Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય રચ્યા બાદ પણ આ ઉદ્યોગપતિનાં ઘર, કાર અને ફોન એકદમ સિમ્પલ છે

૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય રચ્યા બાદ પણ આ ઉદ્યોગપતિનાં ઘર, કાર અને ફોન એકદમ સિમ્પલ છે

Published : 25 November, 2024 08:49 AM | Modified : 25 November, 2024 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીરામ ગ્રુપના અબજોપતિ સર્વેસર્વા રામમૂર્તિ ત્યાગરાજન સાદગીભર્યા જીવનની મિસાલ છે

રામમૂર્તિ ત્યાગરાજન

રામમૂર્તિ ત્યાગરાજન


ભારતમાં પ્રતિભાઓની કમી નથી. શૂન્યમાંથી સર્જન કરનારી અનેક હસ્તીઓનાં ઉદાહરણ આપણી સામે છે. ગરીબીમાં જન્મ; પછી સખત મહેનત, લગન અને હિંમત દ્વારા સફળતા પામી હોય એવી અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓ આપણા દેશમાં છે. આવી જ એક ઓછી જાણીતી વ્યક્તિ છે રામમૂર્તિ ત્યાગરાજન.


રામમૂર્તિ ત્યાગરાજનનું નામ સાંભળ્યું ન હોય એવા ઘણા લોકો આપણને મળશે. એમાં નવાઈ પામવા જેવું કશું નથી, કારણ કે આ વ્યક્તિ હંમેશાં લો-પ્રોફાઇલ રહી છે. અબજોપતિઓની દુનિયાના આ મહારથી હાલ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બિઝનેસ-સામ્રાજ્ય રચ્યા બાદ પણ અત્યંત સાદગીપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે. સૌને આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે તેઓ સ્માર્ટ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી, માત્ર છ લાખ રૂપિયાની કાર ચલાવે છે અને તેમનું ઘર પણ સાદું જ છે.



કારકિર્દીની શરૂઆત
ત્યાગરાજને સાઠના દાયકામાં વેપાર-સાહસિક તરીકે કારકિર્દી શરૂ કરી. વીમા-કંપનીમાં કામ કરતાં-કરતાં તેમણે જોયું અને જાણ્યું હતું કે મોટી સંખ્યામાં ટ્રક-ડ્રાઇવરોને લોન મેળવવામાં ઘણી તકલીફ પડે છે. તેમણે ટ્રક-ડ્રાઇવરોની જરૂરિયાત અને તેમના માટેની લોનની વ્યવસ્થા એ બન્ને વચ્ચે ઘણું મોટું અંતર જોયું. પોતે આ અંતર ઘટાડવામાં કઈ રીતે સહાયક થઈ શકે છે એનો તેમણે વિચાર કર્યો. આ રીતે શ્રીરામ ગ્રુપનો પાયો નખાયો. શરૂઆતમાં તેમણે ચિટ ફન્ડ કંપની તરીકે ૧૯૭૪ની પાંચ એપ્રિલે કામકાજ શરૂ કર્યું. પ્રારંભિક દિવસોમાં તેઓ ફક્ત કમર્શિયલ વાહનો માટે લોન આપતા. આમ કરવા પાછળનું કારણ એ હતું કે ધિરાણ આપનારી કંપનીઓ નાના વાહનધારકોને લોન આપતી નહોતી.


બીજાઓ કરતાં કઈંક અલગ કરવાની ત્યાગરાજનની આ વિચારસરણી સફળ થઈ અને આજે આપણે જોઈ શકીએ છીએ કે શ્રીરામ ગ્રુપ દેશમાં નાણાકીય ક્ષેત્રે એક મોટું નામ છે. આ ગ્રુપની મુખ્ય કંપની છે શ્રીરામ ફાઇનૅન્સ જે કમર્શિયલ વાહનો માટેનું અને પૅસેન્જર વાહનો માટેનું ફાઇનૅન્સ પૂરું પાડવા ઉપરાંત સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ને ધિરાણ આપે છે. ઉપરાંત, પર્સનલ લોન, ગોલ્ડ લોન અને ટૂ-વ્હીલર લોનનું પણ એનું કામકાજ છે. ગ્રુપની નવ પેટાકંપનીઓ છે અને ૨.૯ લાખ કરોડ રૂપિયાની ઍસેટ્સ ધરાવતા ગ્રુપમાં એકંદરે ૧,૧૫,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ કાર્યરત છે.

