Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં તેજીનાં એક પછી એક ઉમેરાતાં કારણો : ચાંદીમાં પણ તેજી થશે

સોનામાં તેજીનાં એક પછી એક ઉમેરાતાં કારણો : ચાંદીમાં પણ તેજી થશે

Published : 20 November, 2023 02:50 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકામાં વ્યાજદરના વધારાની સાઇકલ ઑલમોસ્ટ પૂરી થતાં હવે વ્યાજદરના ઘટાડાની ચર્ચા શરૂ ઃ ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની સાથે ઇકૉનૉમિક ક્રાઇસિસથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


સોનામાં તેજીનાં એક પછી એક કારણો ઉમેરાઈ રહ્યાં છે. વિશ્વબજારમાં સોનું ઑલમોસ્ટ ૨૦૦૦ ડૉલર નજીક પહોંચી ચૂક્યું છે. કોરોના પછી ઊભી થયેલી મોંઘવારીને રોકવા અમેરિકા, બ્રિટન, યુરોપ વગેરેની સેન્ટ્રલ બૅન્કો દ્વારા ચાલુ થયેલી વ્યાજદર વધારાની સાઇકલ હવે પૂરી થવાની તૈયારીમાં હોવાથી સોનાને ડૉલરની મંદીનો લાભ મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ડૉલર ટર્મમાં બોલાતા હોવાથી ડૉલરનું મૂલ્ય ઘટે ત્યારે સોનું વધે છે અને ડૉલર મજબૂત થાય ત્યારે સોનું ઘટે છે. વ્યાજદર વધારાની સાઇકલ પૂરી થયા બાદ વ્યાજદરમાં ઘટાડો શરૂ થવાની ચર્ચાની સાથે ડૉલરનું મૂલ્ય ઘટી રહ્યું હોવાથી સોનામાં તેજીનાં કારણો વધી રહ્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૦ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઉપરાંત ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ છેલ્લા ૪૩ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વના કોઈ પણ ખૂણે યુદ્ધ ચાલુ હોય ત્યારે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધે છે. હાલ તો વિશ્વમાં બે મોટાં યુદ્ધ ચાલી રહ્યાં છે. યુદ્ધની વકરતી સ્થિતિ અને ઇકૉનૉમિક ક્રાઇસિસને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ સતત વધતી રહેશે. અમેરિકી ડૉલર સામે અન્ય કરન્સી નબળી પડી રહી હોવાથી અને અમેરિકન ડૉલરના વર્ચસને ખતમ કરવાની મોહિમ અંતર્ગત ચીન, રશિયા, ટર્કી વગેરે દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની ખરીદી સતત વધી રહી હોવાથી સોનામાં તેજીનું વધુ કારણ ઉમેરાયું છે. આમ, સોના અને ચાંદી તેજીનાં એકસાથે અનેક કારણો ભેગાં થયાં હોવાથી આગામી દિવસોમાં બન્ને કીમતી ધાતુમાં મોટી તેજી જોવા મળશે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


વ્યાજદરના વધારાની સાઇકલ પૂરી થવામાં



અમેરિકામાં ૨૦૨૨ના આરંભે મોંઘવારી સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચી છે આથી મોંઘવારીને નાથવા અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વે માર્ચ ૨૦૨૨થી વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત કરી હતી અને સતત વ્યાજદરમાં વધારો કર્યો હતો. અમેરિકાના વ્યાજદર ૦.૧૫ ટકા હતા એ વધારીને ૫.૨૫થી ૫.૫૦ ટકા સુધી પહોંચાડ્યા બાદ છેલ્લી બે મીટિંગમાં વ્યાજદર વધારો અટકાવી રાખ્યો છે. અમેરિકન ફેડની હવે પછીની મીટિંગ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાવાની છે. આ બન્ને મીટિંગમાં અમેરિકા વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા એકદમ ઓછી છે. અમેરિકાનો મોંઘવારી દર ગયા વર્ષે જૂનમાં ૯.૨ ટકા હતો એ ઘટીને ઑક્ટોબરમાં ૩.૨ ટકા થઈ જતાં હવે ફેડને વ્યાજદર વધારવાની જરૂર નથી. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાનું રેટિંગ સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કર્યું હતું. અમેરિકાના આર્થિક ડેટા પણ હવે નબળા આવી રહ્યા હોવાથી ઇકૉનૉમિક સ્લોડાઉનનો ભય વધી રહ્યો છે. અમેરિકામાં ૨૦૨૪માં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન યોજાવાનું છે ત્યારે અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ બગડે નહીં એનું ખાસ ધ્યાન બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન રાખશે એ જરૂરી છે. આમ, તમામ ઘટનાક્રમનો સ્પષ્ટ સંકેત છે કે અમેરિકામાં વ્યાજદર વધારાની સાઇકલ ઑલમોસ્ટ પૂરી થઈ ચૂકી છે ત્યારે વિશ્વના અનેક અર્થશાસ્ત્રીઓ દ્વારા ૨૦૨૪માં વ્યાજદર ઘટાડાની સાઇકલ શરૂ થવાની ચર્ચા જોરશોરથી થવા લાગી છે. અમેરિકાની રિસર્ચ એજન્સી સી.એમ.ઈ. ફેડ વૉચના તાજા રિપોર્ટ અનુસાર જુલાઈ ૨૦૨૪માં ફેડ ૦.૨૫થી ૦.૫૦ ટકા વ્યાજદર ઘટાડો કરશે એની શક્યતા ૯૪.૩ ટકાએ પહોંચી છે. વ્યાજદરના ઘટાડાની શક્યતા વધતાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૭ પૉઇન્ટથી ઘટીને ૧૦૪ પૉઇન્ટ નજીક પહોંચી ગયો છે. વ્યાજદર ઘટાડાની શક્યતા જેમ-જેમ વધતી જશે એમ ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટતો જશે અને સોનામાં મજબૂત તેજીની આગેકૂચ જોવા મળશે.


