ્પોર્ટમાં અન્ડરહેજ રહેવાની આદત પડી ગઈ હતી. ફૉર્વર્ડ પ્રીમિયમ ૧.૬-૧.૬૫ ટકા જેવા બેહદ નીચા રહેવા છતાં નિકાસકારો જે કાંઈ પ્રીમિયમ મળે એ બુક કરી લેતા હતા. કૉલ રાઇટિંગ અને સ્ટ્રેડલ રાઇટિંગ પણ ક્રાઉડેડ ટ્રેડ બની ગયો હતો. ખોટા ભાવે રિસ્ક વેચાઈ જાય ત્યારે બજાર ટેક્નિકલી નેટ શૉર્ટ બની જાય. ડૉલર રિસિવેબલ વેચાતા રહે, પેયેબલ ઊભા રહી જાય. માર્ચ-એન્ડ પછી રૂપિયો ફરી ૮૨.૮૦-૮૩.૩૦ની રેન્જમાં પાછો આવી જશે એમ લાગે છે.
ADVERTISEMENT
અમેરિકાની વાત કરીએ તો બુધવારે ફેડની બેઠકમાં ચૅરમૅન પૉવેલે ૨૦૨૪માં વ્યાજદરમાં ત્રણ ઘટાડા શક્ય છે એમ કહેવા સાથે ફુગાવો બે ટકા નીચે રહેવા પર જોર આપ્યું હતું. ફેડે કહ્યું હતું કે ‘ફેડ બૅલૅન્સ-શીટ રિડક્શન ચાલુ રાખશે, પરંતુ આર્થિક સંજોગો મુજબ એની ગતિમાં વધ-ઘટ થઈ શકે છે. ફેડની બીટવીન ધ લાઇન્સ તેજીની વાત પકડીને શૅરબજારો ઊછળ્યાં હતાં.
અમેરિકામાં મેમરી ચિપ્સ જાયન્ટ એનવિડિયામાં ૮ માર્ચે એક દિવસમાં માર્કેટ કૅપમાં ૨૭૦ અબજ ડૉલરની ઊથલપાથલ હતી. એઆઇ સેમી કન્ડક્ટર શૅરોમાં મેનિયા કન્ડિશન દેખાય છે. મેગા કૅપ શૅરોમાં ઊંચા મથાળે સિલેક્ટિવ વેચવાલી દેખાય છે. ડિજિટલ સ્પેસમાં બિટકૉઇન તાજેતરમાં વધીને ૭૨,૦૦૦ થયા પછી સપ્તાહની આખરે ૬૫,૦૦૦ હતો. બિટકૉઇન ઈટીએફમાં મોટા સ્ટેકહોલ્ડર્સ અને અલ્ટ્રારીચનો રસ વધતાં ક્રિપ્ટો એડેપ્શન વધી રહ્યું છે. પરંપરાગત સેફ હેવન સોનામાં પણ ૨૨૦૦ ડૉલરનો નવો ઊંચો ભાવ બન્યો છે. સ્થાનિક બજારમાં સોનું ૬૯,૦૦૦ રૂપિયા બોલાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી હાલમાં હૉટ ટૉપિક છે. વિશ્વભરનાં બજારોની નજર ભારત પર છે.
યુરોપની વાત કરીએ તો સ્વિસ નૅશનલ બૅન્કે રેટ કટ કરતાં સ્વિસ ફ્રાન્ક, પાઉન્ડ તૂટ્યાં હતાં. ઈસીબી પણ આગળ જતા રેટ કટ કરશે એવી સંભાવનાએ યુરો પણ થોડો નરમ હતો. યુકેએ પણ રેટ કટ મામલે ડોવિશ સંકેત આપ્યા હતા. ચીનની મંદી અને લાંબા સમયથી યુક્રેન વૉર, રેડ સી તનાવથી યુરોપમાં સ્ટેગફ્લેશનનો થાક દેખાય છે. રશિયા-યુક્રેન બેઉ દેશોએ એકબીજા પર હુમલા વધાર્યા છે. રેડ સી તનાવમાં પણ વધારો થયો હોવાથી એશિયા-યુરોપ ફ્રેઇટ ઘણા ઊંચા છે.
એશિયામાં યેનમાં સાર્વત્રિક નરમાઈ છે. હૉલર સામે યેન ૩૨ વર્ષની નીચી સપાટી ૧૫૧.૫૦ થયો હતો. યુરો-યેન પેર ૧૫ વર્ષની નીચી સપાટીએ હતી. કોરિયા વૉન પણ નોંધપાત્ર તૂટ્યો છે. ચીનમાં શૅરબજાર અને પ્રૉપર્ટીની મંદી રોકવા હજી રેટ કટ આવશે એવી અટકળે ઑફશૉર યુઆન તૂટીને ૭.૨૭ થયો છે, જે ચાર માસની નીચી સપાટી છે. વિશ્વવ્યાપી તનાવ વચ્ચે ડૉલરની સેફ હેવન અપીલ મજબૂત થઈ છે. ટ્રેડિંગ રેન્જ - ડૉલરરૂપી ૮૩.૨૦-૮૩.૯૦, પાઉન્ડરૂપી ૧૦૪.૨૦-૧૦૫.૮૦, યુરોરૂપી ૮૯.૧૦-૯૧.૧૦, યુરોડૉલર ૧.૦૭-૧.૦૯, પાઉન્ડડૉલર ૧.૨૫૦૦-૧.૨૭૫૦, ડૉલરયેન ૧૪૮-૧૫૩, ડૉલેક્સ ૧૦૩.૮૦-૧૦૫.૪૦.