ત્યાગરાજન હંમેશાં પોતાના કર્મચારીઓને પ્રાથમિકતા આપે છે. પોતે અત્યાધુનિક સગવડોનો ઉપયોગ કરવાનું ટાળે છે, પરંતુ બીજા લોકોના જીવનધોરણને ઊંચું લાવવા માટે સતત કાર્ય કરે છે. નોંધનીય છે કે તેમણે શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટની સ્થાપના કરી છે, જેના મારફત તેમણે પોતાની વ્યક્તિગત સંપત્તિ અને શ્રીરામ જૂથમાંનો અમુક હિસ્સો કર્મચારીઓને ટ્રાન્સફર કર્યો છે


સમાજને લાભ કરાવનારી દૃષ્ટિ તથા સાદગી અને નીતિમત્તા માટે સમર્પણ એ બન્ને અગત્યનાં મૂલ્યો ધરાવતા શ્રીરામ ગ્રુપના સ્થાપક રામમૂર્તિ ત્યાગરાજનના વિચારો નવોદિત આંધ્ર પ્રદેશને પ્રેરણા આપનારા બની રહેશે.

સફળતા અને સંપત્તિ
ત્યાગરાજન કહે છે કે સંપત્તિ આવે એનો અર્થ એ નથી કે એને ઉડાડવાનું શરૂ કરી દેવું, જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભૌતિકવાદ નથી. તેઓ જીવનનાં ઉચ્ચ મૂલ્યોને અને હેતુને પ્રાધાન્ય આપે છે.

સામાજિક જવાબદારી
રામમૂર્તિ ત્યાગરાજનનું માનવું છે કે બિઝનેસનો હેતુ ફક્ત નફો કમાવાનો નહીં પણ સમાજને લાભ થાય એવાં કાર્યો કરવાનો છે. સમાજને ઉપયોગી થવાની દૃષ્ટિએ જ તેમણે પોતાની સંપત્તિનો અમુક હિસ્સો ટ્રસ્ટને અર્પણ કર્યો છે અને એમાંથી તેમના કર્મચારીઓને લાભ પહોંચાડવામાં આવે છે.

વંચિત વર્ગને મદદ
રામમૂર્તિ ત્યાગરાજન પહેલેથી માનતા આવ્યા છે કે જેમને બીજે ક્યાંયથી મદદ મળતી નથી એવા લોકોને મદદ પહોંચાડવાનું તેમનું કાર્ય છે. તેઓ આને જ એક પ્રકારનો સમાજવાદ કહે છે. બૅન્કિંગની પરંપરાગત વ્યવસ્થામાં નાના વેપારીઓ અને ટ્રક-માલિકોને કરજ મળતું નહોતું એટલે તેમણે એ વર્ગને મદદરૂપ થવા માટે વેપાર-સાહસ શરૂ કર્યું.

વર્તમાન યુગમાં આવી વ્યક્તિઓ વિરલ જ કહેવાય. ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મૅથેમૅટિકલ સ્ટૅટિસ્ટિક્સ તથા મૅથેમૅટિક્સમાં અનુસ્નાતકની પદવી પામેલા મૂળ તામિલનાડુના ત્યાગરાજનને વર્ષ ૨૦૧૩માં પદ‍્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ બાયોટેક્નૉલૉજી કંપની લાઇફ સેલ ઇન્ટરનૅશનલના ચૅરમૅન અને TVS કૅપિટલ ફન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હોવા ઉપરાંત ફિલિપીન્સની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્શ્યૉરન્સ તથા સિંગાપોર અને ક્વાલા લમ્પુરની ઇન્શ્યૉરન્સ ઇન્સ્ટિટ્યૂટ્સના વ્યાખ્યાતા તરીકે પણ સેવા આપે છે.  

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK