Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > જીવન વીમો અને ‘નિર્મલ-આનંદ’

જીવન વીમો અને ‘નિર્મલ-આનંદ’

Published : 29 June, 2022 12:33 PM | IST | Mumbai
Priyanka Acharya

વિખેરાઈ ગયેલો અને પરેશાન થયેલો આનંદ જિંદગી નામના કોયડામાં ફરી એકડે એક પર આવી ગયો. નિર્મલ પતિને ભાવનાત્મક ટેકો આપવા સિવાય કોઈ મદદ કરી શકી નહીં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આનંદ એક સુખી અને સ્વસ્થ અધિકારી હતો. તેની પ્રતિભા જોઈને મનહરભાઈએ પોતાની પુત્રી નિર્મલનાં લગ્ન તેની સાથે કર્યાં. મનહરભાઈ પર્ફેક્શનિસ્ટ હતા.
લગ્ન પછી મનહરભાઈએ એક વાર આનંદને પૂછી જ લીધું, ‘તમે પરિવારની સુરક્ષા માટે પૂરતી જોગવાઈ કરી છે કે નહીં?’ આનંદે આત્મવિશ્વાસથી કહ્યું, ‘હા પપ્પાજી, હું વીમો ઉતારું છું અને નિયમિતપણે રોકાણ કરું છું! હવે બધું કામ ઑનલાઇન થાય છે, એથી હું મારી પોતાની મેળે નાણાંનું મૅનેજમેન્ટ કરું છું.’
આનંદની પ્રગતિશીલ કારકિર્દીને કારણે નિર્મલ અને આનંદ સારી રીતે જીવન જીવી રહ્યાં હતાં. નવું ઘર, બદલાતાં વાહનો, વેકેશન વગેરે દૃષ્ટિએ તેમના જીવનધોરણમાં સુધારો થઈ રહ્યો હતો. એક વાર મનહરભાઈએ ફરી એક વખત પ્રશ્ન પૂછવો પડ્યો, ‘આનંદ, તમે તમારું સરનામું બદલાવવા વિશે તમારી વીમા કંપનીને જાણ કરી હતી કે નહીં?’
આનંદે જવાબ આપ્યો, ‘મારો એજન્ટ ખૂબ જ ચીવટવાળો છે. જ્યારે હું શિફ્ટ થયો ત્યારે તે મને મળવા આવ્યો હતો. માત્ર મીઠાઈના બૉક્સ સાથે જ નહીં, પણ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરાવવા પણ...’ આનંદે કહ્યું તો ખરું, પણ વાસ્તવમાં તે વિગતો અપડેટ કરવાનું ભૂલી ગયો હતો.
નિયતિએ કંઈક અલગ જ નિરધાર્યું હતું. એક દિવસ અચાનક આનંદને કંપનીમાંથી છૂટો કરવામાં આવ્યો. વિખેરાઈ ગયેલો અને પરેશાન થયેલો આનંદ જિંદગી નામના કોયડામાં ફરી એકડે એક પર આવી ગયો. નિર્મલ પતિને ભાવનાત્મક ટેકો આપવા સિવાય કોઈ મદદ કરી શકી નહીં. 
મનહરભાઈએ પિતા સમાન સસરા તરીકે આનંદને તેની કારકિર્દીના પુનર્નિર્માણનો માર્ગ શોધવામાં મદદ કરી. ‘આનંદ, તમને તમારી વીમા પૉલિસીની પાકતી મુદત/સર્વાઇવલ બેનિફિટની રકમ મળી હશે. શું તમે એ રકમનું રોકાણ કર્યું છે કે ક્યાંક ખર્ચી કાઢ્યા છે?’ અજાણ આનંદે કહ્યું, ‘પપ્પાજી, મને કોઈ મેચ્યૉરિટી રકમ મળી હોવાનું યાદ નથી.
વીમા પૉલિસીમાં મૃત્યુની સ્થિતિ સિવાય ક્યારેય કંઈ પાછું મળતું નથી એવી એક ગેરમાન્યતા છે. મનહરભાઈએ મહેનત કરીને આનંદનો આત્મવિશ્વાસ ફરીથી જગાવ્યો. બન્ને જણે ભેગા મળીને જૂની પૉલિસીઓ શોધી કાઢી અને આનંદને એ ટ્રેઝર હન્ટથી ખૂબ જ સાનંદાશ્ચર્ય થયું!
આનંદ પાસે અનેક પૉલિસીઓ હતી અને એમાંથી મોટા ભાગની પાછલા બે મહિનામાં પાકી ગઈ હતી.
‘પપ્પાજી, મારાં પ્રીમિયમ ઈસીએસ દ્વારા ભરાતાં હતાં. એની રકમ નાની હોવાને કારણે મને બહુ તકલીફ પડતી ન હતી. હું સરનામામાં ફેરફાર કરાવવાનું ચૂકી ગયો હતો. કદાચ મેચ્યૉરિટીનાં રિમાઇન્ડર્સ જૂના સરનામે ગયાં હશે. મેં નકામા હોવાનું ગણીને વીમા કંપનીના કેટલાક એસએમએસ પણ ડિલિટ કરી દીધા હતા. મેં ખરેખર મૂર્ખામી કરી કહેવાય!’
મનહરભાઈએ માત્ર સ્મિત કર્યું અને કહ્યું, ‘આવું કરનારા તમે એકલા નથી. કમનસીબે, લોકોના અબજો રૂપિયા વીમા કંપનીઓ પાસે દાવો કર્યા વગરના પડ્યા છે.’ આટલાં વર્ષોના એજન્ટ-ગ્રાહકના સંબંધને કારણે આનંદની તકલીફો ઉકેલવા માટે મનહરભાઈનો એજન્ટ સહેલાઈથી ઉપલબ્ધ હતો. 
આનંદને પરિપક્વતાની રકમ ‘ગિફ્ટ’ કરતી વખતે એજન્ટે તેમને કેટલીક મહત્ત્વની બાબતો વિશે કહ્યું, જે આપ સૌ વાંચકોના લાભાર્થે અહીં રજૂ કરું છું:
• તમારી જરૂરિયાતો/લક્ષ્યોનું વિશ્લેષણ કરો અને પછી દરેક નાણાકીય સાધન બાબતે પૂરતી ચીવટ રાખો.
• વીમો આર્થિક જોખમ સામે રક્ષણ આપવા માટે છે. આ સુરક્ષા-કવચને ક્યારેય છોડવું નહીં. પૉલિસી દસ્તાવેજો હાથવગા રાખો. ખાસ કરીને, પૉલિસીના નોમિનીને પૉલિસીની વિગતોની જાણ હોવી જોઈએ. 
• પૉલિસીની શરૂઆત વખતે જ એની પાકતી તારીખની નોંધ કરી લો. આજકાલ ટેક્નૉલૉજીને કારણે મળતી સુવિધાનો ઉપયોગ કરો.
• ઈસીએસની સિસ્ટમ સારી છે, પરંતુ એને લીધે તમારે નિષ્ક્રિય બનવું નહીં. ચૂકવેલા પ્રીમિયમની નોંધ રાખો. 
• નવા ઘરની ખરીદીની ઉજવણી કરો, પરંતુ સાથે-સાથે એના ‘સમાચાર’ તમારી વીમા કંપનીને પણ આપો.
• પૉલિસી લેપ્સ ન થાય એ માટે પ્રીમિયમની સમયસર ચુકવણી કરો.
• મૃત્યુ અટળ છે એ સમજી લો અને જીવન વીમો કઢાવી લો. બીજા શબ્દોમાં કહીએ તો, જીવન એક આઇસક્રીમ છે, એ ઓગળે એ પહેલાં વીમો કઢાવી લો.


સવાલ તમારા…



મારી પૉલિસી આ વર્ષે પાકી રહી છે અને મારી પાસે એમાંથી ઍન્યુઇટી લેવાનો અથવા લમ્પસમ રકમ ઉપાડી લઈને એનું ફરીથી રોકાણ કરવાનો અથવા પાકેલી રકમમાંથી નવી પૉલિસી લેવાનો વિકલ્પ છે. મારે શું કરવું?
વીમો એ લાંબા ગાળા માટેની પ્રોડક્ટ છે. સામાન્ય રીતે કોઈ પણ નાણાકીય સાધન પસંદ કરતી વખતે એની પાછળનો ઉદ્દેશ ધ્યાનમાં રાખવાનો હોય છે. તમારાં હાલનાં નાણાકીય લક્ષ્યોના આધારે નિર્ણય લો.
મેં જોયું કે ઘણા પરિવારો બાળકોના શિક્ષણ માટે ચાઇલ્ડ પ્લાન લેતા હોય છે, પરંતુ જ્યારે પાકતી મુદતે રકમ મળવાની હોય ત્યારે તેઓ એ રકમનો બીજે ક્યાંક ઉપયોગ કરી લે છે અને પછી શિક્ષણ માટે લોન લે છે. તમારો ઉદ્દેશ બર આવતો હોય તો પાકતી રકમનો ઉપયોગ એ પ્રમાણે જ કરજો.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 12:33 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK