ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર માટે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)નો ઉપયોગ થઈ શકે છે. ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે હાલ CBDCના પ્રયોગ ચાલી રહ્યા છે
ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ
ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર માટે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)નો ઉપયોગ થઈ શકે છે. ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે હાલ CBDCના પ્રયોગ ચાલી રહ્યા છે. એને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સાથે સાંકળવાનું આયોજન છે.
બિટકૉઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીમાં વૉલેટિલિટી રહે છે, જ્યારે CBDC નિયંત્રણ હેઠળની અને સ્થિર ડિજિટલ કરન્સી છે, એમ જણાવતાં દાસે કેન્દ્રીય બૅન્કો સામેના પડકારો વિશેની પરિષદને સંબોધતાં ઉમેર્યું હતું કે ચોવીસે કલાકની રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) ધરાવતાં ગણ્યાંગાંઠ્યાં મોટાં રાષ્ટ્રોમાં ભારત સામેલ છે. અમેરિકન ડૉલર, યુરોપ અને બ્રિટિશ પાઉન્ડ જેવી વૈશ્વિક કરન્સીમાં વેપારના પેમેન્ટનું સેટલમેન્ટ કરવા માટે RTGSનો વિસ્તાર કરવા માટે હાલ વિચારણા ચાલી રહી છે. એના માટે દ્વિપક્ષીય અને બહુપક્ષીય કરારો કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. બિટકૉઇન ૫.૪૬ ટકા વધીને ૬૫,૯૭૪ ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૬.૩૬ ટકા, બાઇનૅન્સ ૨.૯૩, સોલાના ૫.૫૧, રિપલ ૨.૨૪, ડોઝકૉઇન ૩.૨૮, કાર્ડાનો ૨.૭૭ અને અવાલાંશ ૨.૭૯ ટકા વધ્યા હતા. સોલાનામાં ૪.૮ ટકા વૃદ્ધિ થઈ હતી.