યુદ્ધ લંબાતાં વધતું જિયોપૉલિટિકલ ટેન્શન

રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયું હતું જે હજી ચાલુ છે. બન્ને પક્ષ એકબીજાને ખતમ કરવા માટે મરણિયા બન્યા છે. યુક્રેનને અમેરિકા એકધારો સપોર્ટ મળી રહ્યો છે. આથી રશિયા અને અમેરિકાની મિલિટરી તાકાત વચ્ચેને જંગ ચાલી રહ્યો છે. આ જ રીતે ઇઝરાયલ અને પૅલેસ્ટીન આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચે છેલ્લા ૪૩ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલને અમેરિકાનો પૂરેપૂરો સપોર્ટ છે અને પૅલેસ્ટીન ગ્રુપ હમાસને અનેક મુસ્લિમ દેશોનો સપોર્ટ છે. આથી ઈરાન, ટર્કી, સિરિયા, ઇજિપ્ત, કતાર વગેરે મુસ્લિમ દેશો ઇઝરાયલને સપોર્ટ કરી રહેલા અમેરિકા સામે વિરોધનું એક વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. આમ, આ બન્ને યુદ્ધમાં અમેરિકાની તાકાતને ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકાની તાકાત ઘટાડવાની મોહિમ ચાલી રહી હોવાથી આ બન્ને યુદ્ધ હજી લાંબું ચાલશે એવા સંકેત મળી રહ્યા છે. યુદ્ધની સ્થિતિ જો વધુ બગડશે તો સોનામાં જિયોપૉલિટિકલ ટેન્શનની ડિમાન્ડ વધતી રહેશે. 


સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની વધતી ખરીદી

ચીન છેલ્લાં ૧૦ વર્ષથી સોનાની માર્કેટમાં આધિપત્ય જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. સોનાના ભાવ હાલ અમેરિકન ડૉલરમાં બોલાઈ રહ્યા છે ત્યારે ચીન સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ચાઇનીઝ કરન્સી યુઆનમાં બોલાતા થાય એ માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પણ વિશ્વમાં સૌથી વધુ સોનાની રિઝર્વ અમેરિકા પાસે ૮૧૩૩.૪૬ ટનની છે એની સામે હજી ચીન પાસે સોનાની રિઝર્વ ૨૧૯૧.૫૩ ટનની છે. ચીનને સોનાની માર્કેટમાં આધિપત્ય જમાવવા માટે સોનાની રિઝર્વ વધારવી જરૂરી હોવાથી છેલ્લા નવ મહિનાથી ચીન ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહ્યું છે. ચીને છેલ્લા નવ મહિનામાં ૧૮૮ ટન ગોલ્ડ રિઝર્વ વધારી છે. ચીન સહિત ભારત, ટર્કી, કઝાકિસ્તાન સહિત અનેક દેશો ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. ૨૦૨૨માં સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી છેલ્લાં ૫૫ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ ચાલુ વર્ષે સેન્ટ્રલ બૅન્કોએ ૮૦૦ ટન સોનાની ખરીદી કરી હોવાથી ૨૦૨૩માં પણ સતત બીજે વર્ષે સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો નવો રેકૉર્ડ બનશે. સેન્ટ્રલ બૅન્કોની સતત વધતી ખરીદીથી સોનામાં મજબૂત તેજીનો પાયો બનશે.

સોના-ચાંદીના હાલના ભાવ અને આગાહીઓ

સોનાનો ભાવ ઇન્ટરનૅશનલ માર્કેટમાં ગયા સપ્તાહે વધીને ૧૯૯૪ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ એકથી વધુ વખત ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયા હતા. સોનાને સથવારે ચાંદી પણ વધી રહી છે. સોનાનો ભાવ ૨૦૨૪ના પ્રારંભે વધીને ૨૧૦૦થી ૨૨૦૦ ડૉલર થવાની આગાહી છે. ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ હાલ પ્રતિ ૧૦ ગ્રામ ૬૧,૧૭૦ રૂપિયા છે જે વધીને ઑક્ટોબરના અંતે ૬૧,૩૭૦ રૂપિયા થયા હતા. ચાંદીના ભાવ હાલ ભારતીય માર્કેટમાં ૭૩,૭૪૭ રૂપિયા છે. ચાંદીના ભાવ  ફરી ૭૫,૦૦૦ રૂપિયા તરફ જઈ રહ્યા છે. ચાંદીના ભાવ ઑગસ્ટના અંતે ૭૫,૦૦૦ રૂપિયા નજીક પહોંચી ગયા હતા. ૨૦૨૪માં સોનાના ભાવ ભારતમાં વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૮૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા અને ચાંદીના ભાવ ૨૦૨૪માં વધીને ૧ લાખ રૂપિયાની સપાટીએ પહોંચે એવી આગાહી થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 02:50 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK