વ્યાજદર નહીં વધારી ઇએમઆઇ સ્થિર રાખીને રિઝર્વ બૅન્કે આમઆદમીને હાલપૂરતો તો ખુશ કર્યો
શક્તિકાંત દાસ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ થોભો-પૉઝનું બટન દબાવ્યું અને ફુગાવો એના લક્ષ્યાંકના સ્તરથી ઉપર હોવા છતાં પણ મુખ્ય બેન્ચમાર્ક પૉલિસી રેટ ૬.૫ ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.
મે ૨૦૨૨થી સળંગ ૨૫૦ બેસિસ પૉઇન્ટ્સ સુધીના દરમાં સતત છ વાર વધારો થયા પછી દરમાં વધારો અટકાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ‘નાણાકીય નીતિ સમિતિ ભવિષ્યમાં પગલાં લેવામાં અચકાશે નહીં. વ્યાજદર યથાવત્ રાખતાં દાસે જણાવ્યું હતું કે કોર ફુગાવો ઊંચો રહે છે. કોર ફુગાવો સામાન્ય રીતે ઉત્પાદિત માલસામાનમાં ફુગાવો દર્શાવે છે.
ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો અગાઉના મહિનામાં ૬.૫૨ ટકાની સરખામણીએ ૬.૪૪ ટકા હતો. મૉનિટરી પૉલિસી કમિટી વ્યાજદરો નક્કી કરવા માટે રીટેલ ફુગાવાના આંકડાને ધ્યાનમાં લે છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો સાધારણ રહેવાની ધારણા છે. વર્લ્ડ બૅન્ક અને એશિયન ડેવલપમેન્ટ બૅન્ક સહિતની ઘણી સંસ્થાઓએ આગાહી કરી છે કે આ નાણાકીય વર્ષમાં ફુગાવો લગભગ પાંચ ટકા સુધી નીચે આવશે.